પ્રીતિ શાહ-સેનગુપ્તા
સરસ્વતી વિદ્યા નિકેતનમાં પણ છ-સાત કલાક દરદીઓની તપાસમાં અમે વ્યસ્ત રહ્યાં. પછી બન્યું એવું, કે ત્યાંનાં કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ, ધીરે ધીરે કરીને, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સાથે વાત કરવા તૈયાર થવા માંડ્યાં. દરેકના પ્રૉબ્લૅમ સરખા જ હતા- કૌટુંમ્બિક અને પ્રેમપાત્ર વિષેના.
ગયાનાના ગરીબ તેમજ નિમ્ન-મધ્યમ વર્ગમાં નિષ્ક્રીયતા અને નિરુત્સાહને કારણે મોટી ઉંમરના લોકોમાં માનસિક ઉદાસીનો ઘણો પ્રૉબ્લૅમ છે, અને આ કારણે શારીરિક પીડા અને રોગોના ભોગ પણ એ લોકો બનતા હોય છે, તેનો ઉલ્લેખ મેં પહેલાં કર્યો હતો. પણ અહીંના સમાજનો યુવા વર્ગ પણ, આ સ્થગિત જેવા જીવનને કારણે, અમુક મુશ્કેલીઓ અનુભવતો હોય છે, તે અમને આ સ્કૂલનાં વિદ્યાર્થીઓને લીધે જાણવા મળ્યું.
લગભગ દરેક યુવાનને કઈ રીતે સમય પસાર કરવો, તે પ્રશ્ન તો હતો જ, પણ ઉપરાંત, માતા-પિતાની સાથે કોઈ બૌદ્ધિક સંબંધ નહીં હોવાથી, યુવાનો ઘરમાં પણ ખુશી-આનંદમાં રહી શકતા નહતા. છોકરીઓને પણ મા-બાપ સાથે સમજણનો અભાવ લાગતો હતો. વળી, સાવ સાદા જીવનમાં પ્રેમમાં પડવાનો ભાવ એક પ્રવૃત્તિ બની જતો હોય છે, તેથી છોકરીઓ, સામેની વ્યક્તિ યોગ્ય છે કે નહીં, તે જોયા-જાણ્યા વગર પ્રેમમાં પડતી હતી, અને એમાંની કેટલીક નિરાશ થઈ જતાં પછી આત્મહત્યા પણ કરી બેસતી હતી.
ગયાનાના સમાજમાં યુવા પ્રજા, તેમજ ઉંમરલાયક લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું છે. આ, દારૂ પીવાનો અતિરેક, તથા ઘરેલુ હિંસા જેવા, સતત બનતા રહેતા બનાવો અહીં મોટી સમસ્યારૂપ બનેલા છે. અહીંના લોકો દેખાય છે શાંત સ્વભાવના, અને સંકોચ સાથે વાત કરતા હોય, તેથી અહીંનાં જીવનની આ સમસ્યાઓનો ખ્યાલ આપણને તરત આવે નહીં. આ કૉર્નેલિયા ઇડા ગામની સ્કૂલમાં અમે આ બધું જાણવા પામ્યાં. એ વિષે વિચારો અમારાં મનમાં લાંબા સમય સુધી ચાલુ રહ્યા.
ગયાનામાં આવ્યે અમને ચાર દિવસ થયા હતા. એ ચારેય દિવસો, ચાર જુદાં ગામોમાં ગોઠવાયેલા તબીબી-કૅમ્પ ખાતે પસાર થયા હતા. વહેલી સવારથી રાત સુધી અમે, આવવા-જવામાં અને દરદીઓની તપાસમાં, સતત વ્યસ્ત રહ્યાં હતાં. અહીંનો સમાજ જોવા મળ્યો, અહીંનાં જીવન વિષે જાણવા મળ્યું, પણ ફ્રી સમય બીલકુલ મળ્યો નહતો.
મોડી બપોર સુધીમાં, સરસ્વતી વિદ્યા નિકેતનમાં બધું કામ પતાવ્યું; ઘણી દવાઓ વધેલી, તે બધી ત્યાં જ આપી દીધી; ત્યાંનાં કાર્યકરોની વિદાય લીધી, અને મોટી વૅનમાં જ્યૉર્જ ટાઉનની હોટેલ પર જવા અમે નીકળી ગયાં. વિશાળ અને વિપુલ પ્રવાહવાળી ડૅમૅરારા નદી પરનો, લાકડાંનો બનેલો, લાંબો પુલ પસાર કર્યો.
ખરેખર જ, આ નદીઓનો બનેલો દેશ છે. કેટલી નદીઓ આવતી રહે છે કોઈ પણ રસ્તે. નાની હોય તે પણ જાણે હરખતી, ઊભરાતી; ને ડૅમૅરારા જેવી મોટી નદીઓ તો જાણે પ્રગલ્ભ જળ-પદ્મિની.
