હું એ ઘરમાં માંડ બેએક વરસ રહ્યો હોઈશ ત્યાં જ મારે અમેરિકા આવવાનું થયું અને હું ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. પહેલા ત્રણેક દિવસ હું મારા પ્રોફેસર જ્યોર્જ કાર્ડોનાને ત્યાં રહેલો. પછી, હું એમણે મારા માટે લઈ રાખેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયેલો. પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં આવેલો એ એપાર્ટમેન્ટ ત્રીજા માળે હતો. એમાં એક રસોડું અને એક અંધારિયો ઓરડો. ઓરડામાં બારી એક પણ નહીં. એમાં દિવસે પણ લાઈટ કરવું પડતું. રસોડામાં બે બાજુ બારીઓ હતી. ત્યાં દિવસે લાઈટની જરૂર ન હતી પડતી. નસીબ જોગે રસોડું પેલા ઓરડા કરતાં મોટું હતું. એટલે એકબે દિવસ એ અંધારા ઓરડામાં રહ્યા પછી હું મકાનમાલિકને કહીને રસોડામાં રહેવા ચાલ્યો ગયેલો. અને પેલા ઓરડાને મેં સ્ટોર રૂમ બનાવેલો. એમાં મારાં બેગબિસ્તરા પડી રહેતાં. આ એપાર્ટમેન્ટમાં હું હકીકતમાં તો પેટાભાડૂત હતો. મને ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા ભણાવવા પેટે મહિને અગિયારસો ડોલર વેતન મળતું હતું. જો કે, યુનિવર્સટીએ મારી ટ્યુશન ફી માફ કરેલી અને મને તથા મારા કુટુંબને એ લોકોએ મેડિકલ વીમો આપેલો. હું ઘરભાડા પેટે મહિને બસો ડોલર આપતો હતો. પણ મારાં ‘માલિકણની’ એક શરત હતી: મારે રસોડાનું બારણું હંમેશાં ખુલ્લું રાખવાનું. કેમ કે, એમની ચારપાંચ બિલાડીઓમાંની એકને રસોડાની એક બારીમાં બેસવાની ટેવ હતી! મને એની સામે વાંધો ન હતો. હકીકતમાં તો મારાં માલિકણને ત્યાં એક નાનકડું પ્રાણીસંગ્રહાલય કહી શકાય એટલાં પ્રાણીઓ હતાં. એમાં ચારેક બિલાડીઓ ઉપરાંત, બે કૂતરા, બેચાર સસલાં અને બીજાં બે ત્રણ – જેમનાં મને નામ મને ત્યારે સમજાયાં ન હતાં- પ્રાણીઓનો સમાવેશ થતો હતો. હું જ્યારે પણ યુનિવર્સિટીએ જવા નીકળતો ત્યારે મારી કમરે આવે એટલા ઊંચા બેએક કૂતરા મારી પાસે આવતા અને મને ચારે બાજુથી સૂંઘતા. મને એમનો ખૂબ ડર લાગતો હતો. પણ, હું કહી શકતો ન હતો. મને એમ કે જો હું એનાં કૂતરાં સામે ફરીયાદ કરીશ તો એ કદાચ મને કાઢી મૂકશે અને મારે વધારે ભાડાના મકાનમાં રહેવા જવું પડશે. હું યુનિવર્સટીથી પાછો ઘેર આવતો ત્યારે પણ પાછા એ બન્ને કૂતરા મારી પાસે આવતા ને મને ચારે બાજુથી સૂંઘતા. હું મનમાં મનમાં બોલતો: હું જે હતો એ જ છું. બદલાયો નથી.
આ એપાર્ટમેન્ટમાં હું એક વરસ રહ્યો. ત્યારે મારી પાસે કોમ્પ્યુટર કે એવું કશું હતું નહીં. હું ડાયનિંગ ટેબલ પર બેસીને વાંચતો. નોંધો તૈયાર કરતો. સાપ્તાહિક પરીક્ષા હોય તો હું આખી રાત ઉજાગરો કરીને પેપર તૈયાર કરતો અને પછી વહેલી સવારે સાતેક વાગે નીકળીને યુનિવર્સિટીએ જતો. ત્યાં મારી ઓફિસમાં બેસીને પેપર ટાઈપ કરતો.
