સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો
કેપ્ટન નરેન્દ્ર ફણસે
એ કયા ગાયક હતા જેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ઇન્ડીયન નૅશનલ આર્મીના સૈનિકો માટે ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા‘ જેવા કૂચ-ગીતને સંગીત આપ્યું? જેના તાલ પર આઝાદ હિંદ ફોજના સૈનિકો ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા?
ક્યા ગાયકે કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત ‘સાવન રાતે જદી’ને અમર કર્યું, જેને તેમના બાદ હેમંતદા’ સમેત અનેક ગાયકોએ ગાયું?
એ ક્યા ગાયક હતા જેમણે એક ગીત દ્વારા અનેક અનભિજ્ઞોને ‘મેઘદૂત’ વાંચવાની પ્રેરણા આપી?
ક્યા ગાયકે ૧૯૪૦-૫૦ના દાયકામાં (અને ત્યાર પછી પણ) લાખો યુવક-યુવતિઓને તેમના પ્રેમનો ઇજહાર કરતા પ્રિતી-ગીતોની ભેટ આપી? એવા ગીતો, જે તેમણે તેમની મનની છુપી સંદૂકમાં કાયમ માટે સંઘરી રાખ્યા અને જ્યારે પણ યુવાનીની મધુર યાદો આવે ત્યારે તેનો સ્મૃતી-સૌરભ માણવા આ ખજાનો ખોલતા હતા?
ક્યા ગાયકને તેમની સંગીત જીવનની કારકિર્દીમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી? અને તેમાં લતાજીએ ગાયેલું ગીત તેમના સર્વોત્કૃષ્ટ ગીતોમાંનું એક ગણાય છે, પરંતુ હાલ ભુલાઇ ગયું છે?
ક્યા ગાયકને ખુદ ગાંધીજીએ નવું નામ આપ્યું જે તેમની સાથે કાયમ માટે જોડાયું અને જગપ્રસિદ્ધ થયું?
એવા ક્યા ગાયક છે, જેમના નામે અહીં જણાવેલી અને લોકમાનસમાં છવાયેલી અનેક સિદ્ધીઓ હોવા છતાં તેમના અવસાનની કોઇએ નોંધ સરખી ન લીધી?
નથી ખ્યાલ આવતો?
આપ સાંભળીને ચોંકી જશો. જિપ્સી સૂરસાગર જગમોહનની જ વાત કરે છે. તેમણે ગાયેલ ભજન અને દેશભાવનાનાં ગીત સાંભળી ખુબ ગાંધીજીએ તેમનું નામ જગતને મોહી લેનાર ગાયક – જગમોહન નામ આપ્યું હતું
જગમોહનનું જન્મ નામ હતું જગન્મય મિત્ર. તેમનો જન્મ ૧૯૨૬માં એક શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સમયના જમીનદાર પરિવારોમાં સંગીત સાંભળવામાં આવતું, ગવાતું નહિ. જગન્મયના સંગીત શોખને પોષવા માટે કોઇ પ્રોત્સાહન અપાયું નહિ. સંગીત તથા દેશભક્તિના રંગમાં તેઓ એવા રંગાયા કે તેની પાછળ તેમણે પરિવારનો ત્યાગ કર્યો.
૧૯૩૦નો દાયકો બંગાળી ગીતોનો ‘રોમૅન્ટીક’ યુગ હતો. વાણીકુમાર, પ્રણવ રૉય તથા મોહિની (કુમાર) ચૌધુરી જેવા ગીતકારોનાં ગીતોને સંગીત આપનાર એવા જ પ્રખ્યાત પંકજ કુમાર મલ્લીક, કમલ દાસગુપ્ત અને તેમના ભાઇ સુબલ દાસગુપ્ત તથા રાયચંદ બોરાલ સંગીતકાર હતા. તે યુગમાં જગમોહને રવીંદ્ર સંગીત તથા નઝરૂલ ગીતી ગાવાનું શરૂ કર્યું. કાઝી નઝરૂલ ઇસ્લામનું ‘સાવન રાતે જદી…‘નું રેકોર્ડીંગ કર્યું અને રાતોરાત તેઓ પ્રખ્યાત થઇ ગયા.
