કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
હરેક જાગૃતિ પૂર્વકનો અભિગમ પરિવર્તનશીલ અને પ્રગતિકર હોય છે. કૃષિને તે વાત સવિશેષ લાગુ પડે છે. આપણે એક અતિ ટુંકા ગાળામાં જ કૃષિઉત્પાદનમાં થઇ ગયેલી ચમત્કારિક પ્રગતિ જોઇ છે. હજુ હમણા જ ૧૯૬૦-૬૫ પહેલા ભારતની ખેતી ભારતીઓને ખાવા અનાજ ઉત્પન્ન કરી શકતી નહોતી. તેથી ઢોરા પણ ન ખાય તેવા મેક્સિકન ઘઉં અમેરિકાની દયાથી આપણા પેટનો ખાડો પૂરતા હતા.
કહેવાય છે કે જરૂરિયાત સંશોધનની જનની છે. પણ ચાલુ જીવન પધ્ધતિ નહીં બદલી શકતા લોકોને આ લાગુ પડતું નથી. દુનિયાની ૫ ટકા ભૌગોલિક ભૂમિસંપતિ ધરાવતું ભારત તે વખતેય અને આજેય વિશ્વની જનસંખ્યાનો ૧૫ ટકા હિસ્સો ધરાવતું હોવાથી આપણા રાજકર્તાઓએ પણ માની લીધેલું કે અનાજ બાબતનું પરાવલંબન ચલાવી શકાય તેવું નથી. ૩૦ કરોડની જનસંખ્યાનો ભાર ઉપાડવો ખેતીને અસહ્ય લાગતો હતો.
પણ વીજળીના ઝબકારાની જેમ બહુજ અલ્પ સમય માટે વડા પ્રધાનપદે આવી ગયેલા લાલબહાદુરશાસ્ત્રીજીએ જોઇ લીધું કે પરાવલંબનરૂપી ગુલામીમાંથી દેશે બચવું જ રહયું. તેમણે દેશની રક્ષામાટે આપેલા મંત્ર ‘જય જવાન’ ની સાથોસાથ ખેત ઉત્પાદનમાં ક્રાંતિ લાવવા ‘જય કિસાન’ નો મંત્ર આપ્યો, અને આપણા ભારતીય કૃષિવૈજ્ઞાનિકો અને કિસાનોએ એ પડકારને ઉપાડી લઇને ૫ કરોડ ટનના ઉત્પાદનને ૨૫ કરોડ ટન પર પહોંચાડીને એક અબજથી વધુ દેશ બાંધવોની જરૂરિયાત સંતોષી, અનાજની નિકાસ કરતો દેશ બનાવી દીધો !
પણ…..ભૂલ એ થઇ કે = આ માટે શોધી કઢાયેલા ઊંચુ ઉત્પાદન આપતાં બિયારણો, વધુ ખાતર-પાણીની અને પાકસંરક્ષણની વિશેષ કાળજી માગનાર હતા., અને તે આપણે રાસાયણિક ખાતરો, જમીનતળના પાણી માટે ઊંડા બોર, અને ઝેરીલા પેસ્ટીસાઇડ્ઝના ઉપયોગથી આટલા વરસો દરમ્યાન એ જરૂરિયાત પૂરી કરી. પણ ભૂલ એ થઇ કે વધુ ઉત્પાદન આપતાં એ બિયારણોની જરૂરિયાતો પૂરી કરવામાં-રાસાયણિક પધ્ધતિને પણ આપણે પ્રગતિનો જ એક અંશ માની લીધો. એ કારણે-રસાયણોના અતિ વપરાશના પરિણામે જળ, જમીન અને મનુશ્યો-પ્રાણીઓને પહોંચેલી ગંભીર જફાને રોકવા સજીવખેતીની વાત કરાય છે. તો ટુંકા ગાળાના ઉત્પાદનને પ્રાધાન્ય આપનારા ખેડૂતો–લોકો આ વાતને કૃષિ પ્રગતિની પીછેહઠ ગણે છે. પરંતુ કોઇ પણ કાર્યપધ્ધતિના આખરે જણાયેલાં પરિણામો અને જાત અનુભવ કોઇ નવો રાહ ચિંધે તો એને પ્રગતિના જ પંથે જનારું આગેકદમ ગણી શકાય અને પર્યાવરણને હાનિ પહોંચાડનારું કોઇપણ કદમ આપણા માટે ઘાતક નીવડે છે.