બીજા વરસે મારાં પત્ની અને મારો દીકરો મારી સાથે રહેવા આવવાનાં હતાં. એટલે મારે બીજે ઘર લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે મેં હું જ્યાં રહેતો હતો એની નજીકમાં જ એક રૂમ રસોડાનું એપાર્ટમેન્ટ લીધું. એમાં દીકરો બેઠક રૂમમાં સૂઈ જતો. જો કે, એને કારણે એને ઘણું સહન કરવું પડતું હતું. કેમ કે શાળામાં બીજા વિદ્યાર્થીઓ એને પૂછતા તો એ પ્રામાણિક બનીને કહી દેતો કે ના, મારે મારો પોતાનો બેડરૂમ નથી. એક વાર એ ઘેર આવીને રડેલો પણ કરો. એ ઘરનું એક સુખ હતું. ત્યાંથી મારી યુનિવર્સિટી બેએક માઈલ દૂર થતી. હું ક્યારેક ચાલતો. ક્યારેક ટ્રોલી લેતો. ઘેર આવતી વખતે મને મોટે ભાગે મારી યુનિવર્સિટીની બસ મળતી. હું એ બસ લેતો. દીકરાની સ્કુલ બસનું સ્ટેશન પણ નજીકમાં હતું.
એ વખતે અમે અમારું વડોદરાનું ઘર પણ બંધ રાખેલું. કેમ કે અમને એમ હતું કે હું પીએચડી પૂરું કર્યા પછી પાછો દેશમાં જઈશ અને ત્યાં જઈને “મારા જ્ઞાનનો લાભ” બીજા લોકોને આપીશ. એ જમાનામાં જે લોકો અમેરિકા ભણવા આવતા એમાંના મોટા ભાગના એવી રંગદર્શી અને રાષ્ટ્રીયતાવાદી કલ્પના કરતા. હું પણ એમાંનો એક હતો.
એ દરમિયાન, મેં અને રેખાએ વિચાર્યું કે દીકરાએ એની સાથે ભણતા વિદ્યાર્થીઓને એવું કહેવું પડે કે એની પાસે એનો બેડરૂમ નથી એ સારું ન કહેવાય. વળી અમારાથી દીકરાને એમ પણ કહેવાય એમ ન હતું કે તું જૂઠું બોલ. એટલે અમે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ શોધવા માંડ્યું. હવે રેખા કામ કરતી હતી. વળી મારું વેતન પણ થોડુંક વધેલું. એટલે અમે થોડોક વધુ આર્થિક ભાર ખમવા માટે તૈયાર હતાં. એ દિવસોમાં પાછું મારા માથે મારાં માબાપની પણ જવાબદારી હતી. એમને દર મહિને નહીં તો દર બે મહિને પૈસા મોકલવા પડતા. જેમ આજે માણસો કરતાં પૈસા વધારે સરળતાથી સીમાઓ ઓળંગે છે એવું ત્યારે ન હતું. એથી હું માબાપને ચેક મોકલતો અને માબાપ એ ચેક એમના ખાતામાં જમા કરાવતાં. મેં એમને કહી રાખેલું કે તમારા ખાતામાં પાંત્રીસ હજાર રૂપિયાથી ઓછા પૈસા હોય તો મને તરત જ જાણ કરવી.
પછી અમે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. જો કે, એ ઘરમાં પણ રસોડામાં જવું હોય તો અમારે હેતુની રૂમમાં થઈને જવું પડતું. પણ, હવે હેતુને એક વાતનો સંતોષ હતો કે એની પાસે પણ એનો પોતાનો બેડરૂમ છે. એ એના મિત્રોને એવું કહી પણ શકતો હતો.
