આ પહેલાં આપણે ડૉ. દિનેશ ઑ શાહની અમેરિકાની જીવન સફર જાણી
આજે હવે અંતમા ૩૫ વર્ષ ગાળાના મુખ્ય બનાવો તેમના શબ્દોમાં જાણીએ.
આ રીતે જોતજોતામાં ૩૫ વર્ષ નીકળી ગયા. આ ગાળાના મુખ્ય બનાવો નીચે ટૂંકમાં લખ્યા છે.
- મને દર વર્ષે કોઈને કોઈ એવોર્ડ મળતા જ રહ્યા . મને પાંચ વર્ષના ટૂંક સમયમાં ફૂલ પ્રોફેસરની પદવી મળી કે જેના માટે ૧૦ થી ૧૪ વર્ષ લાગે. આખી યુનિવર્સીટીના ઇતિહાસમાં મારુ પ્રમોશન સૌથી ઝડપી હતું.
- ૧૯૭૪માં અમેરિકા સામે આરબ ઓઇલ એમ્બારગો થયો. ઓઈલની ખોટ દૂર કરવા મેં એક પ્રપોસલ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનને લખ્યું. આ રિસર્ચ પ્રોજેક્ટને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તેમજ ૩૦ ઓઇલ અને કેમિકલ કંપનીઓનો આર્થિક સહકાર મળ્યો. આ પ્રોજેકટથી અમારી યુનિવર્સીટી તેમજ અમારું ડિપાર્ટમેન્ટ આખા દેશમાં ખુબ પ્રસિદ્ધિ પામ્યા.
- ૧૯૮૮માં મને ફ્લોરિડા સાયન્ટિસ્ટ ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો. ૧૯૮૨માં મને ફ્લોરિડા બ્લુ કી એવોર્ડ મળ્યો અને મને હોમકમીંગ પરેડના ગ્રાન્ડ માર્શલ બનાવી પરેડમાં મને તેમજ સુવર્ણાને ગામમાં ફેરવ્યા.
- એક મલ્ટી ડિસીપ્લીનરી સેન્ટર ફોર સરફેસ સાયન્સ અને એન્જિનિયરિંગ ની સ્થાપના ૧૯૮૪માં કરી. યુનિવર્સીટીએ મને આ સેન્ટરનો ડાયરેક્ટર બનાવ્યો.
- ૧૯૮૭ થી ૧૯૯૧સુધી મેં કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી.
- ૧૯૯૬માં મને ઘી ફર્સ્ટ ચાર્લ્સ સ્ટોક્સ પ્રોફેસરનું શીર્ષક અથવા બહુમાન મળ્યું. ચેર પ્રોફેસર એ સૌથી ઊંચું ટાઇટલ એકેડેમિક દુનિયામાં છે.
- ૧૯૮૯માં બે મહિનાના ટૂંકા ગાળામાં અમારી યુનિવર્સીટીના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. આ બનાવોથી ગામના બધા ભારતીયો હચમચી ઉઠેલા. અમે એક મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે આપણે ઇન્ડિયા સ્ટુડન્ટ સેન્ટર બનાવીએ. મને આ સંસ્થાનો પ્રમુખ બનાવ્યો અને પાંચ વ્યક્તિઓની કારોબારી નીમી. અમે આઠ વર્ષ ખુબ મહેનત કરી આઠ લાખ ડોલર ભેગા કરી એક મોટું મકાન વિદ્યાર્થીઓને મળવા માટે બનાવ્યું. આ મકાનમાં પહેલો પ્રસંગ બીજલના લગ્નનો હતો. તેનું ખાતમહૂર્ત ભારતના એમ્બેસેડર સિદ્ધાર્થ શંકર રે ના હસ્તે થયું હતું અને ઉદ્ઘાટન ડો. સી. કુમાર પટેલના હસ્તે થયું. આ મકાનમાટે ફંડ ભેગું કરવા હું અને સુવર્ણા ફ્લોરિડાના ઘણા ગામોમાં ફરેલા. આ કારણથી જયારે કોઈ ભારતીય પોતાના દીકરા કે દીકરીને અમારા કેમપસ ઉપર મુકવા આવે ત્યારે અચૂક મને મળવા આવે અને પોતાના દીકરા કે દીકરીને અમારા સંપર્કમાં રહેવા કહે.
