લતા જગદીશ હિરાણી

“માય ડીયર પપ્પાજી, અમારા ટીચરે રસ્તા પર ફરવા જવાનું કહ્યું છે… મારા મમતા ટીચર મને બહુ ગમે પપ્પા. એવા સરસ છે! અને વાતોય બહુ સરસ કરે!”

‘હમ્મ… હું પણ તને કેટલી વાર કહેતો હતો! પણ ચલો ટીચરે કહ્યું એટલે કરે છે એય બહુ સરસ. તું સમજી તો ખરી!”

હવે સાંજ પડે પીંકી અને પપ્પા બંને રોજ સાંજે ચાલવા જાય. પીંકીને તો મજા પડી ગઈ. પીંકી મમ્મીનેય કહેતી પણ મમ્મીને સાંજે રસોઇ કરવાનો ટાઇમ એટલે એ ન આવી શકતી. પીંકીના ઘરની બાજુમાં જ એક સરસ મજાનો ગાર્ડન હતો એટલે એમાં પીંકી અને પપ્પા બંન્ને જાય. પીંકી થોડુંક રમે, થોડાક હીંચકા ખાય અને પછી પપ્પા સાથે વોક પણ કરે.

પીંકીનું ઘર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક સોસાયટીમાં હતું. એક દિવસ પપ્પા કહે,

“ચાલ આજે આપણે બગીચાને બદલે આજે રોડ પર ચાલીએ.”

પીંકીને તો મજા પડી ગઇ. એને કંઇ નવું કે જુદું કરવા મળે એટલે એ ખુશ થઇ જાય.

પીંકી અને પપ્પા બંને મોટા રીંગ રોડ પર પહોંચી ગયા.

“પીંકી, અહીં આપણે ફૂટપાથ પર જ ચાલવાનું હોં કે !”

“હા પપ્પા, પણ આપણે ચાલીએ છીએ એ ફૂટપાથની બાજુમાં વળી એક નાનો રસ્તોય છે..

“હા બેટા આ રસ્તાને સર્વિસ રોડ કહેવાય. એના પર નાનાં વાહનો જઇ શકે.”

“એના પછીયે ફરી ફૂટપાથ છે, પપ્પા ચાલોને આપણે એ સાવ અંદરની ફૂટપાથ પર ચાલીએ.”

“હા, એ તારી વાત સાચી. ત્યાં દિવાલોની પાછળથી વૃક્ષો પણ ડોકાય છે જો..”

સાંજનો ટાઇમ હતો એટલે રસ્તા પર વાહનોની વણઝાર હતી. ગાડીઓ, સ્કૂટર ને બાઇકની જાણે રેસ ન લાગી હોય ! અને રસ્તા પર ધુમાડો ચોખ્ખો દેખાતો હતો.

બંને દિવાલ પાસે ચાલવા લાગ્યા.

“પપ્પા, આ સામ્મે ઉપર તો કંઇ દેખાતું નથી.”

“ચાલ સારું થયું, આ ઝાડ પાનની નજીક ચાલીએ તો ધુમાડો થોડો ઓછો લાગશે !”

“બધું ધુમાડાથી ઢંકાઇ ગયું છે. આટલા બધાં વાહનોનો ધુમાડો ક્યાં જાય?” પિંકી જરા અકળાઈ ગઈ.

“આપણે હંમેશા ગાડીમાં જઇએ એટલે તને ઉપર દેખાતું નહોતું. આજે  દેખાયું. આ બતાવવા જ તને લાવ્યો છું બેટા !”

“પપ્પા, લોકો સાયકલ ચલાવતા હોય તો આટલો ધુમાડો તો ન થાય !”

“ખરી વાત છે બેટા. દૂર જવાનું હોય તો ભલે વાહન વાપરે પણ નજીકના વિસ્તારમાં તો સાયકલ વાપરી જ શકાય.”

