ઉદાર અને ઉદ્દાત્ત વ્યક્તિત્વ ધરાવતા એક સફળ વૈજ્ઞાનિક તરીકે ડો. દિનેશ ઓ. શાહનું નામ અમેરીકાના ગુજરાતીઓમાં જાણીતું છે.
૧૯૩૮માં મુંબઈમાં જન્મેલા દિનેશભાઈની અમેરિકાની જીવન યાત્રા ૧૯૬૧માં શરૂ થઈ. સામાજિક પ્રગતિ માટેના કાર્યોમાં ગુજરાતમાં તેમણે ઘણો ફાળો આપ્યો છે. જેમાં શાહ-શૂલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી મુખ્ય છે. તેમના પત્ની સુવર્ણાની યાદમાં “સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ”નું આયોજન દર બે વર્ષે થતું રહે છે તે તેમના પ્રેમાળ અને ઉદાર દિલનું પ્રમાણ છે.
સાહિત્ય પ્રત્યેનો એમનો રસ ઘણો ઊંડો છે. કલમના જાદુથી એક તરફ રીસર્ચ પેપર્સમાં એમનું બુદ્ધિ કૌશલ્ય તો બીજી બાજુ કવિતાઓમાં સંવેદનાથી ભરપૂર હ્રદય છલકાય છે. એમના લખેલા ગીતોના પુસ્તક ઉપરાંત સીડી ઓ પણ ઉપલબ્ધ છે. એમની લખેલી કવિતા ગુજરાતની શાળાઓ માટેના પાઠ્યપુસ્તકમાં પણ પસંદગી પામી છે. જાણીતા ગાયકો અને સંગીતકારોની ઉપસ્થિતિમાં એમના ગીતોના કાર્યક્રમો મુંબઈ, અમદાવાદ, વડોદરા વિગેરે શહેરોમાં યોજાયા છે.
તેમની કહેલી વાર્તાઓનો ઈગ્લીશમાં અનુવાદ કરીને કિશોરવયના પૌત્રને પુસ્તક પ્રગટ કરવાની પ્રેરણા થઈ. દાદાનો વારસો અને પ્રભાવ પૌત્રએ લખેલા “વોકિંગ વિથ માય દાદા” પુસ્તકમાં પ્રગટ થાય છે. નિવૃત લોકો માટેની ફ્લોરિડાની શાંતિ નિકેતન કોલોનીમાં રહીને સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન તેઓ કરતા રહે છે.
www.dineshoshah.com પર એમને મળી વાંચી શકાશે.
Email: dineshoshah@yahoo.com
તારીખ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ હું મુંબઈથી ક્વોન્ટાસ એરલાઈનની ફ્લાઇટ લઇ મુંબઈથી નીકળ્યો ત્યારથી શરુ થઇ. એરપોર્ટ ઉપર મારા ભાઈઓ, બહેનો, સગાવહાલા, મિત્રો મને વળાવવા આવેલા. ઘણા મારા માટે હારતોરા લઈને આવેલા. હું સ્વપ્નોની દુનિયા અને હકીકતની દુનિયાની વચ્ચે ઝોલા ખાતો હતો. જાણેલી દુનિયા છોડી એક અજાણી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો. ભાવિના સ્વપ્નો પણ હતા અને એ સાચા પડશે કે નહિ તેનો ગભરાટ પણ અનુભવતો હતો. મારી પૂર્વ ભૂમિકા જોતા વાચકને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે.
કપડવંજ નામના એક નાના ગામમાં મારો ઉછેર થયો. મારા પિતાશ્રી હું દસ વર્ષનો હતો ત્યારે દેવલોક પામ્યા. મારા માતુશ્રી શારદાબેનના માથે બે દીકરીઓ તેમજ ત્રણ દીકરાઓને મોટા કરવાની જવાબદારી આવી પહોંચી. તેમણે ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા રાખી હિંમતથી બાળકોને આગળ
વધવા પ્રોત્સાહન આપ્યું. આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. સારા નસીબે મારા મામા શ્રી ચંદ્રકાન્ત પરીખ ગાંધીજી ના અનુયાયી હતાં. આ પણ એક આકસ્મિક બનાવ છે કે આજે ઓક્ટોબર 2, ગાંધીજીની પુણ્યતિથિના દિવસે મારા જીવનની વાર્તા લખવાની શરૂઆત કરું છું. તેમને મને કહ્યું કે
કે તું સુતરની એક આંટી કાંતી આપે તો તને ત્રણ આંટીનો એક રૂપિયો આપીશ. દર રવિવારે સવારથી સાંજ સુધીમાં હું ઘરના એક જુના રેટિયા ઉપર ત્રણ આંટી કાંતીને બનાવી શકતો. દિવાળીના સમયે હાથથી દોરીને રંગીન ગ્રીટિંગ કાર્ડ બનાવતો. તે સમયે ઘણા ઓળખીતા લોકો મને મદદ કરવા એક એક રૂપિયાનું કાર્ડ ખરીદતા. આગળ જતા મારા એક પાડોશીએ તેમના બે નાના છોકરાઓનું ટ્યુશન કરવા મને ક્હયુ. મારે આ બને બાળકોને ગણિત અને વિજ્ઞાન શીખવાડવાનું હતું.
