એ સાથે મેં ફરી એક વાર ‘ઘર’ બદલ્યું. હું સંતરામપુર ગયો. ત્યાં મને એક વિચિત્ર કહી શકાય એવી એક જગ્યાએ ઓરડી ભાડે. એ ઓરડીમાં જવા માટે મારે એક છાપરા પર નાખેલાં પતરાં પર ચાલીને જવું પડતું. એથી અવાજ પણ આવતો. એને કારણે આડોશપાડોશને ખબર પડી જતી કે હું ઘેર છું કે બહાર. જો કે, કોલેજ ત્યાંથી નજીક હતી. ચાલતાં જવાય એટલી નજીક. કોલેજનું પુસ્તકાલય પ્રમાણમાં ઠીક હતું. હું મારો મોટા ભાગનો સમય વાંચવામાં અને થોડોક સમય લખવામાં ગાળતો. એ વખતે મેં થોડાંક એકાંકી લખેલાં. એમાંનાં એકબે ભજવાયેલાં પણ ખરાં.
સંતરામપુરમાં મારે આચાર્ય સાથે એકબે બાબતે મન ખાટું થયેલું. એટલે મેં બીજે નોકરી શોધવાનું ચાલુ રાખેલું. પરિણામે મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણીબેન નાણાવટી કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળેલી. પછી સંતરામપુર મારા માટે ‘ટ્રોય’ બન્યું. હું એને છોડીને મુબંઈ ગયો.
મુંબઈ જતી વખતે મેં મારાં તમામ લખાણો ગોધરામાં મારા નાનાભાઈના ત્યાં એક કોથળામાં મૂકેલાં. મારો નાનો ભાઈ પણ ટેલિફોન ઓપરેટર બનેલો. પણ, એક વાર ગોધરામાં ભારે વરસાદ પડ્યો. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાયેલું. એ પાણીમાં એક સાપ તણાતો તણાતો નાનાભાઈના ઘરમાં, મેં જેમાં મારા લખાણો મૂકેલાં એ કોથળામાં, ઘૂસી ગયો. અને નાનાભાઈએ એ સાપને અને મારાં લખાણોને પણ નદીમાં પધરાવી દીધેલાં. એણે મને કહેલું: ભાઈ, સાપ બહુ મોટો હતો. એને કોથળામાંથી બહાર કાઢવાને બદલે મેં તો કોથળો જ પધરાવી દીધો પાણીમાં. ત્યાર પછી મેં કદી નાટક લખવાનો પ્રયાસ કર્યો નથી.
મુંબઈમાં હું શરૂઆતમાં ત્યારે ઘાટકોપરમાં રહેતાં સર્જક દંપતિ ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં રહેલો. એમણે મારી ખૂબ કાળજી રાખેલી. બેત્રણ મહિના પછી હું ત્યાંથી મલાડ રહેવા ગયેલો. એ ઘર પણ એમણે જ શોધી આપેલું. એમાં એમના એક વિદ્યાર્થી મુકેશએ ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. એ મકાન, જો મારી સ્મૃતિ મને દગો ન કરતી હોય તો, અંજલિ કિચનવેરના માલિકોનું હતું. ત્યાં હું કોઈ પણ ભાડું આપ્યા વિના છએક મહિના રહેલો. ત્યાર બાદ એમને ઘરની જરૂર પડી ને હું પાછો ત્યાંથી વિલે પાર્લેમાં, કોઈક મરાઠી નિવૃત્ત અધિકારીના ત્યાં, પેઈગ ગેસ્ટ તરીકે રહેવા ગયો. એ અધિકારી એકલા હતા. ખૂબ દારુ પીતા. મારી અને એમની વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થતી. એ દારૂ પીવે ત્યારે મરાઠીમાં બોલતા અને હું દારૂ પીધા વગર ગુજરાતીમાં કે હિન્દીમાં ને ક્યારેક અંગ્રેજીમાં બોલતો. આમ તો એ અધિકારીએ મને ‘પેઈંગ ગેસ્ટ’ની કોટિમાં મૂકેલો પણ મારે ખાવાપીવાનું બહાર હતું. ખાલી સુવાનું જ ત્યાં.
