ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ દુર્ઘટના એકાદ વાર બને તો એને અકસ્માત કહી શકાય, પણ એકની એક પ્રકારની દુર્ઘટના વારેવારે થયા કરતી હોય તો એને બેદરકારી, ઊપેક્ષા, અવગણના, જડતા કે એવું બીજું જે કહેવું હોય એ કહી શકાય.
૨૦૨૫ની વીસમી ડિસેમ્બરે આસામમાં વધુ એક વાર આ દુર્ઘટનાનું પુનરાવર્તન થયું. મિઝોરમના સૈરાંગ સ્ટેશનથી દિલ્હી તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના પાંચ ડબ્બા અને એન્જિન, ગુવાહાટીથી સવાસો કિ.મી.ના અંતરે વનવિસ્તારમાં પાટા પરથી ઊથલી પડ્યાં. સદ્ભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નહીં. પણ દુર્ઘટના આ નથી. દુર્ઘટના એ છે કે રાતના આશરે બે વાગ્યાની આસપાસ આ ટ્રેનના ડ્રાઈવરે હાથીઓના ટોળાંને પાટાની આસપાસ જોયાં. તેણે ઈમર્જન્સી બ્રેક લગાવી. છતાં હાથીઓ એન્જિન સાથે ટકરાયા. અમુક બચ્ચાં અને એક સગર્ભા હાથણી સહિત સાત હાથીઓ મોતને ભેટ્યા. હાથીઓ સાથેની ટક્કરને કારણે એન્જિન અને થોડા ડબ્બા ઊથલી પડ્યા.
ટ્રેન સાથે હાથીઓની ટક્કર અને તેને લઈને થતાં મોતનો આ પહેલવહેલો કિસ્સો નથી. છેલ્લો પણ નહીં હોય. બલકે આમ ન થતું રહે તો જ નવાઈ ગણાશે. આસામમાં હાથીઓની વસતિ દેશમાં દ્વિતીય ક્રમે છે અને ૨૦૧૪માં રાજ્ય સરકારના આંકડા અનુસાર કુલ ૫,૮૨૮ હાથીઓ હતા. ખોરાક, પાણી અને આવાસની જરૂરિયાત મુજબ હાથી એક દિવસમાં ઓછામાં ઓછા પચીસ અને વધુમાં વધુ ૧૯૫ કિ.મી. જેટલો પ્રવાસ કરે છે. હાથીઓ મોટે ભાગે ટોળામાં ફરે છે, અને જે મુખ્ય વિસ્તારોમાં તેમની આવનજાવન રહેતી હોય એવા વિસ્તારો ‘એલિફન્ટ કોરીડોર’ તરીકે ઓળખાય છે. દેશના ઈશાન ખૂણે આવેલાં આ રાજ્યોમાં હવે વિકાસ થઈ રહ્યો છે, જેમાં ખનન, ઉદ્યોગ સહિત અનેકવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આવા પ્રકલ્પોને મંજૂરી આપતાં અગાઉ કાનૂની જરૂરિયાત અનુસાર પર્યાવરણ પર થનારી તેની અસરો અને તેના ઊપાયો બાબતે અભ્યાસ થાય છે ખરા, પણ એક વાર કામ આરંભાઈ જાય પછી જે થવાનું હોય એ થઈને જ રહે છે.
જેમ કે, હાથીઓના આ કિસ્સે એવું બન્યું કે સો જેટલા હાથીઓ પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉની જેમ જ આ કિસ્સો પણ બેદરકારીનો જ છે. એ વિસ્તારની એક મહિલા ખેડૂત સીનુ મોની દેવરીનું ઘર પાટાથી સોએક મીટરના અંતરે છે. તેમના જણાવ્યા અનુસાર રાતના સાડા દસની આસપાસ સ્થાનિક ગ્રામ પંચાયતે તેને એસ.એમ.એસ. દ્વારા જાણ કરેલી કે દોઢસોએક હાથીઓનું ટોળું એ વિસ્તારમાં ફરી રહ્યું છે. ડાંગરની લણણીની મોસમ શરૂ થતાં હાથીઓ ગામ તરફ આવતા હોય છે, પણ ખાસ નુકસાન કરતા નથી. પણ એ ખેતરમાં ઘૂસી ન જાય એટલા સારું ગામલોકો તેમના પર નજર રાખતા હોય છે. સીનુએ એટલા માટે બે તાપણાં સળગાવી રાખેલાં. રાતના બેની આસપાસ ટોળું પાટાની નજીક જવા લાગ્યા એટલે કેટલાક ગ્રામજનો તેમની પાછળ ગયા, કેમ કે, તેમને ખ્યાલ હતો કે હવે રાજધાની એક્સપ્રેસના પસાર થવાનો સમય નજીક છે. પણ આખરે જેનો ડર હતો એ થઈને જ રહ્યું.