આ બધાની વચ્ચે મેં પીએચ.ડી. પણ પૂરું કરી દીધેલું. હવે મને Teaching Assistantમાંથી લેક્ચરર બનાવવામાં આવ્યો હતો. હું અમેરિકા J-1 વિઝા પર આવેલો. જેથી મારાં પત્ની J-2 પર આવી શકે અને સત્તાવાર કામ કરી શકે. જો કે, J-1 વિઝામાં એક શરત હોય છે. કાં તો તમારે બે વરસ માટે તમારા દેશમાં પાછું જવું પડે, કાં તો તમારે ભારત સરકાર પાસેથી તમે અમેરિકામાં રોકાઈ જાઓ તો ભારત સરકારને એની સામે કોઈ વાંધો નથી એ મતલબનું ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવવું પડે. આ બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો જ તમને H-1 વિઝા મળે. મેં આમાંનો બીજો માર્ગ પસંદ કર્યો. ભારત સરકાર પાસેથી મેં ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવ્યું. એના આધારે મારી યુનિવર્સટીએ મારા H-1 વિઝા માટે અરજી કરી. મને એ વિઝા મળી પણ ગયા. પણ, ત્યારે જે લોકો આ વિઝા પર હોય એમનાં પત્ની કે એમના પતિને કામ કરવાની પરવાનગી મળતી ન હતી. એટલે મને H-1 વિઝા મળ્યા પછી મારાં પત્ની અને મારા દીકરાને H-4 વિઝા મળ્યા. હવે મારાં પત્ની કામ ન હતાં કરતાં. એને કારણે અમારી એક આવક બંધ થઈ ગયેલી. જો કે, કુલ આવક લગભગ સરખી રહેલી.
H-1 વિઝા મળતાં જ મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરી. ત્યારે રાહ જોવાનો સમયગાળો ખૂબ લાંબો હતો. પણ, એમાં એક ફાયદો પણ હતો. એ અરજીના આધારે હું રેખા માટે કામ કરવાની પરવાનગી મેળવી શકતો હતો. એક દિવસે, રેખાએ કહ્યું કે હવે આપણે અહીં એક ઘર લઈ લઈએ. અમારી પાસે ડાઉન પેમેન્ટ કરી શકીએ એટલી બચત હતી. કોણ જાણે કેમ પણ હું ઘર લેવા તૈયાર ન હતો. મને થતું કે જો હું ઘર લઉં અને મને ગ્રીન કાર્ડ ન મળે તો હું શું કરીશ. પણ, રેખાએ તો નિર્ણય લઈ લીધેલો. ગમે તેમ થાય: ઘર ખરીદી લો. પાછળથી જોયું જશે. હવે હું થાકી પણ ગયો હતો. મને લાગતું હતું કે એક જીવનમાં કદાચ પાંચ છ જીવન એક સાથે જીવ્યો છું.
આખરે અમે ફિલાડેલ્ફિયાના ઉત્તર-પૂર્વ વિભાગમાં એક ઘર પસંદ કર્યું. ત્રણ બેડરૂમ બે બાથરૂમનું. જો કે, નીચે બેઝમેન્ટમાં એક રૂમ હતો. જો ઘરમાં પાછળથી પ્રવેશ કરો તો સીધા બેઝમેન્ટમાં જવાય અને આગળથી પ્રવેશ કરતો તો બેઝમેન્ટમાં જવા એક દાદરો ઊતરવો પડે. આ ઘરનો નંબર હતો ૨૨૨૪. અમારા વડોદરાના ઘરનો નંબર ૨૨૩/૨૨૪ હતો. રેખાને થયું કે જેમ વડોદરાનું ઘર ફળ્યું એમ આપણને કદાચ આ ઘર પણ ફળે. મેં એની માન્યતાનો કોઈ વિરોધ ન હતો કર્યો. કેમ કે હું આવી બાબતોમાં વિવાદો નથી કરતો. મારા ઘરમાં હું અને મારો દીકરો બન્ને નાસ્તિક છીએ. પણ, અમારામાંથી એક પણ બીજા પર અમારા વિચારો લાદવામાં માનતું નથી.
