વસુધા ઈનામદાર
અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી પીળા કલરની એમ્બેસેડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે . અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢચા પછી સરસ મજાનો પોર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળી ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી !
અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો, આવું છું.” એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડયું ! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઇટ બ્રાઉન બૉર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને ? આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.”
અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ !”
અમરને થયું એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે ! એના મત્તમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડયો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે !
એ સ્થળ, એ સમય અને સામે ઊભેલી પ્રતિભાશાળી વ્યક્તિથી અમર અંજાઈ ગયો. સામે અડધી ભીંતને કવર કરી દેતો મોટો ફોટો હતો. ઊભા રહેલા એ પર્વતારોહકોની પાછળ ફોટાના બેકગ્રાઉંડમાં હિમાલયનાં શિખરો હોય એમ એને લાગ્યું. એ ફોટાની ફ્રૅમ ઘણી જ કીમતી દેખાતી હતી, કોઈ મ્યુઝિયમમાં શોભે એવી ! ગૌરવભર્યા અતીતને દંશ્યમાન કરતી એ છબી એ નિહાળી રહ્યો.
માલતીબહેતન નજીક આવીને બોલ્યાં, “તને ગમ્યો ? આ અમારો પર્વતારોહણનો ફોટો છે, મારા પતિ ઉત્તમ ફોટોગ્રાફર હતા. હું હજારો ફૂટની ઊંચાઈને આંબતી હોઉં ત્યારે, તેઓ ગળામાં કેમેરા સાથે અન્ય ઓજારો અને સાધનો લઈ મારી એ ક્ષણોને કેદ કરી રાખતા. એ પણ સારા પર્વતારોહક અને ઉત્તમ ગાઇડ હતા. જોકે તેઓ પોતાને ફોટોગ્રાફર તરીકે જ ઓળખાવતા. એમના ફોટોગ્રાફ્સ નૅશનલ જિયોગ્રાફિક જેવાં અને અન્ય આંતરરાષ્ટ્રીય માસિકોમાં આવતા ત્યારે તેઓ ખૂબ ગર્વ અનુભવતા !! પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થા સાથે વર્ષો સુધી કામ કર્યા પછી અમે બંનેએ અમારું પોતાનું પર્વતારોહકો માટેનું તાલીમ કેદ્ર ખોલ્યું હતું. આ બધા મારા વિદ્યાર્થીઓ સાથે પાડેલો ફોટો છે.?’
એ આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યો, તેઓ બોલ્યે જતાં હતાં : “હિમાલય વર્ષોથી ગ્કષિમુનિઓ અને સાધુસંતોની તપોભૂમિ માટેનું આકર્ષણનું કેદ્ર છે. એની સુંદરતા કુદરતે સર્જેલી વિવિધતાના થાળ જેવી છે. જે હિમાલયના પહાડી સૌંદર્યને દિવ્ય જ નહીં, પણ અલૌકિક અને અદ્ભુત બનાવે છે. કદાચ તેથી જ હજારો વર્ષો પછી પણ સમગ્ર માનવજાતને તે તીર્થધામ જેવું પવિત્ર લાગે છે અને એનું ચઢાણ સ્વર્ગ જેવી દિવ્યાનુભૂતિ કરાવે છે. આવા સ્થળે જવાનું કોને ના ગમે ? અનેક યુવાન અને યુવતીને અમે એમની મહેચ્છા પૂરી પાડવામાં મદદ કરી છે. હું તો એમને સાહસવીરો જ કહું છું. મારી દૃષ્ટિએ પર્વતારોહણ એ રમતોનો રાજા છે. ત્યાં સ્પર્ધા નથી હોતી, ત્યાં