મંજૂષા
વીનેશ અંતાણી
કુટુંબનાં બધાં સભ્યો ડાઇનિગ ટેબલ પર સાથે ડિનર લેવા બેઠાં છે. પિતા એના પંદર વર્ષના દીકરાને કશીક મહત્ત્વની વાત કરી રહ્યો છે. દીકરાનું ધ્યાન સેલ ફોન પર છે. પિતાનો અવાજ એના કાને પડે છે, પણ એ એની વાત ‘સાંભળતો’ નથી. એથી ઊલટું દૃશ્ય. દીકરો પિતાને એને અભ્યાસમાં પડતી મુશ્કેલી જણાવી રહ્યો છે. પિતા માથું હલાવે છે, પરંતુ એનું મગજ બિઝનેસની સમસ્યામાં ગૂચવાયેલું છે. પતિ-પત્ની વચ્ચે ચાલતી ઉગ્ર બોલાચાલી દરમિયાન બેમાંથી કોઈ સામેની વ્યક્તિનો મુદ્દો સમજવા તો ઠીક, એને સાંભળવા પણ તૈયાર નથી, બંને પોતપોતાની વાત એકસાથે રજૂ કરી રહ્યાં છે. વાક્યો સાથે વાક્યો અથડાય છે. ચકમક ઝરે છે અને પછી સંબંધોનો વિનાશ કરી દેતી આગ ભભૂકી ઊઠે છે.
સંસદમાં વિરોધપક્ષના સભ્યો સરકારની નીતિ સામે પ્રશ્ર્નો ઉઠાવી રહ્યા છે. સત્તાપક્ષના સભ્યો પૂરી વાત સાંભળ્યા વિના ઊભા થઈ વિરોધ કરે છે. એવું જ વિરોધપક્ષના સભ્યો સરકાર સામે કરી રહ્યા છે. હોહલ્લાના વાતાવરણમાં દેશના નાગરિકોના ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે.
ટી.વી.ની ન્યૂઝ ચેનલો પર ડિબેટ ચાલે છે. ટી.વી. જોનાર ‘લાચાર’ લોકોને શોરબકોર સિવાય કશું સંભળાતું નથી. શ્રમિકો, ખેડૂતો, ગૃહિણીઓ એમના પ્રશ્ર્નોનું સમાધાન ઇચ્છે છે. કોઈ એમને સાંભળતું નથી.
આજે આપણે અનેક પ્રકારના કોલાહલની વચ્ચે જીવી રહ્યાં છીએ. દરેક મિનિટે લાખો ટેક્સ્ટ મેસેજ, ટ્વિટ્સ, ઇ-મેઇલ દુનિયાના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રસરી રહ્યા છે. એ અર્થમાં આપણે અગાઉ ક્યારેય નહોતા એટલા કનેક્ટેડ – જોડાયેલા – છીએ, છતાં કોઈ કોઈને સાંભળતું નથી, પોતાની જ વાત કહેવા અધીર થઈ ગયા હોઈએ એવી લાગણી જન્મે છે. દરેક માણસ જાણે પોતાના વિચારો, માન્યતા, અભિપ્રાયોની બોમ્બવર્ષા કરવા આતુર છે.

સંવાદનાં બે મજબૂત સ્તંભોમાંથી એકની ઉપેક્ષા કરવામાં આવે છે. સંવાદ એક પુલ છે. એને મજબૂત રાખવા માટે સામસામેના છેડે બે સ્તંભોની જરૂર પડે છે. એક સ્તંભ છે બોલવું અને બીજો સ્તંભ છે સાંભળવું. સંવાદના એક છેડે બોલનાર હોય અને સામે છેડે કોઈ સાંભળવા તૈયાર જ ન હોય તો સંવાદનું વર્તુળ પૂરું થતું નથી. સંવાદ ભ્રષ્ટાચારથી ખરડાયેલા પુલની જેમ તૂટી પડે છે.
બોલવાની પ્રવૃત્તિને સામાન્ય રીતે આત્મવિશ્ર્વાસ, બુદ્ધિકૌશલ્ય અને લીડરશીપના ગુણો સાથે જોડવામાં આવે છે. સાંભળવાની ક્રિયાને મોટે ભાગે મહત્ત્વની ગણવામાં આવતી નથી. જેટલું મહત્ત્વ બોલવાનું છે એટલું જ મહત્ત્વ સાંભળવાનું પણ છે. આજે સાંભળનાર વ્યક્તિને સામેની વ્યક્તિ શું કહે છે તે સાંભળવામાં રસ હોય એથી વધારે એ જવાબ આપવા માટે ઉત્સુક અને ઉતાવળી બની ગઈ છે. આ સ્થિતિ તંદુરસ્ત સંવાદ માટે ભયાનક ક્રાઇસિસ છે.
