પંખીઓના દેશમાં

ગિરિમા ઘારેખાન

એક નાનું ગામ હતું. ગામની વચ્ચે હતું એક મંદિર. મંદિરની બહાર એક વડલો. વડલા ઉપર કેટલાય પંખીઓના માળા. એની નીચી ડાળીઓ ઉપર ચકલીઓના માળા અને વચલી ડાળીઓ ઉપર કાગડાના માળા. આ બધાં પક્ષીઓ વચ્ચે ખૂબ સંપ. કોઈ કોઈને હેરાન ના કરે અને સંપીને રહે. વડલો પણ આ બધાને ખૂબ પ્રેમ કરે.

હવે બન્યું એવું કે એકવાર એક મોટો સાપ ત્યાં આવી ચડયો. એને પણ આ ઘટાદાર વડ બહુ ગમી ગયો. એટલે એણે એના થડની નીચે જ એક દરમાં પોતાનું ઘર કરી લીધું.

હવે આ સાપ તો રાત પડે એટલે સડસડાટ ઝાડ ઉપર ચડે અને પક્ષીઓના માળામાંથી ઈંડા ખાઈ જાય. એમના નાના બચ્ચાંને ઓહિયા કરી જાય. આને લીધે ઝાડ ઉપર રહેતાં પંખીઓ સાપથી ડરી ગયા. એ લોકોએ તો બીજા અલગ અલગ ઝાડ ઉપર પોતાનો વિસામો શોધી લીધો. વડલાની ઉપર સંભળાતા પંખીઓના મધુર ગાન વગર વડ તો સાવ સૂનો થઇ ગયો. એને તો દિવસ રાત બસ સાપના ફૂંફાડા સાંભળવા મળતા. વડલો તો ખૂબ ઉદાસ રહેવા માંડ્યો.

વડની ઉપર રહેતાં બધા પક્ષીઓ બીજે રહેવા ગયા તો હતાં પણ એ બધાને ત્યાં ગમતું ન હતું. બધાને એકબીજાની અને વડદાદાની ઘણી યાદ આવતી હતી. એમના જેવી વડવાઈઓ બીજા કોઈ વૃક્ષ પાસે ન હતી. બીજા વૃક્ષ ઉપરના પંખીઓ એમની સાથે ઝઘડતાં પણ હતાં.

એક દિવસ બપોરે પેલો સાપ જયારે એના દરમાં હતો ત્યારે બધાં પંખીઓ એમના વડદાદાને મળવા આવ્યાં. વડદાદા તો એવા એકલા પડી ગયા હતા કે એ તો એ બધાને જોઇને રડવા જ માંડ્યા.
પંખીઓને પણ એમને રડતા જોઇને અને પોતાના જૂના ઘર, માળા, બધું જોઇને બહુ રડવું આવી ગયું. બધાને કહ્યું, “આપણે કોઈ પણ રીતે પેલા સાપને અહીંથી ભગાડવો જોઈએ. તો આપણે પાછા અહીં રહેવા આવી શકીએ’.

વડદાદા કહે, “પણ એને ભગાડશો કેવી રીતે? એને તો રહેવા માટે સરસ ઘર મળી ગયું છે.’
હવે આપણે બધા જાણીએ છે કે પંખીઓમાં કાગડો સહુથી ચતુર હોય છે. એણે બધા પંખીઓને કહ્યું. “તમે કોઈ રડશો નહીં. હું કંઇક ઉપાય કરું છું. હું એ સાપને ભગાડીશ અને આપણે બધા પાછા અહીં રહેવા આવી જઈશું.”

ચતુર કાગડાએ વિચાર કર્યો કે સાપને કોણ ઊંચકી શકે? એને સમડી યાદ આવી. સમડી પોતાના મોંમાં લટકાવીને સાપને બીજે નાખી આવી શકે. પણ એને એ પણ ખબર હતી કે સમડી પોતે બહુ જબરી હોય છે. એ કારણ વિના કોઈનું કામ કરે નહીં. કોઈને મદદ ન કરે. હવે શું કરવું?