એકબીજાના કૌશલ્યને, એમની ક્ષમતા અને હિંમતને વધાવીને ગૌરવાન્વિત થવાનું હોય છે. ચઢાણ કરતી વખતે ગ્રુપમાં હોવા છતાંય એ સાહસ અને સંઘર્ષ વ્યક્તિગત હોય છે. અમારા વિદ્યાર્થીઓ પર્વતારોહણને સ્વેચ્છાએ સ્વીકારેલો પડકાર સમજી ચઢાણ કરતા ! એમણે આત્મવિશ્વાસથી હિમાલયનાં નાનાંમોટાં શિખરો સર કર્યા હતાં. એ સમયે અમારો શિખરો સર કરવાનો એ શોખ ઉન્માદ અને નશાના હદ સુધીનો હતો ! મારા આ પગે માઈલોના માઈલનાં ચઢાણ ચઢવામાં હંમેશાં મને સાથ આપ્યો હતો, અને હવે આ જ થાકેલા પગ વોકરની મદદથી ચાલવામાં પણ ખોડંગાય છે. માફ કરજો ભાઈ, ઘણા સમય પછી આ ફોટાગ્રાફ વિશે પૂછીને મને સાંભળવાવાળું કોઈ મળ્યું, તમને મારી વાતોથી કંટાળો…”
“ના, તા… તમારી વાતોમાં મને રસ પડયો છે, તમે જ એમ. પી. જાડેજા ને ? મેં તમારું નામ ખૂબ સાંભળ્યું છે, પર્વતારોહણ વિશેનાં તમારાં પુસ્તકો વાંચ્યાં છે. તમને આ રીતે મળાશે એવું ક્યારેય કલ્ય્યું નહોતું. મારી દષ્ટિએ સાહસિકતાનો પર્યાય એટલે પર્વતારોહણ ! અમારાં મા-બાપની ઇચ્છા વિરુદ્ધ અમે ભાઈ-બહેન એવા સાહસમાં જોડાયાં હતાં. મારી બહેન મારી કરતાં ખૂબ કુશળ પર્વતારોહક હતી, પણ પાંચેક વર્ષ પહેલાં થયેલા હિમપ્રપાતનો બે દિવસ સામનો કર્યા પછી તે મૃત્યુના મુખમાંથી હિંમતભેર બહાર આવી પણ એ કારણે હવે એ વ્હીલચેરમાં છે, તેથી મારાં માતા-પિતાના અત્યંત આગ્રહને માન આપીને મેં મારા શોખને તિલાંજલી આપી છે. પણ તમારાં જેવાં પાસેથી આમ સાહસની વાતો સાંભળું છું, ત્યારે મારામાં સૂતેલો હિમાલય જાગી જાય છે, એક વાત કહું ? મીઠી નિદ્રામાં આવેલાં સોનેરી સપનાં સવાર પડતાં જ ભુલાઈ જાય છે, પણ જાગૃત અવસ્થામાં તૂટેલાં સપનાં ક્યારેક ત્રાસરૂપ હોય છે. ખરું ને !”
માલતીબહેને કરુણાસભર દષ્ટિથી જોતાં કહ્યું, “તારે ફરી પર્વતારોહક બનવું હોય તોહું તને મદદ કરી શકું એમ છું.”
અમરે એમની સામે જોયું ,પણ કશો જવાબ ના આપ્યો, માત્ર હળવું સ્મિત કર્યું !
બીજી દીવાલ પર જુદી જુદી ફેમવાળાઅનેક નાનામોટા ફોટાઓ હતા. અમરની નજર એ તરફ ગઈ, એ જોઈ માલતીબહેને કહ્યું, “એ મારો દીકરો શૈલેશ, અમેરિકામાં છે. આ એની અમેરિકન પત્ની જેનેટ અને આ મારાં પૌત્રપૌત્રીઓ.”
અમરથી પુછાઈ ગયું. “તમે એમની સાથે નથી રહેતાં ? આટલા મોટા ઘરમાં એકલાં ?’
એ મ્લાન હસીને બોલ્યાં, “એકલાં શાનાં ? આ ચાર દીવાલોમાં મૌનભર્યું ઉપવન મહેકતું રહે છે. ને એમાં ક્યારેક અતીતનો કલબલાટ અને તેનો ગુંજારવ પણ સંભળાય છે ! વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખવા આપણે સમર્થ ના હોઈએ ત્યારે ‘સુખધામ’ જેવા સ્થળે…” તેઓ થોડી ક્ષણો છત સામે જોઈ રહ્યાં ને બોલ્યાં, “પાંખ આવતાં સંતાનો ઘરમાંથી ઊડી જાય તો એમની સાથે બાંધેલો માળો વિખેરાઈ નથી જતો, પણ ખાલી થઈ જાય છે. આગળ જતાં એ સંતાનો સાથેનો સંવાદ ક્યારેક ઔપચારિકતા બની જાય છે. જીવનનાં સુખ-દુખમાં સાથ દેનારો જીવનસાથી જ્યારે લાંબા સહવાસ પછી વિખૂટો પડે છે, ત્યારે એમ થાય છે કે વૃદ્ધાવસ્થાના શિખર સુધી જતાંમાં ઘણું બધું ગુમાવવું પડતું હોય છે.”