વ્યવસ્થિત, તાર્કિક, સમજણભર્યા મુદ્દાઓનું સ્થાન પ્રતિકાર અને પ્રતિ-આક્ષેપો, બયાનબાજીના અતિરેકે લીધું છે. સાંભળનારે ધ્યાનથી સાંભળવું અને બોલનારની વાત પૂરી થાય પછી જ પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ, બોલનારે પણ સાંભળનારને સાંભળવાની તૈયારી રાખવી પડે. કંપનીઓના બોર્ડરૂમ, સ્કૂલોના વર્ગખંડો, લગ્નજીવન, મૈત્રી,, રાજકારણ સહિત જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં તંદુરસ્ત સંવાદની ભૂમિકા ઘટવા લાગી છે. દરેક જણ જાણે એકોક્તિમાં સરી પડ્યું છે. ડૉક્ટર દરદીની વાત ધીરજ અને શાંતિથી સાંભળી શકે તો અર્ધું નિદાન આપોઆપ શક્ય બને છે, વડીલો સંતાનોની વાત સાંભળે તો પરિવારનો પાયો મજબૂત બને છે. શિક્ષકોએ સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓ નિર્જીવ પૂતળાં નથી. સાંભળવાની ક્રિયાને ગૌણ માનવાની ભૂલ કરવા જેવી નથી.
બીજાની વાત સાંભળવી એ ભાવનાત્મક, બૌદ્ધિક અને વ્યાપક અર્થમાં નૈતિક પ્રક્રિયા છે. સાંભળવામાં રુચિ દાખવવાથી બીજી વ્યક્તિની લાગણીઓ, વિચારો, અનુભવો અને જરૂરિયાતને સમજવાની ચાવી મળે છે, સંબંધ બંધાય છે, સમસ્યાનો ઉકેલ મળે છે, અરસપરસ ભરોસો બેસે છે અને ગેરસમજ દૂર થાય છે. ‘હું જ સાચો’ જેવું વલણ સંવાદનો કચ્ચરઘાણ કાઢી નાખે છે.
ગ્રીકના ફિલોસોફર એપિક્ટેટસે કહ્યું હતું – ‘ભગવાને આપણને મોઢું એક આપ્યું છે, પરંતુ કાન બે આપ્યા છે, જેથી આપણે બોલીએ એથી બમણું સાંભળીએ,’ આજનો યુગ કૃત્રિમ ઉત્તેજનાનો છે. નોટિફિકેશન્સ, બ્રેકિન્ગ ન્યૂઝ, સોશિયલ મીડિયા અને માહિતીનો ધોધ વહી રહ્યો છે. એને કારણે લોકોને લાંબો વિચાર કર્યા વિના તત્ત્ક્ષણ પ્રતિભાવ આપવાની આદત પડવા લાગી છે.
ડિજિટલ ટેક્નોલોજીના સમયમાં આપણે ઉપર ઉપરથી વાંચી-જાણી લેવાની અને ઝડપથી સર્ફિન્ગ કરવાની આવડત કેળવી લીધી છે, પરંતુ વિચારને, કોઈ મતને, પચાવી લેવાનો ગુણ ગુમાવવા લાગ્યાં છીએ. ઓનલાઇન ચાલતી દલીલોમાં સાંભળવાની જરૂર રહી નથી.
એકપક્ષીય સંવાદમાં આક્રમકતા, કટાક્ષો, આક્ષેપો અને જાતે જજમેન્ટ આપી દેવાની મોકળાશ વધતી ગઈ છે. વાતચીતનું સ્થાન સ્ટેટમેન્ટ્સ, ચર્ચાની જગ્યાએ બૂમબરાડા અને અર્થપૂર્ણ વિધાનોને બદલે સ્લોગન સંવાદનું આધુનિક રૂપ છે.
અમેરિકાનો મૂળ વતની એક રેડ ઇન્ડિયન પુરુષ ન્યૂ યોર્કની ભરચક સડક પર મિત્રની સાથે જતો હતો. કાન બહેરા કરી નાખે એવા ટ્રાફિક અને લોકોના અવાજોની વચ્ચે જંગલમાં ઊછરેલી એ વ્યક્તિ અચાનક ઊભી રહી અને બોલી – ‘મને તમરાંનો અવાજ સંભળાય છે.’ મિત્રે કહ્યું: ‘તું પાગલ છે, આવા કાન ફાડી નાખતા અવાજોમાં તને તમરાનો અવાજ સંભળાય જ નહીંને.’ રેડ ઇન્ડિયન અવાજની દિશામાં ગયો. ત્યાં જંગલમાથી આવેલી એક ટ્રક ઊભી હતી. એના કચરામાં નાનકડું તમરું બોલતું હતું. રેડ ઇન્ડિયને મિત્રને બોલાવ્યો અને તમરું બતાવ્યું. મિત્રે કહ્યું: ‘તારી પાસે સુપર હ્યુમન કાન લાગે છે.’ રેડ ઈન્ડિયને જવાબ આપ્યો: ‘મારા કાન તમારા જેવા જ છે, પણ તમે કાનને કેળવ્યા હોય તો ઝીણામાં ઝીણો અવાજ પણ સાંભળી શકો.’
વાત એટલી જ છે, આપણે ગમે તેવા શોરબકોરમાં પણ આપણા કાન સરવા રાખીને સાંભળવા તૈયાર છીએ કે નહીં.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