કાગડાએ ખૂબ વિચાર કર્યો. સમડીને કહેવું તો પડશે જ. એની પાસે કામ કરાવવા માટે એને ખુશ કરવી પડશે. એણે એક ઉપાય વિચાર્યો. એ તો ગામના કચરાના ઢગલા પાસે ગયો અને એમાંથી વીણીવીણીને મરેલા ઉંદર બહાર કાઢયા. પછી એ બધા ઉંદરને પોતાની ચાંચમાં પકડીને એ તો ગયો સમડી પાસે. જઈને એણે સમડી પાસે એ ઉંદરો મૂકી દીધા અને પોતાનું માથું નમાવીને બોલ્યો, “હું કાગડાઓનો નેતા તમારે માટે આ એક નાનકડી ભેટ લાવ્યો છું. મેડમ, તમે સહુથી ઊંચું ઊડી શકો છો. તમારા જેવી તેજ નજર બીજા કોઈની નથી. એટલે જ તમને અમે અમારા રાણી માનીએ છીએ.’

વખાણ કોને ન ગમે? સમડી તો આ બધું સાંભળીને ઘણી ખુશ થઇ. કાગડો તો રોજ મરેલા ઉંદર લઈને સમડી પાસે જવા માંડ્યો. બે ચાર દિવસમાં જ એણે સમડી સાથે દોસ્તી કરી લીધી.

ચાર દિવસ પછી એ સમડીને મળવા ગયો ત્યારે વાતવાતમાં એણે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તમે સાપને પણ પોતાની ચાંચમાં ઉપાડી શકો?’

સમડી કહે ,’હા, ઉપાડી લઉં. એમાં શું હતું?’

કાગડો કહે, “ હું તો એ જાણું જ છું. પણ બીજા પંખીઓ એ માનતા નથી. કહે છે કે સમડી એ કામ કરી બતાવે તો જ અમે એને રાણી માનીએ.’

સમડીએ તો એકદમ એની પાંખો પહોળી કરી, માથું ઊંચું કયું અને અભિમાનથી બોલી, “ચલ બતાવી દે ક્યાંય સાપ હોય તો. હું એને મારા મોંમાં પકડી બતાવીશ.’

“ખાલી પકડવાનો નહીં, એને લઈને ઉડવાનું અને દૂર ફેંકી દેવાનો. આ બધું તમે કરી શકો?’ કાગડાએ ડરતો હોય એવી રીતે પૂછ્યું,

હા રે હા. એમાં શું હતું. હું તો સાપ કરતાં ય ભારે જાનવરને ઊંચકી શકું. પછી સાપની શું વિસાત?’

કાગડાને તો આ જ જોઈતું હતું. એણે પોતાના બધા સાથી પંખીઓને પોતાની યોજના જણાવી દીધી. એ પ્રમાણે બીજે દિવસે બપોરે એ બધા પંખીઓ વડ ઉપર આવીને કલશોર કરવા માંડ્યા. પંખીઓનો અવાજ સાંભળીને સૂતેલો સાપ તો ઉઠયો અને ખુશ થઈને દરની બહાર આવ્યો. કાગડો તો સમડીને લઈને પહેલેથી ત્યાં આવેલો જ હતો. એણે સમડીને સાપ બતાવ્યો. સમડીએ તો સીધી એના ઉપર તરાપ મારી અને ચાંચમાં લઈને ઉડવા માંડી. બધા પંખીઓએ કાગડાના શીખવાડ્યા પ્રમાણે જોરથી ‘સમડી રાણીની જય’ બોલાવી. આકાશ તરફ જતી સમડી આ સાંભળીને ઘણી ખુશ થઇ. સાપને પકડીને એ તો દૂર દૂર ગઈ અને પછી સાપને નીચે ફેંકી દીધો.

એ સાપનું પછી શું થયું એ કોઈને નથી ખબર. આપણને તો એટલી ખબર છે કે હવે બધા પંખીઓ પાછા એમના વડદાદાની ઉપર રહે છે, એમને ગીતો સંભળાવે છે અને વડદાદા પણ ખુશ છે. પેલો કાગડો જયારે મળે ત્યારે બધા પંખીઓ એને સલામ કરીને કહે છે “વાહ! કાગભાઈ, વાહ!’


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