તમે જૂઓ ! પહેલા પહેલા થોડુંક અમસ્તું રાસાયણિક ખાતર આપતા ત્યાં બહુસારો પ્રતિસાદ મળતો. પણ હવે પાંચગણો જથ્થો નાખવા છતાં મોલાતો એવો જવાબ આપતી નથી. જમીન જાણે સાવ મરૂભૂમિ ન બની ગઇ હોય ! ઉડા દારનાં પાણી મોંઘા પડે તો તે ખેડૂતને, તેમાં છોડવા-ઝાડવાને શાની ચિંતા ? તે બધા ભીના ક્યારામાં પણ તરસ્યા-તરફડતા અને સાવ અણોહરા કેમ દેખાય છે ?
અરે ! એવા અનાજ પાકતા કે બાજુના ઘેર ઘડાતા બાજરાના રોટલાની સુગંધ આપણા ઘેર આવતી. જામફળ, બોર, કેરી જેવા ફળો ગમેતેમ સંઘરીએ તોયે તેની બળુકી સુગંધથી છતા થયા વિના રહેતા નહીં. આંગણે ગાય દોહવાતી હોય ત્યારે બાળકો તાંસળી-તાંસળી શેડ્યકઢું દૂધ ઊભાઊભા પી જતાં. માણસોની નરવાઇ એવી હતી કે બોઘરણીએક ઘી પી જવું કે ભેલીભેલી ગોળ ખાઇ જવો એના મનમાંય નહોતું. ભર્યા પાણીનો હાંડો દાંતમાં પકડી માઇલ-માઇલ દોડ્યા જતા. અરે ! એકલો જણ ગાડું ઊંધું નાખી દે તેવી તાકાત ધરાવતા. અને ક્યારેક કોઇ વઢી-ભઠી લે તો “હશે, મોટા છેને ! આપણી ભૂલ હોય તો વઢે પણ ખરા ! અને વઢતા હશે તો આપણા લાભને જ વઢતા હશે ને !” કહી ગમ ખાઇ જતા. અને અત્યારે ? કોઇનું નામ લેવાતું નથી !
હવામાં ઝેર, પાણીમાં ઝેર, અન્ન અને ફળ-શાકભાજીમાં ઝેર, દૂધમાં ઝેર, અરે ! માતાના ધાવણમાં પણ ઝેર ! પરિણામે માનવશરીર માયકાંગલું બનવા લાગ્યું છે. જાતજાતના અને ભાતભાતના જીવલેણ દર્દો વરતાવા લાગ્યા છે. લોકોનું માનસ વિકૃત થવા લાગ્યું છે. અજંપો વધ્યો છે. શાંતિ હણાઇ રહી છે.
આવું બનવાનું કારણ શું ? આપણે છોડવા-ઝાડવાને જે ખવરાવ્યું અને એને જેમાં રગદોળ્યા-ધમાર્યા એ બધું તેણે આપણા ખોરાકમાં ધરબીને, તેની ફરજ બજાવીને પરત કર્યું, તેમાં તેનો શો વાંક ? ડુંગળી ખાઇએ અને ઓડકાર સ્ટ્રોબેરીનો થોડો આવે ?
થોડુંક પાછુવાળું જોયું હોત તો સર્વક્ષેત્રે ખોદાએલી ઊંડી ખાઇ ન ખોદાત. પણ ખેર ! માની લઇએ કે તે દિવસોની અનાજ-ખાધ પૂરી કરવા આ હંગામો મચાવ્યા વિના ચાલેતેમ નહોતું. માનોકે ખબર પડી ગઇ હોત કે ‘ આ બધું અવળા માર્ગે છે’ તો ઘડીભર તો આ બધાનો સહારો ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણીને પણ લીધા વિના ચાલેતેમ નહોતું. માટે આપણે એ કર્યું. ચાલો માફ !
