ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘રાજશ્રી પ્રોડક્શન્સ’ આજે પણ કુટુંબપ્રધાન અને સ્વચ્છ ફિલ્મો માટે જાણીતી નિર્માણસંસ્થા છે, પણ ‘મૈંને પ્યાર કિયા’ પછી તેની વધુ ઓળખ મોટા બજેટની ફિલ્મના નિર્માણ માટે ઉભરી છે. એ પહેલાં એકદમ ઓછા બજેટની, મોટે ભાગે ગ્રામીણ પૃષ્ઠભૂમિવાળી, પ્રમાણમાં નવાં હીરો-હીરોઈન, ઓછા જાણીતા ગાયક-ગાયિકા, સંગીતકારવાળી ફિલ્મો તેની ઓળખ હતી. ગાયકોમાં મુખ્યત્વે જસપાલસિંહ, યેસુદાસ તેમજ ગાયિકાઓમાં હેમલતા, આરતી મુખરજી તેમની ફિલ્મોમાં રહેતાં. સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈન, રાજકમલ, રામ-લક્ષ્મણ જેવા સંગીતકાર જોવા મળતા. નાયકનાયિકા તરીકે અનેક ઓછા જાણીતા ચહેરાઓ તેમણે ચમકાવ્યા. તેમની ફિલ્મોમાં એકાદું ગીત જીવનની કોઈક ફિલસૂફીને વણી લેતું. (અંગત રીતે મને રવીન્દ્ર જૈનનાં ગીતો નથી ગમતાં એટલી સ્પષ્ટતા)
આ નિર્માણસંસ્થાની ૧૯૭૯માં રજૂઆત પામેલી ફિલ્મ હતી ‘સુનયના’. આ ફિલ્મનું યેસુદાસે ગાયેલું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત ખૂબ લોકપ્રિય બનેલું, જેની બીજી પંક્તિ હતી ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું’. આ ગીત ગણગણતાં સ્વાભાવિકપણે જ આ પંક્તિ પણ બોલાતી, પણ એનો અર્થ સમજાતો નહોતો. એ સમજાયો ૧૯૭૯ના દિવાળી વેકેશનમાં.
મહેમદાવાદની અમારી શાળા શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલમાંથી દિવાળી વેકેશનમાં એક પ્રવાસ ઊપડવાનો હતો, જેમાં કાશ્મીર જવાનું હતું, અને વીસેક દિવસના આ પ્રવાસમાં વચ્ચે અનેક સ્થળો આવરી લેવાના હતા. પ્રવાસ માટેની ફી હતી ૬૫૧/ રૂ. આમ તો ઘણા વધુ કહેવાય, પણ મારા પપ્પાએ મને કહ્યું કે તારે આમાં જવું હોય તો જા. શાળા તરફથી અગાઉ અનેક પ્રવાસ યોજાયેલા, પણ કદી એમાં જવાનું બનેલું નહીં. આમાં જોડાવા હું તૈયાર થયો. મારી સાથે મિત્રો અજય પરીખ અને પંકજ ઠક્કર પણ હતા.
અંબાજી, આબુ, અજમેર, પુષ્કર થઈને અમે જયપુર પહોંચ્યા. જયપુરમાં રોકાણ હતું. ત્યાં ફર્યા પછી આયોજન એવું હતું કે રાત્રે નવથી બારના શોમાં અહીંના અતિ ભવ્ય સિનેમાગૃહ ‘રાજમંદિર’માં ફિલ્મ જોવી અને પછી રાત્રે જ બસ ઉપાડીને દિલ્હી તરફ રવાના થવું. અમને ‘રાજમંદિર’ વિશે કશો ખ્યાલ નહોતો. બસની રાતની મુસાફરી હોવાથી ઘણા બધાએ વિચાર્યું કે નાઈટડ્રેસ પહેરીને જ થિયેટરમાં જવું, અને ફિલ્મ જોઈને પછી સીધું બસમાં, જેથી કપડાં બદલવાની ઝંઝટ નહીં. ‘નાઈટડ્રેસ’ જેવો નાઈટડ્રેસ પહેરવાનું હજી ચલણ નહોતું શરૂ થયું. અનેક મિત્રોએ શર્ટ અને (પેન્ટને બદલે) લુંગી ચડાવી. હું લેંઘો પહેરતો હતો એટલે મેં એ ચડાવ્યો. પગમાં બૂટ. આવા વેશે અમે સૌ સિનેમાગૃહમાં દાખલ થયા. સિનેમાગૃહની ભવ્યતા અને ત્યાં એકઠી થયેલી ભીડ વચ્ચે અમારા દીદારનો ક્યાંય મેળ પડતો નહોતો. અમે બધા અમારા આ નિર્ણય બદલ રીતસર લાજી મરતા હતા કે આપણને સહેજ બી ખ્યાલ હોત યા કોઈકે કહ્યું હોત કે આટલું ભવ્ય સિનેમાગૃહ છે તો કમ સે કમ આપણે પાટલૂન તો પહેરત! એ જમાનામાં સામાન્ય રીતે મદારી લુંગી અને નીચે બૂટ (કે મોજડી) પહેરીને ખેલ કરવા આવતા. લુંગી નીચે બુટ પહેરેલા અનેક મિત્રો પોતાને ધીમા અવાજે ‘મદારી’ તરીકે ઓળખવા લાગ્યા અને કહેતા રહ્યા કે હવે દરવાજો ખૂલે અને ઝટ એન્ટ્રી મળે તો સારું. એ પંદરવીસ મિનીટ બહુ આકરી વીતી.

