સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
આ લેખ લખાઈ રહ્યો છે તે દરમ્યાન છાપામાં વાંચવામાં આવ્યું કે દિલ્હી શહેર શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યું છે અને ત્યાંની સૌથી મોટી સરકારી હોસ્પિટલ(લોકનાયક હોસ્પિટલ)માં શ્વસનતંત્રની બીમારીના ઇલાજ માટેની દવાઓની અછત સર્જાઈ રહી છે. આ એક જ સમાચાર પરિસ્થિતિની ગંભીરતા જણાવવા મટે પૂરતા છે. હવામાંના પ્રદુષણ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. પરંતુ આફત નોતરવામાં સૌથી મોટો ફાળો વધતી જતી મોટરકારોની સંખ્યા છે એ સત્ય તરફ આપણે શાહમૃગવૃતિ સેવીએ છીએ. જો કે ખાનગી મોટરકાર ઉપરાંત પરિવહન માટે ટેમ્પો- ટ્રકો , ટેક્ષીઓ, રીક્ષાઓ વગેરેને કારણે પણ પ્રદુષણ વધે છે પરંતુ વત્તેઓછે અંશે તે પ્રજાની જરૂરિયાત છે. તેથી આ લેખમાં મુખ્યત્વે ખાનગી મલિકીની મોટરકારો પર ભાર મૂકવામાં આવ્યો છે.
આજથી લગભગ સાંઇઠ વર્ષ પહેલા અમેરિકાની સમૃદ્ધિ બાબતે સાંભળેલું કે ત્યાં ઘરદીઠ એક મોટરકાર હોય છે. સફાઇકામદાર પણ પોતાની મોટરકાર વાપરે છે. એ સમયે ભારતમાં લગભગ ચાર લાખ મોટરકાર હતી અને વસ્તી હતી ચાળીસ કરોડની. એટલે કે દર હજાર માણસે એક મોટરકાર, એ પણ ઘણીખરી શહેરોમાં. લાખો ગામડાં એવાં હતાં કે જ્યાં એક પણ મોટરકાર તો ન હતી ઉપરાંત સાયકલ સિવાય એક પણ ટુવ્હીલર પણ ન હતું. આજે ભારતમાં લગભગ સાત કરોડ મોટરકાર છે અને વસ્તી છે એક્સો ચાલીસ કરોડ, એટલે કે દર વીસ માણસે એક મોટરકાર છે. કેટલાક આદીવાસી વિસ્તારો સિવાય ભાગ્યેજ કોઈ ગામડું હશે જ્યાં એક પણ મોટરકાર નહીં હોય.
નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૫માં ભારતમાં કુલ ૪૩,૨૦,૯૫૬ કારનું વેચાણ થયું હતું. આ તો ગૂગલગુરુએ આપેલી માહિતી છે. હવે આપણને સામે જ દેખાય છે તેની વાત કરીએ.
એકાદ મહિના પહેલા અમદાવાદ શહેરથી દૂર આવેલા એક પાર્ટીપ્લોટમાં લગ્નસમારંભ હતો. ત્યાં આવેલા મોટાભાગના મહેમાનો મોટરકારમાં આવ્યા હતા. જેમની પાસે પોતાની કાર ન હતી તેઓ બીજા સગાસબંધીની કારમાં આવ્યા હતા. મહેમાનોની સંખ્યા લગભગ પાંચ સો જેટલી હતી. એક અંદાજ લગાવી શકાય કે એ લગ્નસમારંભમાં ઓછામાં ઓછી દોઢ સો જેટલી મોટરકરોનો ઉપયોગ થયો હોવો જોઈએ. વળી હવેના સમયમાં લગ્નપ્રસંગ એક દિવસમાં ઉકેલાતો નથી મોટાભાગે બે દિવસ અને ક્યારેક વધારે દિવસો સુધી પણ ચાલતો હોય છે. આથી અનુમાન કરી શકાય કે એક જ લગ્ન પ્રસંગે ઓછામાં ઓછી ત્રણસો થી ચારસો મોટરકાર રસ્તા પર દોડી. આ તો એક જ પ્રસંગની માહિતી છે, અમદાવાદ દિલ્હી જેવા મોટાં શહેરોમાં ક્યારેક એક જ દિવસમાં હજારોની સંખ્યામાં લગ્નપ્રસંગો યોજાતા હોય છે.