પણ હવે શું ? હવે એ ભૂતકાળ વાગોળવાનું બંધ કરીએ. જ્યારે આપણને ખબર પડી જ ગઇ છે કે આ બધાં હરિયાળી ક્રાંતિના પાગિયાઓએ જમીન, પાણી, હવા અને પાકને પોતાને પણ માઠી અસરોથી મુક્ત રહેવા દીધા નથી. તો હવે એ વધતી જતી આડ-અસરોમાંથી પાછા વળી, જે અવમૂલ્યન થયું છે તે નિપટવા જેટલાવહેલા કટિબધ્ધ થઇશકીએ તેટલા વહેલા ન થવું જોઇએ ?
ધારીએ તો બધું થઇ શકે છે.= કોઇપણ બાબત એવી નથી કે સમયસર ભૂલ સુધારી લેવાય તો પરિણામ ન મળે,. કેંસર જેવા અસાધ્ય ગણાતાં દર્દમાં પણ પ્રાથમિક સ્ટેજે આંખ ઊઘડી જાય, અને ચેતી જવાય-સમયસર સારવાર લેવા પહોંચી જવાય તો સાજા થઇ શકાય છે.
આપણી જમીન હજુ એટલી સાવ મરી નથી ગઇ કે જે યોગ્ય સારવાર મળતાં પાછી બેઠી ન થઇ શકે, અને આપણા પાણીનાં તળ એટલા તૂટી- ખુટી પણ નથી ગયા કે જે આપણા એ બાબતના પુરુષાર્થથી ફરી સજીવન ન થઇ શકે ! અને હજુ આગળ કહું તો આપણા કૃષિના વિજ્ઞાનને તાળાં નથી દેવાઇ ગયા કે જે ઓછામાં ઓછા ઝેરી છંટકાવથી પાકપેદાશ લઇ શકાય તેવી પાકની જાતો શોધવા બાબતે હાથ ઊંચા કરી દે ! જરૂર છે માત્ર આપણી સમજણમાં સુધારો લાવવાની. “લેવું લેવું’’ કરી રહેલી આપણી મનોવૃત્તિને થોડી ખેંચી રાખવાની. અતિ કંઇ સારું નથી.- તે વાતને સુપેરે સમજવાની.
આપણા મનમાં એક વાત જો પાક્કી થઇ જાય કે આખરે બધા હંગામા પછી પણ જીવનની શાંતિ હણાઇ જવાની હોય તો ? તો પછી જરા થોભીએ. આવું પરિણામ લાવનારી –પાછલા વરસોમાં કરેલી ખેતી-પ્રક્રિયાઓ અને વપરાએલ જણસોને યાદ કરી સિંહાવલોકન કરીએ. શેમાં શેમાં ઊણા પડ્યા છીએ તે શોધીએ અને નવેસરથી સમજણ પૂર્વકનું પ્રયાણ આદરીએ. કેવા કેવા અને કેવડા ડગલા ભરવા તે પરિસ્થિતિ જ સુઝાડતી રહેશે.
હજુ કાંઇ મોડું થઇ ગયું નથી = જાગ્યા ત્યાંથી સવાર ! જમીનને વેડે નહીં, પાણીના તળ તોડે નહીં, હવા, મોલ કે માલ કોઇને ઝેરી બનાવે નહીં તેવી નિર્દોષ જણસોનો ઉપયોગ આદરીએ. કુદરતની સામે પડવાના નહીં, પણ તેના સ્ત્રોતોની જાળવણી કરતા કરતા ,તેનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય તેવા કાર્યક્રમો કરતા કરતા ગાયો, વૃક્ષો, પંખીઓ, જમીનજન્ય જીણા જીવો-કહોને સમગ્ર પ્રકૃતિનો સાથ અને વિજ્ઞાનની સહાયથી પુરુષાર્થ શરુ કરીએ તો માત્ર ગયા દિવસો જ નહીં-એનાથી સવાયા સારા દિવસો પાછા આવી શકે !
જેમણે જેમણે આવી ખેતીના રસ્તે પ્રયાણ કર્યા છે તેમના અનુભવો ખુબ હુંફાળા રહ્યા છે. તેમના અનુભવો પરથી ધડો લઇએ. હિંમતે મર્દાતો મદદે ખુદા ! કરવા ધારીએ તો બધું થઇ શકે છે. ઉંઘતાને જગાડી શકાય હો ! જાગતા સૂતેલાને થોડો જગાડી શકાય ? ખ્યાલ આવ્યા પછી પણ જો ન ચેતીએ તો જાગતા પથારી પલાળી ગણાય !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