એ શોમાં અમારે જોવાની હતી ફિલ્મ ‘સુનયના’. આ ફિલ્મનું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત રેડિયોને કારણે અમે સાંભળેલું, પણ ફિલ્મના કલાકારો અમારા માટે સાવ નવા અને અજાણ્યા હતા. નસીરૂદ્દીન શાહ તેના હીરો હતા, તો ટાઈટલમાં એમનું નામ ઊકેલીએ એ પહેલાં તો એ જતું રહ્યું. અમને થયું કે હીરોનું નામ કંઈ આવું હોતું હશે! ગીતની બીજી પંક્તિનો ભેદ ફિલ્મ શરૂ થતાં ખૂલ્યો. ફિલ્મની નાયિકા રામેશ્વરી અંધ હોય છે, આથી હીરો તેને ઉદ્દેશીને કહે છે, ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું.’ રામેશ્વરીની આંખો ખૂબ મોટી અને સુંદર હતી, અને એનો ચાહક એક આખો વર્ગ થયેલો. પણ અમે ત્યારે રામેશ્વરીને ઓળખતા નહોતા.
‘સુનયના’ ફિલ્મ આમ તો ચાર્લી ચેપ્લિનની અદ્ભુત અને અમર ફિલ્મ ‘સીટી લાઈટ્સ’ પર આધારિત છે, જેમાં અનેક ભારતીય તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ‘સીટી લાઈટ્સ’ જોઈ હોય કે ન જોઈ હોય, મેઘાણીએ ‘પ્રતિમાઓ‘ પુસ્તકમાં તેની કથા ‘જીવનપ્રદીપ[1]‘ના નામે આલેખી છે એ ખાસ વાંચવા અનુરોધ છે. ફૂલ વેચતી અંધ નાયિકા, મુફલિસ નાયક, રોજ રાતે નશામાં ધૂત થઈ આપઘાત કરવા આવતો કરોડપતિ શેઠિયો અને તેને બચાવતો મુફલિસ નાયક, સવારે નશો ઉતરતાં જ બધું ભૂલી જતો શેઠિયો વગેરે ઘટનાઓ ‘સીટી લાઈટ્સ’ની જેમ જ આમાં છે. અલબત્ત, ‘સીટી લાઈટ્સ’ જોતાં હોઠ પર સતત મરકાટ રહે, અને આંખો ભીની. એ તત્ત્વ આમાં ગેરહાજર છે. અલબત્ત, આ ફિલ્મમાં એ અપેક્ષિત પણ નથી.
હીરેન નાગ દિગ્દર્શીત આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા નસીરૂદ્દીન શાહ, રામેશ્વરી, વિજયેન્દ્ર, પિંચૂ કપૂર, લીલા મિશ્રા, રાજેન્દ્ર નાથ, મુકરી, જગદીપ વગેરે.

ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં, જે રવીન્દ્ર જૈને લખેલાં તેમજ સંગીતબદ્ધ કરેલાં. ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ (યેસુદાસ), ‘મેઘા ઓ રે મેઘા તૂ તો જાયે દેસબિદેસ’ (હેમલતા), ‘લોગ કહે મેરા સાંવલા સા રંગ હૈ, ફૂલ સમા ખિલા ખિલા અંગ હૈ’ (હેમલતા) અને ‘આંસૂ ભી હૈ, ખુશિયાં ભી હૈ’ (યેસુદાસ).
આ પૈકીનું ‘આંસૂ ભી હૈ’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેના શબ્દો આ મુજબ છે.
आंसू भी हैं, खुशियां भी हैं
कांटे भी हैं, कलियां भी हैं
दुखसुख से भरी है ये ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखो
ये मत सोचो की कितना मिला
सोचो बहोत मिला, हमें जितना मिला
ये मत सोचो की कितना मिला
सोचो बहोत मिला, हमें जितना मिला
‘किस्मत’ ‘किस्मत’ कहो न
मेहनत मेहनत करो
के रोना भी है,हसना भी है
पाना भी है, तरसना भी है
नहीं इतनी बुरी ये ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखो
लोग निकाले चाँद मैं भी कसर
जैसा जो देखे वही पाये नज़र
लोग निकाले चाँद मैं भी कसर
जैसा जो देखे, वही पाये नज़र
अवगुण अवगुण न देखो
गुण ही ढूँढा करो
के हलकी भी है, ये भारी भी है
जी मीठी भी है, खारी भी है
हर पग पे नयी है ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखो
‘સુનયના’નું આ ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