“પપ્પા હવે નજીકની બધી જગ્યાએ હું સાયકલ જ વાપરીશ. અને હું મોટી થઇશ ને પપ્પા, ત્યારે બે વાહન રાખીશ. એક એક્ટીવા અને બીજી સાયકલ.”

“યસ યુ આર અ ગુડ ગર્લ”

ને એવામાં ચાલતાં ચાલતાં દિવાલ પાછળથી બોગનવેલ દેખાણી. એની ડાળીઓ બહાર નીકળી ઝૂકી ઝૂકીને જાણે એનાં ફૂલો બતાવતી હતી.. પીંકીને મજા આવી ગઇ.

“આ એક બાજુ આટલા વાહનો અને આટલા ધુમાડામાંયે આ બોગનવેલના ફૂલો કેવાં મસ્ત લાગે છે પપ્પા ?”

“એમ તો જો, આપણી જમણી બાજુ સર્વિસ રોડ પછી સળંગ કરેણના ફૂલોયે છે…”

“ચાલો આટલું તો મજાનું છે.”

હજી તો આ વાત પૂરી થાય ત્યાં તો ફૂટપાથ પર ભેંસના પોદળા શરૂ થયા. અરે બાપરે.. આખી ફૂટપાથ ભેંસના પોદળાથી ભરી હતી. પીંકી અને એના પપ્પાએ બીજી ફૂટપાથ પર જવું પડ્યું.

એ લોકો ડ્રાઇવઇન રોડની નજીક પહોંચવા આવ્યા હતાં પણ સામે રોડની બધીયે બિલ્ડીંગ ઝાંખી ઝાંખી હતી. ધુમાડામાં બધું ધુંધળું હતું. અતિશય ધુમાડાને લીધે પીંકીની આંખો બળવા માંડી.

“હવે પપ્પા આપણે આમ રોડ પર ચાલવા કદી નહીં આવીએ. આના કરતાં તો આપણો બગીચો સારો.”

“તારી મમ્મી બધાંને કહ્યા કરે છે ને કે બને ત્યાં સુધી સાયકલ ચલાવવી જોઇએ, બસ આટલી વાત સમજાવવા જ તને હું અહીં લઇ આવ્યો.”

“આમાં તો મમ્મી બધું સાચું જ કહેતી હોય છે. એ એમ પણ કહે છે કે સાયકલ ચલાવીએ તો બીજી કોઇ કસરતની જરૂર જ ન પડે. તબિયત મસ્ત રહે પણ પપ્પા, તમેય એનું ક્યાં સાંભળો છો ?”

“ચુપ.. ચિબાવલી, તારી ને મારી વાત જુદી…”

“જોયું ? હવે હું ગુડ ગર્લમાંથી ચિબાવલી કેમ થઇ ગઇ ? ન ચાલે પપ્પા, હવેથી તમે મમ્મીની વાત સાંભળશો તો જ હું મમ્મીની અને તમારી, બંનેની વાત સાંભળીશ…”

“ઓકે, ડન.”

“અને પપ્પા એક મસ્ત આઇડિયા કહું ?”

“બોલ ને ! તું આઇડીઆનો ભંડાર છો.”

“આ આપણા વૈજ્ઞાનિકો આટલી રિસર્ચ કરે છે ને તે એમણે એવાં વાદળ બનાવવાં જોઇએ જે થોડે ઉપર ઊડ્યા કરે. એક કાળું વાદળ હોય જે હવામાંથી બધી ગંદકી, કાર્બન ડાયોકસાઇડ ચુસ્યા કરે, અને પાછળ પાછળ બીજું ધોળું વાદળ ઊડતું હોય, એ નીચે ચોખ્ખી હવા સ્પ્રે કર્યા કરે…!”

“ઓહ, નોટ ઓન્લી ગુડ ગર્લ, યુ આર વેરી સ્માર્ટ ગર્લ ટુ…લવ યુ બેટા…”

પપ્પાના ખિસ્સામાં હાથ નાખી ચોકલેટ કાઢતાં પિંકીએ જવાબ આપ્યો,

“આઇ ટુ પપ્પા…”