ત્યાં જ, પાછી મારી નોકરી ગઈ. કેવળ ઓડિસિયસને જ નહીં, દરેક માણસને એક એક પોસોઈડોન મળતો હોય છે. એ તમને ક્યાંય સ્થિર ન થવા દે અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચવા પણ ન દે. મારે પણ એવો એક દેવ હશે એવું મને લાગે છે. મને હજી ખબર નથી કે મારી નોકરી કેમ ગયેલી. કદાચ કેટલાક લોકોને હું વધારે પડતો ગામડિયો લાગતો હોઈશ. પણ, સત્તાવાર મને એમ કહેવામાં આવેલું કે સરકાર મારી નિમણૂંક મંજુર કરતી નથી. આ પોઝિશન સરકાર અનામત ઉમેદવાર માટે ખાલી રાખવા માગે છે. પણ, સાચે જ એવું ન હતું. મને ઊંડે ઊંડે વહેમ છે કે હું ત્યાં પહેલેથી જ અનિચ્છનિય હતો. મારો ઇન્ટરવ્યુ લેનારામાંના એક નિષ્ણાતે મારી પસંદગી ન થાય એ માટે મારા રસના ન હોય એવા ઘણા પ્રશ્નો પૂછેલા. કમનસીબે, એ નિષ્ણાત પાછા મારા મિત્ર પણ હતા.
મણીબેન નાણાવટીમાંથી નોકરી ગયા પછી પાછો હું બેકાર બની ગયો. હવે તો મારાથી ટેલિફોન ખાતામાં પણ પાછા જવાય એમ ન હતું. ત્યાં આધુનિકીકરણ શરૂ થઈ ગયું હતું. એના એક ભાગ રૂપે, ટેલિફોન ખાતું વરિષ્ઠ કામદારોને સ્વેચ્છાએ નિવૃત્ત થવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હતું.
યોગાનુયોગ, એ વખતે ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિ શરૂ થઈ રહી હતી. દાદરમાં કે દાદરની આસપાસમાં જ ક્યાંક એમની ઓફિસ હતી. ભરત નાયકે મને કહ્યું કે ત્યાં જા. એમણે એકબે પત્રકારોનાં નામ પણ આપેલાં. હું એમને મળ્યો. એમણે ચીફ સબ એડીટર શ્રી પાઠકને વાત કરી. પાઠક ખૂબ સજ્જન માણસ હતા. એમણે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને વાત કરી. એમણે મને ઓફિસમાં બોલાવીને પૂછેલું, “અનુવાદ કરતાં આવડે છે?” મેં હા પાડેલી. બીજા દિવસે એમણે મારો ઇન્ટરવ્યુ ગોઠ્વયો. હું પાસ થઈ ગયો. અને ગુજરાત સમાચારે મને સબ એડીટરની નોકરી આપી. પગાર બારસો રૂપિયા. એ જ ગાળામાં મણીબેન નાણાવટીએ પણ મને પાર્ટ ટાઈમ કામ ચાલુ રાખવાનું કહ્યું. એમનો અને ગુજરાત સમાચાર બન્નેનો પગાર અધ્યાપકના પગાર કરતાં વધારે હતો. પણ, હવે મેં જીંદગીમાં બે નોકરીઓ કરવાનું શરૂ કર્યું.
ત્યારે હું અવારનવાર મુંબઈથી વડોદરા જતો. ખાસ કરીને સુરેશ જોષીને મળવા. એમને મળ્યા પછી હું મારા વતનમાં જતો. મારાં માબાપને મળવા. એક વાર સુરેશ જોષીએ કહ્યું કે તમે હવે વડોદરા પાછા આવતા રહો. એમણે મને લોકસત્તાના ત્યારના તંત્રી નવીન ચૌહાણ પર એક ચીઠ્ઠી લખી આપી. એમાં લખ્યું હતું: બાબુભાઈ મારા વિદ્યાર્થી હતા. જો એમને કોઈક નોકરી આપી શકાય તો સારું. ચૌહાણે એ ચીઠ્ઠી વાંચીને મને કહ્યું, “લોકસત્તામાં તો કોઈ જગ્યા નથી. પણ, વડોદરામાં સંદેશ શરૂ થાય છે. ત્યાં જાઓ. એ લોકોને જરૂર છે.” હું કારેલી બાગમાં આવેલા ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. એ લોકોએ મારો ઇન્ટરવ્યુ લીધો અને મને મુંબઈ કરતાં ઓછો પગાર આપવાનું કહ્યું. મારે ગરજ હતી. મેં અગિયારસો રૂપિયાનો પગાર સ્વીકારી લીધો. અને પછી હું વાજતેગાજતે પાછો મુંબઈ છોડીને વડોદરા આવ્યો.
