આલેખનઃ રાજુલ કૌશિક
અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોવા છતાં એ ક્યારેક લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવા મઝાનાં બન્યાં છે કારણ કે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે.
સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”
અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલા લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.
લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણા મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂતો દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડાં લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી સમયે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે, હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.
“છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?
છલકાતું આવે બેડલું, મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું
https://drive.google.com/open?id=11RFm8cQI-yLzNH_iFpX4kgqaf64HRe84
વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે, એને ગરબો કોરાવો છે, એ ગરબાને મુકવા માંડવડી તો જોઈશે ને? એ માંડવડી ઘડવા સુતારી, એને મઢવા લુહારી, રંગવા રંગારી જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી કોરેલા ગરબા માંહી મુકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર, પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલા એકલા રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.
અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઉમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડલું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવા હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.
એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઉજળી નથી હોતી. ગામની દીકરીઓ સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે, પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ પણ છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી, ઉમળકાભેર આવકાર નથી, જ્યાં એના હૃદયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.
ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીને ય નિતાંત સ્થિર બની જાય છે.
“કૂવાના કાંઠડે હું એકલી, કૂવો જાણે વહુવારુની વાત રે…
વહુનો ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ”
હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે …
“ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે, ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..
ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત, સાસુ સતાવે ને ધણી ના બોલે તો
વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે.”
https://drive.google.com/open?id=10Blv4sMvr1uQTQ-0qDhXlzEGLux3QrWc
થોડામાં ઘણું કહી જતા આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે. ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?
અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરના સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે, ત્યાં તેમને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.
અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત રજૂ કરવી છે. આ ગરબો ‘અર્ચન અકાદમી’ દ્વારા સ્ટેજ પર ગવાયો હતો ત્યારે આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ ઊમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ… જાણે તાળી -ચપટીને મ્યુટ પર મૂકી દીધા હતા. કલાકારોએ આ વ્યથાના પ્રતીકરૂપે કાળા કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.
અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હૃદયસ્પર્શી રીતે, હૃદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખું સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું…
આજે પણ આ ગરબો સાંભળવામાં આવે એટલી વાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.
આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતા રહીશું.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
