પ્રકૃતિની પાંખો

હીત વોરા

ખૂબ જ ઓછા એવા શિકારી પક્ષીઓ હોય છે જે બ્રાહ્મણી કાઇટ જેટલી સરળતાથી ઓળખાઈ જાય! તેનું માથું અને પેટનો ભાગ સફેદ, અને બાકીનું શરીર અને પાંખ સુંદર ભગવા રંગનું હોય છે. દરિયા, નદીકાંઠા અને શહેરી જળાશયો ઉપર જાણે તે જગ્યાનું રક્ષક હોય તેમ ધીમી ઉડાન સાથે સોરીંગ કરતું જોવા મળી જાય છે. આ પક્ષી ભારતમાં સામાન્ય હોવા છતાં અનોખું છે.

બ્રાહ્મણી કાઇટ (Brahminy kite)ને તેનું અંગ્રેજી નામ તેના ભગવા રંગથી મળ્યું છે અને તેને ગુજરાતીમાં પણ તે જ કારણથી ભગવી સમડી અથવા ભગવી ચીલ તરીકે ઓળખવામાં આવે છે.

બ્રાહ્મણી કાઈટ સાથેનો મારો પહેલો પરિચય બાળપણમાં થયો હતો. આપણામાંથી ઘણાં લોકોની જેમ, હું પણ ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટ જેવા ચેનલ્સ જોઈને મોટો થયો છું, અને બાલ્ડ ઈગલ જેવી દૂર દેશોના પ્રખ્યાત પક્ષીઓ અને પ્રાણીઓને જ નિહાળતા શીખ્યો હતો. પરિવાર સાથે ભુજ પાસેના રૂદ્રમાતા ડેમની મુલાકાત દરમિયાન, પાણી ઉપર ઉડતું એક મોટું શિકારી પક્ષી મેં જોયું, જેનું માથું અને શરીર સફેદ હતું. હું અત્યંત ખુશ થઈ ગયો, મને લાગ્યું કે મેં બાલ્ડ ઈગલ જોઈ લીધું છે. એ ક્ષણ વન્યજીવન સાથેનો મારો પહેલો સાચો અનુભવ હતો અને મને લાંબા સમય સુધી અચંબામાં રાખી ગયો. જો હું અત્યારે તે પળ યાદ કરું તો હું હજી તે પક્ષીને મારી નજરો સમક્ષ જોઈ શકું અને હવે એ તારણ પર આવી શકું કે તે બાલ્ડ ઈગલ નહીં પણ બ્રાહ્મણી કાઇટ હતી! ત્યારબાદ બ્રાહ્મણી કાઈટ સાથેના મારા બધા અનુભવ હંમેશા પાણીની આસપાસ જ રહ્યા છે— ડેમ, ગામના તળાવો, નદીકિનારા, દરિયા કાંઠા વગેરે જેવા જળાશયો.

આ અનુભવ એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. બાળપણમાં આપણે વન્યજીવો વિશે જે કંઈ શીખીએ છીએ તે મોટાભાગે વિદેશી પર્યાવરણ અને પ્રાણીઓ પર આધારિત દસ્તાવેજી ફિલ્મોમાંથી આવે છે. શાળામાં પણ આપણે G ફોર જિરાફ અને Z ફોર ઝેબ્રા શીખતા મોટા થઈએ છીએ, જ્યારે આપણા પોતાના સ્થાનિક પરિસરતંત્ર, જીવવૈવિધ્ય અને કુદરતી વારસો મોટેભાગે અવગણ્ય રહી જાય છે. બ્રાહ્મણી કાઈટ જેવા અનેક પક્ષીઓ આપણા આજુબાજુ જ હોય છે, છતાં આપણે તેમના મૂલ્યને ઓળખી શકતા નથી, કારણ કે આપણને વિદેશી વસ્તુઓને વધારે વખાણવાની આદત પાડવામાં આવી છે. માત્ર ટીવી પર વન્યજીવનની વાર્તાઓ જોવાને બદલે, આપણે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને એ જ વાર્તાઓને પોતાની આંખે જોવું જોઈએ. જ્યારે આપણે શાંતિથી અને ધ્યાનપૂર્વક આવા પ્રાણીઓને નિહાળીએ છીએ, ત્યારે તેમના જીવનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવાની કલ્પના આપણા અંદર વિકસે છે.

