ધિક્કારનાં ગીતો
વાંક સમય-સંજોગોનો હોવા છતાં વાંકું પડે ત્યારે વ્યક્તિની અને ઇવન તેની આખી જાતિની ટીકા શા માટે?
દીપક સોલિયા
એક કુમ્ભકારનો ગધેડો ખોવાઈ ગયો. તેનું બધું કામ અટકી પડ્યું. એટલે એ નીકળ્યો પડ્યો પોતાનો ગધેડો શોધવા. આખો દિવસ એ બહુ રખડ્યો, પણ ગધેડો મળ્યો નહીં. ગધેડાને શોધતાંશોધતાં એ બીજે ગામ પહોંચી ગયો. રાત પડી ગઈ. ઘરે પાછું ફરી શકાય તેમ નહોતું. મોંઘી હોટેલ પરવડે તેમ નહોતી. એવામાં એક હનીમૂન હોટેલના ભલા મેનેજરે રસ્તો સૂચવ્યોઃ એક નવપરિણીત કપલ છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયું છે; તેના પલંગ નીચે સંતાઈને સૂઈ જા; ભાડું ફક્ત દસ રૂપિયા. કુમ્ભકાર માની ગયો. એ પલંગ નીચે સૂઈ ગયો. એકાદ વાગ્યે કપલ આવ્યું. પલંગ પર પ્રેમાલાપ શરૂ થયો. પતિએ પત્નીને કહ્યું, તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે.
‘એમાં મારો ગધેડો દેખાય છે?’ પલંગની નીચેથી બહાર નીકળીને પેલાએ ભોળાભાવે પૂછ્યું.
અલબત્ત, આ એક વાહિયાત જોક છે. જોકનો મુદ્દો તો એ છે કે સૌને પોતપોતાની પડી હોય, પરંતુ આપણો મુદ્દો એ છે કે પ્રણયકાળના આરંભે પ્રેમીને પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય, પરંતુ એ ‘દૃષ્ટિ’ હંમેશાં નથી ટકતી. પછી પ્રણયની અભિવ્યક્તિની તીવ્રતા અને પ્રમાણમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. પથ્થર જેવો પથ્થર પણ કાળક્રમે ઘસારાને લીધે બદલાતો હોય તો માનવીનું અને એમાં પણ પ્રેમનું તો પૂછવું જ શું? કેતન મહેતાની ફિલ્મ માયા મેમસાબમાં એવા મતલબનો એક સંવાદ હતો કે આ પ્રેમ કમબખ્ત કમાલની ચીજ છે; એક ઠેકાણે અટકતો જ નથી; વધે નહીં તો ઘટવા લાગે છે.
ખેર, એ એક વિશ્વવ્યાપી હકીકત છે કે પ્રેમીઓ પતિ-પત્ની બન્યા બાદ કાયમને માટે પહેલાં જેવી, ‘તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે’ એવી, રોમેન્ટિક વાતો નથી કરતાં. પણ તેથી શું થયું? જુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી સ્ત્રી-પુરુષ વચ્ચે લાગણીનો તંતૂ ટકેલો રહી જ શકે અને ઇવન વધુ ને વધુ મજબૂત પણ બની શકે. આ સમયગાળા દરમિયાન પ્રેમનું રૂપ અને અભિવ્યક્તિ સતત બદલાવાનાં જ, કારણ કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે.
સંસારના આ અફર નિયમ મુજબ પ્રેમીને આજે પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય તો કાલે ન પણ દેખાય. આ સ્વાભાવિક પરિવર્તનનો જો સ્વસ્થ સ્વીકાર ન થઈ શકે તો ઝઘડા નક્કી છેઃ પહેલાં તો તું કેવો મારી આગળપાછળ ફરતો હતો, હવે તો તને મારી પરવા જ નથી. પહેલાં તો તું ઓફિસેથી દિવસમાં દસ વાર મને ફોન કરતો હતો, હવે તો તને ફોન કરવાનું યાદ પણ આવતું નથી. પહેલાં તને મારી કેટલી પરવા હતી, પણ હવે તો હું જીવું કે મરું, તને કોઈ ફરક જ નથી પડતો…
આ પ્રકારની ફરિયાદોના નીચોડ જેવા છે આ શબ્દોઃ
રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ…
ફિલ્મ મમતાના આ ગીત વિશે આપણી વાત ચાલી રહી હતી.
અગાઉ તમને તમારા જીવ કરતાં પણ હું વધુ વહાલી હતી. અને હવે?