અમે આ ઘર લેતાં તો લઈ નાખ્યું પણ પછી ખબર પડી કે આ ઘરમાં ઘણું બધું રીપેર કર્યા વિના નિરાંતે રહી શકાશે નહીં. એટલે અમે દસેક હજાર ડોલર વધારે ખર્ચીને ઘર રીપેર કરાવ્યું અને એમાં રહેવા આવ્યાં. જો કે, આ ઘર મારી યુનિવર્સિટીથી અને રેખાની કામ કરવાની જગ્યાથી ઘણું દૂર હતું. અમારે બન્નેએ એક બસ અને એક ટ્રેઈન લેવી પડતી. પણ, હવે અમારી પાસે અમારું ઘર હતું. રેખાને એનો હરખ હતો. મને કોણ જાણે કેમ પણ એનાથી કોઈ હરખ થતો ન હતો. જો કે, મેં ઘર ખરીદતી વખતે એક વાત ધ્યાનમાં રાખેલી: લોનનો હપ્તો હું જેટલું ભાડું ભરતો હતો એના કરતાં વધારે ન આવવો જોઈએ. અને એમ જ કરેલું.
અમે માંડ છએક મહિના આ ઘરમાં રહ્યા હોઈશું ત્યાં જ એક દિવસે એક દુર્ઘટના બની. એ દિવસે મારો દીકરો ઘરમાં, એની રૂમમાં, હતો અને હું અને રેખા પન્ના નાયકના ઘેર જતાં હતાં. ત્યાં જ રસોડામાં શોર્ટ સર્કીટ થઈ અને ઘરમાં આગ લાગી. દીકરાનો ફોન આવ્યો: “પાછા આવો, ઘરમાં આગ લાગી છે.” અમે ઘેર પાછાં આવ્યાં ત્યારે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ બધાંથી આખું ફળિયું ખીચોખીચ. અમે તરત જ સુચીબેનને/ગિરીશભાઈને ફોન કર્યો. એ લોકો પણ ક્યાંક ગયેલાં હતાં. પણ, એ તરતજ ત્યાંથી પાછાં આવી ગયાં. આગમાં રસોડું અને બેઠક રૂમ સાવ બળી ગયાં હતાં. મને એમ કે આગ હોલવાઈ જશે પછી બધું સાફ કરીને અમે રહેવા માંડીશું. એટલામાં ફાયરબ્રિગેડના માણસોએ અમને કહ્યું: તમે આમાં રહેવા ન જઈ શકો. તમારે બીજે વ્યવસ્થા કરવી પડશે.
એ દરમિયાન એક માણસ આવ્યો. એણે કહ્યું: હું public adjuster છું. હું તમારા વતી વીમા કંપની સાથે લડીશ અને ઘર પણ આખું રીપેર કરી આપીશ. પણ એ માટે હું પંદર હજાર ડોલર કમિશન લઈશ. મેં કદી પણ public adjusterનું નામ સરખું સાંભળ્યું ન હતું. ગિરીશભાઈને પણ કંઈ સમજાયું નહીં. પણ, અમે હા પાડી દીધી. અમે ઘરમાં મૂકી રાખેલા વીમાનાં કાગળિયાં શોધી લાવીને એને આપ્યાં. એણે કહ્યું, “આ વીમા કંપની ખૂબ સારી છે. તમારે ચિન્તા કરવાની જરૂર નથી.” એટલામાં Blue Crossના માણસો આવ્યા. એમણે અમને બસો ડોલરનું એક કાર્ડ આપ્યું અને કહ્યું કે તમે ખાવાપીવા માટે હમણાં આ કાર્ડ વાપરો. વધારે પૈસાની જરૂર પડશે તો અમે આપીશું અને અમે તમે બે કે ત્રણ દિવસ રહી શકો એ માટે સગવડ પણ કરી છે. પેલા Public Adjusterએ એમને કહ્યું કે અમારા રહેવાની સગવડ એ કરશે. મેં બસો ડોલરનું કાર્ડ લીધું પણ એમાંથી અમે એક પણ પૈસો વાપર્યો નહીં. કેમ કે, મારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા હતી.
