રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

કવિવર ટાગોરે રબીન્દ્રસંગીત દ્વારા  માનવીના મનમાં ઉદ્ભવતી પ્રત્યેક પ્રકારની લાગણીને વ્યક્ત કરેલ છે. આપણે આ લેખમાળાના અગાઉના લેખોમાં પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને રચાયેલી રચનાઓમાં છલકાતી સંવેદનાઓને માણી. પ્રત્યેક જીવ માટે પરમેશ્વર પછીનું જીવનચાલક બળ (driving force) હોય તો તે છે પ્રેમ.  “Love is the strongest force in the universe” કવિવર ટાગોરે પણ આ પ્રચંડ પ્રેમની નજાકતને અનેક નાજુક રચનાઓ દ્વારા રજુ કરેલ છે. આ બધી રચનાઓ પ્રેમ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. કવિવરની  પ્રેમ પારજોય માં વર્ગીકૃત રચનાઓ પરમેશ્વર પરત્વેના પ્રેમને પણ લાગુ પડે છે એટલેકે કવિવરે આ રચનાઓને પરમ પ્રિયતમને કેન્દ્રમાં રાખીને રચેલ છે .

પ્રેમ – શબ્દ ભલે ટચુકડો પણ સાચા પ્રેમમાં રહેલું  ઊંડાણ માપવા અને તેનો ક્યાસ કાઢવા કદાચ જન્મોજનમ ઓછા પડે. અહીં પ્રેમની પરિભાષા  માત્ર વિજાતીય પ્રેમ સુધીજ સીમિત નથી. પ્રેમતો દરેક સંબધમાં મહોરી શકે, વિકસી શકે.  કવિવર પોતે એવું માનતા કે ” Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.”. અર્થાત પ્રેમ એ ફક્ત એક લાગણી નથી પણ એક નક્કર વાસ્તવિકતા છે. આ પરમ સત્ય ઉત્પત્તિના કેન્દ્ર સ્થાને છે. કવિવરને મન પ્રેમ એટલે અલૌકિક પ્રેમ. He envisioned love as platonic love and never believed in romantic love. અને કદાચ એટલેજ કવિવરની પ્રેમ પારજોયની રચનાઓમાં પ્રેમની અભિવ્યક્તિનું ઊંડાણ કંઈક સવિશેષ જોવા મળે છે.

આ અલૌકિક પ્રેમને વર્ણવતી  કવિવરની પ્રેમ  પારજોયની સૌથી વધુ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1888 માં રચાયેલીઆ રચનાનું શીર્ષકછે আমার পরান যাহা চায়(Aamaro parano jaaha chaay) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે”એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે …”.આ રચનાનું સ્વરાંકન કવિવરે પીલુ રાગ પર કરેલું છે. આ રચનાને તીનતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

        એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે…

મારા હૈયાને સજાવ્યું છે મેં તારા સાજે
તારા વિના જગત સઘળું મિથ્યા ભાસે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે

ઈચ્છું તો છું કે તું રહે સદા મારી પાસે
પણ મારો પ્રેમ બેડી થઇ કદી ન બાંધે
તું મુક્ત છે ઉડવા તારા મનના પ્રવાસે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે

ભલે તારા વિરહમાં દિવસો વીતી જાશે
વિતાવીશ આ જિંદગી યાદોના સહવાસે
તારી ખૂશીમાં જ મારી ખુશી સમાશે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે

આમતો ખુબ સરળ લાગતી આ રચનામાં કવિવરે અલૌકિક પ્રેમનું એક અગત્યનું લક્ષણ છે તે રજુ કર્યું છે. ” Love does not claim possession but gives freedom.”. સાચો અલૌકિક પ્રેમ ક્યારેય પ્રિયજન પર આધિપત્ય જમાવે નહિ, એ તો પ્રિયજનને વિકસાવે, નિખારે અને વિસ્તારે. જયારે પ્રિયજનની ખુશીમાંજ આપણી ખુશી પણ ઓગળી જાય ત્યારેજ એ પ્રેમના રખોપા થાય.

આ રચનાને હું સમજી ત્યારે મને એવું લાગ્યું કે કવિવરે કદાચ ગોપીભાવે આ રચના કરી હશે. ગોપીઓના  શ્યામ પ્રત્યેના  અલૌકિક પ્રેમથી આપણે સૌ પરિચિત છીએ. ગોકુલ/વૃંદાવનથી શ્યામ જ્યારે મથુરા જવા સિધાવ્યા ત્યારે કદાચ ગોપીઓના મનમાં પણ આ રચનામાં વહાવ્યા છે તેવા જ ભાવ ઉદ્ભવ્યા હશે. ગોપીઓએ શ્યામને પ્રેમના બંધનમાં બાંધી ને પણ મુક્ત રાખ્યા

હમણાં મેં ઓશોનો પ્રેમ અંગેનો એક વિચાર વાંચ્યો તે પણ કવિવરની આ રચનાની સંવેદનાઓ સાથે બંધ બેસે તેવો છે. ઓશોએ  પ્રેમને એક નવા પરિમાણ થી નિહાળ્યો છે. ઓશો કહે કે અલૌકિક પ્રેમમાં નામ આપી શકાય એવા સંબંધો વિકસવાની શક્યતા નહિવત હોય છે. કારણ કે જ્યાં પ્રેમનું સંબંધમાં રૂપાંતર થવા લાગે ત્યાં ઈચ્છા અને અપેક્ષા ના ધાડા ઉમટી આવે અને એકબીજા પર આધિપત્ય જમાવવાની હરીફાઈ શરૂ થાય. અને અલૌકિક પ્રેમ નું  એક નામ માત્રના સંબંધમાં રૂપાંતર થઈ જાય. જોકે આજના યુગમાં તો આવા અલૌકિક પ્રેમનું અસ્તિત્વ લગભગ નહિવત જ હશે.

એક પરમાત્મા જ આપણને સર્વોપરી સમગ્રતાથી અને સાશ્વતતાથી  પ્રેમ કરતા આવ્યા છે અને કરતા જ રહેશે. એ પરમાત્મા પ્રત્યે આભારભાવ અને આદરભાવ વ્યક્ત કરતા  કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.