પ્રોફેસર ની કારકિર્દીનો એક પ્રસંગ મને કાયમ યાદ રહેશે. મારા એક વિદ્યાર્થીની સાથે બેસીને તેની પી.એચ.ડી નો નિબંધ હું વાંચી રહ્યો હતો. મેં તેને થોડા સુધારા કરવા કહ્યું તે એને ના ગમ્યું. તો એણે કટાક્ષમાં મને કહ્યું કે ડો. શાહ તમે આટલા સ્માર્ટ છો તો તમને હજુ સુધી કેમ નોબેલ પ્રાઈઝ નથી મળ્યું? હું તો ડઘાઈજ ગયો. મેં એવું વર્તન કોઈ વિદ્યાર્થીનું જોયું જ નહોતું. મેં શાંતિથી એને જવાબ આપ્યો, કે ભારતમાં એક કહેવત છે કેઃ ગુરુ કરતાં ચેલા સવાયા . મને નોબેલ પ્રાઈઝ ભલે ના મળ્યું પણ આશા રાખું છું કે ભવિષ્યમાં તને મળે. તારા સવાલનો બીજો જવાબ એ છે કે ભવિષ્યમાં આવું વાક્ય તારા કોઈ પણ બોસને ના કહેતો. મારા જેટલી સહન શક્તિ, ધીરજ અને સંયમ બીજાનામાં હોય તે શક્યતા ઓછી છે. બાકી બીજા કોઈ પ્રોફેસરે તને કહ્યું હોત કે જા તું બીજો કોઈ પ્રોફેસર શોધી લે હું તારી થીસીસ પર સહી નહિ કરું. તો તું શું કરતો? બીજા કોઈ પ્રોફેસર તને ના લેતા કારણ કે બધાને મારો સ્વભાવ ખબર છે કે મારા બધાજ વિદ્યાર્થીઓને હું સારી રીતે ગાઈડ કરું છું. એનું પી.એચ.ડી. પતી ગયું અને જોબ પણ એક મોટી કંપનીમાં મળી ગઈ. વર્ષો પછી મારી યુનિવર્સીટીએ મારા માર્ગદર્શન નીચે થયેલા વિદ્યાર્થીઓને મારા વિષે અભિપ્રાય લખવા જણાવ્યું. દર વર્ષે અમારી યુનિવર્સીટી પાંચ હજારમાંથી એક પ્રોફેસરને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયર એવોર્ડ આપે છે. તેના માટે દરેક કેન્ડિડેટના વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરે અને અભિપ્રાય મેળવે. તે વર્ષે મને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયરનો એવોર્ડ મળ્યો. યુનિવર્સીટીએ મને મારા બધા વિદ્યાર્થીઓએ લખેલા પત્રોની એક કોપી મોકલી. એમાં સૌથી સારો અભિપ્રાય આ વિદ્યાર્થીનો હતો. તેણે લખ્યું હતું કે ડો. શાહ માત્ર વિજ્ઞાનના જ ટીચર-સ્કોલર નથી પણ જીવનના દરેક પાસાના ટીચર સ્કોલર છે.
૧૯૮૬ માં ગુજરાતના પ્રખ્યાત ગાયક અને સ્વર નિયોજક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે મારી ત્યાં પ્રોગ્રામ આપવા આવેલા. મેં તેમને મારા લખેલા ગીતો બતાવ્યા. એમને મારા બે ગીત ખુબ ગમ્યા અને સાંજે પ્રોગ્રામમાં સુંદર સ્વરનિયોજન કરી ગાયા. મારે એમની સાથે માધુરીબેને મને મદદ કરેલી તે વાત પણ થઇ. ત્યારે તેમણે મને કહ્યું કે ૧૯૮૬માં તમારે અમેરિકા આવે ૨૫ વર્ષ પુરા થાય છે તો તમે મુંબઈમાં માધુરીબેનની સ્મૃતિમાં તમારા જ લખેલા ગીતોનો એક કોન્સર્ટ કરો. મને આ વિચાર ખુબ ગમ્યો. મેં કહ્યું કે અમે ચારે, હું, સુવર્ણા , બીજલ અને પ્રેરક મુંબઈ આવીશું અને કોન્સર્ટની બધી જ વ્યવસ્થા તમે કરજો. ઓગસ્ટ. ૯, ૧૯૮૬ ના રોજ “પરબ તારા પાણી” નામનો કોન્સર્ટ મુંબઈમાં ભારતિય વિદ્યાભવનમાં થયો. પરુષોત્તમભાઇ, આશિત દેસાઈ અને સુરેશ દલાલે ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો. મુંબઈ સમાચાર , જન્મભૂમિ વગેરે ન્યુઝપેપરોમાં કોન્સર્ટના ખુબ વખાણ સાથે માહિતી આવેલી. માધુરીબેનને અંજલિ આપવા અમેરિકાથી ફેમિલી સહીત હું મુંબઈ આવ્યો તેની પણ નોંધ થયેલી. કોઈ પણ વ્યક્તિ એક ગામથી બીજે ગામ ઉનાળામાં જતી હોય ત્યારે રસ્તામાં પાણીની પરબ આવે. લોકો ત્યાં બેસી પાણી પી આગળ વધે. પાણી બધાને મફત અપાતું. મને એમાં છુપાયેલું રહસ્ય સમજાયું. દરેક માનવી જીવનમાં બે ગામ વચ્ચે મુસાફરી કરે છે. એક ગામનું નામ જન્મ અને બીજા ગામનું નામ મૃત્યુ. આ મુસાફરીમાં આપણે સૌએ ઘણી પરબના પાણી પીએ છીએ. એ પાણી સગા, સ્નેહી, મિત્રો કે અજાણ માણસની મદદ રૂપે હોઈ શકે જેમ માધુરીબેને મને મદદ કરેલી. આ કોન્સર્ટના બધા ગીતો મારા લખેલા હતાં . જયારે આપણે કેરીનો મીઠો રસ માણતા હોઈએ ત્યારે એટલું યાદ રાખવાનું. કે આ આંબા બીજાએ વાવેલા અને આપણે એના ફળોનો આનંદ માણીએ છીએ. આપણે પણ ભાવિ પેઢી માટે આંબા વાવવા જોઈએ. યોગ્ય સમયે આપણે પણ પરબ બેસાડવી જોઈએ મુસાફરોની તરસ છીપાવવા.
