મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

આપણે  કોઇને કોયડો પૂછીએ ત્યારે મોટાભાગે તે સાચો જવાબ ન આપી શકે તેમ ઇચ્છીએ છીએ તેવી  જ રીતે  કશીક બાબતે અનુમાન કરવાનું કહીએ ત્યારે તેનું અનુમાન ખોટું પડે તેમ ઇચ્છતા હોઇએ છીએ અને જો અનુમાન સાચું પડે તો નિરાશ થવાય છે. આથી જ વાચક મિત્રોને મથાળું વાંચીને આ લેખ શેના વિષે હશે એવું અનુમાન કરવાનો પડકાર આપતો નથી. છતાં કેટલાક વાચક મિત્રો સ્વનિર્મિત પડકાર ઝીલીને અનુમાન કરવા પ્રેરાશે કે દુનિયાના પહેલા પુરુષ મનાયેલા ઈવવાળા આદમની અથવા સનાતનીઓના પહેલા પુરુષ ભગવાન મનુની  વાત હશે જેમાં લેખક કહેવા માગતા હશે કે આદમ  કે ભગવાન મનુ હાસ્યલેખક હતા. કદાચ “વૃજમાં કૃષ્ણ પુરુષ છે એક” એવા ભક્ત કવિ દયારામનાં કીર્તનમાં ફેરફાર કરીને કૃષ્ણની જગ્યાએ હાસ્યલેખકને મૂકવા માગે છે. જો કે આ પણ મારાં અનુમાનો જ છે. પરંતુ હવે હું આ અનુમાન પુરાણ બંધ કરીને મૂળ વાત પર આવું.

યાદ કરો, તમે શાળામાં ભણેલા ગુજરાતી વ્યાકરણને. પહેલો પુરુષ એક વચન એટલે “હું” અને બહુવચન એટલે “અમે કે આપણે”. આગળ બીજા કે ત્રીજા પુરુષ બાબતે નહિ લખવાની હૈયાધારણ આપીને મિત્રોને વ્યાકરણનાં એ કંટાળો આપતાં વિષયનું વિશેષ દુ:સ્મરણ નથી કરાવતો.

મોટાભાગના હાસ્યલેખકો ‘પહેલા પુરુષ’ની એટલે કે પોતાની કથા કહીને હાસ્ય નિપજાવવા પ્રયાસ કરતા હોય છે. પોતે ક્યારે અને કઈ રીતે મૂર્ખ બન્યા, પોતે કેવા ભૂલકણા છે, પોતે લીધેલા સંકલ્પો કઈ રીતે તૂટ્યાની, વહેલી સવારે ઊઠીને ફરવા નીકળતા પોતાના ઉપર આવેલી આફતોની, પોતે શારીરિક રીતે કે માનસિક રીતે કેવા દુર્બળ છે તથા ક્યારેક પોતાની થયેલી ફજેતીનું વર્ણન કરીને વાચકોનું મનોરંજન કરે છે. જ્યોતી‌ન્દ્ર દવેએ પોતાની આંખે થયેલી આંજણીની, પોતાની વ્યાયામ સાધનાની, પોતાને ભેટેલા પ્રશ્નાર્થ ચિહ્નની એવી અનેક વાતો કરીને હાસ્યરસ ઉત્પન્ન કર્યો છે. તેમના એક હાસ્યલેખનું શિર્ષક જ “હું જ્યોતી‌ન્દ્ર દવે” છે! બીજા એક  હાસ્યલેખકે તો પોતાનાં હૃદયની બીમારી વિષે એક આખું પુસ્તક લખીને લોકોને હસાવવા પ્રયાસ કર્યો છે.