ઉપર દર્શાવેલી વિગતોને આધારે એટલે કે વસ્તીદીઠ કારની સંખ્યાને માપદંડ તરીકે લઈએ તો આપણે દેશના આર્થિક વિકાસ બાબતે ગૌરવ લઈ શકીએ. સરકારની ઉદાર આર્થિક નીતિને લીધે લોકોની સમૃદ્ધિ વધી છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ ઢાલની બીજી બાજુ પણ છે. એ બાજુ કેવી છે તે Car24(ભારતીય બહુરાષ્ટ્રીય ઓનલાઈન માર્કેટપ્લેસ) ના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રમ ચોપરાના *શબ્દોમાં જાણીએ[1]
“હું મોટરકારનું ભારતમાં વેચાણ કરતી કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું. સ્વાભાવિક છે કે મારું ગુજરાન કારચાલકો અને કાર ખરીદનારા ગ્રાહકો પર ચાલે છે. વાહનોની અવરજવર એ મારા ધંધાની કરોડરજ્જુ છે. આમછતાં હું સરકારને જાહેરમાં કહું છું કે વાતાવરણમાં ઝેર ઓકતી કારો પર અંકૂશ લગાવે. મારા જેવો જેની રોજીરોટી જ કાર છે તે રસ્તા પર કારને ઓછી કરવાનું કહે છે ત્યારે આપે સમજવું જોઈએ કે પરિસ્થિતિ કેટલી વણસી ગઈ છે. ભલે હું કારકંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોઉં, પરંતુ સાથે સાથે પાંચ વર્ષનાં એક બાળકનો પિતા પણ છું. મારા આ બાળકની ઉંમર તો ઘરની બહાર રમવાની છે પરંતુ તે બહાર રમવાને બદલે મને સવાલ કરે છે કે આકાશ આટલું ગંદુ કેમ છે? મારે ૮૦ વર્ષની ઉંમરના માબાપ છે જે ઘરની બહાર પગ મૂકતા ડરે છે, કારણ કે બહારની હવા તેમનાં ગળાં ખરાબ કરી નાખે છે. અહી હું કોઇ મોટા સિદ્ધાંતની કે રાજકારણની વાત નથી કરતો, પરંતુ મારા પરિવારના સભ્યોનાં ફેફસાં પર ઉભા થયેલાં જોખમની વાત કરું છું.”
તેઓ આગળ ઉમેરે છે,
“અગાઉ આપણે પ્રયોગ કરી ચૂક્યા છીએ, તેથી આપણને સૌને દિલ્હી શહેરની હવા ચોખ્ખી કરવાના ઉપાયોની જાણ છે જ. ૨૦૧૬માં ઓડ-ઇવનવાળા પ્રયોગને અંતે મળેલા અહેવાલ મુજબ હવામાં લગભગ ૧૪થી ૧૫ ટકા જેટલો સુધારો થયો હતો અને નાઇટ્ર્રોજન ઓક્સાઈડનો નોંધપાત્ર ઘટાડો થયો. હતો. ખરેખર તો આ પ્રયોગ કારગત નીવડેલો જ. પરંતુ આપણે તેમાં જરૂરી સુધારોવધારો કરીને આગળ વધવાને બદલે આખેઆખી યોજના જ રફેદફે કરી નાખી.
મને ગુસ્સો તો એ બાબતે આવે છે કે દુનિયાના અન્ય દેશોએ દર વર્ષે આવતી આ આફતને અટકાવવા માટે કરેલા ઉપાયોની દિલ્હીએ સદંતર અવગણના કરી છે. શિયાળામાં ડિઝલ પરના અંકુશો અને ભારે અવરજવરના(peak hours) ના સમયે ચોક્કસ રસ્તાઓ પર નીકળતાં વાહનો પર ફી વસુલ કરવાથી એ સમયે થનાર ટ્રાફિકમાં ઘટાડો આખા શહેરની વસ્તીના શ્વસોચ્છવાસમાં થતી ગૂગળામણને અટકાવી શકે. બાંધકામના સ્થોળેએ નિયમોના ભંગ કરનાર પાસેથી દંડ લઈ માત્ર તેમનું ખિસ્સું હળવું કરીને છોડી મૂકવાને બદલે યોગ્ય દેખરેખ રાખીને જરૂર લાગે બાંધકામ રોકીને પણ હવાને પ્રદુષિત થતી અટકાવવી જરૂરી છે.