૧૯૯૫ અને ૧૯૯૬ માં અમારા બંને બાળકો, પ્રેરક ના લગ્ન સલિના મેહતા સાથે થયા અને બીજલના લગ્ન અસીમ મહેતા સાથે થયા. બે વર્ષમાં અમે દાદા અને દાદી થઇ ગયા.
૧૯૯૯માં અચાનક સુવર્ણને કેન્સર થઇ ગયું. આ બ્રેઈન ટ્યૂમર ન મટે તેવું હતું. સર્જરી, કિમોથેરાપી બધુજ કરાવ્યું પણ અંતે ઓગસ્ટ ૨૮, ૨૦૦૦ ના રોજ એનો સ્વર્ગવાસ થયો. અમારા જીવનમાં જે આનંદનો નાયગરા ધોધ હતો તે કાયમ માટે બંધ થઇ ગયો. હવે માત્ર એ આનંદના ધોધની યાદોથી જીવવાનું થયું. મને થયું કે હવે સુવર્ણા નથી તો મારે બધી જવાબદારી ઉપાડવી જોઈએ. તેથી ૨૦૦૫માં મેં જૉબમાંથી નિવૃત્તિ લીધી. જેથી બાળકોની ત્યાં ગમે ત્યારે જવામાં સરળતા રહે. બંનેની ત્યાં ત્રણ ત્રણ બાળકો થયા. પ્રેરકની ત્યાં ત્રણ દીકરા અને બીજલની ત્યાં બે દીકરી અને એક દીકરો છે.
ભારતમાં હું બાલમંદિરથી એમ.એસ.સી સુધી ભણ્યો. મારી આ વર્ષોની ફી સો ડોલર કરતા પણ ઓછી હતી. તો આ શાળાઓં અને કોલેજો ચલાવવાનો ખર્ચ સરકાર અને જાહેર સંસ્થાઓ ઉપર પડતો. દાતાઓ મોટા મોટા દાન શાળા અને કોલેજો સ્થાપવા આપતા. મને હંમેશા ડંખતું કે મેં ભારતનું આ ઋણ ચુકવ્યું નથી. હજુ મારી તંદુરસ્તી સારી હતી, મને સંશોધનના સારા સારા વિચારો આવતા હતા. એટલે મેં નક્કી કર્યું કે ભારતમાં કંઈક એજ્યુકેશન માં ફાળો આપું. મેં ભારતની મુલાકાત લીધી અને મને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટી સારી લાગી. મેં એના પ્રમુખ સાથે વાત કરી કે હું તેમના કેમ્પસ ઉપર એક સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીનું રિસર્ચ સેન્ટર બનાવી આપું. તે ઉપરાંત મારે પગાર નથી લેવો. યુનિવર્સીટી મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપે. અમેરિકા આવી મારા બાળકોને વાત કરી તો બંને બાળકોએ મને છ મહિના ભારતમાં અને છ મહિના અમેરિકામાં રહેવા સૂચન કર્યું કે જેથી થોડો સમય એ લોકો સાથે પણ રહી શકું. આ રીતે ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીના દસ વર્ષ ગેઇન્સવિલ અને નડિયાદ વચ્ચે છ છ મહિને આવજા કરી. ડો. પી. એ. જોશી અને શીતલ પટવા નામની બે વ્યક્તિઓએ મને ખુબ મદદ કરી. મારે આ સેન્ટર કરવા માટે નવ કરોડ રૂપિયાની જરૂર હતી. આ માટે અમે ત્રણ ભાગીદાર ઉભા કર્યા. ગુજરાત સરકાર, ડી.ડી. યુનિવર્સીટી અને દસ મોટી કંપનીઓ. આ દસ કંપનીઓ સલાહકાર સમિતિ બનાવી સેન્ટરને સલાહ સૂચન આપે. યુનિવર્સીટી મકાન, સ્ટાફ અને ફેકલ્ટી મેમ્બરો અને વિદ્યાર્થીઓ આપે. ગુજરાત સરકાર સાડા ત્રણ કરોડ રૂપિયા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા આપે. સારા નસીબે આ ત્રણે ભાગીદારો સંમત થયા અને ત્રણ વર્ષમાં સેન્ટર સ્થપાઈ ગયું. મારા કામની કદર રૂપે યુનિવર્સીટીએ આ સેન્ટરનું ને મારુ નામ આપવાનું સૂચન કર્યું તો મેં સાથે મારા પ્રોફેસર શૂલમનનું નામ જોડવા વિનંતી કરી. મારા જ્ઞાન તેમજ અનુભવમાં તેમનું પ્રદાન ઘણું મોટું હતું. આ પ્રમાણે આ સેન્ટરનું નામ શાહ-શૂલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી રાખ્યું.
દસ વર્ષ નડિયાદમાં ગાળ્યા તેમાં ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું.
- ભારતમાં ઉતાવળથી કશું જ ના થાય. તમારે ખુબજ ધીરજ રાખવી પડે.
- ભારતમાં હજુ દયા જેવી વસ્તુ છે. માણસાઈ જેવી વસ્તુ છે.
- વિદ્યાર્થીઓ શિક્ષકોનું માન રાખે છે.
- ગાય , બકરી, ગધેડા, અને કુતરા હજુ રસ્તા ઉપર છુટા રખડે છે.
- લોકો દોડાદોડી કરે છે પણ કામ એકદમ ધીમું થાય છે. એફીસીયંસીમાં કોઈ માનતું જ નથી.
