ફિર દેખો યારોં

બીરેન કોઠારી

“મા, તું એક્ટિવ (સક્રિય) કેમ નથી?”

“કેમ કે, હું રેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગ ગ્રસ્ત) છું.”

આ સંવાદ એક માતા અને બાળક વચ્ચેના છે, જે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકના કાર્ટૂનિસ્ટ સોરિત ગુપ્તોએ ચીતરેલા કાર્ટૂનમાં દર્શાવાયા છે. ખરેખર તો આ કાર્ટૂન વાસ્તવિકતા પર આધારિત છે. કેમ કે, બિહારના છ જિલ્લાઓમાં માતાના ધાવણમાં યુરેનિયમની ભયજનક માત્રા જોવા મળી છે. માતાનું ધાવણ નવજાત શિશુ માટે સર્વોત્તમ આહાર ગણાય છે. તેમાં યુરેનિયમ જેવી કિરણોત્સર્ગી ધાતુના અંશ મળી આવે એ કેટલું જોખમી ગણાય! થોડા સમય અગાઉ બિહારના કેટલાક જિલ્લાઓમાં માતાના ધાવણમાં સીસાના અંશો મળી આવ્યા હતા.

બિહારના પટણાસ્થિત મહાવીર કેન્‍સર સંસ્થાન અને સંશોધન કેન્‍દ્ર, પંજાબના ફાગવાડાની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, બિહારના હાજીપુરસ્થિત નેશનલ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એડ્યુકેશન એન્‍ડ રિસર્ચ તેમજ દિલ્હીની ઑલ ઈન્‍ડિયા ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્‍સિસ જેવી વિવિધ સંસ્થાઓના વિજ્ઞાનીઓની સંયુક્ત ટીમ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એના અંતર્ગત ઓક્ટોબર, ૨૦૨૧ થી જુલાઈ,૨૦૨૪ દરમિયાન ૧૭ થી ૩૫ વર્ષની, સ્તનપાન કરાવતી ચાલીસ માતાઓની પસંદગી બિહારના ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાઈ, ખગડિયા, કટિહાર અને નાલંદા જિલ્લાઓમાંથી કરવામાં આવી હતી.

વિખ્યાત બ્રિટીશ સામયિક ‘નેચર’માં આ અભ્યાસનાં પરિણામ અને તારણો પ્રકાશિત થયાં છે. સ્વાભાવિકપણે જ માતાઓની સરખામણીએ બાળકોના સ્વાસ્થ્ય પર આની અતિ ગંભીર અસર પડી શકે એમ છે. સિત્તેર ટકા બાળકોમાં યુરેનિયમના ભેગની આ અસર કેન્‍સરકારક નહીં, પણ બિનકેન્‍સરકારક હોવાની સંભાવના છે. એટલે કે કિડનીસંબંધી કે હાડકાંનાં રોગ થઈ શકે. યુરેનિયમનો આ સ્રોત પીવાનું પાણી યા ખોરાકી હોઈ શકે. ભૂગર્ભજળમાં યુરેનિયમનું ભળવું આપણા દેશની અતિ ગંભીર સમસ્યા છે, જેનાથી અઢાર રાજ્યોના ૧૫૧ જિલ્લા અસરગ્રસ્ત છે. બિહારના જ અગિયાર જિલ્લાઓનો આમાં સમાવેશ થાય છે.

આ અભ્યાસમાં કયું ઊપકરણ ઊપયોગમાં લેવાયું, યુરેનિયમની સૌથી વધુ અને સૌથી ઓછી માત્રા કેટલી જોવા મળી, અને કયા સ્થળે પૃથક્કરણ કરાયું વગેરે વિગતો ઉપલબ્ધ છે, પણ અહીં અપ્રસ્તુત છે. આખા અભ્યાસનો સાર એટલો કે આ વિસ્તારમાં નવજાત શિશુઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો છે, અને યુરેનિયમના ખોરાકપાણીમાં ભેગ બાબતે તાત્કાલિક પગલાં જરૂરી છે. આ અભ્યાસનું આ એક પાસું થયું. બીજી તરફ,’બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્‍ડિયા’ (બી.પી.એન.આઈ.)ના સ્થાપક ડૉ. અરુણ ગુપ્તાએ આ અભ્યાસ બાબતે જરા જુદો મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર: ‘આને કારણે બિનજરૂરી ભય ફેલાશે અને લોકો સ્તનપાન માટે નિરુત્સાહ થશે. વરસોથી અમે તેને ઊત્તેજન મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ, કારણ કે બાળકો માટે એ શ્રેષ્ઠ પોષણ છે. બાળકને તે ચેપથી પણ બચાવે છે.’ અમુક નિષ્ણાતોના મતાનુસાર માતાના દૂધમાં મળી આવેલા યુરેનિયમનું પ્રમાણ એટલું બધું નથી. વરસો દરમિયાન સ્વાસ્થ્ય પર તેની કશી વિપરીત અસર જણાઈ નથી. કેટલાકે આ અભ્યાસના સંશોધકો દ્વારા અપનાવાયેલી સંશોધનપદ્ધતિ પર પણ સવાલ ઊઠાવ્યા છે, અને કેવળ માતાના દૂધ બાબતે સંશોધન કરવાના હેતુને શંકાના દાયરામાં મૂક્યો છે.

ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના પૂર્વ ગૃપ ડાયરેક્ટર ડૉ. દિનેશ અસ્વાલે પણ આ ભયને નકાર્યો છે. તેમના જણાવ્યા અનુસાર: ‘યુરેનિયમ એક પ્રાકૃતિક તત્ત્વ છે, જે એકે એક ચીજમાં લઘુત્તમ માત્રામાં હોય છે જ. સમગ્ર પૃથ્વી પરના ભૂગર્ભ જળમાં યુરેનિયમનું થોડું પ્રમાણ હોય છે. સારી બાબત એ છે કે યુરેનિયમ ભારે તત્ત્વ છે, અને શરીરની પેશીઓ સાથે તે જોડાતું નથી. આથી શરીરમાં લેવાયેલું યુરેનિયમ થોડા જ સમયમાં બહાર નીકળી જાય છે. કિડની પર એની વિપરીત અસર ત્યારે થાય જ્યારે યુરેનિયમની અતિશય માત્રા ધરાવતા પાણીને વરસો સુધી પીવામાં આવે. ખરેખર તો, ભારતમાં તેનું પ્રમાણ-અને આ સંશોધકોને મળી આવેલું પ્રમાણ પણ કંઈ એટલું ઊંચું નથી.’

આ સંશોધન અને તેની સામે થયેલી દલીલો જોતાં એટલું ચોક્કસ છે કે યુરેનિયમની માત્રા હોવા બાબતે કશો ઈન્કાર નથી. એ બન્ને પક્ષોએ સ્વીકાર્યું છે. તેનાથી નુકસાન થાય છે કે કેમ એ તેની માત્રા પર આધારિત છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેનું પ્રમાણ માતાના દૂધમાં મળી આવ્યું છે. ભલે ને તેનું પ્રમાણ ભયજનકથી ઓછું હોય!

આ સૂચવે છે કે પ્રદૂષિત હવા અને પાણી વચ્ચે જીવતી માતાઓ પોતાના શિશુને સૌથી પોષણયુક્ત મનાતું પોતાનું દૂધ પીવડાવશે તો એ પણ પ્રદૂષિત હશે. ભાવિ પેઢી માટે આ બાબત કેવડો મોટો અભિશાપ છે એ કલ્પી લેવું રહ્યું. અત્યારે આપણે આશા રાખવી રહી કે ડૉ. અસ્વાલની વાત બરાબર હોય અને એ યુરેનિયમ હાનિકારક નીવડે એટલી માત્રામાં ન હોય. સાથોસાથ એ હકીકત સ્વીકારવી રહી કે પીવાનું શુદ્ધ જળ અને શ્વસવા માટેની શુદ્ધ હવા હવે દુર્લભ બનતાં જવાનાં છે, અને એના માટે જવાબદાર કોઈ ગણાશે નહીં. સરકારને આવા મામૂલી મુદ્દાઓ પર ધ્યાન આપવાનો સમય નથી, કે નથી વૃત્તિ. આથી એના નિયંત્રણ માટે કશી નીતિ બનશે તોય અધકચરી. એના અમલનાં પગલાં ઉપરછલ્લાં હશે. નાગરિકો હવે બધાથી ટેવાઈ ગયા છે. નહીં ટેવાયા હશે એ પણ ટેવાતા જશે.

આવા અહેવાલ અને પ્રતિઅહેવાલ પણ હવે રાજરમતનો હિસ્સો બની રહ્યા છે. નાગરિકો ધારે તો પણ કશું કરી શકે એમ નથી એ હકીકત છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી