પ્રીતિ શાહ-સેનગુપ્તા
પરિકાના ડક્કા પરથી મોટરબોટ દ્વારા અમે મહાનદી ઍસૅકીબો પર સફર કરી રહ્યાં હતાં. દેખાવે નદી પોતે દરિયા જેવી છે. એના પરનું વહન દરિયા પર જતાં હોઈએ તેવું જ લાગતું હતું. શાંત અને સંયત હોય તેવો દરિયો. જોકે આ નદી હંમેશાં આવી નિર્દોષ નથી હોતી. એ અતિચંચળ બની શકે છે, અને તોફાની પણ.
અમારે એટલે જ વહેલી સવારમાં નદી પાર કરવાની હતી. દિવસ ચઢતો જાય તેમ નદી પરનું વહન અઘરું, અને જોખમી બનતું જાય છે. દરિયામાં જેમ જેમ ભરતી ચઢે તેમ એનો ધક્કો નદીનાં પાણીને લાગતો રહે છે, ને તેથી બદલાઈ જાય છે નદીનું વ્યક્તિત્વ.
નદી તો ચાલી તે ચાલી તે ચાલી, જાણે. ક્યારેક લાગે કે નદીએ આ લીધો વળાંક, કે આ આવી મળી બીજી કોઈ નદી. કારણ એ, કે એના પટમાં અનેક ટાપુઓ બનેલા છે, બધા મૅનગ્રોવ જળ-વૃક્શોથી ખીચોખીચ છે, ને તેથી જાણે પ્રવાહની દિશા બધો વખત દેખાતી નથી. રહસ્યમય છે આ જળ-પ્રવાહ.
અડધોએક કલાક આમ ગયો હશે. તે પછી બોટ કિનારા પાસે ગઈ, અને અમે ઊતરવા માટેનો એક નાનો, ખવાઈ ગયેલાં લાકડાંનો બનેલો, અને હમણાં તૂટી પડશે તેવો લાગતો ડૅક જોયો. એની સીડીનાં લપસણાં, ઢાળ પડતાં પગથિયાં અમે બધાં વારાફરતી, સાચવી સાચવીને ચઢ્યાં. ત્યાં એક વૅન અમારે માટે આવી ગઈ હતી.
ગયાનાના પશ્ચિમ ભાગમાં હવે અમારે એક-સવા કલાક આ વૅનમાં જવાનું હતું. હું તો નકશો જોતી હોઉં, તેથી હું જાણું કે રસ્તો ઍટલાન્ટીકના કિનારાને સમાંતર જાય છે. પણ સમુદ્ર જરા પણ દેખાય નહીં. ક્યાંતો પથ્થરની દીવાલ સળંગ બનેલી હોય, ક્યાંતો જમીનને ઊંચી કરેલી હોય. ઉપરાંત, હવામાં પણ દરિયો બીલકુલ વર્તાતો નહતો. કશી ખારાશનો ભાવ નહીં, કશી દરિયાની સાબિતી નહીં.
આ બધો ડાંગર ઉગાડતો પ્રદેશ લાગ્યો. ખુલ્લો, ખેતરોનો પ્રદેશ. પણ ખેતર પીળા-લીલાં થઈને રહેલાં હતાં. ધરુ ક્યાંયે નથી હવે. નાળિયેરીનાં ઝાડ હંમેશ મુજબ રુચિર લાગે. ઘરો પણ બધે હોય છે તેમ રસ્તા પર જ હતાં. રસ્તાને પાકી કિનારી કરેલી નથી, પણ ચોખ્ખું વધારે લાગે છે અહીં.
કદાચ આ પ્રદેશ કૈંક વધારે સારો, ને વધારે સુખી છે. દેશના મુખ્ય શહેરથી કેટલો તો દૂર. અહીં હવા વધારે ચોખ્ખી ને તાજી લાગી. ખૂબ ખુલ્લી ખુલ્લી જમીનને લીધે સરસ મોકળાશ લાગી. જોકે નાનાં નાનાં ગામો એક પછી એક આવતાં પણ હતાં. જરાક વારમાં નામ બદલાય. નો ફિયર, ડૅવનશાયર, આના રેજિના, સ્પાર્ટા જેવાં પશ્ચિમી નામો લોકપ્રિય લાગે છે.