ડી.ડી.યુનિવર્સીટીમાં દસ વર્ષમાં નીચેના પ્રોજેક્ટો પુરા કર્યા.
- દસ વિદ્યાર્થીઓને પી.એચ.ડી નુ સંશોધન કરાવ્યું. ૮ ફેકલટીને સરફેસ સાયન્સ અને નેનોટેચાનોલોજીમાં માહિતગાર કર્યા.
- ૪૫ થી વધુ રિસર્ચ પેપરો ઇન્ટરનેશનલ જર્નલોમાં પબ્લિશ કર્યા.
- એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજી તેમાં ૧૬ જાણીતા પરદેશી વૈજ્ઞાનિકોને આમંત્રણ આપી બોલાવેલા.
- પાંચ કરોડ રૂપિયાના સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીના મશીનો વળી લેબ તૈયાર કરી.
- લગભગ 15 કંપનીઓને અમે મદદ કરી સંશોધનના પ્રોજેક્ટો દ્વારા.
૨૦૧૧માં કપડવંજની મ્યુનિસિપાલિટીએ જે રસ્તો મારી પોળ પાસેથી પસાર થાય છે તેનું નામ ડો. દિનેશ ઓ. શાહ માર્ગ આપવાનું નક્કી કર્યું. તે સમયે ડો. રોબર્ટ પૃધોમ જે પ્રિન્સટન યુનિવર્સીટીમાં કેમિકલ એન્જીનીયરીંગના પ્રખ્યાત પ્રોફેસર છે તે નડિયાદમાં અમારા સેન્ટરમાં એક સપ્તાહ માટે લેક્ચર આપવા આવેલા. તો રવિવારે આ રોડનું ઉદ્ઘાટન હતું. તો મેં તેમને પૂછ્યું કે તમારે મારી સાથે આવવું છે અને તમે મારુ ગામ કપડવંજ પણ જોઈ શકશો. તેઓ કપડવંજ આવવા સમ્મત થયા એટલે એમની સાથે કારમાં હું કપડવંજ ગયો. ત્યાં રામજી મંદિર પાસે બેન્ડ વાજા વગાડતું હતું અને મોટા ટોળામાં નાના મોટા માણસો ઉભા હતાં. અમે પહોંચ્યા એટલે શોભા યાત્રા શરુ થઇ અને આખા ગામમાં ફર્યા પછી લાયંસ ક્લબના હૉલમાં બધા ભેગા થયા. ભારતની સુપ્રીમ કોર્ટના માજી ન્યાયાધીશ ગીરીશભાઈ નાણાવટી પ્રમુખ સ્થાને હતા. શોભાયાત્રામાં લોકો પોતાની બારીઓમાંથી તેમજ અટારીઓમાંથી ફૂલો અમારા ઉપર નાખતા હતા. પ્રોફેસર પૃધોમ ના હાથે આ રોડનું ઉદ્ઘાટન થયું. તેઓએ કહ્યું, દિનેશ આ ગામના લોકો તમને બહુ પ્રેમ કરે છે. આવું સન્માન પ્રોફેસરોનું અમેરિકામાં થાય તો કેવું સારું?
અચાનક એક વાર ભાઈબીજના દિવસે ખુબ માંદો પડી ગયો. મને બાર ઉલટી, તાવ વી થઇ ગયું. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અમારા વાઇસ ચાન્સેલર વગેરે મને મળવા આવી ગયા. અમેરિકાથી મારા દીકરો અને દીકરી જે બંને ડોક્ટરો છે તે ફોન કરી શું શું ટેસ્ટ કર્યાં તે પૂછે અને આ હોસ્પિટલમાં તેવા ટેસ્ટ કરવાના સાધનો જ નહોતા. ત્યાં માત્ર દર્દીને પૂછવાનું કે ગઈ કાલ કરતા આજે વધારે સારું લાગે છે? અને દર્દી હા કહે તો સમજી લેવાનું કે દર્દી સારો થતો જાય છે. સાજો થયા બાદ હું મારા એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. પણ મારામાં ઉભા થવાની તાકાત નહોતી. તો મારા બે વિદ્યાર્થીઓએ મારી સાથે રહેવાનું નક્કી કર્યું. એક હિન્દૂ હતો અને એક મુસલમાન હતો. બંને એ મારી ખુબ ચાકરી કરી. દરરોજ સવારે મને માલીસ કરી આપે. દૂધમાં ખજૂર નાખી ઉકાળીને મને નાસ્તામાં આપે. માબાપની ચાકરી કરે તેટલા પ્રેમથી મારી સારવાર કરી. આ અનુભવ જિંદગીમાં ના ભુલાય તેવો હતો. એકવાર મેં કહ્યું કે હું ફ્લોરિડામાં આ રીતે માંદો પડયો હોત તો મારા કોઈ પણ વિદ્યાર્થીઓએ મારી આવી ચાકરી ના કરી હોત. તો બંનેએ મને હસતા હસતા જવાબ આપ્યો કે આવી ચાકરી અમે બીજા કોઈ પ્રોફેસરની ના કરીએ. અમને ખબર છે કે તમે અહીં વગર પગારે કામ કરો છો. તમારું કુટુંબ આખું અમેરિકામાં છે. છતાં ભારતનું ઋણ ચૂકવવા તમે અહીં રાતદિવસ કામ કરો છો એટલે અમે તમારી સેવા કરીએ છીએ. આ વિદ્યાર્થીઓ મારી કદર કરે છે તે જાણી સંતોષ થયો.
