હરેશ ધોળકિયા

યુગોથી દિવાળી પછી કે ૩૧ ડીસેમ્બર પછી નવું વર્ષ શરુ થાય છે. યુગોથી તે ઉજવાય છે. તેના આગળના દિવસે રાત્રે લોકો ખાય-પીએ અને નાચે છે. તો નવા વર્ષને દિવસે આખો દિવસ બધાને હળે મળે છે, ફરી ખાઈ-પી ઉજવે છે. આ બધું એવી રીતે કરે છે જાણે કે આ નવું વર્ષ જાણે કોઈ ઉત્તમ બાબત લાવવાનું હોય. જીવનમાં કોઈ નવી સફળતા કે સિદ્ધિ મળવાની હોય. કોઈ ખજાનો મળવાનો હોય. કોઈ અજ્ઞાત આશા સાથે વિશ્વના લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે એક બાજુ તેઓ નવું વર્ષ વધારે સારું જાય માટે કોઈ પ્રતિજ્ઞાઓ લે છે કે પોતાનું ભવિષ્ય જુએ છે કે આવતું વર્ષ તેમના માટે કેવું જશે.

મજાની વાત એ છે કે પછી સમગ્ર વર્ષ મોટા ભાગની આ પ્રતિજ્ઞાઓ પળાતી નથી. વર્ષ પણ આગળનાં વર્ષો જેવું જ સામાન્‍ય જ જાય છે. યહી કિસ્સા પુરાના હૈ ! તેમ છતાં ફરી નવા વર્ષે આ બધી જ વિધિઓ જીવિત કરાય છે 0 ને એ જ ઉત્સાહથી અપનાવાય છે !

ભગવાન બુદ્ધે સંસારને “ચક્ર” કહ્યો છે. ચક્રનું લક્ષણ છે કે તે શરુ થાય કે ગોળ ગોળ ફરે છે. તે ફર્યા જ કરે છે, જાતે અટકતું નથી. કોઈ અટકાવે તો જ અટકે છે. બુદ્ધ કહે છે કે સંસાર પણ એવો જ છે. તે ગોળ ગોળ ફર્યા કરે છે. અટકતો જ નથી. આપણને લાગે છે કે મૃત્યુ તે ચક્રને અટકાવે છે, પણ બુદ્ધ કહે છે, કે મનુષ્ય સમગ્ર જીવન એટલી આસક્તિથી કર્મ કરે છે કે મૃત્યુ વખતે અનેક કર્મો અધૂરાં રહી જાય છે. એટલે તે પુરા કરવા માણસે ફરીથી જન્મ લેવો પડે છે. એકાઉન્ટ તો પૂરો કરવો જ જોઈએ. એટલે તેને પુનર્જન્મો લેવા પડે છે. જયારે તે અ નાસક્ત થઇ જાય છે, ત્યારે જ આ ચક્ર અટકે છે.

એ સંદર્ભમાં “નવું વર્ષ” જેવું કઈ છે જ નહિ. સમય પણ ગોળ ગોળ ફરે છે. તેમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં આ ફરવું અટકે અને “નવું” ફરવું શરુ થાય. સમય વહ્યો જ જાય છે, સતત, સળંગ, અનંત !

પણ મનુષ્યે આ સમયના ટુકડા પાડ્યા છે, તેને અનેક વિભાગોમાં વિભાજિત કર્યો છે. દરેક વિભાજનને નામ આપ્યું છે. તેણે એક “ ટ્રીક” કરી છે. તેણે પૃથ્વી બાર મહિના ફરી પુન: એ જ પ્રક્રિયા શરુ કરે છે ત્યારે જે પળે તે પુન: એ જ આંટો શરૂ કરે છે, તેને ખાંચો માની તેને નવું વર્ષ કહે છે. એક ભૌગોલિક ઘટનાના બે ટુકડા કરી એકને અંત માને છે અને બીજાને શરૂઆત કહે છે. આ શરૂઆતને નવું વર્ષ માને છે. તેને આધારે જ વર્ષ મપાય છે અને તેનું દસ્તાવેજીકરણ કરાય છે.

