આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય

અપર્ણાએ તેના પતિ મનીષને કહ્યું કે ‘આજે મમ્મીનો ફોન હતો કે મમ્મીજીને કહેજો કે મારાથી પૂજામાં નહીં અવાય કારણકે મારે મમ્મીને ડોક્ટર પાસે લઈ જવી છે’. મનીષે કંટાળીને કહ્યુ, ‘ભલે., પણ મને શા માટે કહે છે. તું જ સીધી મમ્મીને કહી દે ને કે મમ્મીજી નહીં આવી શકે’.
વાચક મિત્રોને આ સંવાદમાં ગૂંચવાડો લાગે છે? શક્ય છે. એમાં ત્રણ માતાઓની વાત છે: અપર્ણાનાં મા નિર્મળાબેને મનીષના માતા વિમળાબેન માટે આ સંદેશો મોકલ્યો છે કે એ પોતાના મા કમળાબેનને દવાખાને લઈ જવાના છે એટલે આવી નહીં શકે. ટેલિવિઝન સિરિયલની અસર નીચે અપર્ણા પોતાનાં સાસુને માત્ર મમ્મી કહેવાને બદલે માનાર્થે મમ્મીજી કહે છે તેથી ઊલટું મનીષ પોતાનાં સાસુને મમ્મીજી કહે છે. હવે એ સંવાદ ફરીથી વાંચી લો.
અત્યારે ‘મમ્મી ‘ સંબોધનનું મોનોકલ્ચર છે; ૫૦ વર્ષથી ઓછી ઉંમરની પેઢીના બધા જ લોકો માને મમ્મી કહીને બોલાવે છે અને પિતાને પપ્પા કે ડેડી. અગાઉની પેઢીમાં આવા ગૂંચવાડાને કોઈ સ્થાન ન હતું. મમ્મી અને પપ્પા એ શબ્દો હજી આવ્યા જ નહોતા. સંતાનો માતાને કે પિતાને શું નામે બોલાવે તેનો આધાર સંયુક્ત કુટુંબના બંધારણ ઉપર હતો. સંબોધન કેમ કરવું તે શીખવવામાં ન આવતું. બાળકને ઘરમાં સંભળાતું જે તે નામે બાળક માતા-પિતાને બોલાવતું. મા માટે ભાભી, કાકી કે મામી જેવા સંબોધન અત્યારે વિચિત્ર લાગે પણ બહુ સામાન્ય હતાં. મોટા કુટુંબમાં સૌથી મોટા ભાઈના પત્નીને નણંદ કે દીયરો ભાભી કહેતાં હોય તે પછી ભાભીને બાળકો થાય તો એ ઘરમાં બોલાતો શબ્દ પકડીને માતાને ‘ભાભી’ એ જ નામે બોલાવે તે સ્વાભાવિક છે. એ જ બાળકો દિયરની નવી આવેલી પત્નીને કાકી કહેવા લાગે એટલે જ્યારે નાના ભાઈને છોકરાં થાય તે પિતરાઈ ભાઈ બહેનોની નકલ કરીને પોતાની જ માતાને ‘કાકી’ કહે. જો દિયરને બદલે નણંદના છોકરા ઘરમાં વધુ દેખાતું હોય તો એ કાકીને નણંદના છોકરા ‘મામી’ કહેતાં હોઈ શકે એટલે કેટલીક માતાઓ મામી પણ કહેવાતી. એ વખતે આમે ય બાળકો ઘણાં હતાં તેથી ક્રમવાર નાના ભાઈ બહેનોનું સામાજિક શિક્ષણ વડીલો નહીં પરંતુ તેનાથી મોટા ભાઈ બહેનો જ કરતાં. એટલે જે તે સંબોધન કે વર્તુણૂક ક્રમવાર છેલ્લા સંતાન સુધી પહોંચી જતાં. શબ્દનું મૂળ શોધવું એટલું અઘરું છે કે અમારા કાકીને અમે ‘બેન’ કહેતાં. એ તો ઠીક, એમના પોતાનાં સંતાનો પણ માતાને ‘બેન’ કહે ! ન હોય તેવા સંબંધોનાં સંબોધનોની છે ને રફતાર બેઢંગી ?
કેટલાક ખાસ સંજોગોમાં સંતાનો માતાને એનાં પ્રથમ નામથી પણ બોલાવતાં હોય એવું પણ તમે જોયું હશે. એક વડીલ જાજરમાન કુટુંબમાંથી આવ્યાં હતાં એટલે તેમનાં નણંદ અને દેરાણી એમને અંગત નામથી સવિતાબેન કહીને બોલાવે. આથી એમના સંતાનો પણ એ જ નામે બોલાવે. આમાં એવું પણ બને કે એ છોકરાઓ મોટાં થઈ જાય ત્યારે તેમનાં સંતાનો, એટલે કે ત્રીજી પેઢી પણ એમને પ્રથમ નામથી બોલાવતી હોય. આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં દેખાતાં મા, માં, અંમાં, બા, બાઈ એ સંબોધનો તો ખરાં જ, જેમાં છેલ્લે મમ્મી ઉમેરાયું. એવા સંબોધનો કે સૂચન કરે છે એ બાળક સંયુક્ત કુટુંબમાં નહીં કદાચ વિભક્ત કુટુંબમાં મોટું થયું હશે. માતાની જેમ પિતાના નામોમાં પણ વિવિધતા હતી. માતા બાબતે જોયું તેવા જ તર્ક હેઠળ પિતાને ક્યારેક કાકા, ભાઈ, બબાકાકા, ગોરાકાકા, ભાઈકાકા, ભા એવાં જુદાં જુદાં સંબોધનો ચોટતાં! અમારા એક દુરના કાકાનું હુલામણું નામ ભલાભાઇ હતું. તેમના બાળકો અને અમે ભત્રીજાઓ પણ તેમને એ અંગત નામે જ બોલાવતા. ગ્રામ્ય જનતામાં સંબોધનોમાં ‘બાપુ’ સંબોધન સામાન્ય રીતે સંભળાતું.