ભારતના નિવાસ દરમ્યાન મને પ્રેસિડન્ટ કલામે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્ર્યો. તેમની સાથે લગભગ ૪૫ મિનિટનો વાર્તાલાપ થયો. તેમણે પોતાની લખેલી કવિતા મને ભેટમાં આપી અને મેં મારી લખેલી કવિતા “વિવિધતામાં એકતા” તે તેમને ભેટમાં આપી. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. તેમણે મને તેમના બંગલા માં મળવા બોલાવેલો. તેમને નેનોટેકનોલોજી તેમજ સરફેસ સાયન્સનો ઇન્ડસ્ટ્રીમાં શું ઉપયોગ છે તે જાણવું હતું. ત્યાર પછી એક સપ્તાહમાં અમને સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી મળી.
એપ્રિલ ૨૦૧૭ માં યુ.એસ.એ. પાછો ફર્યો ત્યારે મારા દીકરા અને દીકરીએ કહ્યું કે પપ્પા તમે ભારતની દસ વર્ષ સેવા કરી છે હવે ના જાવ તો સારું. તમે ત્યાં માંદા પડો ત્યારે અમે ત્યાં આવી ના શકીએ ત્યારે અમારી હાલત બહુ જ ખરાબ થાય છે. તો હવે તમે ફોન અને ઈમેઈલથી જેટલી થાય તેટલી સેવા કરો. છેલ્લા ચાર વર્ષથી ભારત નથી ગયો. મારા સહાધ્યાયીઓ તેમજ વિદ્યાર્થીઓ મને ખુબ યાદ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી કોવિદ-19 નો વાવર ચાલ્યો એટલે ફ્લાઇટો બંધ થઇ ગયેલી. અવારનવાર મારા ફેકલ્ટી સાથીઓની સાથે ફોનથી વાતો કરું છું અને દર મહિને એક સામુહિક ઇમેઇલ બધા વિદ્યાર્થીઓને લખું છું. ડી.ડી.યુ. નો દસ વર્ષનો મારો પ્રોજેક્ટ એ મારા પોસ્ટરિટાયર્મેન્ટનો સૌથી સારો ઉપયોગ હતો. આ પ્રોજેક્ટે મને કંઈક નવું કરવાની તક આપી. આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને નવી રિસર્ચ કરવાના સાધનો આપ્યા. જેમ રામ લંકાનો સેતુ બનાવતા હતા ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટી પાણીમાં રેતી નાખી આવતી હતી જેથી સેતુ પૂરો થાય. તે રીતે ભારતની પ્રગતિમાં મારી પણ થોડી રેતી મૂકી આવ્યો છું. મને ભારતનું ઋણ ચુકાવ્યાનો સંતોષ છે અને ઘણા નવા સ્વજનો બનાવ્યાનો આનંદ છે.
ભારત થી પાછા ફર્યા બાદ હું બાળકોની ત્યાં થોડો થોડો સમય ગાળતો . આ રીતે પૌત્ર અને પૌત્રીઓ સાથે વાતો કરવાની મજા માણતો . એક વાર બધા પૌત્ર પૌત્રીઓ ભેગા થયા ત્યારે મેં એક સવાલ પૂછ્યો. માનો કે મારે જીંદગીમાં માત્ર એક જ મુવી જોવાની હોય તો હું કઈ મુવી જોવાનું પસંદ કરું? મેં એક કાગળમાં મારી પસંદગી લખી મારા ખીસામાં મૂકી દીધી. પછી મારા છ પૌત્ર પૌત્રીઓને કહ્યું તમારી ધારણા પ્રમાણે હું કઈ મુવી જોવાનું પસંદ કરું તે લખો અને જાહેરમાં બોલો. કોઈકે ટેન કમાન્ડમેન્ટ્સ, કોઈકે લોરેન્સ ઓફ એરેબિયા, કોઈકે ડો. ઝિવાગો આવા નામ લખેલા. મારા સૌથી નાના પૌત્રે એની ચીઠીમાં “ગાંધી” મુવી નામ લખેલું. બધાએ કહ્યું કે બતાવો તમે તમારી ચીઠીમાં શું લખ્યું છે. મેં મારી ચીઠી કાઢી બધાને બતાવી તો તેમાં “ગાંધી” મુવી લખેલું હતું. મેં પૌત્ર કેવલને (બિજલનો દીકરો) સો ડોલરનું ઇનામ દાદાની સાચી પસંદગીની ધારણા માટે આપ્યું. એ મારી પસંદગી બરાબર સમજી શક્યો હતો.