બ્રાહ્મણી કાઈટને ઓળખવી સહેલી છે. તેનું શરીર ગાઢ ચેસ્ટનટ અથવા મરૂન રંગનું હોય છે, જ્યારે માથું અને ઉપરની છાતી ચમકદાર સફેદ હોય છે. તેની પાંખો પહોળી હોય છે અને પૂંછડી ગોળાકાર હોય છે, જેના અંતે હળવો પટ્ટો દેખાય છે. ઉડાન દરમિયાન તે ધીમા પાંખ-ફડકાર અને લાંબા ગ્લાઈડ સાથે આગળ વધે છે. તેનો અવાજ પાતળો અને ઊંચી સીટી જેવો હોય છે, જે ઘણી વાર પક્ષી દેખાય તે પહેલાં સાંભળાઈ જાય છે અને તે ભારતનું નિવાસી પક્ષી છે. આ સ્પષ્ટ લક્ષણોના કારણે, બ્રાહ્મણી કાઈટ ઘણી વાર શરૂઆત કરનાર પક્ષીપ્રેમીઓ માટે પ્રથમ શિકારી પક્ષી બને છે!

[ઊંચા ઝાડની ડાળખી પર બેસી શિકાર શોધતી બ્રાહ્મણી સમડી]
બ્રાહ્મણી કાઈટ સામાન્ય રીતે પાણીની નજીક ઊંચા વૃક્ષોમાં માળો બાંધે છે. આ માળો લાકડીઓથી બનેલો મોટો પ્લેટફોર્મ હોય છે, જે વર્ષો સુધી ઉપયોગમાં લેવાય છે અને દર સીઝનમાં તેની મરામત કરવામાં આવે છે એનો અર્થ એ કે બ્રાહ્મણી કાઇટ દર વર્ષે તે જ માળાનો વારંવાર ઉપયોગ કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે સ્થિર અને અખંડિત નિવાસસ્થાન તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે

ખોરાકની વાત આવે ત્યારે, બ્રાહ્મણી કાઇટ ઓપરચુનિસ્ટ હોય છે તે શિકાર કરીને અથવા મરી ગયેલી માછલીઓ ખાય છે. ક્યારેક, તે સરિસૃપ, નાના સસ્તન પ્રાણીઓ અથવા પક્ષીઓનો શિકાર પણ કરે છે, અને તે અન્ય પક્ષીઓ પાસેથી ખોરાક ચોરી કરવા માટે જાણીતું છે. આ વર્તન દ્વારા, જળાશયો સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.

દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં બ્રાહ્મણી કાઈટનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. ભારત અને ઈન્ડોનેશિયામાં તેને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ તરીકે માનવામાં આવે છે. ભારતમાં તેના નામ અને ગૌરવસભર દેખાવને કારણે તેને ભયજનક શિકારી કરતા રક્ષણ અને નજર રાખનાર તરીકે જોવામાં આવે છે.

બ્રાહ્મણી કાઈટની સૌથી રસપ્રદ વિશેષતાઓમાંની એક એ છે કે તે માનવોની નજીક રહીને પણ સારી રીતે જીવતી રહે છે. માછીમારી પર નભતા દરીયા કાંઠાના ગામો, તળાવો અને નદીઓ પાસે તેને સહેલાઈથી જોઈ શકાય છે. પરંતુ આ નજીકપણું જોખમ પણ ઊભું કરે છે. પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરો અને કુદરતી તળાવોના નાશથી તે જે પાણી પર નિર્ભર છે તે સીધુ અસરગ્રસ્ત થાય છે.

જોકે વૈશ્વિક સ્તરે બ્રાહ્મણી કાઈટ સંકટગ્રસ્ત નથી, પરંતુ સ્થાનિક સ્તરે વેટલેન્ડસ અને દરિયાકાંઠાના વિસ્તારને નુકસાન થવાથી તેની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. આ પક્ષીની રક્ષા માટે અલગથી વિશેષ પગલાં લેવાની જરૂર નથી. ફક્ત સ્વચ્છ પાણી અને સ્વસ્થ વેટલેન્ડસની સુરક્ષા જરૂરી છે.

નદી કે દરિયાકાંઠા ઉપર શાંતિથી ઉડતી બ્રાહ્મણી કાઈટને જોવું આપણને યાદ અપાવે છે કે ઓળખીતા લાગતા દૃશ્યોમાં પણ વન્યજીવન હજી જીવંત છે. તે કુદરત, સંસ્કૃતિ અને દૈનિક માનવ જીવન વચ્ચેનો એક જીવંત સેતુ છે, જે આપણને ઉપર નજર ઉઠાવીને આસપાસની જગ્યા વિશે વિચારવા પ્રેરે છે.


શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.