વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સરોવરની પેલે પાર પહાડ પરથી જાણે કોઈ નિરાકાર વ્યક્તિ એને બોલાવી રહી હતી. ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ ખરેખર ત્યાં કોઈ જ નહોતું. ફક્ત પત્થર તોડવાનો, માટી ખસેડવાનાં યંત્રોનો અવાજ, ટ્રકમાંથી પાટિયા ઉતારવાનો ખખડાટ સંભળાતો હતો. પણ, એને એ બધાંથી અલગ, કોઈ પંખી સરોવરનાં પાણીને અડ્યું ના અડ્યું અને એની તરફ ઉડી આવ્યું હોય એવો એક અનોખો અવાજ સંભળાયો.
બપોરનો સમય હતો. પત્ની નિરાંતે ઊંઘતી હતી. એણે સરોવર તરફ ચાલવા માંડ્યું. પાકા રસ્તા પરથી એ પગદંડી તરફ વળ્યો. હમણાં જ બંધ થયેલા વરસાદથી ભીનું થયેલું પંખી એની પાંખો પરનું પાણી ઉડાડતું પસાર થયું.
માથે પોટલાં લાદીને તામિલનાડુ અને આંધ્ર તરફના મજૂરો એની સામેથી પસાર થયા, પણ એની નજર તો માત્ર સરોવર, સરોવરમાં ઝીલાયેલા પહાડોના પ્રતિબિંબ, વાદળોને સ્પર્શતા પહાડો અને નીચે ખીણનાં ગાઢ જંગલ તરફ હતી. કદાચ જંગલોમાં ચંપાનાં ફૂલ ખીલ્યાં હશે, વિચારમાત્રથી એ ખુશ થયો.
બંધ બારણાંને ધકેલતી ઠંડી હવા રૂમમાં પ્રવેશી જાય એમ એનાં મનમાં જૂની યાદો ધસી આવી. ધૂંધળી વરસાદી સાંજ, વરસાદનું સંગીત સાંભળવા જાગતો એક બાળક યાદ આવ્યો.
પગદંડીથી સરોવર જતાં એ પણ યાદ આવ્યું કે, એને અહીં આવ્યે ચારેક વર્ષ વીતી ગયાં હતાં.
પહેલાં કંપનીના મેનેજર અને દેશી એંજિનિયરની સાથે એ આવ્યો હતો ત્યારે આ સરોવર નહોતું. પહાડોની વચ્ચે ફેલાયેલી તળેટી જ હતી. એ તળેટીમાં પેઢીઓથી લોકો ખેતી કરતા, પણ લાંબો સમય ખેતીકામ ન ચાલ્યું. નવા રસ્તા બનાવવાનાં, પહાડો તોડવાનાં, માટી ઉસેટવાનાં, કોંક્રીટ તોડવાનાં યંત્રો ખડકાયાં. જોતજોતામાં તળેટી પર એક બંધ બની ગયો હતો. નદીમાંથી નીકળેલા નાળાનું પાણી તળેટી સુધી પહોંચ્યું ને તળેટી કે ગામના બદલે સરોવર બન્યું..
ભલા, પરોપકારી એવા શંકર, કૃષ્ણન નાયર પણ ચોવીસ કલાક મદિરાલયમાં પડ્યા પાથર્યા રહીને બરબાદ થઈ ગયા. જીવનભર નવી પેઢીને પ્રોત્સાહિત કરનારા પિલ્લઈ એમના કર્મચારીઓથી છેતરાયા. જેણે સૌ પ્રથમ રબરનાં ઝાડ વાવ્યાં એ મત્તાઈ, લાચારીના લીધે પથભ્રષ્ટ કુટ્ટિયમ્મા, ‘અંતિમ ક્રાંતિ’ આણવાનો સંકલ્પ કર્યો હતો એ લોકસેવક પરમેશ્વર નાયર જેવા કેટલાય લોકો ચાલ્યા ગયા. એક માત્ર જેની મા એનાથી ઓછી ઉંમરના યુવક સાથે ભાગી ગઈ હતી એ અયપ્પન કુટ્ટી અપમાન, અવહેલનાની આગમાં સળગતો ત્યાં રહ્યો.
જૂનાં સ્મશાનોની જગ્યાએ નવાં કારખાનાં અને નવી વસાહત ઊભી થઈ. કણ્ણુર, કન્નડા, આંધ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને બિહારથી આવેલા કેટલાક આધેડ લોકો અને અયપ્પન કુટ્ટી જાણે અહીં ખેલાયેલા આ ખેલના સાક્ષી બનીને રહ્યા.
એ અયપ્પન કુટ્ટીએ નાનાં નાનાં વૃતાંત લખીને પોતાના મનના ઊંડાણમાં સાચવી લીધા હતા. ક્યારેક જૂના દોસ્તો એને નવલકથા લખવાનો આગ્રહ કરતા, એ યાદ આવ્યું.