હું જયારે પ્રેરકની ત્યાં સમય ગાળતો હતો ત્યારે તેનો સૌથી નાનો દીકરો અવન મારી સાથે ચાલવા આવતો. કાયમ મને કહે કે દાદા, યુ ટેલ મી એ સ્ટોરી ! દરરોજ મને નવી નવી સ્ટોરી કહેવાનો આગ્રહ રાખતો. હું મારી નાનપણમાં સાંભળેલી વાર્તાઓ તેને કહેતો. કાગડો ને શિયાળની વાર્તા જેમાં ફુલણજી કાગડો ગાવા માટે મોં ખોલે છે અને પુરી જમીન ઉપર પડે છે અને શિયાળ પુરી લઇ ખાઈ જાય છે તેવી વાર્તાઓ કહેતો. મેં એને સૂચન કર્યું કે તું આ વાર્તાઓ તારી ભાષામાં લખી પબ્લિશ કર. તો એણે આ વાર્તાઓ અંગ્રેજીમાં ટાઈપ કરી અને દરેક વાર્તાને અનુરૂપ કલર ચિત્ર દોરી ખુબ સુંદર બુકલેટ બનાવી. એમેઝોન.કોમ નામની કંપનીએ આ બુક છાપી અને વેચાણ કર્યું. ચોપડીનો નફો અવનને ચેકથી મોકલાવી આપ્યો. આ નફો તેણે નોર્થ સાઉથ ફાઉન્ડેશન નામની સંસ્થાને જે ભારતમાં બાળકોના શિક્ષણમાં ફાળો આપે છે તેને દાન માં આપી દીધો. ચોપડીનું શીર્ષક હતું “વોકિંગ વિથ માય દાદા”.
મારી બંને પૌત્રીઓને ગરબાનો ખુબ જ શોખ છે. તેઓ એક પ્રખાત “મિકી આંટીના” હાથ નીચે તાલીમ લેવા જાય છે. તેમની ટિમ અનેક વાર નેશનલ લેવલ ઉપર પહેલા ય બીજા નંબરે આવી છે. એ લોકોને ગરબા કરતા જોઉં છું ત્યારે મને સુવર્ણા યાદ આવે છે. સુવર્ણા શરૂઆતથી અંત સુધી ગરબા કરતી. હું ઘણીવાર મજાક માં પૂછતો કે તને થાક નથી લાગતો ? તો એ હસીને જવાબ આપ કે હકીકતમાં મારો થાક ગરબાથી ઉતરી જાય છે. મારી પૌત્રીઓ પણ ગરબાથી થાકતી નથી. નાની પૌત્રી જાનકી જુદી જુદી વાનગીઓ બનાવવાની ખુબ શોખીન છે. તેને ટીવી ઉપર સસોઈ કરવાના તેમજ જુદી જુદી વાનગીઓ બનાવવાના શો ગહૂજ ગમે છે. સુવર્ણના જુદી જુદી વાનગીઓ બનાવવાના જીન જાનકીમાં આવ્યા છે.
અવનથી મોટો પૌત્ર આકેશનો એક પ્રસંગ ખુબ યાદગાર છે. એણે એકવાર સાંભળેલું કે સુહાગ ફોઈ એ એક વર્ષ માટે ચોક્લેટવાળી કોઈ પણ વસ્તુ ના ખાવાની બાધા લીધેલી. જયારે લો કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે જ ચોકલેટ ખાવાની શરૂઆત કરી. તો આકાશે બાધા લીધી કે હું એક ગોલ સોકરની રમતમાં ના કરું ત્યાં સુધી ચોકલેટની કોઈ વાનગી નહિ ખાઉં. ત્રણ મહિનાની ઋતુ પુરી થવા આવી પણ આકેશ એક પણ ગોલ બનાવી ના શક્યો. હવે છેલ્લી ગેમ અમે બધા જોવા ગયા અને એને બેસ્ટ ઓફ લક કહ્યું. છેલ્લી પાંચ મિનિટ રહી હતી. અમને એમ થતું કે એ ગોલ નહિ કરે તો આખું વર્ષ રાહ જોવી પડશે. વર્ષ પછી બીજી સીઝન શરુ થાય. અમે બધા ભગવાનને પ્રાર્થના કરતા કે આકેશને ગોલ બનાવવામાં સફળતા મળે. અચાનક તાળીઓના ગડગડાટ વચ્ચે આકેશે એક ગોલ બોલને કિક મારીને બનાવ્યો. ગેમ પછી બધા એને એક આઈસ્ક્રીમ સ્ટોર માં લઇ ગયા અને ચોકલેટ આઈસ્ક્રીમ વિથ ચોકલેટનો ભૂકો ઉપર પાથરી મોટો કપ એના માટે લીધો. એને ખુબ આનંદ અને સંતોષથી આઇસક્રીમ ખાધો. આ રીતે મારા પૌત્ર અને પૌત્રીઓમાં ભારતીય સંસ્કારો “ટીચ બાય એક્ઝામ્પલ” થી આવ્યા છે.