આજે પહેલી જ સાંજ હતી, જ્યારે કૈંક નિરાંત અનુભવી શકાય તેમ હતી. જેને માટે ગયાના આવેલાં તે મદદ-મિશન સમાપ્ત થયું હતું. બધાં ગયાનિઝ સ્ટાઇલનું ખાવાનું ખાઈને જરા કંટાળ્યાં હતાં. ઇન્ડિયન સ્ટાઇલના ભોજનની બધાંને ઇચ્છા હતી. મેં એક સ્થાનિક મૅગૅઝીનમાં એક ઇન્ડિયન રૅસ્ટૉરાઁની જાહેરાત જોઈ હતી. એનું સૂચન કર્યું, ને બધાંને પસંદ પડ્યું.
જોકે હું એમની સાથે ગઈ નહીં. ન્યૂયૉર્કના એક મિત્ર દ્વારા મને, જિયોમાં રહેતા એક સજ્જનનો પરિચય થયેલો. ન્યૂયૉર્કથી જ ઇ-મેલનો સંપર્ક રાખેલો. જિયો પહોંચીને મેં ફોન કરીને એમની સાથે વાત કરેલી. આ પહેલી જ સાંજ મને ફ્રી મળવાની હતી, તેથી એ સાંજે એમની સાથે બહાર જમવા જવાનું નક્કી થયેલું. મારા જૂથનાં ચૌદ જણ ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં જમવા ગયાં, અને મેં સ્થાનિક વ્યક્તિને મળવાની તક લીધી.
અસાધારણ રહ્યો એ અનુભવ. અત્યાર સુધી મેં ગયાનાનો, મહેનત કરીને સાદગીથી જીવતા લોકોનો બનેલો, નિમ્ન-વર્ગીય સમાજ જોયો હતો. હવે સિક્કાની બીજી બાજુ જેવી, અહીંના સુખી અને ધનિક લોકોની, રસપ્રદ અને રંગીન જિંદગી જોવા મળી.
એ મિત્ર મને હોટેલ પૅગાસસની ખૂબ મોટી, મૉડર્ન, અને સુંદર ઇમારત પર લઈ ગયા. એક તરફ દરિયો, બીજી તરફ હોટેલનું કમ્પાઉન્ડ. અંદર જતાં જ મોટી લૉબી, અને સર્વત્ર સફેદ આરસની ફર્શ, અહીંત્યહીં મૂકેલા સોફા અને પૉલિશ કરેલાં લાકડાંની ખુરશીઓ. જુદા જુદા ખંડમાં લોકો ખાતા કે પીતા દેખાતા હતા. ખુલ્લા વરંડામાં થઈને અમે પાછલી તરફ ગયાં. ત્યાં હતાં ફુવારા, નાનો પુલ, અને ગાર્ડન જેવી શોભા.

ત્યાં ગોઠવેલાં ટેબલોમાંનાં એક પર અમે બેઠાં. એ તો સ્થાનિક બિઝનેસમૅન, અને વારંવાર આ સોફિસ્ટિકેટેડ જગ્યાએ આવતા હશે એવું લાગ્યું, કારણકે બધાં એમને ઓળખતાં હતાં. આસપાસ નજર કરતાં મેં જોયું, કે બેઠેલા બાકીના બધા સ્થાનિક ગયાનિઝ લોકો હતા. એટલેકે, સ્થાનિક પ્રજામાં પણ ઘણા લોકો ધનિક વર્ગના હતા. ભૂલી જ જવાય કે આ જગ્યા પણ ગયાનામાંની જ હતી.
એક તરફ બાંધેલા સ્ટેજ પરથી મ્યુઝિશિયનોનું એક જૂથ સરસ જાઝ વગાડી રહ્યું હતું. એક છોકરી સાથે ગાતી પણ હતી. મને બહુ જ આનંદ એ થયો, કે આ સંગીત સરસ તો હતું જ, પણ એ ગાજી-ગજવીને વગાડાતું નહતું. વાહ, આ સાઉન્ડ પણ સોફિસ્ટિકેટેડ હતો. કાન ફાડી નાખે તેવું વૉલ્યુમ સાધારણતાનો પર્યાય ગણાય છે.
દુનિયાના દરેક દેશની જેમ, આ દેશના સમાજમાં પણ, “છે અને નથી”, કે “બહુ છે અને કશું નથી” જેવા ભાગ બનેલા છે. આજના જમાનામાં જાણે આ પરિસ્થિતિ અનિવાર્ય બની ગઈ છે.
વાતો દરમ્યાન મારા યજમાન કહે, અહીં પૈસાદારોની જિંદગી સહેલી નથી, કારણકે એમને હંમેશાં ચોરી તેમજ હુમલાનો ભય રહે છે. ગુનાખોરી બહુ વધી ગઈ છે અહીં- ખાસ કરીને જિયો જેવા શહેરમાં. તેનાં કારણમાં, ગરીબી, બેકારી, તથા “છે અને નથી” જેવા, સ્પષ્ટ દેખાઈ આવતા ભેદ હશે, તેમ કહી શકાય.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