હાલના સમયમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તેમાં સાહિત્યકારો પણ દીર્ઘાયુષ્ય પામ્યા છે. પણ એક સમય હતો કે કોઇ જાણીતી વ્યક્તિને સાંઈઠ વર્ષ પૂરા કરી નાખે તે પહેલા જ તે પોતે જ સાંઈઠ વર્ષને મહાત કરી દેતા. આમ કરીને તેમણે કોઇ મહાન કાર્ય કર્યું છે (તેમણે હવે ખૂબ જીવી લીધું છે!) તેમ માનીને તેમના ચાહકો અને અન્ય સ્નેહીઓ તેમની ‘ષષ્ઠ્ઠીપૂર્તિ’ નામે ઓળખાતી ઉજવણી કરતા. આવી ઉજવણીનો લાભ ક્યારેક કેટલાક સાહિત્યકારોને પણ મળતો. આ ઉપક્રમમાં શ્રી જ્યોતી‌ન્દ્ર દવેની ષષ્ઠ્ઠીપૂર્તિ – જેઓ પોતાને જ્યોતી‌ન્દ્ર દવેના હિતેચ્છુંઓ માનતા તેવા મિત્રો દ્વારા- ઉજવવામાં આવેલી. રીવાજ પ્રમાણે પોતાનાં સન્માનનો પ્રત્યુત્તર આપવો ફરજિયાત ગણાતો હોવાથી જ્યોતી‌ન્દ્ર દવેએ પણ તે પ્રસંગે પોતાનો પરિચય આપીને પ્રત્યુત્તર આપેલો. કોઇને પણ નવાઈ લાગે કે આટલા પ્રસિદ્ધ સાહિત્યકારે પોતાનો પરિચય શા માટે આપવો પડે? પરંતુ ખરેખર તો તેમણે પહેલા પુરુષની એટલે કે પોતાની જ વાત કરીને લોકોને હસાવવા હતા. આથી તેમણે રચેલાં “આત્મપરિચય” નામનાં કાવ્યનું પઠન કરવાની સાથે હાસ્યલેખક માટે આવશ્યક એવા ‘પહેલા પુરુષ’ને ન્યાય આપીને શ્રોતાઓને ખડખડાટ હસાવેલા.

એવું નથી કે હાસ્યલેખકે પહેલા પુરુષ એક વચનમાં જ વાત કરીને વાચકોને હસાવ્યા છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ એ સૂત્ર ભલે પછીથી આવ્યું હોય, પરંતુ તે સૂત્ર પાછળની ભાવના તો હાસ્યલેખકોને વિદિત હતી જ! આથી જ્યોતી‌ન્દ્ર દવેએ તેમના મિત્ર ધનસુખલાલ મહેતાની ભાગીદારીમાં ‘ અમે બધા” નામનું આત્મકથા સ્વરૂપનું પુસ્તક લખ્યું. તેમના અનુગામી શ્રી વિનોદ ભટ્ટે પણ ‘એવા રે અમો એવા” નામનું પુસ્તક લખ્યું છે. આ રીતે તેમણે પહેલા પુરુષ બહુવચનનો પ્રયોગ કરીને વાચકોનું મનોરંજન કર્યું છે.

માત્ર હાસ્યલેખકો જ નહિ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા ડાયરાના કલાકારો પણ ઘણેભાગે ‘પહેલા પુરુષ’ની જ વાત કરીને શ્રોતાઓને હસાવે છે. વાત સાચી કે ક્યારેક તેઓ પોતાની કથામાં પાત્ર તરીકે પત્નીને લઈ આવતા હોય છે, પરંતુ એ તો ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એ ઉક્તિને સાચી ઠરાવવા માટે જ લાવે છે!

હવે સવાલ એ થાય છે કે હાસ્યલેખકો સહિત હાસ્યકારોની કફોડી સ્થિતિ પર વાચકો કે શ્રોતાઓને હસવું કેમ આવતું હશે? માત્ર વાચકો કે શ્રોતાઓને જ નહિ સરકસના જોકરને પણ ઝુલા પરથી પટકાયેલો જોઇને પ્રેક્ષકોને હસવું આવે છે. ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં જોકરની માતાએ તેને કહેલાં વાક્ય “તેરે પિતાકે મરતે દમ તક લોગોને તાલિયા બજાઈ થી”! માં આ વાતની જ પ્રતીતિ થાય છે.

