પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

હિન્દુસ્તાની સંગીતના શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ  ફિલ્મી સંગીત પ્રકારોમાં તાલવાદ્ય તરીકે તબલાં(‘તબલા’ પ્રયોગ અરેબીક ભાષાના ‘તબ્લ’ શબ્દ પરથી આવ્યો છે, તેની જોડી હોવાથી ગુજરાતીમાં તબલાં કહેવાય છે)નો સૌથી વધારે ઉપયોગ થતો આવ્યો છે. એક વાયકા અનુસાર અમીર ખુસરોએ ઢોલકને વચ્ચેથી કાપીને તબલાં તૈયાર કરાવ્યાં હતાં.

છબીમાં જોઈ શકાય છે એ તબલાંની જોડી એટલી પ્રચલિત છે કે તેની ઓળખાણ આપવી ન પડે. અહીં ડાબી બાજુએ નજરે પડતા સહેજ ઊંચા તબલાને મોટા ભાગના વાદકો જમણા હાથ વડે વગાડતા હોવાથી તેને ‘દાંયા’ (દાહીના) કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને ‘નરઘું’ પણ કહે છે. જમણી બાજુએ સહેજ નીચું અને પહોળું દેખાય છે તે તબલાને ‘બાંયા’ કહે છે, કારણ કે તે ડાબા હાથે વગાડાય છે. ગુજારાતીમાં તે ‘ભોણીયું’ તરીકે પણ ઓળખાય છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે અમુક વાદકો દાંયાને ડાબા હાથ વડે અને બાંયાને જમણા હાથ વડે વગાડતા હોય છે. પણ પરંપરાગત નામકરણ તેનું તે જ રહે છે. નોંધનીય છે કે તબલાંની બનાવટમાં લાકડાની જગ્યાએ પીત્તળ કે સ્ટીલ જેવી ધાતુઓનો પણ ઉપયોગ થાય છે.

સાગ અથવા અન્ય કોઈ મજબૂત ઝાડના થડના ટૂકડાને વચ્ચેથી કોતરી નાખવાથી બનતા પોલા નળાકારના ઉપરના હિસ્સાને બકરા, ઘેટા અથવા ઊંટ જેવા પ્રાણીના ચામડામાંથી બનાવાતા દોરા વડે ખુબ મજબૂતીથી મઢી લેવામાં આવે છે. આ માટે ઊંટના ચામડામાંથી બનાવાતા પાતળા દોરડાનો ઉપયોગ થાય છે. મઢાયેલા ચામડાના ઉપરના મધ્ય ભાગે કાંજી સાથે કાળી ભૂકી મેળવી બનાવાતી લુગદી ચોપડી, શક્ય એવી ગોળાકાર તકતી બનાવવામાં આવે છે.  સામાન્ય ભાષામાં આવી લુગદીને ‘શાહી’ કહેવામાં આવે છે, સમયસમયે ચામડાની નળાકાર ઉપરની પકડ ઢીલી પડી જાય, તેને ફરીથી કસવા માટે તબલાની રચનાના ઉભા પટ્ટે ચામડામાથી બનાવાયેલા પાતળા પટ્ટા લગાડાયેલા હોય છે, લાકડાના બનેલા લંબગોળાકાર ટૂકડાઓને આવા પટ્ટા તંગ કસાયેલા રહે તે રીતે તબલાના નીચેના છેડે લગાડવામાં આવે છે, જરૂર પડ્યે નાની હથોડીના આછા પ્રહાર વડે પણ તબલાને કસી, અપેક્ષિત ધ્વનિ ઉપજાવી શકાય છે.

તબલાં વગાડવાથી ઉત્પન્ન થતા ધ્વનિને બોલ કહેવાય છે. નરઘું(બાંયા) વગાડવા માટે મહદઅંશે આંગળીઓ અને ભોણીયું(દાંયા) વગાડવા માટે હથેળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ તો થઈ માત્ર પ્રાથમિક પદ્ધતિ. તે ઉપરાંત એક નિપૂણ તાબલાવાદક અનેક રીતો અજમાવે છે. વાદનની શાસ્ત્રીયતા બાબતે ઊંડા ન ઉતરતાં હવે એક દિગ્ગજ તબલાવાદક ઉસ્તાદ અહમદજાન થીરકવાનું વાદન માણીએ. કિશન મહારાજ, નિખીલ ઘોષ, અલ્લારખ્ખા અને ઝાકીર હુસૈન જેવા વિશ્વવિખ્યાત તબલચીઓ થીરકવા સાહેબને એક અવાજે મહાનતમ વાદક તરીકે બિરદાવતા રહ્યા છે. આ આ અને હવે પછીની ક્લીપ્સ પૈકીનાં કેટલાંયે રેકોર્ડીંગ્ઝ બહુ આધુનિક નહીં તેવી સુવિધાઓ સાથે થયેલાં હોઈ, માણવા માટે હેડફોનનો ઉપયોગ કરવા ભલામણ છે,