શહેરના લોકોને તો સુખસગવડો અને ચોખ્ખી હવા બન્ને એક સાથે જ જોઇએ છે, જે ક્યારેય પણ બની શકે નહિ, અને ખાસ કરીને આપણે જે રીતે વાહનો હંકારીએ છીએ, બાંધકામ કરીએ છીએ અને અને ચીજવસ્તુઓને જાહેરમાં બાળીએ છીએ તે રીતે તો નહિ જ. આપણે એક પણ સુવિધા છોડવા તૈયાર નથી અને ચોખ્ખી હવાની માગણી કરીએ છીએ. આનો અર્થ એ જ છે કે શહેરની આ હાલત માટે અન્ય કોઇ નહિ, પરંતુ આપણે પોતે જ જવાબદાર છીએ.
કોઇને ગમે કે ન ગમે પરંતુ હું નમ્રતા છોડીને કહુ છું, જો કારને પ્રતિબંધિત કરવાથી પરિણામ મળે છે, તો તેમને પ્રતિબંધિત કરો. જો ડીઝલને ચાર મહિના માટે અદૃશ્ય કરી દેવાની જરૂર હોય, તો તેમ કરો. જો ઓડ-ઈવન કામ કરે છે, તો તેને પાછું લાવો. જો બાંધકામ સાઇટ્સ ધોરણોનું ઉલ્લંઘન કરે છે, તો તે દિવસે તેને બંધ કરો. જો કોઈપણ ઉદ્યોગ દીર્ઘકાલીન ગુનેગાર છે, તો તેને આરોગ્યની તાકીદની જેમ નિયમો પાળવા માટે મજબૂર કરો.
મારી વાત પર લોકોને ગુસ્સો આવતો હોય તો ભલે આવે, પરંતુ મારું બાળક જિંદગીભર એર પ્યુરિફાયરમાં રહે તેના કરતાં હું લોકોનો ગુસ્સો પસંદ કરીશ. જરૂરી પગલાં લેવામાં દિલ્હીનાં નિષ્ફળ જવાથી મારા પુત્ર અને માતા-પિતાના ફેફસા ખરાબ થઈ શકે છે, તેમનાં શરીરમાં નવા ફેફસાં મૂકી શકાતાં નથી. અને યાદ રાખજો કે તમે પણ તમારાં ફેફસાં બદલી શકવાના નથી.. શહેરના લોકો સત્તાવાળા દ્વારા થવી જોઇતી આવશ્યક કાર્યવાહીને બદલે સુખસુવિધા પસંદ કરવાનું ચાલુ રાખે છે, તો એનો સીધો અર્થ છે કે: ‘અમને જવાબદાર નાગરિક બનવાને બદલે ઝેરી હવા જ પસંદ છે.’
ખરેખર તો દિલ્હીને જાગૃતિની નહિ પણ શિસ્તની જરૂર છે. તેને એવી સરકારની જરૂર છે જે લોકોના ભલા માટે અળખી થવા તૈયાર હોય અને સાથે સાથે એવા નાગરિકોની પણ જરૂર કે જેમને પોતાનું આ પ્રિય શહેર છોડીને જતા રહેવું પડે એવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં અગવડતા ભોગવવા તૈયાર હોય.
કોઇને આ બધો બકવાસ લાગે પરંતુ શહેરની બદહાલતથી મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હોવાથી જ મારે આ ચર્ચા કરવી પડે છે.
કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન જ્યારે બાંધકામ, ઔદ્યોગિક પ્રવૃતિઓ અને વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો હતો ત્યારે હવા કેટલી બધી ચોખ્ખી થઈ ગઈ હતી તે આપણે સૌએ અનુભવેલું જ છે.
છતાં દરેક શિયાળે એક ની એક મોકાણ. અનેક પ્રતિબંધો , બાંધકામો રોકો, ડિઝલ વપરાતા વાહનો પર રોક લગાઓ વગેરે. પરંતુ જરા સરખી પણ હવા સુધરે તો બધું જ અગાઉની જેમ ચાલું થઈ જાય છે અને વળી પાછું પ્રદુષણ વધવા લાગે છે.”
આપણે વિક્રમ ચોપરાની વાત જાણી. હવે ગ્રુફાન બેગ ‘જે સિસ્ટમ ઑફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)’ ના સ્થાપક-નિર્દેશક છે તેઓ શું કહે છે તે જાણીએ[2],
“હાલ દિલ્હીનાં પડોશી રાજ્યોના ખેડૂતો પરાળ બાળતા નથી કે નથી કોઇ એવો તહેવાર જેમાં દારૂખાનું ફૂટતું હોય, હજુ શિયાળાની ઠંડી પણ તેની ચરમસીમાએ પહોંચી નથી. તેમ છતાં, દિલ્હીનો AQI બતાવે છે કે ૧૩ ડીસેમ્બરથી શહેરની હવા ખરાબ થઈ છે અને ટૂંક સમયમાં જ તે વધારે બગડવાની છે. ઓછામાં ઓછા એક મહિના સુધી તેમાં વધારોઘટાડો થતો રહેશે.