વિભક્ત કુટુંબ:
જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે વિભક્ત કુટુંબ ( ન્યુક્લિયર ફેમિલી) નો કોઈ ખ્યાલ હતો નહીં. જે હતું તે સંયુક્ત કુટુંબ જ હતું. બે થી વધુ પુત્રો હોય તો માબાપ પોતે જ નિયોજિત રીતે મોટા પુત્રને લગ્ન પછી જુદુ ઘર લઈ દઈ વસવાટ કરાવતાં. પછી એવો સમય આવ્યો કે ઘરમાં વાસણો ખડખડે તો નાછૂટકે એક ભાઈ જુદા વસવાટ માટે જતો. પરંતુ સમાજની દ્રષ્ટિમાં (જે ત્યારે મુખ્યત્વે જ્ઞાતિ જ હતી) એ ચર્ચાનો વિષય બનતો. વિઘ્ન સંતોષીઓ એમાંથી કારણ શોધવાનો પ્રયત્ન કરતા. ભણતર વધતાં નોકરીઓ ઘરથી દૂર થવા લાગી ત્યારે આપોઆપ વિભક્ત કુટુંબ બનવા લાગ્યાં. પરંતુ નાભીનાળના સંબંધ તેનાથી તૂટતા ન હતા. વેકેશનમાં કે સારા માઠા પ્રસંગોએ પરિવાર એકત્ર થતું અને એક છત્ર નીચે રહેતું.
સંયુક્ત કુટુંબ
ગઈ સદીના ૧૯૬૦ કે ‘૭૦ ના દાયકાઓ દરમિયાન વર્તમાનપત્રોના મહિલા જગતના પાનાઓમાં એક મોટી ચર્ચાનો વિષય રહેતો કે વિભક્ત કુટુંબ સારું કે સંયુક્ત કુટુંબ. બંને તરફ મજબૂત દલીલો તો ત્યારે હતી અને આજે પણ છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના ખ્યાલ દિવસા દિવસ દ્રઢ થતા જાય છે એટલે આજે જો આવી ચર્ચા કાઢવામાં આવે તો સંયુક્ત કુટુંબને બહુ ઓછા મત મળે એમ લાગે છે. સ્વાભાવિક છે કે પ્રથાના લાભ અને ગેરલાભ બન્ને હોય. વ્યક્તિ સ્વાતંત્ર્યના સાટામાં જે હુંફ અને સલામતી સંયુક્ત કુટુંબમાં મળતી તેનો ક્યાસ વર્ણન કરવાથી ના આવે. જીવનના ઉતાર ચઢાવમાં આજે દંપત્તિઓ એકલા ઝઝુમે છે, ખાસ કરીને અચાનક આવતી સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે ત્યારે અસહાયતાનો અનુભવ થાય છે. દૂરના સગા કે મિત્રનો સહારો શોધવો જ પડે છે. સંયુક્ત કુટુંબનુ મહત્વ ત્યારે સમજાય છે.
સંયુક્ત કુટુંબના વખતના કેટલાક રિવાજો કે ખાસિયતો એવી હતી જે આજે તદ્દન વિચિત્ર લાગે. સૌથી પ્રખ્યાત હતી, કુટુંબની સ્ત્રીઓ પુરુષવર્ગની લાજ કાઢે તે. સાડીના છેડાથી હંમેશા ઘૂઘટ ખેંચી રાખેલો હોય જે સસરા, જેઠ અને પતિ ત્રણેય માટે લાગુ પડે. એવા ઘરમાં દાખલ થાવ ત્યારે સ્ત્રી વર્ગને જોઈને ખબર પડી જાય કે ઘરમાં સિનિયર પુરુષો હાજર છે કે નહિં. એ જ રીતે સ્ત્રીઓના અવાજનું વોલ્યુમ પણ પુરુષો ઘરની બહાર જાય ત્યારે ‘ઘીમા’ પર થી ‘નોર્મલ ’ પર આવી જતો. એક બીજો રિવાજ એવો કે પિતા પોતાના વડીલોની હાજરીમાં સંતાનોની સાથે સામસામે વાત ન કરે કે ન તો તેને નામથી સંબોધે. એટલે કે પિતા પુત્રનું નામ ન લે. એમાં પાછી સિનિયોરિટી જળવાય. સૌથી મોટાભાઈ જો દાદા હાજર ન હોય તો પોતાના સંતાનો સાથે વાત કરે. તેના પછીનો વચેટ ભાઈ મોટાભાઈનાં સંતાનો જોડે વાત કરી શકે પણ પોતાનાં સંતાન જોડે નહીં. અને સૌથી નાના ભાઈ માટે તો પોતાના બાળકો જોડે વાત કરવાનું ક્યારે બને જ નહીં !