૧૯૪૦ના દાયકામાં જગમોહને ફૈયાઝ હાશમી (તે સમયે ફૈયાઝ ટીનએજર હતા!) લિખીત ગીત ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ ગાયું અને હિંદી બિનફિલ્મી જગતમાં તેઓ પ્રકાશી ઉઠ્યા.
લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જગમોહને ફક્ત એક ફિલ્મ ‘સરદાર’માં સંગીત આપ્યું હતું. તેમાં લતાજીએ ‘પ્યારકી યે તલ્ખીયાઁ’ એટલી સુંદરતાથી ગાયું, તેમના સર્વશ્રેષ્ઠ ગીતોમાં તેની ગણના થઇ. સમયના વહેણમાં આ ગીત ખોવાઇ ગયું પણ તેમાં લતાજીએ જે નજાકતથી એક તાન લગાવી છે, સાંભળીને સાંભળનારાના રોમે રોમ ખડા થઇ જાય.
જગમોહન ઘણા ભાવુક સ્વભાવના સજ્જન હતા. તેમને જનતાએ અપૂર્વ સ્નેહ આપ્યો અને આ સ્નેહને પ્રતિસાદ આપવા તેમણે તેમના ચાહકોના આગ્રહથી તેઓ જ્યાં બોલાવે ત્યાં જઇ કાર્યક્રમ આપતા. સંગીતને તેમણે ધન ઉપાર્જન કે આજીવિકાનું સાધન માન્યું નહિ તેથી ફિલ્મ જગત પ્લેબૅક કે સંગીત નિર્દેશન તરફ ધ્યાન આપ્યું નહિ. તેમને સૌથી વધુ સ્નેહ આપ્યો હોય તો ગુજરાતની પ્રજાએ. ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમો થયા. તેમની પાસે તેમનું પોતાનું ઘર નહોતું. ગુજરાતના સાહિત્યકાર અને સંગીતના દર્દી શ્રી. રજનીકુમાર પંડ્યાએ તેમને પોતાને ઘેર બોલાવ્યા, જ્યાં તેમણે બે વર્ષ સુધી તેમની મહેમાનગતિ આનંદી. ત્યાર પછી તેમણે ગીતામંદિર નજીક ફ્લૅટ લીધો અને ત્યાં તેઓ એકલા રહ્યા. આપણા વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ભટ્ટે તેમની મુલાકાત લીધી હતી, જેનું તેમણે સુંદર વર્ણન પ્રસિદ્ધ કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે તેમના ગીતામંદિરના વાસ્તવ્ય દરમિયાન તેમના પાડોશીઓ પણ જાણતા નહોતા કે સૂરસાગર તરીકે જાણીતા થયેલા ભારતના એ વખતના સૌથી વધુ લોકપ્રિય થયેલા ગાયક તેમની બાજુમાં રહેતા હતા!
જિપ્સી જાણતો નથી કે કેવા સંજોગોમાં સૂરસાગર જગમોહન અમદાવાદ છોડી મુંબઇ ગયા. મુંબઇમાં તેઓ કોને ત્યાં અને કેવી હાલતમાં રહ્યા તે બહુ ઓછા લોકો જાણે છે. તેમના અવસાનની માહિતી પણ ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ સુધી પહોંચી નહિ. લોકોએ એટલું જ જાણ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં જગમોહન આ દુનિયા છોડી ગયા. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ કૈલાસ ધામમાં ચિરંતન સ્થાન પામે અને નટરાજના દરબારમાં તેમના સંગીતથી નટેશની અર્ચના કરતા રહે.