આઠમા ધોરણમાં હતો ત્યારે એક હરિજન જે અમારી વ્યાયામ શાળાનો કચરો વાળતો હતો તે કામ છોડી ને બીજે જતો રહ્યો. તો મેં અમારા વ્યાયામ શિક્ષક નરહરિભાઈને
કહ્યુકે હું દરરોજ કચરો વાળીશ અને તમે મને જે પગાર પેલા હરિજનને આપતાં હતા તે મને આપજો. તેમણે મંજૂરી આપી અને મને દર મહિને પાંચ રૂપિયાનો પગાર મળતો.
દરરોજ સાંજે શાળા છૂટે એટલે હું વ્યાયામશાળા સાફ કરતો તેમજ થોડી કસરત કરી ઘેર આવતો. એ સમયે મને હાઈ જમ્પ અને લોન્ગ જમ્પમાં ખુબ રસ હતો અને કોઈક દિવસ ઓલમ્પિક હરીફાઈમાં ભાગ લઈશ તેવા સ્વપ્ન પણ સેવતો. થોડા સમય બાદ અમારી શાળાના સંચાલક શ્રી શંકરલાલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે એક વાર શાળાની મુલાકાત દરમ્યાન એક ભાષણમાં કહ્યુકે હવે આપણે આઝાદ થયા છીએ અને આપણા વિદ્યાર્થીઓએ મહેનત કરી પોતાના પગ પાર ઉભા રહેતા શીખવું જોઈએ. તો મેં એમને કહ્યું કે તમે શું કામ આપો? તો એમણે કહ્યુકે મારા ખેતરમાં દરરોજના બે રૂપિયા આપીશ. એ સમર વેકેશનમાં અમે ત્રણ વિદ્યાર્થીઓએ એમના ખેતરમાં કામ કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે એક વિદ્યાર્થી ના આવ્યો કે મારા પાડોશીઓ વાતો કરે છે કે બ્રાહ્મણ થઈને ખેતરમાં કામ કરવા જાય છે. ત્રણ દિવસ પછી બીજો વિદ્યાર્થી ના આવ્યો કે મારી જૈનોની નાતવાળા કહે છે કે જૈનનો દીકરો થઈને ખેતરમાં મજૂરી કરવા જાય છે. મેં એકલાએ બે મહિના શંકરભાઈના ખેતરમાં કામ કર્યું. મને મારા પગાર કરતા
25 રૂપિયા વધારે આપ્યા. મેં પૂછ્યું કે શા માટે વધારે આપો છો? તો તેમણે કહ્યુકે આ 25 રૂપિયા તારી નૈતિક હિંમતના આપું છું. તે બીજા છોકરાઓની જેમ ડરીને બીજા વાતો કરશે એમ ગભરાઈને જોબ છોડી ના દીધી . ગાંધીજીની વિચાર સરણી જાતમહેનત કરવાની મને ખુબ કામ લાગી. આ માટે ગાંધીજીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
આમ અનેક કામ કરી જીવનમાં અનેક નવા સ્વપ્ના ઉમેરી જોતજોતામાં એસ.એસ.સી. ની પરીક્ષા આપી દીધી. ત્યાર બાદ બે મહિનાના વેકેશનમાં મારા એક મિત્ર પ્રભુચરણ સાથે હિમાલયના પ્રવાસે જવાનું નક્કી કર્યું. ગુજરાતમાં રહેલો વ્યક્તિને ખ્યાલ જ ના આવી શકે કે હિમાલયમાં બરફ પડતો હોય છે અને ઉનના કપડાંની જરૂર પડે છે. અમે તો ચાલુ કોટનના કપડાં લઈને હિમાલયના પ્રવાસે નીકળ્યા. હરદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, તુંગનાથ વી. જોઈ આનંદ અને સંતોષ થયો. આટલું જોયા પછી મને તાવની બીમારી લાગી. તરત હું ઘેર પાછો આવ્યો. ડોક્ટરે કહ્યુકે ટાઇફોઇડની બીમારી છે. ત્યાં સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. કપડવંજ કેન્દ્રમાં મારો પહેલો નંબર આવ્યો હતો. બધા શિક્ષકો મને મળવા મારી ઘેર આવ્યા હતા. શાળામાં મારી તબિયત સારી થઇ જાય તે માટે સમૂહ પ્રાર્થના થઇ હતી. આ બધાની મારા મન ઉપર ઘણી અસર થઇ અને હું થોડા સમયમાં સારો થઇ ગયો. મારા મોટાબેન પદ્માબેન તેમજ બનેવી કનુભાઇએ મારુ એડમિશન એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું તેમજ રહેવા માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં લીધું. આ હોસ્ટેલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હતી. તેમાં ખુબજ ઓછા ખર્ચથી રહેવાતું.