હિન્દી ફિલ્મસંગીતના છેક પ્રારંભકાળથી સંગતમાં તબલાંનો ઉપયોગ થતો આવ્યો છે. હવે સાંભળીએ અત્યંત કુશળતાથી થયેલા તબલાંવાદન ધરાવતાં કેટલાંક ફિલ્મી ગીતો.

પહેલાં સાંભળીએ ૧૯૫૪માં પરદા ઉપર આવેલી ફિલ્મ બૂટ પાલિશનું ગીત ‘લપક ઝપક તૂ બરસ બદરવા’. સંગીત શંકર-જયકિશનનું છે.

સાંભળીએ ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે(૧૯૫૫)નું એક નૃત્યગાન, જેના શબ્દો છે ‘મુરલી મનોહર ક્રિશ્ન કન્હૈયા’. આ ફિલ્મ માટે વસંત દેસાઈએ સંગીત તૈયાર કર્યું છે.

https://www.youtube.com/watch?v=-hrgZCE2rEY&list=RD-hrgZCE2rEY&start_radio=1

૧૯૫૫ની સાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ યાસ્મીન માટે સી.રામચંદ્રે સંગીત આપ્યું હતું, આ ફિલ્મનું ગીત ‘મુઝ પે ઈલ્ઝામ એ બેવફાઈ હૈ’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય બન્યું છે.

યાદગાર તબલાંવાદન ધરાવતું એક ગીત ૧૯૫૬ની ફિલ્મ એક હી રાસ્તાનું ‘ચલી ગોરી પી કે મિલન કો ચલી’ છે. સંગીતકાર હતા હેમંતકુમાર. ઉલ્લેખનીય છે કે પરદા ઉપર તબલાં વગાડી રહેલા કલાકાર પદ્ધતિસરનું વાદન કરી રહ્યા છે. કેટલીયે ફિલ્મોનાં ગીતના ફિલ્માંકનમાં વાદક અને વાદન માત્ર પ્રતિકાત્મક જ હોય છે.

સી.રામચંદ્રના સંગીતનિર્દેશનમાં તૈયાર થલેલું એક યાદગાર તબલાંપ્રધાન ગીત માણીએ. પ્રસ્તુત છે ફિલ્મ અમરદીપ(૧૯૫૮)નું ગીત ‘મેરે મન કા બાંવરા પંછી’

https://www.youtube.com/watch?v=9bzjO_kfK84&list=RD9bzjO_kfK84&start_radio=1

ફિલ્મ નવરંગ(૧૯૫૯)નાં ગીતો પણ સી રામચંદ્રના નિર્દેશનમાં બન્યાં હતાં. તે પૈકીનું એક નૃત્યગીત ‘રંગ દે રે’ ઉત્કૃષ્ટ તબલાંવાદન વડે સજાવાયું છે.

૧૯૬૦ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ઐતિહાસિક ફિલ્મ મુગલ એ આઝમ તેના દરેક પાસાની ભવ્યતા થકી ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી છે. આ ફિલ્મનું એક નૃત્યગીત ‘મોંહે પનઘટ પે નંદલાલ’ સાંભળતાં જ સંગતમાં વાગી રહેલાં તબલાં ધ્યાન ખેંચી લે છે.

૧૯૬૦ની સાલમાં જ પરદા ઉપર આવેલી ફિલ્મ કોહીનૂર માટે પણ ગીતો નૌશાદના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મનું એક શકવર્તી નૃત્યગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ખુબ જ ધ્યાનાકર્ષક તબલાંવાદન વડે સજાવાયું છે. સાથે સાથે અમુક પડાવ ઉપર મૃદંગના બોલ પણ વાગે છે.