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ…
આજે એમને ત્યાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. એટલું જ નહીં, કરગરી પણ રહ્યા છીએઃ
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.
આહ! આ ફરિયાદ ચોટદાર છે. સ્ત્રીની હાલત બિસ્માર દિવાલ જેવી થઈ ચૂકી છે. એની વિનંતી એટલી જ છે કે હવે ઠોકર ન મારીશ. નહીંતર હું સાવ જ પડી જઈશ, વિખેરાઈ જઈશ.
ફિલ્મમાં જે નાયિકા આ ગીત ગાઈ રહી છે તે અસલમાં પ્રેમીના નહીં, સમાજના પ્રહારોથી થાકેલી છે. એટલે એ કહેવા એવું માંગે છે કે યાર, દુનિયાએ તો બહુ જાલીમિયત દેખાડી, હવે તું તો જાલીમ ન બન. ફિલ્મમાં આ ગીત પહેલાં અને આ ગીત પછી, જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી, પ્રેમી-પ્રેમિકા (અશોક કુમાર-સુચિત્રા સેન) વચ્ચેનો પ્રેમ સતત લીલોછમ્મ જ રહેતો દેખાડાયો છે. વચ્ચે ફક્ત થોડી મિનિટો પૂરતી એક ગેરસમજને લીધે ખિજાયેલી નાયિકા નાયકને આ ગીત દ્વારા અતિ આકરા ટોણા મારે છે. બાકી તો એ સ્ત્રી જાણે જ છે કે દોષ પ્રેમીનો નથી, સંજોગોનો છે, સમયનો છે.
પ્રેમસંબંધ પર સમયનો પ્રભાવ… આ એક નાજૂક અને મહત્ત્વની બાબત છે. બે મનુષ્ય વચ્ચેનો સંબંધ સમયના પ્રભાવને લીધે બદલાય, ખાસ તો કથળે, ત્યારે સમયની ભૂમિકા સ્વીકારવાને બદલે મોટે ભાગે બન્ને પક્ષો સામસામી વ્યક્તિગત આરોપબાજી પર ઉતરી આવતાં હોય છે. એવી આરોપબાજીનાં ગીતોની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે નોંધવું રહ્યું કે કેટલાંક અત્યંત જૂજ ગીતો એવાં છે ખરાં જેમાં પુખ્ત પ્રેમીઓ એ વાતને સમજી શકે છે કે વાંક તારોય નથી ને વાંક મારોય નથી, વાંક છે સમયનો. આવું એક મૅચ્યોર ગીત હતું ફિલ્મ કાગઝ કે ફૂલનું, જેમાં બૅકગ્રાઉન્ડમાં વાગતા ગીત દ્વારા નાયિકા પ્રેમસંબંધ પર પડેલો કાળનો પ્રભાવ આ શબ્દોમાં સ્વીકારે છે:
વક્ત ને કિયા ક્યા હંસી સિતમ
તુમ રહે ના તુમ, હમ રહે ના હમ…
આને કહેવાય સ્વસ્થ સ્વીકાર. અલબત્ત, આ સ્વીકારમાં વેદના છે, ઉદાસી છે, પણ આરોપબાજી નથી. તું આવો ને તું તેવી એવી તુંતા કર્યા વિના ‘કાળદેવતા’ના પ્રભાવનો આવો સ્વીકાર ન કેવળ પ્રેમસંબંધના બલ્કે બીજા અન્ય અનેક પ્રકારના ઝઘડાઓ અટકાવી શકે.
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
બાકી, સામેના પક્ષનો વાંક કાઢવો બહુ સહેલો હોય છે. ગુસ્સે થઈ જવું બહુ સહેલું હોય છે. ભડાસ કાઢવાનું સહેલું હોય છે. આવી ભડાસ કાઢતી વખતે પ્રેમી ભાયડો ક્યારેક તો એની ચોક્કસ પ્રેમિકા ઉપરાંત આખેઆખી નારીજાતિને ખરીખોટી સુણાવી દેઃ
આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમજ ન પાયા…
લ્યો બોલો. નારી સાથે સંબંધ બાંધવો એટલે જાણે આગથી ખેલવું… શબ્દો દઝાડે એવા છે, પણ ગીતની ટ્યૂન એકદમ કોમળ અને મધૂર છે. ગીત છે ફિલ્મ અનામિકાનું, જેના આરંભિક શબ્દો છેઃ મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ… ગળ્યું સંગીત ધરાવતા આ કડવા ગીત વિશે વાત કરીશું આવતા લેખમાં
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
