ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
તમારે નદી, પહાડો, સાગનાં વૃક્ષો, જંગલો, અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ, ભણેલા, અભણ, જંગલમાં રહેતા આદિવાસી, સાધુ, ફકીર, ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી જોઈએ. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચવી જોઈએ.

આપણે નવલકથા વાંચતાં હોઈએ છીએ ત્યારે તે આપણી બુદ્ધિકક્ષા મુજબ સમજવા પ્રયાસ કરીએ છીએ, પણ લેખક તેમની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને એ કલ્પનાઓમાં વિહરતા કરી દે અને પછી નવલકથા પૂરી થાય એટલે નીચે ધરતી પર પાછા લાવી દે. આ બધું જ કાલ્પનિક હોય. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા, સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરૂપતા, તેમજ દુન્યવી સત્ય, કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.
ભૌતિક સુખ અને આપણી ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિમાં શું ફરક છે તે ઊંડાણપૂર્વક છતાં સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.
પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાના પર તેણે અનુભવેલી એક એક લાગણીની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશ વાચક પણ અનુભવે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી, તેનો પરિચય થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે. આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં આલેખે છે.
વિદેશથી કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ, પ્રકૃતિની ગોદ, જંગલની હરિયાળી, નર્મદા કિનારો, નર્મદાનાં પરિક્રમા કરવાવાળાં, તેમની માન્યતાઓ ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વિગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. નવલકથા પરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે, પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને , પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયાં હચમચાવી મૂકે છે, બહારથી અને ભીતર સુધી ભારતીયતાની ઓળખ કરાવે છે.
તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ.
નર્મદા તેમજ આપણી અન્ય પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ, તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે, તેની વાત કરીશું આવતા અંકે
તો ચાલો જોઈએ ,એવું જ કુદરત પાસે લઈ જતું અને આપણને ઢંઢોળતું જ નહીં જગાડતું ધ્રુવગીત,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.
ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.
ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.
ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
ઝીણી ઘોડી ને એનો ઝીણો અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.
ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યાં આખોયે ચોક,ચાલ જાગીએ.
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.
આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.
કેટલું અદ્ભુત ગીત લખ્યું છે, દાદાએ ! કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતાં અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા જાગી જવાનું કહે છે. દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપે છે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ, રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર ,તે ધારણાઓને તોડીને ,અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.
આ ધ્રુવગીત જેવીજ વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે તમારે તેમની નવલકથા જ વાંચવી પડે!
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