ફિલ્મ ઓપેરા હાઉસ(૧૯૬૧) માટે ગીતો ચિત્રગુપ્તના નિર્દેશનમાં બન્યાં હતાં. ઉક્ત ફિલ્મનું ગીત ‘બલમા માને ના’ સાંભળતાં જ તબલાંનો સાથ ધ્યાન ખેંચી લે છે. નોંધીએ કે આ પણ એક નૃત્યગીત છે.

સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ૧૯૬૩ની ફિલ્મ બંદિનીનાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તેમાંનું ગીત ‘મોરા ગોરા અંગ લઈ લે’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય થયું છે.

૧૯૬૩ના વર્ષમાં જ પરદા ઉપર આવેલી અને સચીનદેવ બર્મનના જ નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતો ધરાવતી ફિલ્મ મેરી સૂરત તેરી આંખેંના ગીત ‘નાચે મન મોરા’માં વિશિષ્ટ તબાલાંવાદન સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ શાસ્ત્રીય તબલાવાદક પંડીત સામતાપ્રસાદે અપવાદરૂપે આ ફિલ્મી ગીત માટે સંગત કરી હતી.

૧૯૬૩ની એક વધુ ફિલ્મ દિલ હી તો હૈનાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં તે પૈકીનું એક કાળજયી ગીત ‘લાગા ચૂનરી મેં દાગ છૂપાઉં કૈસે’ માણીએ. આ ગીતના વાદ્યવૃંદમાં વિવિધ સૂરવાદ્યો સાથે તબલાંવાદન પણ ખુબ જ ચિત્તાકર્ષક છે. ધૂન સંગીતકાર રોશનની છે. દૃશ્યાવલીમાં એક મકામ પર એક કલાકાર મૃદંગ વગાડી રહેલા દેખાય છે, પણ ગીત સાથે તબલાંની જ સંગત કરાઈ છે.

૧૯૬૫માં પરદા પર આવેલી ફિલ્મ ગાઈડ માટે સચીનદેવ બર્મને સંગીત આપ્યું હતું. આ ફિલ્મના ગીત ‘મોં સે છલ કીયે જાય’ માટે યાદગાર તબલાંવાદન સુખ્યાત સંતૂરવાદક પંડીત શિવકુમાર શર્માએ કર્યું હતું, જે નોંધનીય છે.

આજની કડીની આખરમાં હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન જમાવીને બેસેલી ફિલ્મ પાકીઝાનું એક તબલાપ્રધાન ગીત ‘ઈન્હી લોગોં ને લે લીના દૂપટ્ટા મેરા’ સાંભળીએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ રજૂ થાય તે પહેલાં તેના સંગીતનિર્દેશક ગુલામ અહમદ અવસાન પામ્યા હતા.

અત્યાર સુધીનાં ગીતો સાંભળતાં એવી છાપ પડે કે ધ્યાનાકર્ષક તબલાંવાદન માત્ર શાસ્ત્રીય ગીતો કે નૃત્યગીતો માટે જ પ્રયોજાય છે. પણ, ઓ.પી, નૈયરે પશ્ચિમી તાલ સાથે તબલાંનું સંયોજન (Fusion) કરીને જે જાદૂઈ અસર ઉભી કરી એ તેમની આગવી ઓળખ બની રહી છે. તેમનાં આવાં અનેક લોકપ્રિય ગીતોમાંનું એક, ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ‘જાઈએ આપ કહાં જાઓગે’ સાંભળીએ. ગીતનો આરંભ અને મુખડું પશ્ચિમી તાલમાં છે, પણ મુખડાની અંતિમ પંક્તિ ‘દૂર તક આપ કે પીછે પીછે’ શરુ થતાં તબલાંનો લાક્ષણિક તાલ વાગવા લાગે છે. ગીતમાં આ પ્રયુક્તિ આરંભમાં અને અંતમાં એમ બે જ વાર કરવામાં આવીઆવી હોવાથી તે બહુ જ અસરકારક લાગે છે. જો કે તે બાબતે બરાબર ધ્યાન ન અપાયું હોય તો તે ચૂકાઈ જવાની સંભાવના રહે છે.

આજે અહીં અટકીએ.આવતી કડીમાં નવી સામગ્રી સાથે મળીશું.

 

નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com