નલિની નાવરેકર
ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને અગ્રતાક્રમ આપ્યો હતો. તેઓ સ્વચ્છતાને અનન્ય મહત્ત્વ આપતા. નદી-તળાવોથી માંડીને મળ-મૂત્રની વ્યવસ્થા તેમજ ગામડાં અને આખા દેશની સ્વચ્છતા અંગે બાપુ વારંવાર રજૂઆતો કરતા. તેમ છતાં માત્ર સ્વચ્છતાની બાબત જોઈએ તો પણ ‘બાપુના સપનાનું ભારત’ આજે પણ જોવા મળતું નથી.
દેશની અસ્વચ્છતાની પરિસ્થિતિ જોઈને વિનોબાજી પણ ખૂબ વ્યથિત હતા. ખૂબ જ તીવ્રતાથી તેમણે સફાઈ અંગે કહ્યું છે, “અસ્વચ્છતા ભારતનો એક બહુ મોટો રોગ જ છે. અને તેનું ભાન પણ આપણને નથી. સફાઈનું કામ પણ શિક્ષણનો એક વિષય છે. સ્વચ્છ ભારત કરવા માટે બહુ મોટી તપસ્યા કરવી પડશે. સમસ્ત જનતાને બધી રીતે શિક્ષિત કરવી પડશે. લોકોની ગંદી ટેવો છોડાવવી પડશે. માત્ર શાબ્દિક પ્રચારથી કશું વળવાનું નથી. અસ્વચ્છતાની ટેવો કાઢવા માટે બાળપણથી કેળવણીમાં સુધારા કરવા પડશે.”
“સફાઈ એક યજ્ઞ છે. આપણે કોઈ એવા સમયની કલ્પના નહીં કરી શકીએ, જ્યારે માણસ સફાઈયજ્ઞ કરવાનું બંધ કરી દેશે. આ એક નિત્ય યજ્ઞ છે. આ કામ સર્વોદયનું એક અનિવાર્ય અંગ છે.”
ગાંધીજીએ કહ્યું હતું, “નઈ તાલીમ સફાઈથી શરૂ થાય છે.”
શાસ્ત્ર અને પ્રશિક્ષણ
પ્રશિક્ષણ સમગ્ર સ્વચ્છતાનું હોઈ શકે અથવા સફાઈના જુદાજુદા ભાગોનું પણ હોઈ શકે.
ઉદાહરણ તરીકે,
- મળનું વ્યવસ્થાપન – શૌચાલયોના પ્રકાર તથા તાંત્રિક માર્ગદર્શન તેમજ સોનખતનું નિર્માણ.
- પેશાબનું વ્યવસ્થાપન – હીરાખત બનાવવાની પ્રક્રિયા તથા તેનું તંત્ર સમજવું.
- કચરાની વ્યવસ્થા – કંપોસ્ટ ખાતર, વર્મી કલ્ચર (અળસિયાંનું ખાતર) વગેરે.
- કાગળ વગેરેનું પુનર્ચક્રીકરણ – કાગળની લુગદીથી વસ્તુઓ બનાવવી તેમજ અન્ય પદ્ધતિઓ અને પ્રકારો.
- સ્વચ્છ, શુદ્ધ પાણી તથા ગંદા પાણીનું વ્યવસ્થાપન.
- સજીવ ખેતી
- સ્વચ્છતાની સારી ટેવો.
આવા પ્રશિક્ષણથી કાર્યકરો પોતાના ઘર તેમજ ગામની સફાઈ, બાળકોના સંસ્કાર વગેરે માટે કામ કરી શકશે. સાથેસાથે આ અભ્યાસ અંગે વિચારતાં પ્રયત્નપૂર્વક તેમજ આયોજન સાથે તેનો ઉપયોગ કરશે તો આમાંથી તેને આર્થિક ઉત્પાદનનું સાધન પણ મળી આવશે.
સાતત્યપૂર્વક પ્રયત્ન કરવાથી આખું ગામ સ્વચ્છ બનશે તો સૌનું આરોગ્ય પણ સારું રહેશે. – પાણીજન્ય અનેક રોગોને નિવારી શકાશે. આ કામ ટકાવી રાખવા માટે બાળકો સાથે સતત પ્રવૃત્તિઓ ચલાવવી જરૂરી છે. સાથેસાથે વૈચારિક સ્વચ્છતા અને માનસિક સ્વચ્છતા માટે કામ કરવું પણ જરૂરી છે. ચિત્તશુદ્ધિ, આંતરિક શુદ્ધિ વિના બાહ્ય સ્વચ્છતાનો કોઈ અર્થ નથી. પરંતુ એ પણ સાચું છે કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ સંભવ નથી.
શુચિતાનો અર્થ જ છે, આંતર્બાહ્ય સ્વચ્છતા, નિર્મળતા ! આંતરિક શુદ્ધિમાં અર્થશુચિતા, આહારશુદ્ધિ, સાધન-શુદ્ધિ, વાણી શુદ્ધિ અને ચિત્ત-શુદ્ધિ સમાયેલી છે.
ચિત્તશુદ્ધિની નિસરણી :
शुचित्वात् आत्मादर्शन योग्यत्वम् – મુનિ પતંજલીના સ્વચ્છતા સંદર્ભે લખવામાં આવેલ સૂત્રનો આ સાર છે. વિનોબાજીએ આ સૂત્ર પર સાત દિવસ વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો ‘शुचिता से आत्मादर्शन’ નામથી પ્રસિદ્ધ છે. આત્મદર્શન તો આગળની વાત છે, આપણે જઈ રહ્યા છીએ શુચિતા તરફ ! આમાં મુખ્ય વાત છે આંતરિક શુદ્ધિની. આ પણ કંઈ સહેલી વાત તો નથી જ. પરંતુ વ્યવહાર અને અંતરનો વિકાસ – બંને માટે જરૂરી છે તેમજ પ્રયત્ન કરવાથી તે સધાઈ શકે તેવી છે. ચિત્તશુદ્ધિ આપણને આત્મદર્શનની નજીક લઈ જશે.
ચિત્તશુદ્ધિ માટે ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના, નામસ્મરણ, સત્સંગતિ, સદ્ગ્રંથપઠન અને શરીરશ્રમનું વ્રત – આ મહત્ત્વનાં સાધનો છે. ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવામાં તે આપણને મદદરૂપ થઈ પડશે.
નલિની નાવરેકર, મો.: ૭૫૮૮૩૧૬૧૩૭
