નલિની નાવરેકર
શુચિર્ભૂત થઈને જેમ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તેમ મન અને તન ‘શુચિ’ (સ્વચ્છ) કરીને આપણે પરમાત્માના મંદિરમાં પ્રવેશ કરીશું…. શુચિતાની જ્યાં સીમા આવે છે, ત્યાં આત્મદર્શનની યોગ્યતા આવે છે.” – વિનોબા (शुचित से आत्मादर्शन)
તન અને મન એટલે કે બાહ્ય અને અંતરની વિશેષ સ્વચ્છતા થશે ત્યારે આત્મદર્શનની યોગ્યતા આવે છે. આવી યોગ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ આપણે કરવાનો છે.
એ તો આપણે જોયું કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ/ ચિત્તશુદ્ધિ સંભવી શકતી નથી. અને ચિત્ત શુદ્ધિ વિના, બાહ્ય શુદ્ધિનો કોઈ અર્થ નથી. ગયા અંકોમાં બાહ્ય સ્વચ્છતા અંગે આપણે ઘણી માહિતી મેળવી. હવે જીવનશુદ્ધિની થોડી વાત કરીશું. બહારની સ્વચ્છતાનું પરિણામ મન પર થાય છે, તો મન પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્નતાનો અર્થ જ નિર્મળતા છે.
સત્સંગતિ અને સદ્ગ્રંથ પઠન : ચિત્તશુદ્ધિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સત્સંગતિ. સંતોનું જીવન તેમજ સંતોના શબ્દો આપણી ચિત્તશુદ્ધિ કરીને આપણને આત્મદર્શનની ‘યોગ્યતા’ સુધી પહોંચાડી દેશે. વિનોબાજીનાં शुचित से आत्मादर्शन, મહાગુહા મેં પ્રવેશ, ગીતાપ્રવચન વગેરે ઘણાં પુસ્તકો તેમજ ગાંધીજીનાં મંગલપ્રભાત, સત્ય કી ખોજ, રામનામ વગેરે પુસ્તકો અને એકંદરે આપણા બધા સંતોના ગ્રંથોમાંથી આપણને સત્સંગતિનો ખજાનો જ મળશે. આપણા રોજબરોજના જીવનમાં કેટલાંક નાનાં-મોટાં સાધનો છે, જે ચિત્તશુદ્ધિને માટે મદદરૂપ થશે. તે છે પ્રાર્થના, નામસ્મરણ, પ્રાણાયામ, શરીરશ્રમ વ્રત, આહારશુદ્ધિ, અર્થશુચિતા – આ જીવનશુદ્ધિનાં મહત્ત્વનાં અંગ છે.
પ્રાર્થના : ગાંધી-વિનોબા પ્રાર્થનાને નિદ્રા, ભોજન અને સ્નાનની ઉપમા આપે છે. શરીરને માટે આ ત્રણે જેટલાં જરૂરી છે એટલાં જ, મન અને ચિત્તના આરામ, શાંતિ, પોષણ અને શુદ્ધિ માટે પ્રાર્થના જરૂરી છે. એક દિવસ પણ પ્રાર્થના ન થઈ શકે તો ગાંધીજી પોતાને અપરાધી માનતા હતા, અસ્વસ્થ થઈ જતા હતા.
પ્રાર્થના શું છે ? : એક તો છે, એ સર્વશક્તિશાળી ઈશ્ર્વરનું સ્મરણ અને સ્તવન ! બીજું છે, તેની પાસેની યાચના ! આપણી મર્યાદાઓ દૂર થાય, આપણી શુદ્ધિ થાય તેને માટે એને પ્રાર્થના કરવી ! ત્રીજું છે, ‘ગુણચિંતન !’ પ્રાર્થનામાં આપણે જે ગુણોનું ચિંતન કરીશું, તેને અમલમાં લાવવાનો પ્રયત્ન થશે. પ્રાર્થના મૌન પણ હોઈ શકે ને સશબ્દ તો હોય જ છે. વ્યક્તિગત પ્રાર્થના પણ જરૂરી છે, સામૂહિક પ્રાર્થનામાં તો લાભ છે જ. અંદરથી જેના પર શ્રદ્ધા હોય એવી પ્રાર્થના અને સામે આદર્શ ઊભો થઈ શકે તેવી પ્રાર્થના આપણે કરીએ.
નામસ્મરણ : પ્રાર્થના પણ એક રીતે જોવા જાવ તો નામસ્મરણ જ છે. વિનોબાજી કહે છે, “હું ગીતાને નામસ્મરણ જ માનું છું. તેમ છતાં નામસ્મરણનું એક જુદું જ સ્થાન છે, મહત્ત્વ પણ છે. ભગવાન- ના જે સ્વરૂપ અને નામ પર શ્રદ્ધા હોય, ભાવ હોય; જે નામ જેને પ્રિય હોય, એના નામનો જપ કરવો જોઈએ. કાનથી એનું જ શ્રવણ કરવું. સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું નામ લેવામાં આવે તો એ નામસ્મરણ મનને ધોવા માટે જરૂરથી મદદ કરતું હશે. દુનિયામાં જેટલાં પણ નામ છે, એ બધાં ભગવાનનાં જ નામ છે, એવું વિનોબાજી કહે છે.