હવાની ગુણવતાનો સૂચિકાંક(AQI) ૫૦૦ સુધી પહોંચ્યો એ ગંભીર વાસ્તવિકતા છતી કરે છે. જ્યારે આ આંક આટલી ચરમસીમાએ પહોંચે છે ત્યારે પ્રદૂષણ સતત લાંબા સમય સુધી એટલે કે ૨૪-૪૮ કલાક કે તેથી વધુ આ સ્તરે જ રહે છે. દિલ્હીમાં હાલ પવન વાતો નથી એટલે કે હવા સ્થિર છે તેથી સ્વાભાવિક છે પ્રદુષણ લાંબો સમય સુધી રહે.”
પ્રદુષણ માટે સૌથી વધારે જવાબદાર શહેરમાં દોડતાં વાહનો છે. એ અંગે અંગે કેટલાક આંકડા આપતા શ્રી બેગ જણાવે છે,
“દિલ્હી શહેરવિસ્તાર માટેનો અમારો અંદાજ દર્શાવે છે કે PM2.5[3] નું ૪૩ ટકા જેટલું એટલે કે લગભગ અડધું પ્રદુષણ પરિવહનમાંથી આવે છે. જાહેરમાં ચીજવસ્તુઓને બાળવા વગેરેને કારણે ૧૫ ટકા, રહેણાંક અને ઔદ્યોગિક ઉત્સર્જનથી પ્રત્યેક ૧૩ ટકા અને માત્ર ૮ ટકા ધૂળના બારીક કણોમાંથી આવે છે. આમ સીધો જ હિસાબ છે કે સ્થાનિક ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરે છે, તો પ્રદૂષણનું સ્તર ૫૦ ટકા ઘટી જાય છે. આ માટે ક્યાં પ્રતિબંધ મૂકવો એની પ્રાથમિકતા પસંદ કરવાનું નીતિનિર્ધારકોએ નક્કી કરવું મુશ્કેલ નથી.
અસરકારક પરિણામ માટે આરોગ્યને હાનિકારક એવા વાયુઓનું ઉત્સર્જન રોકવા માટે લાંબા ગાળાના ઉપાયો જરૂરી છે. પરંતુ તેમ કરવાને બદલે બગડેલી હવાને ચોખ્ખી કરવા માટે કૃત્રિમ વરસાદ કે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા જેવા બીનઅસરકારક, નિષ્ફળ અને વધું તો હાસ્યાસ્પદ ઉપાયો કરવામાં આવે છે.”
આ બન્ને મહાનુભવોએ દિલ્હી શહેર પૂરતી વાત કરી છે. પરંતુ દેશનાં અન્ય શહેરો માટે પણ આ સાચું છે કારણ કે અન્ય શહેરોમાં મોટરકારો કાંઇ પ્રાણવાયુંનું ઉત્સર્જન કરતી નથી! આથી દરેકે વાસ્તવિકતા સમજવી જરૂરી છે. એક કાયમી દલીલ છે કે અપૂરતા જાહેર પરિવહન(પબ્લિક ટ્રાન્સપોર્ટ)ને કારણે લોકોએ મોટરકારોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ શહેરમાં આવજા કરવા માટે દરેકને અને દરેક સમયે કારનો ઉપયોગ કરવો જરૂરી નથી. નિવાસસ્થાનથી અર્ધો કિલોમીટરના અંતરે આવેલા કામનાં સ્થળે પહોંચવા માટે કારની શી જરૂર હોય? કેટલીક વખત તો સગાવહાલા મિત્રો સૌની પાસે કાર છે તો મારી પાસે પણ હોવી જોઇએ એવી દેખાદેખીથી જ વાહનો ખરીદવામાં આવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં તો ક્યારેક એક કાર અપૂરતી લાગે છે. કોલેજમાં ભણતાં સંતાનોને અને બજારમાં ખરીદી કરવા જતી ગૃહિણીઓ માટે અલગ કાર તેમની જરૂરિયાત લાગે છે. પોતાની પાસે કાર નહીં હોય તો દરદીઓ શું વિચારશે? એ ખ્યાલથી પ્રેક્ટીસ ચાલતી હોય કે ના હોય પણ ડોક્ટર થયા એટલે કાર હોવી જ જોઇએ. જેમ ડોક્ટર માટે તેમ સમાજમાં મોભો ધરાવતા બીજા ધંધાદારીઓને પણ આ વાત લાગુ પડે છે. પ્રધાનો અને સરાકારી બાબુઓનો તો સરકારી કાર વિના પ્રજાના સેવક તરીકે સિક્કો પડતો જ નથી. (૨૦૦૫થી ૨૦૧૧ સુધી ઇંગ્લેન્ડમાં જ રહેલા નિહાર મેઘાણીએ નોંધ્યું છે કે ત્યાંના રાજકારણીઓ સાઈકલ પર ફરતા હોય એ બહુ જ સામાન્ય ઘટના છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન લંડનના મેયર હતા ત્યારે સાયકલ પર જ બધે ફરતા)