કુટ્ટી ફક્ત સ્મિત ફરકાવતો, પણ એ સ્મિત ફક્ત બાહ્ય હતું અંતરમાં તો આગ સળગતી હતી એ દોસ્તો જાણતા હતા. કદાચેય એ લખવા વિચારતો ત્યારે કોઈ ધારદાર અણી જેવી યાદ એના મનને કોચી દેતી.
એ યાદ વર્તમાનને વીંધીંને ભૂતકાળ સુધી લઈ ગઈ ત્યારે એને ભર તડકામાં પત્થર તોડી રહેલી એક લાચાર મા દેખાઈ. બાજુમાં સાવ જર્જરિત છત્રીની નીચે બેઠેલું બાળક ઠોબરા જેવી થાળીમાંથી એક એક દાણો લઈને ભાત ખાઈ રહ્યું છે એ દેખાયું. ફાટેલાં અને કાદવથી ખરડાયેલાં કપડાં, જાણે કેટલાય દિવસથી નાહ્યો ના હોય એવા દેદાર, તેલ વગરના ઝાંખરાં જેવા લાગતા વાળ, આવી કારમી વાસ્તવિકતાની સામે એ નિઃસ્તબ્ધ બનીને ઊભો હતો. એને યાદ આવતું હતું એક ખોલકી જેવું ઘર. ચાંદની રાતોમાં ગોબરથી લીપેલાં આંગણાંમાં માટીના કોડિયાં સામે બેસાડીને ભાત પીરસતી મા. હવે તો નથી એ ઘર, ગોબરથી લીપેલું આંગણું કે નથી પ્રેમથી પીરસવાવાળું કોઈ. મા જીવે છે, પણ ઘણી દૂર છે.
મનમાં પીડાની એક કસક ઊઠી.
વિચાર આવ્યો કે, આ સોનેરી, મનોહર પહાડી પરનાં આ વિશાળ જંગલોની તળેટીમાં જ હંમેશ માટે વસી જાય, પણ શક્ય નહોતું. એ પાછો ફર્યો.
ઘેર પાછાં ફરતા એને વિચાર આવ્યો કે, થોડા સમય પછી કારખાનામાંથી ઊઠતા ધુમાડાથી આ સોનેરી દેખાતી પહાડીઓ પર ફૂલ સુકાઈ જશે. પંખીઓ નહીં હોય. પતંગ નહીં હોય. આ જંગલ યાદ બનીને રહી જશે.
ઘેર પહોંચ્યો ત્યારે પત્ની સાજ-શૃંગાર કરતી હતી.
“ઝડપથી તૈયાર થઈ જાવ, આજે મીસીસ મુખર્જીની પાર્ટી છે.”
જવાની જરાય ઈચ્છા નહોતી, પણ જવું પડ્યું.
પાર્ટીના માહોલમાં સિગરેટ અને વ્હિસ્કીની તીવ્ર ગંધની સાથે હેરસ્પ્રે-પરફ્યૂમની સુગંધ ભળી હતી. હળવા સંગીતની સાથે ખોટાં હાસ્યના ઠહાકા, અર્થહીન વાતો હતી.
એ કવિ હતો એ સૌને ખબર હતી, પણ શું લખતો હતો એની કોઈને જાણ નહોતી. જોકે પત્નીનેય ક્યાં જાણ હતી. એને લાગ્યું કે ‘એનું અહીં હોવું જ નિરર્થક છે. એ આ મહોલનો માણસ જ નથી.’ એ અકળાઈ ગયો.
દૂર જઈને ધ્યાનમગ્ન યોગીની જેમ બારી પાસે જઈને બેઠો.
મધરાતની નીરવતામાં દૂર ઊભેલા જહાજની લાઇટો દેખાતી હતી. ઠંડા પવનનાં કંપનથી આંદોલિત કમળની પાંદડીઓની જેમ હાલકડોલક થતું લાઇટની હારમાળાનું પ્રતિબિંબ દેખાતું હતું.
રાત પૂરી થઈ ને ક્યાં સવાર પડી એનો ખ્યાલ ન રહ્યો.
હવે એને માત્ર દૂર સુધી સ્વચ્છ પાણીથી ભરેલો પ્રવાહ દેખાતો હતો. નીચેથી ઉપર સુધી, ફૂલોથી છવાયેલી પહાડી, વાંસનું વન, સ્નાન કરીને મંદિર તરફ જતી સવારનાં ખીલેલાં તાજાં ફૂલ જેવી છોકરી દેખાતી હતી.
દૂરનાં એ દૃશ્યને સાક્ષીભાવે જોઈ રહ્યો. મન ઉદાસ બની ગયું કારણ કે, જે જોઈ રહ્યો હતો એ કશું જ એનું નહોતું. એણે તો એ જ માહોલમાં જીવવાનું હતું જે માહોલ એનો હતો જ નહીં.
ટી. પદ્મનાભન લિખીત (મલયાલમ) વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