પણ મૂળ વાત એ કે કહેવાતું નવું વર્ષ હકીકતે કહેવાતા જુના વર્ષની જ આગળ ચાલતી ઘટના છે. તે એક “રૂટીન” છે. રૂટીન એટલે જેમાં પરિવર્તન ન થાય. તે હતું તેવું જ રહે. એટલે જ કહેવાતા નવાં વર્ષો “તેવાં જ” રહે છે. હા, ઘટનાઓ કે તેના પ્રતિભાવો બદલાતા દેખાય છે કે અનુભવાય છે, પણ હકીકતે તે હતા તેવા જ રહે છે. કદાચ આકારો બદલાતા દેખાય છે, પણ તેમનો ભાવ એવો જ રહે છે. શંકરાચાર્ય કહે છે ને કે પુનરપિ જનનમ પુનરપી મરણમ ! ચાલ્યા જ કરે છે.

આ સંદર્ભમાં દરેક નવા વર્ષને જોવાનાં છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે જો તટસ્થતાથી વીતી ગયેલ સમગ્ર જીવનને જોવાય તો ખ્યાલ આવશે કે બધા જ વર્ષો “એવાં જ “ ગયાં છે. આપણને વહેમ રહે કે ભણ્યા કે નોકરી કે ધંધો કર્યા કે લગ્ન કર્યા કે બાળકો ઉછેર્યા …આ બધાં વિવિધ કાર્યો હતા ! પણ, તત્વજ્ઞાન કહે છે કે આ બધા કામો દરેક જન્‍્મોમાં કર્યાં જ હતાં. એટલે આ જન્મમાં કર્યાં તે કોઈ નવાઈની બાબત ન હતી. હા, આપણને આગળ જન્મોની સ્મૃતિ નથી એટલે આ બધાં માત્ર “આ” જન્મનાં ! ને નવા કાર્યો લાગે છે.

વિવેકાનંદ એક પ્રવચનમાં કહે છે કે શ્રોતાઓ આ પ્રવચનને, તેમના જ મુખે, આ જ સ્થળે, સેંકડો વાર સાંભળી ચુક્યા છે. માત્ર તેમને તેની ખબર નથી. આ અજ્ઞાન જ “નવું”ને માને છે, બાકી તે અનંત વાર થઇ ગયેલ બાબત જ છે જે નવી ‘લાગે છે.’ પણ આ ‘લાગવું’ ભ્રમણા છે. એટલે નવું વર્ષ ઉજવવું ચોક્કસ, તે જ આપણે તાજા રાખે છે, ઉત્સાહિત રાખે છે, રૂટીન તોડે છે, પણ મનમાં બરાબર ખ્યાલ રાખવો કે આ માયા છે. જેમ દરરોજ સૂર્ય ઊગે ત્યારે મનુષ્ય માને છે કે નવો દિવસ શરુ થયો, પણ હકીકતે સૂર્ય નથી ઊગતો કે નથી આથમતો. માત્ર પૃથ્વી ફરવાને કારણે અને ક્ષિતિજની મર્યાદાને કારણે આવા આભાસો થાય છે.

નવું વર્ષ પણ આવું જ છે! છતાં તેને ઉજવવાનું છે કારણ કે જીવનનો એક દિવસ તેના બહાને આનંદમય જાય અને આવનારા વર્ષમાં પણ આવો જ આનંદ રહેશે એ શ્રદ્ધા તેને આવનારા દિવસો પણ આનંદમાં જશે એ અપેક્ષાથી જીવવામાં મદદ કરે છે. પણ તેને એ ખ્યાલ પણ છે કે અનેક ચિંતાઓ, ભયો, ઉપાધિઓ વર્ષને ધૂંઘળું જ રાખશે.

તો શું જીવનમાં ઉદાસીન રહેવું ? તો જીવવાની મજા કેમ આવશે ?

ના, સત્ય ક્યારેય ઉદાસીન ન કરે. તે હમેશા આનંદ તરફ જ લઇ જાય.

