તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

હમણાં માનવ અધિકાર દિવસ ગયો ત્યારે ત્રણ દાયકા (ખરું જોતાં તેંત્રીસ વરસ) પરની એ સાંભરણ ઝંકૃત થઈ ઊઠી કે ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર સાથે જે કોમી ધ્રુવીકૃત માહોલ બન્યો હતો એને સ્થાને નાતજાતકોમલિંગથી હટી માનવીય ધોરણે કંઈક કરવાની ગણતરીએ નાગરિક કર્મશીલોએ દસમી ડિસેમ્બર મનાવવા પર વધુ ભાર મૂકવાનો વ્યૂહ વિચાર્યો હતો. એ વખતે જે બધાં સૂત્રો ઉચ્ચારાતાં ને આગળ કરાતાં એમાં ‘અવાજ’નાં ઈલાબહેન પાઠકના આગ્રહથી એક સૂત્ર ખાસ દાખલ થયું કે સ્ત્રીના અધિકાર, માનવ અધિકાર અભિપ્રેત મુદ્દો એ હતો કે માનવ અધિકારની વાત વિશેષે કરીને વંચિત ને ઉપેક્ષિત તબકા વાસ્તે તો ખાસ થવી જોઈએ- તેથી જેમ દલિત કે બીજા હાંસિયા માંહેલાઓ તેમ મહિલાઓનાયે અધિકાર બાબતે બુલંદપણે બોલવું જોઈએ.

ડિસેમ્બર અધવચ આ લખી રહ્યો છું એની પાછળનો એક ધક્કો ગુજરાતમાં નવ્ય નારીવાદી ચળવળ દરમ્યાન જે અવનવાં ઈતિહાસપાત્રોનો પરિચય થયો તેનો પણ છે. અવનવીન એવું એક પાત્ર હાલના બાંગ્લાદેશમાં ૧૯મી સદી ઊતરતે જન્મેલાં રુકૈયા સખાવત હુસેન (૯ ડિસેમ્બર ૧૮૮૦ : ૯ ડિસેમ્બર ૧૯૩૨)નું છે. જેનાં જન્મ અને મૃત્યુ બેઉ કલ્યાણક એક જ તારીખનાં હોય એવી આ વિલક્ષણ પ્રતિભા એવા સમયમાં એક મુસ્લિમ પરિવારમાં ઉછરી હતી જ્યારે ઉર્દૂનો એક ભદ્ર ભાષા તરીકે દબદબો હતો ને બંગાળી આમ ભાષા લેખાતી. અંગ્રેજી દાખલ તો થયું હતું- આમેય અંગ્રેજી રાજની પહેલી રાજધાની તો બંગાળમાં જ હતી ને! પણ છોકરીઓને વળી અંગ્રેજીનું શું કામ? જોકે, મોટાભાઈએ પિતાથી ખાનગી રાહે રુકૈયાને અંગ્રેજીનો કંઈક પરિચય કરાવ્યો. લગ્ન પછી રુકૈયા એ વિકસાવી શકી,

કેમ કે એના પતિમાં એક ખુલ્લાપણું હતું. પતિની સ્મૃતિમાં રુકૈયાએ કોલકાતામાં શરૂ કરેલી કન્યા શાળા લૉર્ડ સિંહા રોડ પર હજુયે કાર્યરત છે.રુકૈયાની આછી ઝલક મેં આપી પણ એનો સાક્ષાત્કારક પરિચય તો નારીવાદી વર્તુળોમાં એ દિવસોમાં ચર્ચાતી વાર્તા ‘સુલતાના’ઝ ડ્રીમ’ થકી થયો હતો એ ખાસ લખવું જોઈએ. સુલતાના સપનામાં જુએ છે કે એક એવું રાજ્ય છે જેમાં ઉપદ્રવ નથી- શાંતિ જ શાંતિ છે, કેમ કે એમાં મહિલાઓ જનાનખાનામાં નથી, પણ પુરુષો માટે મર્દાનખાના ખસૂસ છે. પુરુષો પાબંદીમાં હોઈ રાજ્યમાં ઉપદ્રવ તો હોય જ નહીં ને! આ લખી રહ્યો છું ત્યારે વર્ષો પછી ‘લિસિસ્ટ્રાટા’[1] સહેજે સ્મરણમાં ધસી આવે છે. ૧૯૭૬ના મિસાવાસમાં વિશાળકાય રૂસી નવલકથાઓ અને એને મુકાબલે તનુકાય ગ્રીક નાટકો વાંચવાનો મળતાં મળે એવો અવસર મળ્યો ત્યારે એરિસ્ટોફનીસનું ‘લિસિસ્ટ્રાટા’ વાંચવાનું બન્યું હતું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આમ છે તો એ કોમેડી, પણ સંદેશે કરીને અલબત્ત મજબૂત જ મજબૂત છે. એથેન્સ ને સ્પાર્ટા વચ્ચે જંગનો છેડો નથી. ખુવારી જારી છે. તે વખતે લિસિસ્ટ્રાટા એક અહિંસક ઉપચાર વિચારી કાઢે છે- આપણે ઓરતો આપણા મરદોને રાતવરત સોડમાં ઢૂંકવા જ ન દઈએ તો કેવું! કહીએ કે યુદ્ધ મેલો ને પછી પથારીમાં પધારો. એક રીતે હમણેના દાયકાઓમાં બહુ ગાજેલ સૂત્ર ‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ની સાહેદી આપતું એરિસ્ટોફનીસની કલમે આલેખાયેલું આ ઈસવી પૂર્વેનું ગ્રીનક નાટક છે. સ્ત્રી-પુરુષ સંબંધ (માત્ર એ જ શા માટે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ) બીજાં અનેક પરિબળોથી પરિચાલિત હોય છે. એટલે વ્યક્તિગત નિયતિ હો કે વ્યક્તિગત નિર્ણય, તે રાજકીય ને સામાજિક વાસ્તવથી છેક જ ઉફરાટે શક્ય નથી.

‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ એ સૂત્ર સાંભર્યું તે સાથે ધસી આવતું સ્મરણ અરુણા રોયની વરસેક પર પ્રકાશિત આત્મકથાના શીર્ષકનું છે- ‘ધ પર્સનલ ઈઝ પોલિટિકલ.’ દોમ દોમ આઈએસ પરહરી અરુણા રોયે માહિતી અધિકારનો અલખ જગવ્યો: એને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ મારફતે મનમોહન સરકારનો વિધાયક પ્રતિસાદ મળ્યો એ ક્યારેક કટોકટીખ્યાત કોંગ્રેસ થકી બની આવેલી અચ્છી ઘટના છે, અને માહિતી અધિકારનું વર્તમાન શાસન હસ્તકનું સંકોચન ક્યારેક કટોકટીના પ્રતિકાર સારુ મશહૂર પક્ષ પરિવાર હસ્તકની પ્રતિગામી ઘટના છે. કટોકટી થકી ખ્યાત અને તેના પ્રતિકાર થકી પ્રખ્યાત, બેઉનાં જે તે સમયને મુકાબલે સુધરેલાં ને બગડેલાં કામોની તપસીલની રીતે જોઉં છું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તો એક વિલક્ષણ સ્મરણ નરસિંહ રાવના શાસનકાળ દરમ્યાન શક્ય બનેલ માનવ અધિકાર પંચનું છે. ખરું જોતાં જેપી આંદોલને જગવેલ ને સંસ્કારેલ લોકમાંગ એની પૂંઠે કામ કરી ગઈ હતી. પણ જે જનતા સરકારમાં શક્ય ન બન્યું તે કાળક્રમે કોંગ્રેસ સરકારમાં બની આવ્યું- એ એક મનોરમ ઈતિહાસ વૈચિત્ર્ય છે. જેમનો સ્મૃતિ દિવસ (૧૫મી ડિસેમ્બર) હજુ હમણે જ ગયો તે સાર્ધ શતાબ્દી પુરુષ સરદાર પટેલની ખાસ તરેહની આવૃત્તિ ને આકૃતિ વર્તમાન શાસનસેવી પક્ષ પરિવારે ઊભી કરી છે. ભાગલા પછી એક-બે વરસે પ. બંગાળમાં પૂર્વ બંગાળમાંથી હિંદુ લઘુમતીનો જે પ્રવાહ શરૂ થયો તે સંદર્ભે સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાની પ્રસ્તુતતા સમજાવી બંગાળને વિશ્વાસમાં લેવાની સિંહ જવાબદારી સરદારે બજાવી હતી તે ઈતિહાસવસ્તુ છે.

આ જ સરદારને સદૈવ સદાસર્વદા જવાહરલાલના વિકલ્પે ઉછાળતું નેતૃત્વ ૨૦૦૨માં ગુજરાતમાં લઘુમતી પંચ બાબતે ‘અહીં એનું શું કામ છે?’ કહેતું સંભળાયું હતું. બંધારણ સભામાં લઘુમતીના અધિકારો પરની સમગ્ર કાર્યવાહીમાં સરદાર પટેલની અગ્ર ભૂમિકા હતી, પણ સરદાર કરતાં વધુ સરદારવાદી મંડળીને એની કદર ને સમજ હશે? ન જાને. તરતમાં ડિસેમ્બર સંકેલાશે અને 2026નો પહેલો મહિનો, ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સોતો આપણી સામે આવશે. માનવ અધિકાર દિવસને સારુ પાયાની ભૂમિકા સર્જનાર ૨૬મી જાન્યુઆરીએ આપણે શો હિસાબ આપી શકવાના હતા, કહો જોઉં… હશે ભાઈ, આવાતેવા દિવસફિવસ તો આવે ને જાય, એમ સ્તો!


[1] Lysistrata by Aristophanes


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.