૨૦૧૬માં એક સપ્તાહની રજા લઇ જૂન મહિનાના અંતમાં પ્રેરક, સલિના, તેમજ અંજય, આકેશ અને અવન બોસ્ટનથી ગેઈન્સવીલ આવ્યા. મોટી ટ્રક ભાડે કરી ઘર ખાલી કરવા માંડ્યું. હરેક્રિશ્નના મંદિરવાળા તેમજ બધા ભારતીય વિદ્યાર્થીઓને કહેલું કે મારા ઘરમાંથી જે વસ્તુઓ ગમતી હોય તે લઇ જાય. તો વાસણ, કપડાં, તેમજ ઘરના નાના ફર્નિચરો વગેરે લોકો લઇ ગયા. બાકીનો ૧૭,૦૦૦ પાઉન્ડ વજનનો સામાન, કાગળો વગેરે ગાર્બેજમાં ફેંકી દીધા. અહીં ગાર્બેજ ડમ્પમાં કચરો નાખવાના પૈસા વજન પ્રમાણે આપવાના હોય છે. તે લોકો ટ્રકનું વજન દાખલ થાવ ત્યારે કરે અને બહાર નીકળો ત્યારે કરે આથી કેટલો સમાન તમે ત્યાં નાખી દીધો તે ખબર પડે. તે પ્રમાણે તમારે ડોલર આપવાના. મેં શાંતિ નિકેતન નામના રિટાયરમેન્ટ કોલોનીમાં બે બેડરૂમનો કોન્ડોમિનિયમ ખરીદ્યો હતો. અહીં ૫૫ વર્ષ થી મોટી ઉંમરના ઇન્ડિયન અમેરિકન મારા જેવી વ્યક્તિઓ રહે છે. બિલકુલ મીની-ઇન્ડિયા જેવું લાગે. ગુજરાતી, મરાઠી, બંગાળી, મદ્રાસી, પંજાબી એમ દરેક પ્રાંતના લોકો છે. અહીં ૧૨૦ કોન્ડોમિનિયમ છે. દરેકમાં બે બેડરૂમ, બે બાથરૂમ, કિચન, લિવિંગ રૂમ તેમજ એક કાર સમાય તેવું ગરાજ તેમજ રેફ્રિજરેટર, સ્ટવ, વોશર અને ડ્રાયર પણ હોય. આ જગાએ મારે રસોઈ કરવાનો તેમજ વાસણ ધોવાનો સમય બચી ગયો. અમેરિકામાં આને ડાઉન સાઈઝીંગ કહે છે. એક વ્યક્તિ માટે મારુ જૂનું મકાન બહુજ મોટું હતું. તેમજ તેને મેન્ટેન કરવું બહુ ભારે હતું. આ બધા કારણોથી મેં ગેઇન્સવિલનું ઘર વેચી અહીં શાંતિ નિકેતનમાં રહેવા આવવાનો વિચાર કર્યો. આ જગ્યા ગેઇન્સ્વીલથી દોઢ કલાકના ડ્રાંઇવિંગ અથવા ૮૮ માઈલ દૂર છે. ચાર દિવસમાં પ્રેરક અને ત્રણ પૌત્રોએ ભેગા મળી ૩૨ વર્ષથી સજાવેલું ઘર ખાલી કરી મારા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇ ત્રણ દિવસમાં મારો બે રૂમનો ફ્લેટ સજાવી દીધો. બધા જૂટુંબીજનોના ફોટા લટકાવી દીધા. ટીવી લગાવી દીધો. પછી કહે કે પપ્પા, અમારી સાથે બોસ્ટન ચાલો અને સમર પત્યા પછી અહીં રહેવા આવજો. એને એવું લાગ્યું હશે કે જૂનું ઘર ખાલી કરી અહીં રહેવાનો પપ્પાને બહુ કપરું લાગશે. મને આનંદ અને સંતોષ એ વાતનો છે કે મારા બંને બાળકો બીજાની લાગણીઓ સમજી શકે છે.
૨૦૧૮માં કોન્ડોમિનિયમ બોર્ડની ચૂંટણી થઇ તેમાં મને પ્રેસિડન્ટ બનાવ્યો. મારો ચેરમેન તરીકેનો અનુભવ તેમજ ઇન્ડિયાનો અનુભવ ખુબ કામ લાગ્યો. મારા સમય દરમ્યાન કોમન પ્રોપર્ટી બિલ્ડરના નામ ઉપરથી કોન્ડોમિનિયમના નામે વકીલની સલાહ લઇ કરી દીધી. આ બહુ મહત્વનું કામ હતું. રસોંડુ અને ડાઇનિંગ હોલ પણ અમે સંભાળી લીધા. બધાને સંપીને રાખવા એ એક મોટી ચેલેન્જ હતી. કારોબારીના બીજા ચાર મેમ્બરોના સહકારથી બધી મુસીબતોમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા.
૨૧ માર્ચ ૨૦૧૮ના દિવસે મારી ૮૦મી વર્ષગાંઠ હતી . મેં સુવર્ણા પોએટ્રી ફેસ્ટિવલ કરવા યુનિવર્સીટી ઓફ ફ્લોરીડાને એક લાખ ડોલરની પુરાંત આપી હતી. એની આવકમાંથી દર આંતરે વર્ષે અમે સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ યોજીએ છીએ. મારા સહાઘ્યાયીઓએ માર્ચ ૩૧ ના શનિ-રવિ આ પોએટ્રી ફેસ્ટિવલ ગોઠવ્યો. ભારતથી અમે બે કવિઓને, ભાગ્યેશ જ્હા અને હિતેન આનંદપરા ને બોલાવેલા. તેમજ અમેરિકામાં વસતા દસ કવિઓને આમંત્રિત કરેલા. શનિવારે બપોરે એક કલાક મારા લખેલા ગીતોને રજુ કરવાના હતા. મારુ કવિતા વાંચન યુટ્યુબ ઉપર મૂકેલું છે. દોઢ દિવસનો પ્રોગ્રામ હતો તેમજ શનિવારે રાત્રે સંગીત અને સર્ટિફિકેટનો પ્રોગ્રામ હતો. સૌ કવિતાના ધોધમાં તરબોળ થઇ ગયેલા. સાંજના સંગીતના પ્રોગ્રામ માટે મારા સ્નેહી ડો. સુમંતભાઈ તેમજ ડો. સ્નેહલતાબેને શ્રી કર્ણીકભાઈને વડોદરાથી ખાસ મારા લખેલા ગીતો ગાવા બોલાવેલા. કર્ણીકભાઈએ અત્યાર સુધીમાં મારા ગીતોની છ સીડી બનાવી છે. પ્રોગ્રામ દરમ્યાન ડો. વસુધાબેન નારાયણે મને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા પ્રેસિડેન્ટ તરફથી આપ્યો. અમારા પ્રોવોસ્ટે મને પ્રીએમીનન્સ એવોર્ડ મોકલેલો. કર્ણીકભાઈ મારી કવિતાઓ ગુજરાતની શાળાઓની ટેક્સ્ટબુકમાં મુકવામાં આવી છે તે ચોપડીઓ મને આપવા લઇ આવેલા. તે દિવસે સાંજે હું વાદળ નંબર ૯ ઉપર હતો.
એક દિવસ બીજલ અને પ્રેરક સાથે વાત કરતા બંનેએ કહ્યું કે પપ્પા તમારે જે ડોનેશન કરવા હોય તે તમે જાતે કરી લો. અમને ભારતની કયી સંસ્થાઓ મદદ કરવા લાયક છે તેની ખબર નહિ પડે. તો મેં મારી બચતના ત્રણ ભાગ પાડ્યા. એક ભાગ બિજલનો, એક ભાગ પ્રેરકનો અને એક ભાગ સામાજિક કલ્યાણ માટે. તે ઉપરાંત છ પૌત્રો અને પૌત્રીઓ માટે બે લાખ ડોલર દરેકના કોલેજના ખર્ચ માટે દરેકના નામે બાજુ એ મૂકી દીધા. જે રકમ વધે તે તેમના બાળકોના કોલેજના અભ્યાસ માટે વાપરે. આપણા ઘરમાં એજ્યુકેશનને ખુબ અગત્યનું માનવામાં આવે છે. ભવિષ્યની પેઢી પણ હાયર એજ્યુકેશનને અગત્યનું સમજે એવું હું ઈચ્છું છું.
સામાજિક કલ્યાણમાટે અત્યાર સુધીમાં નીચેના પ્રોજેક્ટ કર્યા છે અને ઈશ્વર હજુ બીજા સારા કામો કરાવે તેવી પ્રભુ પ્રાર્થના.
- મારી કપડવંજની શાળાને નવું વિજ્ઞાનભવન બનાવવા મોટું દાન આપ્યું. તેમાં ત્રણ આધુનિક કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબોરેટરી હશે. તેમજ ઇન્ટરનેટ ઉપર આવતા કોઈ પણ પ્રયોગો સ્ક્રીન ઉપર બતાવી શકાય તેવી સગવડ દરેક લેબોરેટરીમાં હશે.
- ગાંધીનગરની આઈ. આઈ .ટી. માં ડો. દિનેશ ઓ. શાહ ચેર પ્રોફેસર માટે દાન આપ્યું.
- કપડવંજમાં વિકલાંગ શાળામાં હીયરીંગ ક્લિનિક માટે ડોનેશન આપ્યું.
- નડિયાદમાં આનંદ આશ્રમ બનાવવાં સ્વામી મુદિતનંદજીને દાન આપ્યું.
- કપડવંજમાં પાંચ વર્ષમાટે દાંતનો કેમ્પ કર્યો જેમાં આયુર્વેદની જલંધર બંધ પદ્ધતિ વાપરી બ્લડલેસ અને પેઈનલેસ દાંત કાઢી આપતાં.
- ઘણા વિદ્યાર્થીઓને તેમજ ફેકલ્ટીને નડિયાદ સેન્ટરમાંથી પરદેશ કોન્ફરન્સ માં હાજરી આપવા તેમજ તેમનું સંશોધન રજુ કરવા મોકલ્યા.
- કપડવંજ માં બારમા ધોરણમાં પ્રથમ નંબર આવનારને દર વર્ષે એવોર્ડ આપ્યા.
આવા નાના મોટા દાન ભવિષ્યમાં ચાલુ રાખવાની શુભકામના છે.
મારી કોડિયા ઉપર લખેલી એક કવિતા મારા જીવનની છબિ રજુ કરે છે.
કોડિયું
ભીની રે માટી ચડાવી ચાકડે મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો લઇ દોરી મુજને કાપ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
કોકે મૂકી એક વાટ લાંબીને કોકે તેલ ભરી છલકાવ્યો રે
કોક રૂપાળા હાથે મુજને ઊંચે ગોખ ચડાવ્યો રે …………..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
સુરજ ડૂબ્યો અંધાર છવાયા કોકે મુને પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના મેં ગોખલો એક ઉજાળ્યો રે ……મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
તેલ ખુટયું ને વાટ ખૂટી મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા મેં સાર જીવનનો જાણ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
મને આશ્ચર્ય એ વાતનું છે કે મારી જીવન વાર્તા બાવીસ પાનામાં પુરી થઇ ગઈ. કવિતાની બે લીટીમાં મારે કહેવું હોય તો નીચેની બે લીટી લખું.
“ જિંદગી ચાલતાં લાગ્યું કે બહુ લાંબી યાત્રા હતી
હકિકતમાં તો ફક્ત બાવીસ પાનની વાર્તા હતી”
હવે પછી શ્રી અશોક ગોપાળરાવ વિદ્વાંસની ‘બીજી ઈનિંગ્સ’ની વાત કરીશું.