પ્રથમ એ સત્યને સમજવાનું છે કે જીવન એક ચક્ર છે. આ ચક્ર સતત ચાલે છે. ચાલવાનું કારણ અનેક કર્મો છે. કર્મોનું કારણ અપેક્ષા અને આસક્તિ છે, અધુરપ છે, અભાવ છે. અને ચિંંતાઓ વગેરે પણ આ અપેક્ષા કે અભાવનું જ પરિણામ છે. તે હશે ત્યાં સુધી ચક્ર ચાલતું જ રહેશે. એટલે ચક્રને આટકાવવું હશે તો ચાલવા માટેનું પેટ્રોલ આપવું બંધ કરવું પડશે. તો જ ચક્ર અટકશે.

પણ તો પછી કરવું શું ? કર્મ ન કરવાં ?

ના, કર્મો તો કરવાં જ પડશે, શરીરને પોષવા. પણ જો તટસ્થતાથી, અનપેક્ષ રીતે, અભાવ ન અનુભવીને કર્મ કરવામાં આવશે, તો પેટ્રોલનો જથ્થો ઓછો થતો જશે. ચક્ર ધીમું પડતું જશે. ભયંકર ગતિથી જે ચક્કર ચડતા હતા અને મન અસ્થિર રહેતું હતું, તે ધીમે ધીમે સ્થિર થવા માંડશે. સ્થિર મન સ્વસ્થ થવા માંડશે. સ્વસ્થ મન તૃપ્ત થવા માંડશે. તૃપ્તિ અપેક્ષાઓને દૂર કરશે. પોતામાં જ આનંદ છે તેનો ખ્યાલ આવવા માંડશે. એટલે હવે તે બહારના કહેવાતા આનંદોને છોડી સ્વ-આનંદનો આનંદ લેવા માંડશે. આત્મ-તૃપ્ત રહેશે. મન-બુદ્ધિ પર આજ સુધી રહેલો બોજો હટી જશે અને તે બંને પૂર્ણ સ્વસ્થ થઇ જશે, આનંદમાં ડૂબી જશે. જેમ વાદળાને કારણે ઢંકાયેલ સૂર્ય નથી દેખાતો, તેમ અતૃપ્ત ઇચ્છાઓના કારણે સ્વ-આનંદ નથી અનુભવી શકાતો. પણ એક વખત મન-બુદ્ધિ પર રહેલ ચિંતાઓ કે ઉપાધિઓ હટશે કે તરત તેઓમાં રહેલ આનંદ પ્રગટ થશે અને વ્યક્તિ તેનાથી છલકાઈ જશે. બસ, હવે તેને કોઈ બાહ્ય આનંદ કે સુખની ગુલામી ભોગવવી નહી પડે. પોતામાં રહેલ આનંદના અનંત મહાસાગરમાં ડૂબકીઓ મારશે ને તેનો સ્વાદ માણશે.

હવે તેનું નવું વર્ષ જ નહિ, નવો જન્મ શરુ થશે. તે આખરી જન્મ હશે. હવે ગતિ-મોમેન્ટમ -બંધ થવાથી ચક્ર ધીમુ પડતું જશે, સ્થિરતાનો, અચલતાનો, તટસ્થપણાનો અનુભવ થવા લાગશે.

હવે પછીનો સમય તેના માટે માત્ર નવું વર્ષ જ નહિ, પણ દરેક પળ નિત્યનૂતન બની જશે. તે કેલેન્ડર આધારિત નહિ હોય કે પૃથ્વીના ફરવાના આધારે નહિ હોય, પણ માત્રને માત્ર આંતરિક આનંદ આધારિત હશે.

બાહ્ય નવા વર્ષ આધારિત ખંડિત જીવવું કે આંતરિક શાશ્વત આનંદ આધારિત જીવવું એ મનુષ્યની પસંદ્દગી છે.

બંને નવા વર્ષની શુભેચ્છાઓ.

૦0000

( કચ્છમિત્ર : તા: ૪-૧-૨૬: રવિવાર)


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com