પોતાની માલિકીની કાર હોવાથી પ્રવાસ કરવાનું પણ વધ્યું છે. નવાનવાં પ્રવાસ સ્થળો અને યાત્રાધામો ઊભા થતાં જાય છે. ગઢડા જઈએ છીએ તો ભેગાભેગું સાળંગપુર પણ જઈ આવીએ, એ પ્રકારનાં વલણો વધતા જાય છે. વાહનો દ્વારા ફેલાવવાં ઉપરાંત યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળોએ ભીડ કરીને ત્યાં પણ પ્રદુષણ ફેલાવવા લાગ્યા છીએ. વળી દિનપ્રતિદિન મેળાઓ ધાર્મિક કથાઓ અને ઉત્સવો વધતા જાય છે. સરકારો પણ ઉત્સવઘેલી થતી જાય છે. આથી આ સ્થળોએ પહોંચવા માટે પણ મોટરકારોનો વિશેષ ઉપયોગ થાય છે. આને કારણે રોડ પર વધતા ભારણ તેમજ અકસ્માતો એ તો અલગ ચર્ચાના મૂદ્દો છે જ. આ વાત ખાનગી મોટરકાર ઉપરાંત ટ્રાવેલ બસોને પણ લાગુ પડે છે. સરકાર લોકપ્રિયતા મેળવવા માટે વૃક્ષો કાપીને પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળો સુધી પહોંચવા માટે રસ્તા બનાવે છે જેને લીધે વાહનોની અવરજવર વધતી જાય છે. એક વખત જ્યાં પહોંચવાનો રસ્તો દુર્ગમ હતો તેવા બદરીનાથ અને કેદારનાથ જેવા સ્થ્ળોએ પણ ડાકોરઅંબાજી જેવી ભીડ થવા લાગી છે!
દેશમાં ઉદારીકરણ પછી બધી જ ચીજવસ્તુઓની જેમ મોટાં પ્રમાણમાં મોટરકારો પણ ઠાલવવામાં આવી રહી છે. આને વિકાસ ગણાવવામાં આવે છે જેનાથી આપણો મધ્યમ વર્ગ અંજાઈ ગયો છે. સરકારો પાસે કોઇ અપેક્ષા નથી કારણ કે તેઓ રોજગારી અને આર્થિક વિકાસને જ આગળ ધરશે. આ બાબતે સરાકારો પર દબાણો કરવાની વાત તો ક્ષિતિજ પર પણ દેખાતી નથી. ખરેખર તો લોકોએ જ જાગૃતિ બતાવીને અતિ આવશ્યક હોય ત્યારે જ ઓટો વાહનો ખરીદવા જોઇએ. જો દીવાલ પર લખેલું જોવામાં આંખાઅડા કરીશું તો જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જશે ત્યારે જાગવામાં ઘણું મોડું થયું હશે.
[1] તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[2] તારીખ ૧૭ ડીસેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[3] PM2.5 એટલે હવામાં ધૂળ, ધૂમાડો વગેરેનો બારીક કણ જેનો વ્યાસ ૨.૫ માઈક્રોમીટરથી ઓછો હોય. એક માઇક્રોમીટર એટલે કે ૧ સેન્ટીમીટરનો હજારમો ભાગ. આટલા સૂક્ષ્મકણો ઉચ્છવાસમાં બહાર નીકળી શકતા નથી અને ફેફસામાં ચોટીને નુક્શાન કરે છે. એક ઘનમીટર હવામાં જેમ જેમ આ સૂક્ષ્મકણોની સંખ્યા વધે તેમ પ્રદુષણ વધ્યું કહેવાય. આપણા દેશમાં આ સંખ્યા એકસોથી વધે તો ખૂબ જોખમી ગણાય છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