રેલવે વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અકસ્માત થયો એ સ્થળ નિર્ધારીત એલિફન્ટ કોરીડોર નથી. આ વિસ્તારના એક વરિષ્ઠ પત્રકારનું કહેવું છે કે આ હાથીઓ મિકિર બામુની નામના વિસ્તારમાંથી આવતા હતા, જે એક નિર્ધારીત કોરીડોર છે. હવે એ કોરીડોરને વિશાળ સૌર પાર્કમાં વિભાજીત કરી દેવાયો છે. લણણીની મોસમમાં હાથીઓ જે માર્ગે આવનજાવન કરે છે ત્યાં પુષ્કળ દબાણો છે, જમીનોના હેતુફેર, ખનનપ્રવૃત્તિઓ વગેરે ચાલી રહ્યાં છે. આથી હાથીઓએ પોતાના ખોરાક માટે માર્ગ બદલીને પાટા ઓળંગવા પડે છે.
રેલવે વિભાગના પ્રવક્તા ભલે કહે કે આ વિસ્તાર નિર્ધારીત એલિફન્ટ કોરીડોર નથી, પણ પર્યાવરણ મંત્રાલય, આસામ રાજ્ય વનવિભાગ, ભારતીય રેલવે તેમજ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન સંયુક્તપણે હાથ ધરાયેલું સર્વેક્ષણ કંઈક અલગ દર્શાવે છે. એ મુજબ આ રાજ્યનું વિશાળ રેલવે નેટવર્ક અનેક ઠેકાણે વન્ય જીવોના આવાસસ્થાન તેમજ એલિફન્ટ કોરીડોરમાંથી પસાર થાય છે. પરિણામસ્વરૂપ આ વિસ્તારમાં થતાં હાથીઓનાં અકુદરતી મૃત્યુના કારણમાં તેમની ટ્રેન સાથેની ટક્કર દ્વિતીય ક્રમે આવે છે. ૧૯૦૦ થી ૨૦૧૮ ના ૨૮ વર્ષ દરમિયાન કુલ ૧૧૫ હાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે જાન્યુ.૨૦૧૭ થી માર્ચ, ૨૦૨૩ના ફક્ત છ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન કુલ ૩૩ હાથીઓ મૃત્યુ પામ્યા છે. એમાંય નોર્થઈસ્ટ ફ્રન્ટીઅર રેલવે (એન.એફ.આર.) ક્ષેત્રમાં ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન મૃત્યુ પામેલા હાથીઓનો આંકડો સૌથી વધુ, ૬૩નો છે.
આનો અર્થ સાફ છે. રેલવેના પાટાની દિશા કંઈ બદલાવાની નથી, બલકે એનો વિસ્તાર હજી વધતો જશે. હાથીઓની આવનજાવનનો માર્ગ અવરોધાતો રહેશે, કેમ કે, વનવિસ્તારમાં ઉદ્યોગો પણ વધતા રહેવાના. દબાણો અને ખેતી માટે જમીનનો હેતુફેર આ વિસ્તારને ઓર સંકોચી નાખશે. આ કારણે હાથી અને માનવ વચ્ચેની અથડામણની ઘટનાઓ હજી વધતી રહેશે, કેમ કે, શરૂ થયેલા વિકાસની આ ગાડીને રિવર્સ ગિયર નથી હોતો. આમાં ક્યારેક માનવ પણ મરી શકે, અને મોટે ભાગે હાથીઓ. આપણે બસ, આવા સમાચારોથી ટેવાઈ જવું પડશે. કેમ કે, મૃત્યુનું દેખીતું કારણ અકસ્માત કહેવાશે, પણ હકીકતમાં એ બેદરકારી છે, અને એ પણ ગુનાહિત, જેને હત્યાની સમકક્ષ મૂકવી પડે. એના આરોપી તરીકે આપણા સૌનું નામ મૂકાશે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