જો કે આ બાબતે અપવાદો તો ઘણા હશે. પહેલા પુરુષને બદલે ત્રીજા પુરુષની વાત કરીને ભાવકોનું મનોરંજન કર્યાના અનેક દાખલા મળી આવે છે. પરંતુ હાસ્ય નિષ્પન્ન કરવાનો સરળ માર્ગ તો પહેલા પુરુષની કથામાં જ છે. આથી હાસ્યકારો હાથવગા અને સરળ એવા પહેલા પુરુષનો રાજમાર્ગ પસંદ કરીને લોકોને હસાવતા હોય છે.

હાસ્યકારો બાબતે આ પ્રકારનું નિરીક્ષણ કર્યા પછી કોઇ વિદ્વાને એવું સંશોધન કર્યું હોય એમ જાણ્યું નથી કે હાસ્યકારો કફોડી સ્થિતિમાં મૂકાય તેથી વાચકો, શ્રોતાઓ કે પ્રેક્ષકોને હસવું કેમ આવતું હશે? આથી હંમેશની જેમ, વિદ્વાનો જે કાર્ય નથી કરી શકયા તે કરવાની જવાબદારી મારી સમજીને હું સવાલનો જવાબ શોધવા પ્રયાસ કરું છું.

આપણો સૌનો અનુભવ છે કે રસ્તા પર ઠેસ વાગવાથી કે બીજી કોઇ રીતે કોઇને, ખાસ કરીને તો પોતાના પરિચિતને પડી જતો જોઇને લોકો હસતા હોય છે. જોનારને  લાગે છે કે પેલો પડ્યો પણ આપણે તો પડ્યા નથી ને,  એમ જાણીને પોતે સારી સ્થિતિમાં છે તેનું સુખ માણતા હોય છે. એ જ રીતે અન્યની કોઇપણ પ્રકારની કફોડી પરિસ્થિતિ જોઇને  સરખામણીમાં પોતે સારી સ્થિતિમાં છે તેનો આનંદ અનુભવતા હશે છે.  કદાચ આ પ્રકારનો જ આનંદ  હાસ્યકારો પોતાની નબળાઇ, પોતાની મુશ્કેલીની  કે અન્ય બાબતે અલ્પતાની વાત કરે છે ત્યારે લોકોને આવતો હશે. બીજો એવો પણ તર્ક છે કે હાસ્યલેખકે વર્ણવેલી  હાલતમાં ક્યારેક વાચકોને પોતાને પણ પસાર થવું પડ્યું હોય છે. તેથી લેખક સાથે તાદાત્મ્ય સધાવાથી  sailing in the same boat નો આનંદ માણતા હશે.

જો કે આ પ્રકારના તર્ક કરતી વખતે મને ‘રઘુવંશ’માં કાલિદાસે લખેલા વાક્ય प्रांशु लभ्ये फले मोहाત્ उदबाहुरिव वामन(ઉંચા ઝાડ પરનું ફળ લેવાનો પ્રયાસ કરતા ઠીંગણા માણસ)ની જ લાગણી થાય છે.

હાસ્યકારો ગમે તે માનતા હોય, પરંતુ આ બાબતે આપણા એક મોટાગજાના હાસ્યલેખક તારક મહેતાનો અભિપ્રાય જણાવીને ,પહેલા પુરુષની કથાનું સમાપન કરું છું.

તેમણે લખ્યું છે, ”છેલ્લા ૫૦ વર્ષથી સાહિત્યમાં એક એવો મત પ્રચલિત કરવામાં આવ્યો છે કે જે લેખક પોતાની નબળાઇઓની મજાક ઉડાવી શકે, પોતાની જાતની હાંસી કરી શકે એ સર્વશ્રેષ્ઠ વિનોદ. મેં બધા પ્રયોગ કરી જોયા. મેં મારા લેખનમાં તેમજ જાહેરમાં મારી ઘણી હાંસી કરી, લોકો હસ્યા, હજી પણ હસે છે. કદાચ એ લોકો હસ્યા જ કરશે. તમે એમ સમજો છો કે તમે પ્રજાને હસાવો છો પણ ખરી વાત એ છે કે પ્રજા તમને હસે છે.”


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.