આજ રાતને માટેની અમારી હોટેલ ચૅરિટી નામના ગામમાં હતી. બસ, ત્યાં જ આ રસ્તો પૂરો થઈ જાય છે. આમ રસ્તાને પૂરો થતો જોવામાં કૈંક અચરજ છે, અચંબો છે. જાણે જીવન માટે મુંઝવણ થાય. એ પછી, બસ, આગળ જવા દરિયામાં હોડી લેવાની, અથવા નાનું વિમાન ભાડે કરવાનું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
અહીં અમે બે જૂથમાં છૂટાં પડ્યાં. તબીબી-કૅમ્પ બે જગ્યાએ રાખવામાં આવ્યો હતો. અમે આઠ જણ, જે રસ્તે આવ્યાં હતાં ત્યાં વીસેક મિનિટ જેવું પાછાં ગયાં. એક મંદિર અમને આવકારવા માટે ખાસ શણગારવામાં આવેલું. ઘણી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હતી, અને અમે તરત કામ શરૂ કરી દીધું. લગભગ એકસો દરદીઓ આવ્યાં. મારી સાથેના ડૉક્ટરોએ કહ્યું, કે આ પ્રદેશના લોકોની તબિયત વધારે સારી છે.
કેટલાંક યુવાન અને યુવતીઓ પણ આવેલાં. એમાં છોકરાઓને ઍલર્જી, લાલ ચામડી અને ખણજની ફરિયાદ હતી, તો છોકરીઓને સોજા અને સાંધાના દુખાવાની ફરિયાદ હતી. બધા સાદાસીધા લોકો. શાંત, હસતા, આભાર માનતા.
જમવા માટે અમે રસ્તાની પેલી બાજુ ગયાં. દોઢ વાગ્યો હતો. કોઈ જ ટ્રાફીક નહતો. કદાચ સ્થાનિક લોકો વામકુક્ષી કરતા હશે. મંદિરના એક ભક્ત-કુટુંબના સુંદર ઘરની પાછલી બાજુ પરના, મોટા પૉર્ચમાં રસોડું હતું. અહીં લગભગ બધાં ઘરોમાં રસોડું આમ બહાર હોય છે, કે જેથી ઘર વધારે ગરમ ના થાય, અને થોડી હવાવાળા ભાગમાં રસોઈ કરી શકાય. સાથે જ, બેસવા માટે છાંયડાવાળો ભાગ પણ બધાં ઘરોમાં હોય.
ત્યાં હાજર રહેલી બધી સ્ત્રીઓએ કહ્યું, બહુ ગરમ થઈ જાય છે અહીં. પણ એમણે અમારે માટે કેટલી બધી ચીજો બનાવેલી. નાના ને જાડા એવા સ્થાનિક ચોખાનો ભાત, આલુ-છોલે, કોળું ને ડબકાંનું શાક, દાળ, કાકડી, ટામેટાં, બે અથાણાં, અને ઘઉંના લોટમાંથી બનાવેલી કશીક સ્વીટ. સાવ આપણા શિરા જેવું નહતું. એટલું ઘી નહીં, અને એટલું ગળ્યું પણ નહીં, પણ સ્વાદમાં સારું હતું. ઉપરાંત, લાલ તરબુચ, પીળું પાઇનેપલ.
ઘણી સ્થાનિક સ્ત્રીઓ ભેગી થઈ હતી. બધી હળીમળીને કામ વહેંચી લેતી હતી. અમને બહુ હોંશથી ખવડાવ્યું.
સવારે આઠ વાગ્યે અમે ચૅરિટી ગામ તરફ જતાં હતાં ત્યારે સ્કૂલે જતાં છોકરાં દેખાયાં હતાં. સફેદ, ભૂરા, મરૂન ગણવેશોમાં એવાં સુઘડ લાગ્યાં હતાં. અત્યારે બપોરના ત્રણ વાગ્યે એ બધાં ઘેર પાછાં જતાં હતાં. સવારે ને બપોરે જાહેર મિનિ-બસો માટે એ બધાંએ રાહ જોતાં ઊભાં રહેવું પડે છે, ને અહીં સૂરજ સવારથી જ કેવો ઉગ્ર હોય છે.
એ બપોરે ત્રણ વાગ્યે થોડો પવન હતો, તે બહુ સારું લાગ્યું. લંચ લીધા પછી, અમે રસ્તો ઓળંગીને, તરત પાછાં તબીબી-ક્લિનિક પર જતાં રહ્યાં હતાં.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