એટલામાં ઝરમર વરસાદ પડવા લાગ્યો. પેલા Public Adjusterએ અમને પાંચ હજાર ડોલરનો ચેક લખીને આપ્યો અને કહ્યું કે આ પૈસા તમે રાખો. વીમા કંપની પાસેથી પૈસા આવશે ત્યારે અમે આ પૈસા મજરે કાપી લઈશું. એટલું જ નહીં, એણે નજીકમાં જ આવેલી એક હોટલમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી. એણે કહ્યું કે હોટલમાં રહેવાનો ખર્ચ પણ વીમા કંપની જ આપશે. એણે ત્યાં બે રૂમ રાખેલી. એક અમારા માટે, બીજી અમારા દીકરા માટે.
અમે, ઘરમાં જે કંઈ કિમતી સામાન હતો એ લઈને હોટલમાં રહેવા ગયાં. સૌ પહેલાં તો અમારે નવાં કપડાં ખરીદવાનાં હતાં. કેમ કે ફાયર બ્રિગેડે ઘરમાં જે રસાયણો છાંટેલાં એ રસાયણોને કારણે અમારું એક પણ કપડું પહેરી શકાય એમ ન હતું. એ કપડાં અમારે એની ખાસ લોન્ડ્રી પાસે ધોવડાવવાં પડે. એ કામ પણ પેલા એડજસ્ટરે કરેલું. એણે કોઈક કંપનીને ફોન કરેલો અને એ કંપનીનો માણસ બધાં કપડાં લઈ ગયેલો.
ફાયરબ્રિગેડે ઘર સંપૂર્ણ બળી ન જાય, પોતાના માણસો ગૂંગળાઈ ન જાય અને પાડોશનાં ઘરોમાં આગ ન ફેલાય એ માટે અમારા ઘરની બધી બારીઓ તોડી નાખેલી. એ બારીઓ પર પણ પેલા પબ્લિક એડજસ્ટરે પાટિયાં મરાવી દીધેલાં અને અમને કહેલું કે તમારે છ મહિના બહાર રહેવું પડશે. એ દરમિયાન આપણે વીમા કંપની પાસેથી પૈસા લઈને આ ઘર હતું એવું ને એવું બનાવી દઈશું. એ આગમાં મારાં બસો જેટલાં પુસ્તકો પણ બળી ગયેલાં અને બસો કે ત્રણસો dvd પણ બળી ગયેલી.
અમે બે અઠવાડિયાં હોટલમાં રહીને પાછા વીમા કંપનીએ આપેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. એ ઘર પણ બે બેડરૂમનું હતું. જો કે, રહેતાં હતાં ત્યાંથી એ થોડુંક દૂર હતું. પણ, એનાથી અમને બહુ મોટો ફરક પડતો ન હતો.
હવે અરધું ઘર નવું બની રહ્યું હતું. બારીઓ બધ્ધી જ નવી નાખવામાં આવી હતી. ફ્લોર પણ નવો. રસોડું આખું ય નવું. એ દરમિયાન અમે નક્કી કર્યું કે આ તકનો લાભ લઈને આપણે ઘરની ડિઝાઈન બદલીએ. આ બાબતમાં હું થોડો જાણકાર. એથી મેં એ લોકોને રસોડાની નવી ડિઝાઈન આપી. એમાં એરકન્ડીશનની પાઈપો હતી એ ઢંકાઈ જાય એવી વ્યવસ્થા કરી અને ઘરને પાછળ બારણું ન હતું ત્યાં અમે દરવાજો કરાવ્યો અને એક મોટો ડેક પણ બનાવડાવ્યો. એ ડેક પર હિંચકો રહી શકે, છ માણસનું ડાયનિંગ ટેબલ પણ રહી શકે અને દસેક માણસો આરામથી બેસી પણ શકે એવી વ્યવસ્થા પણ કરી. અમે વીમા કંપનીએ જે પૈસા આપેલા એમાં પાછા ખિસ્સાના પૈસા ઉમેર્યા. નીચે બેઝમેન્ટમાં એક બેડરૂમ હતો એ આખો નવો કરાવ્યો. તદ્ઉપરાંત, એક વધારાનો અરધો બાથરૂમ પણ બનાવડાવ્યો. હવે ઘર સાચે જ સુંદર લાગતું હતું. મેં રેખાને કહેલું કે આ ઘરનું નામ આપણે ‘અગ્નિકૃપા’ રાખવું જોઈએ.