મારી કોલેજ શરુ થઇ ગઈ. ગુજરાતી કવિતાની હરીફાઈમાં મેં મારુ લખેલું એક મુક્તક આપ્યું. પરિણામ જાહેર થયું તેમાં મારા મુક્તકને બીજું ઇનામ મળ્યું. આ કારણથી મારી છાપ “કવિ” તરીકે બધા મિત્રો ઓળખવા લાગ્યા. અંગ્રેજીમાં બોલવું કે લખવું મારા માટે ખુબ ભારે હતું પરંતુ બધાને ફાવે છે તો મને કેમ ના ફાવે તેવો વિચાર કરી પ્રયત્ન કરતો. એક સેમેસ્ટરમાં જે કઈ ઈનામના પૈસા મળેલા તે વપરાઈ ગયા. એક સાંજે દરિયાકિનારે ચાલતો હતો અને વિચાર કરતો હતો કે કઈ રીતે જરૂરિયાત જેટલા પૈસા ભેગા કરી ભણતર ચાલુ રાખવું? અચાનક મારી નજર એક બંગલાના દરવાજા ઉપર પડી. ત્યાં નાના બોર્ડ ઉપર લખ્યું હતું કે બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈ તેમજ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ. આ બંને વિષે મેં શાળા દરમ્યાન વાંચ્યું હતું. બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈની આગેવાની નીચે આઝાદ હિન્દ ફોજના ત્રણ જનરલોને દેશ દ્રોહની સજામાંથી મુક્ત કરાવેલા. ગાંધીજીએ તેમને “દેશભક્ત ભુલાભાઇ દેસાઈ ” તરીકે બહુમાન કરેલું. આ રોડનું નામ પણ ભુલાભાઇ દેસાઈ રોડ હતું. મેં બારણાંપાસે જઈ બેલ વગાડ્યો. એક નોકરે બારણું ખોલ્યું અને પૂછ્યું કોનું કામ છે? મેં કહ્યું કે ઘરમાં જે હોય તેમને આ ચીઠી આપશો? એક કાગળમાં મેં લખ્યું કે હું અહીં એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણું છું અને ગોકુલદાસ હોસ્ટેલમાં રહુ છું . મારે કઈ પાર્ટટાઈમ કામની જરૂર છે. આપ કઈ મદદ કરી શકો તો મારો અભ્યાસ ચાલુ રહે. નોકર અંદર ગયો અને થોડીવારમાં બારણું ખોલી મને ઘરની અંદર આવવા કહ્યું. ખુબ પ્રભાવશાળી એક બહેન ખુરશીમાં બેઠા હતા . તેમણે મને પૂછ્યું કે ક્યાંથી આવો છો અને હાલમાં શું કરો છો? મેં મારી પુરી કથની કહી . તેઓ દેલવાડાના દેહરાની મુલાકાતે ગયેલા ત્યારે મારી શાળાના વિદ્યાર્થીઓને મળેલા અને તેમના પર સારી છાપ પડેલી. તેમણે કહ્યું આવતીકાલે આવજો અમે વિચાર કરીને તમને કંઈક કામ આપીશું. આ બેનનું નામ હતું માધુરીબેન દેસાઈ. તેમના પતિ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ સ્વિટઝર્લેન્ડ ખાતે ભારતીય એલચી હતા. તેમનું અચાનક સ્વીટ્ઝરલેન્ડમાં અવસાન થયું એટલે માધુરીબેન ભારત આવી મુંબઈમાં બિચકેન્ડી ઉપર બંગલો બનાવી સ્થાયી થયા. તેઓ અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈના કુટુંબીજન હતા. બીજે દિવસે મળવા ગયો ત્યારે તેઓ ઘરમાં નહોતા પરંતુ તેમના પારસી સેક્રેટરીએ કહ્યું કે તમે અમારા બે નોકરોના બાળકોને ટ્યુશન આપવા આવજો અને અમે તમારી ફી કોલેજમાં તેમજ હોસ્ટેલની ભરી દઈશું. મારા માટે તો આ ન માની શકાય તેવો પ્રસંગ હતો. મારી આર્થિક ચિંતા બિલકુલ મટી ગઈ. મારુ બી.એસ.સી. પતિ ગયું અને પછી મેં કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરુ કર્યું. દર સેમેસ્ટરમાં એકવાર મળવા જતો અને મારા અભ્યાસ વિષે તેમને માહિતગાર કરતો. એમ.એસ.સી. પતાવ્યા બાદ મારે અમેરિકા પી.એચ.ડી કરવા જવું હતું. મને કોલંબિયા યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું અને વિસા લેવા માટે મારી સાથે તે અમેરિકન કોન્સુલેટમાં આવ્યા .
