દેવિકા ધ્રુવ

૨૦મી ડિસેમ્બર ૧૯૪૦ થી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ સુધીની જીવન-સફર કરનાર શ્રી યોસેફ મેકવાને ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.  તેમણે સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. તેઓ એક સારા કવિ, બાળ સાહિત્યકાર, ગઝલકાર પણ હતા. તેમણે ગઝલ જેવો એક ‘ઉસાલ’નામે નવો પ્રયોગ પણ કર્યો હતો.. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ૧૯૮૩માં  ‘સૂરજનો હાથ’ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૩માં તેમને ‘કુમાર સુવર્ણ ચંદ્રક‘ મળ્યો હતો. તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે તો  રમૂજી નિબંધો પણ લખ્યા છે. વિવેચન પણ કર્યું છે અને ‘સ્ત્રોતસંહિતા’  નામે બાઇબલનો પદ્યાત્મક અનુવાદ પણ તેમણે કરેલ છે.

યોસેફભાઈ એક ખૂબ જ સરળ સ્વભાવના માનવી હતા. અમદાવાદની મુલાકાત દરમ્યાન તેમને મળવાનું અચૂક બનતું. હ્યુસ્ટનની સાહિત્ય સરિતા માટે તેમણે હાઈકુ અને મુકતકોની સમજ આપતા લેખો પણ લખીને મોકલ્યા હતા.

૨૦૨૨ની સાલમાં નાતાલની સવારે ફેસબુકનું પાનું ખોલતાંની સાથે જ તેમની વિદાયના  આંચકાજનક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન  ત્યારે માની  શક્યું ન હતું.. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!! બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ, જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઈલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!

છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે  તેમની ડાયરીનું એક પાનું પણ મોકલી આપ્યું હતું. તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે. આજે તેમની જીંદગી પરની રચના પ્રસ્તુત છે.

જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,
શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં?

માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અને
એ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં.

‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?
પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં.

યાદની એ કાંકરી તો આંખમાં ખૂંચ્યાં કરે
આંસુ પૂછે : કોણ છે રે કાંકરીના વેશમાં.

આવકાર્યા વિણ જુઓ ને, ઝાડ ઠંડક આપતું !
આપણે ત્યાં કોણ છે હેં ? ડાળખીના વેશમાં !

મૌનની ભાષા વિશે તો શું કહું હેં દોસ્ત હું
સ્પર્શના દરિયા બળે છે આંગળીના વેશમાં.

યોસેફ મેકવાન


Devika Dhruva : ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com