સ્ત્રીવર્ગ ઉપર આની અસર એવી કે માતા તો છોકરાંનાં નામ પણ ન લે. ‘મોટો’, ‘નાનો’, ‘વચલી’, ‘મોટી’, ‘છોરી’ એવાં વિશેષણથી કામ ચાલતું હોય. જો ઘર વધુ રૂઢિવાદી હોય તો છોકરાં ના લિંગ પણ ન દર્શાવે જેમ કે મા એમ કહે “મોટું નિશાળે ગયું છે” એમાં એ મોટો છે કે મોટી એ પણ ખબર ન પડે ! જો કે આ આ પ્રથા પુત્ર માટે વધારે લાગુ પડતી હતી. આમાં એક સુખદ અપવાદ પણ હતો. બાપ દીકરા જોડે વાત કરે કે ન કરે પણ જરૂર પડે દીકરી જોડે જરૂર વાત કરતા. આથી દીકરાઓ માતા સાથે કે બહેન સાથે પિતા માટે સંદેશો મૂકાવતા. નાની વહુના સંતાનો કજીયો કરવો હોય કે ત્રાગાં કરવાં હોય તો માત્ર માની સામે જ કરી શકતાં અને કરી લેતાં, કારણ કે કાકા કે કાકી સાથે એ ન થઈ શકે. આ પરિસ્થિતિમાં દબાણ હેઠળ આવેલી નાની વહુઓ વિના કારણે છોકરાંને ઢીબી પણ નાંખતી. એમ માર ખાવાનુ છોકરાઓના ભાગે વધારે આવે. છોકરાઓને તો પિતાના હાથની માર પણ ખાવી પડતી. બાળકોને મારવાના પ્રસંગો આજના દિવસે લગભગ નથી જ બનતા એનું મુખ્ય કારણ એ પણ છે કે દંપતીને એક કે બે જ બાળકો હોવાથી એને પ્રેમ આપતાં જ થાકતાં નથી. પિતા દ્વારા સંતાનો સાથે સામસામા સંવાદની ગેરહાજરી ને કારણે તેઓના અભ્યાસ બાબત પૂછપરછ કરવી કે તેમના કેરિયર વિશે ચર્ચા કરવાનો પ્રશ્ન જ નહોતો થતો. કોલેજમાં કઈ શાખા લેવી કે ક્યા વિષય ચૂંટવા એ પ્રકારના નિર્ણયો અમારી પેઢીએ તો આસપાસના સમાજમાંથી પ્રેરણા લઈને જ લીધા હતા. આજે જો કોઇ પિતા આવા નિર્ણય પુત્ર પર છોડે તો તેને બાકીના લોકો બેજવાબદાર જ ઠરાવશે.

સૌજન્યઃ નવનીત સમર્પણ, ઓક્ટોબર, ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સાંદર્ભિક તસવીરોઃ નેટ પરથી

વ્યક્તિ સ્વાતંત્ર્યના સાટામાં જે હુંફ અને સલામતી સંયુક્ત કુટુંબમાં મળતી તેનો ક્યાસ વર્ણન કરવાથી ના આવે. જીવનના ઉતાર ચઢાવમાં આજે દંપત્તિઓ એકલા ઝઝુમે છે, ખાસ કરીને અચાનક આવતી સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે ત્યારે અસહાયતાનો અનુભવ થાય છે. દૂરના સગા કે મિત્રનો સહારો શોધવો જ પડે છે. સંયુક્ત કુટુંબનુ મહત્વ ત્યારે સમજાય છે….
Yes, we loose some to gain some.
LikeLike