મુંબઈમાં મારા મિત્રોએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી. અમારી જ્ઞાતિના કુટુંબોએ સન્માન સમારંભ ગોઠવીને હારતોરા કર્યા . પહેલા પાને લખ્યું તે પ્રમાણે મારી અમેરિકાની યાત્રા થોડા સ્વપ્નો અને થોડા ગભરાટ સાથે શરુ કરી. હવાઈ જહાજમાં એરહોસ્ટેસે મને મારી સીટ ઉપર બેસાડ્યો અને એક ટ્રેમાં ગરમ પાણીની કીટલી, ટીબેગ, સુગરની પડીકી, ચમચી અને બિસ્કિટ વિ હતા. મેં ટીબેગ તોડી ચાનો ભૂકો ગરમ પાણીમાં નાખ્યો. પણ ચા ગાળવાની ગરણી ના દેખાઈ. તો મેં એરહોસ્ટેસને બોલાવી ચા ગાળવા માટે કંઈક લાવવા કહ્યું. તો એણે મને સમજાયું કે સાર, તમારે ટીબેગ તોડાવાની નહોતી પણ આખી જ પાણીમાં નાખવાની હતી . મારી બાજુમાં એક જનરલ મોટર્સના એક્ઝિક્યુટિવ બેઠેલા અને તેમણે મને સમજાવ્યું કે અમેરિકા બહુજ આગળ પડતો દેશ છે. અમે બધુજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે કરીએ છીએ. અમે ટીબેગ એવી બનાવી છે કે ટી ના મોલીક્યુલ પેપરબેગમાંથી નીકળી ગરમ પાણીમાં આવી જાય અને ટીબેગ અને ચાના કુચા અમે ગારબેજમાં ફેંકી દઈએ છીએ. પછી એ ભાઈ તેમનું વોલસ્ટ્રીટ જર્નલ વાંચવા માંડ્યા . ધીમે ધીમે મેં ચમચી વડે ચાના કૂચ બહાર કાઢી લીધા. હવે મારે સુગર ચાના કપમાં નાખવાની હતી. તો મને વિચાર આવ્યો કે આ એડવાન્સ સોસાયટી ટીબેગમાંથી ટીના મોલીક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવે છે તો સુગરબેગ પણ સુગર મોલેક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવી હશે. એમ સમજી મેં સુગર બેગ આખીને આખી ચાના કપમાં નાખી. મારી બાજુમાં બેઠેલા પેલા એક્ઝિક્યુટિવ મને કહે, “યંગમેન, વોટ આર યુ ડુઇંગ? મેં કહ્યું કે તમે મને કહ્યું કે અમે ટીબેગ એવી ડિઝાઇન કરી છે કે ટી મોલીક્યુલ બહાર પાણીમાં આવી જાય તો તમે સુગર બેગ પણ એવીજ ડિઝાઇન કરી હશે કે જેમાંથી સુગર મોલીક્યુલ બેગમાંથી બહાર પાણીમાં આવી જાય! એમણે કહ્યું કે યંગમેન, યુ વિલ નીડ લોટ ઓફ હેલ્પ ઈન અમેરિકા! હું જરૂર કબૂલ કરું છું કે મારા અમેરિકાના વસવાટ દરમ્યાન મને અનેક વ્યક્તિઓએ ખુબ મદદ કરી છે.
ક્રમશઃ