અમર એમની વાતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. માલતીબહેન બોલે જતાં હતાં. “પશુ-પંખી વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું જીવન પ્રાકૃતિક રીતે અંત સમય સુધી જીવે છે. પોતાનો ખોરાક જાતે જ શોધે છે. માણસ જ એક એવો છે કે જે અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવા ઇચ્છતો નથી કે થઈ શકતો નથી. ઉંમર વધતાં સમજદારીપૂર્વક બિનજરૂરી ભૌતિક વસ્તુઓનો મોહ ઓછો કરવાનું શીખવું પડે. વૃદ્ધાવસ્થા ક્યારેક આંખ, કાન, અને દૈહિક હલનચલનની મર્યાદાઓ લઈને આવે છે. કાળના પ્રવાહમાં દરેકે પોતપોતાની મર્યાદાનું આકાશ નિર્માણ કરી ત્યાં વિહરવાનું હોય છે. મને મારું નાનકડું આકાશ મળી ગયું છે. આ બંગલો મેં પર્વતારોહણની ટ્રેનિંગ સંસ્થાને ભેટ ધરી દીધો છે. મારી ઇચ્છા અને અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવાનો હું પ્રયાસ કરું છું. હા, પણ “સુખધામ’ જતાં પહેલાં એક ઇચ્છા પૂરી થાય તો મને ગમશે !”
અમરે પૂછ્યું, “એ કઈ ?’”
માલતીબહેનની આંખો ચમકી ઊઠી, પ્રસન્ન ચહેરે તે બોલ્યાં, “અરે ખાસ એવું કાંઈ «થી. ડૉક્ટર કહે છે કે, હું ટૂંક સમયની મહેમાન છું . મારું જીવન સંતૃપ્ત છે. આ સ્થળ અને આ ઘરનો સહજ ત્યાગ કર્યો છે, પણ એક નાનકડી અભિલાષા છે. શક્ય હોય તો મને શહેરમાંથી લઈ જઈશ ?”’
અમરથી બોલાઈ ગયું, “પણ એ તો દૂરનો રસ્તો થયો, ને ટ્રાફિક… ?”
“ભલે ને ટ્રાફિક હોય, મને શું ફરક પડવાનો છે. દૂર કે નજીક ! “સુખધામ’ એ જ છેલ્લો વિસામો !” અમર કશું બોલ્યો નહીં.
“ભાઈ, વાત એમ છે ને, ઘડપણમાં ઘરથી દૂર જવાનું થાય ત્યારે, ત્યાંની યાદો અંતરમાં ઘર કરી જાય છે. આ ઘરમાં મારું મૌન ઘૂઘવતું રહેશે. ગહન અને ધૂંધળું, નિરાકાર છતાંય સર્વત્ર વ્યાપીને આ દીવાલોમાં તે વહેતું રહેશે, સ્વરહીન, અનંત પર્વતીય મૌન ! મારા દિલમાં ધરબાઈને ધબકતા રહેલા મારા અતીતને મારે થોડીક ક્ષણો માટે ફરી માણવો છે. ચાલ ભાઈ, નીકળીશુંને આપણે ?”
અમરૈ એમની સૂટકેસ ગાડીમાં મૂકીને હાથ પકડીને એમને ગાડીમાં બેસાડ્યાં અને શહેર તરફ ગાડી હંકારી ને થોડા સમય પછી એણે પૂછ્યું, “તમે કહો ત્યાંથી જઈએ.”
“જો ભાઈ, આ મોટા દરવાજેથી મને અંદરની ગલીમાં લઈ જા.” અંદર પેસતાં જ તેઓ બોલ્યાં, “જો, પેલું બે માળવાળું મકાન અમારું હતું, ત્યાં ઉપર પેલી બારી દેખાય છે ને, બસ ત્યાં બેસીને હું મારાં મા-બાપની આવવાની રાહ જોતી.”
“ઓહ… મકાન તો હવે સાવ ખખડી ગયું છે, મારી જેમ જ સ્તો !? આગળ જતાં ગલીકૂચીમાંથી માંડ ટૅક્સી જઈ શકે એવા રસ્તેથી પડું પડું થતી એક જૂની ઇમારત આગળ તેઓ એકીટસે જોઈ રહ્યાં ને પછી
બોલ્યાં, “હું રોજ અહીં મારા પિતા સાથે ટેનિસ રમવા આવતી. જો દૂર પેલો બંગલો દેખાય છે ને ત્યાં મારાં લગ્ન પછી થોડાં વર્ષ અમે રહ્યાં હતાં. અમારા એ બંગલાની પાછળ જ અમારું ટ્રેનિંગ સૅટર હતું, પેલી ટેકરી દેખાય છે ને ત્યાં ! અરે એ ટેકરી પર કેટલી ઊંચી બિલિંગ ?” એમનો ચહેરો ઉદાસ થઈ ગયો.