ઘણાં લોકો માળા લઈને નામ જપ કરે છે. કોઈ માત્ર મોઢાથી નામસ્મરણ કરે છે. આવી રીતે નામસ્મરણ કરવામાં સૌની રુચિ કે વૃત્તિ નથી હોતી. તો ભજન કે ભક્તિગીતોના રૂપમાં નામજપ સારું છે. સાંભળ્યા કરવું જોઈએ. સંગીતમાં એક અદ્ભુત શક્તિ હોય છે. જે પ્રકારનું સંગીત આપણે સાંભળીએ છીએ તે પ્રકારના સંસ્કાર આપણા મન પર પડે છે.
પ્રાર્થના અથવા નામસ્મરણનો અધિકાર કોને છે ? આનો મજાનો પરંતુ અર્થપૂર્ણ જવાબ વિનોબાજીની વિચારપોથીમાં મળે છે. ‘જે પુણ્યશાળી છે તે ભગવાન પાસે જઈ શકે છે, કારણ કે તે પુણ્યશાળી છે.’ ‘જે પાપી છે તે ભગવાન પાસે જઈ શકે છે કારણ કે તે પાપી છે.’ આ જ વાત પ્રાર્થના અને નામસ્મરણને પણ લાગુ પડશે.
પ્રાણાયામ : પ્રાણાયામથી શ્ર્વાસ ‘સમ’ બને છે. શ્ર્વાસ ‘સમ’ થાય ત્યારે મન સ્થિર અને શાંત થાય છે. મગજમાં તાજગી આવે છે. શરીર સ્વસ્થ, વ્યાધિમુક્ત કરવા માટે પણ પ્રાણાયામનો ઉપયોગ થાય છે. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. અને સ્વસ્થ મન, શાંત થઈને શુદ્ધ થવા તરફ આગળ વધે છે. ધ્યાન રહે કે પ્રાણાયામ યોગ્ય પદ્ધતિથી થવો જરૂરી છે.
શરીરશ્રમ વ્રત : વ્રતપૂર્વક શરીરશ્રમ કરવો અને મજબૂરીમાં શરીર-શ્રમ કરવો એ બંને બાબતમાં અંતર છે. આ વ્રતના લાભ તો અનેક છે. પરંતુ જીવનશુદ્ધિ માટે તેનો લાભ વિશેષ પણ છે. આજકાલ ઘરમાં મશીનો અને ઑફિસમાં કમ્પ્યુટરને લીધે હાથથી કામ કરવાનું બહુ ઓછું થઈ ગયું છે. નહીં તો ઘરની સફાઈ, વાસણ માંજવાં, કપડાં ધોવાં જેવાં કામોમાં હળવો શરીરશ્રમ થઈ જાય છે. આંગણું તથા પરિસરની સફાઈ, બગીચામાં કામ કરવું, જુદી જુદી જરૂરિયાતો-કામો માટે બને તેટલું પગે ચાલીને જવું-આવવું – આ બધું જરૂરી છે. સ્ત્રી-પુરુષ બધાંએ જ આ કરવા જેવું છે. આમાં શરીરશ્રમ (વ્યાયામ) અને પ્રેમ એકસાથે થઈ જાય છે.
ખેતીનું કામ તો જીવનશુદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ કામ કહી શકાય. ખેતીમાં શ્રમ કરતી વખતે ખુલ્લી અને તાજી હવા તેમજ સૃષ્ટિનું સાંનિધ્ય મળે છે. તેનાથી જીવનશુદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે. વિનોબાજી કહે છે, ‘ભગવાનની ભક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ખેતી છે. ખેતીમાં કામ કરવાથી વિકારશમન સહેલું બને છે.’
આહારશુદ્ધિ અને અર્થશુચિતા આદિ જીવનશુદ્ધિનાં અભેદ્ય અંગ છે. આમ આ બે સ્વતંત્ર અને વ્યાપક વિષયો છે.
આહાર શુદ્ધિ : आहार शुद्धो सत्व शुद्धि: ! ઉપનિષદમાં સૂત્ર છે, આહારથી ચિત્તશુદ્ધિમાં મદદ મળશે. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું એ બધું આહારશુદ્ધિમાં આવી જાય છે. મનુષ્યને માટે શાકાહાર જ યોગ્ય છે.
અર્થશુચિતા : આમાં કમાવું તેમજ ખર્ચ કરવો એ બંને બાબતો આવી જશે. કેવી રીતે કમાવું અને કેટલું કમાવું એ મહત્ત્વની બાબતો છે. ક્યાં, કેવી રીતે તેમજ કેટલો ખર્ચ કરવો એ પણ મહત્ત્વનું છે.
(આ લેખમાળા ‘શુચિતા તરફ’ આ લેખ સાથે પૂરી થાય છે. સ્વચ્છતા અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વિશેના વિચાર, શાસ્ત્ર, માહિતી જેટલાં બની શકે તેટલાં વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેનો મને ખૂબ સંતોષ છે.
આપણા ગામ, દેશ તથા આપણા વ્યક્તિગત જીવનોના વ્યવહારમાં આમાંની કેટલીક વાતો ઊતરે તેવો આ લેખમાળાનો ઉદ્દેશ હતો. કેટલો સફળ થયો તે તો હું નથી જાણતી પરંતુ મારા પોતાના વ્યવહાર અને કાર્યમાં જરૂર ફાયદો થયો છે તેવું હું જરૂર કહી શકું. બાકી ભગવાનને અર્પણ….)
– નલિની નાવરેકર, નાસિક, ફોન : ૭૫૮૮૩૧૬૧૩૭
ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૫