પણ, એ શક્ય ન હતું. આગના બનાવના પગલે હું કશું કામ કરી શકતો ન હતો. હેતુની પણ એ જ સ્થિતિ હતી. રેખા કામ કરવા જતી. એનું કામ મોટે ભાગે યાંત્રિક હતું. એ એક સ્ટોર પર કામ કરતી હતી. એ દરમિયાન અમારી ગ્રીન કાર્ડની અરજીનો પણ અસ્વીકાર થયેલો. ઈમિગ્રેશન ઓફિસે કહેલું કે તમે વિદ્વાન છો એવું તમે સાબિત કરી શક્યા નથી. એ લોકોએ મને બે પ્રશ્નો પૂછેલા. મારા સંશોધનનો ગુજરાતે કે બીજા કોઈએ લાભ લીધો છે ખરો? અને તમારી વિદ્વતાનો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સિવાય બીજી કોઈ યુનિવર્સિટિએ ઉપયોગ કર્યો છે ખરો? દેખીતી રીતે જ, મારો શોધનિબંધ તો મેં હમણાં પૂરો કર્યો હતો. હજી લોકોને એની ખબર પણ ન હતી. વળી ગુજરાતની વાત પણ અલગ હતી. પણ મારે અત્યારે એની વાત નથી કરવી. મેં ગ્રીન કાર્ડની અરજીનો અસ્વીકાર થયાની વાત બેએક અઠવાડિયાં છુપાવી રાખેલી. રેખા હજી આગના આઘાતમાંથી બહાર આવી ન હતી. મારે એને વધારે આઘાત આપવા ન હતા.
પછી અમે અમારા ઘરમાં પાછાં આવ્યાં. એ દરમિયાન મારાં માતાપિતાનું અવસાન થયું. પહેલાં બા ગયાં, પછી બાપુજી. વચ્ચે બે કે ત્રણ મહિનાનો સમય રહ્યો. હું પણ ઇમિગ્રેશનના પ્રશ્નોને કારણે એ ઘટનાઓ બની ત્યારે ઘેર જઈ શકું એમ ન હતો. તમે એક વાર ગ્રીન કાર્ડ માટે અરજી કરો પછી તમારે પ્રવાસ કરવો હોય તો એ માટે પરવાનગી લેવી પડે. એ પરવાનગી મંજુર થતાં થોડો સમય વીતી જાય. આમેય તમે વતન છોડો પછી તમે તમારા વતનને તમારી પીઠ પર જ રાખી શકો. ઇનિઅસની જેમ એના બાપને રાખતો હતો એમ. મારાં માબાપ ભલે ગયાં પણ એ બન્ને મારી પીઠ પર જ હતાં. આજે પણ છે. આજે પણ ક્યારેક થતું હોય છે: બહુ દિવસથી બાને ફોન નથી કર્યો. પચી યાદ આવે કે બા તો ક્યારનાં ય ઉપર ચાલ્યાં ગયાં છે.
આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે અમેરિકામાં ભાષાસ્થિતિ પણ બદલાઈ રહી હતી. ૯/૧૧ને કારણે મોટા ભાગની યુનિવર્સિટીના દક્ષિણ એશિયા વિભાગોએ ભાષા પર ભાર મૂકવાને બદલે ધર્મ પર ભાર મૂકવાનો શરૂ કરેલો. અમેરિકન સરકારે વિદેશી ભાષાઓને ત્રણ વર્ગમાં વહેંચી નાખી છે. એમાંના પહેલા વર્ગમાં અમેરિકાની સુરક્ષા માટેની ભાષાઓ આવે. દેખીતી રીતે હિન્દી, ઉર્દુ, બંગાળી અને પંજાબી ભાષાઓ એ વર્ગમાં આવતી હતી. બીજા વર્ગમાં વિદ્વતાની ભાષાઓ આવે. એમાં તમિલ ભાષાનો સમાવેશ થતો હતો. જો કે, એ ભાષા પહેલા વર્ગમાં પણ આવતી હતી. કેમ કે ત્યારે શ્રીલંકામાં તમિલ ઉગ્રવાદ હતો. ત્રીજા વર્ગમાં સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વની ભાષાઓનો સમાવેશ થતો હતો. એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીઓ ત્યારે પહેલા વર્ગની ભાષાઓના અભ્યાસમાં રોકાણ કરતી. એમ કરતાં જો પૈસા બચે તો એ પૈસા બીજા વર્ગની ભાષાઓ પાછળ રોકતી. અને એમ કરતાં પણ પૈસા બચે તો એ પૈસા એ ત્રીજા વર્ગની ભાષાઓ પાછળ વાપરતી. હું અને મારા એક તમિલ મિત્ર ત્રીજા વર્ગની ભાષાઓને ‘ગૃહીણી-શિક્ષકોની ભાષાઓ’ તરીકે ઓળખાવતા. કેમ કે, એ ભાષાઓ મોટે ભાગે, જેમની પાસે ભાષાની કોઈ ડીગ્રી ન હોય, પણ એ ભાષા જાણતી હોય, એવી ગૃહીણીઓ જ ભણાવતી હતી. એમને માથા દીઠ પગાર મળતો.
એ જ અરસામાં અમેરિકામાં સ્પેનિશ અને ચીની ભાષાનો પણ વિસ્તાર થયો. એટલે સુધી કે અમેરિકાએ મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં પણ સ્પેનિશ ભાષા શીખવવાનું શરૂ કરેલું. એને કારણે ગુજરાતી ભણનારા વિદ્યાર્થીઓ પણ ઓછા થઈ ગયેલા. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો (કદાચ આજે પણ હશે) કે દરેક વિદ્યાર્થીએ અંગ્રેજી ઉપરાંત બીજી એક ભાષા શીખવાની. ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી લેતા. પણ, હવે એ લોકો પ્રાથમિક શાળામાંથી જ સ્પેનિશ ભણીને આવતા હતા એટલે યુનિવર્સિટીમાં આવીને સ્પેનિશ ભાષાનો placement test લઈ એ જરૂરિયાત પૂરી કરતા. એ દરમિયાન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એન્જિનિયરીંગ, મેડિકલ વગેરે વિભાગે વધારાની ભાષા શીખવાની નીતિ બદલી નાખી. એ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ હવે અંગ્રેજી ઉપરાંત બીજી ભાષા શીખવાની ન રહી.
આ બધાના કારણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટ્યા અને એનું એક પરિણામ એ આવ્યું કે મારી નોકરી ગઈ. યુનિવર્સિટીએ ગુજરાતી પ્રોગ્રામ બંધ કર્યો. જો કે, એમાં પણ રાજકારણ હતું. મને લાગે છે કે એ રાજકારણની ચર્ચા અહીં અસ્થાને હોવાથી મારે એની ચર્ચા ન કરવી જોઈએ. પણ, હું ફરી એક વાર બેકાર બન્યો. અમેરિકામાં બીજી કોઈ યુનિવર્સિટીઓ ગુજરાતી ભાષા ભણાવતી ન હતી. મારી પાસે સિનેમાની ડીગ્રી પણ હતી. ખાલી મારો માસ્ટર શોધનિબંધ બાકી હતો. પણ, હું હવે ભાષાશાસ્ત્ર કે સિનેમા પણ ભણાવી શકું એમ ન હતો. કેમકે મારા પર ભાષાના અધ્યાપકનો સિક્કો વાગી ગયો હતો. એ પણ ગુજરાતી ભાષાના અધ્યાપકનો. એટલે મને કોઈ હિન્દી પણ ભણાવવા ન આપે. અમેરિકન શિક્ષણ વ્યવસ્થા આ બધી બાબતોમાં ક્રુર છે. જો કે, નોકરી ગઈ એ પહેલાં, મારા સારા નસીબે, મારું ગ્રીન કાર્ડ થઈ ગયેલું. તે પણ મારા જોરે. યુનિવર્સિટીએ મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપેલો પણ એ લોકોએ મારું ગ્રીન કાર્ડ સ્પોન્સર ન હતું કર્યું.
ક્રમશઃ