અમરે જોયું, એમની આંખો ભરાઈ આવી હતી.
અમરે ગાડી ઊભી રાખી, ત્યાંથી પસાર થતી વખતે માલતીબહેન, બધી ઇમારતોને હાથ હલાવી આવજો કહેતાં હતાં. થોડાક સમય માટે એમણે અતીતને ઉલેચીને વહેતો મૂક્યો ! ને પછી સ્મૃતિમુક્ત થયાં હોય એમ
પ્રસન્ન વદને બોલ્યાં . “ચાલ ભાઈ, લઈ જા મને હવે સુખધામ !’ તેઓ અમરને સંભળાય એવા મૃદુ સાદે બોલ્યાં, “અંતકાળ ક્યારે અને કેવી રીતે આવશે, એનો તો શો ભરોસો ? આકાશમાં વિહરતાં પંખી દશ દિશામાં ઊડી જાય તેમ દેહવૃક્ષ પર મજા કરનારા પંચપ્રાણદેહનું વળગણ છોડી મુક્ત થશે, કોઈ પણ ક્ષણે શ્વાસનો હિસાબ તો પૂરો થઈ જશે ! આમેય મૃત્યુ તો અકળ છે ! ક્યારેક કોમળ અને ઋજુ સ્વરૂપે આવે, તો ક્યારેક જીવને આકુળવ્યાકુળ કરીને પ્રતીક્ષા કરાવે ! હવે કોઈ પણ જાતની અપેક્ષા વિના હું આ દેહમાંથી મુક્ત થવા ઇચ્છું છું . હવે માત્ર મોક્ષારોહણ ! જીવનને શ્રદ્ધાંજલી આપી, મોક્ષના શિખર પરથી અનંતમાં વિલીન થવાનું !”?
અમર એમની વાતો સાંભળીને ક્ષણભર માટે ક્ષુબ્ધ થયો.
અમરની ગાડી ‘સુખધામ’ આવી. ગાડીમાંથી ઊતરીને માલતીબહેને પર્સમાંથી રૂપિયાની થોડી નોટો કાઢીને અમરને આપવા માંડી, અમર એમને પગે લાગ્યો ને બોલ્યો, “આજે હું તમારી પાસેથી ઘણું પામ્યો છું. તમને મળીને, તમારી વાતો સાંભળીને હું ધન્ય થયો છું ! ને આમેય હું અહીં નોકરી કરું છું, મારાથી આ ન લેવાય.” એટલામાં તો એક બહેન આવીને એમને વ્હીલચેરમાં બેસાડી અંદર લઈ ગયાં, ‘સુખધામ’નો એ વિશાળ દરવાજો ધીરે ધીરે બંધ થયો. એને થયું એ બંધ દરવાજા પાછળ ગણ્યાગાંઠ્યા શ્વાસોની આવનજાવન !
અમરે વિચાર્યુ, માલતીબહેને અત્યાર સુધી પર્વતનાં ઘણાં શિખરો સર કર્યા હશે પણ આ મૃત્યુ તરફ ગતિ કરતું, અંતિમ પણ સર્વોચ્ચ શિખર હશે ! સર્વસ્વનો ત્યાગ કરીને, સ્વમાંથી પણ મુક્ત થવા માટેનો એમનો એ
પ્રયાસ કેટલો અદ્ભૂત છે ! અમરને થયું માલતીબહેન, હવે પર્વતારોહીને બદલે મોક્ષારોહી બનશે ! અમર મનોમન બોલ્યો, ‘એ મોક્ષગામિનીની અનંતમાં વિલીન થવાની યાત્રા સુભગ રેહો’,
અમર ગાડીમાં બેઠી. મેઘધનુષી રંગો ઉછાળતો સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એણે ગાડી ઘર તરફ પુરપાટ દોડાવી.
સૌજન્યઃ અખંડ આનંદ, જુલાઈ ૨૦૨૫

Nice story, well written.
LikeLike
ઉચ્ચ શિખિરો સુધી પહોંચવાની, સર કરવાની ધગશ અને ક્ષમતા હોય એવી વ્યક્તિ માટે ક્ષણવારમાં એ સઘળું છોડીને, સર્વનો તેમજ સ્વનાં હોવાપણાંનો પણ ત્યાગ કરીને મુક્તિ માટે અંતિમ શિખિરે પહોંચવાની તટસ્થતા કેળવવાનો પ્રયાસ પણ એટલો જ સહજ હશે ને !!
પર્વતારોહક માલતીબહેનનું મોક્ષ તરફ આરોહણ… વાહ!
ખૂબ સરસ વાર્તા.
LikeLike