વડોદરામાં મારા મિત્ર અર્જુનસિંહ હતા જ. થોડો વખત હું એમની સાથે રહ્યો. પછી મેં મારી સ્વતંત્ર ઓરડી ભાડે કરી. એ દરમિયાન મેં ચારપાંચ ઠેકાણે ગુજરાતી વિષયના અધ્યાપક માટે અરજી કરી. પણ, મને ક્યાંય નોકરી ન મળી. એક દિવસે મેં વિચાર્યું: લાવ, હવે વધુ એક માસ્ટર ડીગ્રી લેવા દે. કદાચ એને કારણે મને કોઈક નોકરી મળી જાય.
એ દરમિયાન હું ભાષામાં વધુ રસ લેવા માંડ્યો હતો. પણ, મારો પહેલો પ્રેમ ભાષાની ફિલસૂફી હતો. બીજો પ્રેમ ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ. અર્થાત્, ભાષાશાસ્ત્ર. મેં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું. સુરેશ જોષીને એ ગમ્યું ન હતું. પણ, મારી પાસે બહુ ઓછા વિકલ્પો હતા.
મેં બે વરસમાં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કર્યું. ત્યાર પછી મેં ધાર્યું હતું એવું થયું. મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assitantની નોકરી મળી ગઈ. હવે મારી પાસે બે નોકરીઓ થઈ. સવારે ભાષાશાસ્ત્ર ભણાવવાનું, સાંજે સંદેશમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું. ત્યારે મારું અંગ્રેજી ખૂબ સારું ન હતું. મારા કરતાં મારા વિદ્યાર્થીઓ વધુ સારું અંગ્રેજી બોલતા હતા. હું ખૂબ જ ધ્યાનથી એમને સાંભળતો અને મારું અંગ્રેજી સુધારતો. મેં મારા વિદ્યાર્થીઓને એ રીતે મારા ગુરુ બનાવેલા. જો કે, મને ભાષાશાસ્ત્રની વાત અંગ્રેજીમાં કરવામાં ઝાઝી મુશ્કેલી ન હતી પડતી.
એ દરમિયાન મારા એક મિત્ર ઉપેન્દ્ર નાણાવટીએ એમની વગ વાપરીને મને યુનિવર્સિટી કેમ્પસને અડીને આવેલા પ્રતાપ ગંજના એક મકાનનું ખાલી ગરાજ ભાડે અપાવડાવ્યું. એ ગરાજને બારણું ન હતું. દરવાજો હતો. ભાડું કેવળ સો રૂપિયા હતું. જાજરું બહાર હતું. મારું અને મકાનમાલિકના નોકરનું સહિયારું. બાથરૂમ અંદર. પણ, પતરાં જડીને બનાવેલો. ઉપરથી ખુલ્લો. મેં લોખંડનું એક ટેબલ જાતે બનાવીને એના પર દશીઓ વાળો સ્ટવ રાખવાનું શરૂ કરેલું. એ મારું રસોડું હતું. હું સ્ટવ પર રાબેતા મુજબ ખીચડી બનાવતો. હવે એ મારું ઘર હતું. પણ પેલા ઓડિસિયસ જેવું નહીં. ત્યાં કોઈ રાહ જોનાર ન હતું. પેલા ઈનિઅસ જેવું. ચરણ રૂકે ત્યાં ન કાશી નહીં, ન મથુરા. પણ, ત્યાં ઘર. ઇસપના કાચબા જેવું.
હું ત્યાં રહેતો હતો ત્યારે સુરત પાસે આવેલા સાયણનાં રેખા પંચાલ સાથે મારું લગ્ન થયું. અમે બે વાર લગ્નમાં નિષ્ફળ ગયેલા અમારી જ જ્ઞાતિના એક સામાજિક કાર્યકરના મેરેજ બ્યૂરો દ્વારા મળેલાં. રેખાને માંસાહારી અને દારૂ પીતો છોકરો ન હતો જોઈતો. એને ભણેલો છોકરો જોઈતો હતો. એમાં હું ફૂલ્લી પાસ હતો.
પછી અમે બન્નેએ ગરાજમાં અમારો સંસાર શરૂ કર્યો. ત્યાં મારા દીકરા હેતુનો જન્મ થયો. ત્યાર પછી છએક મહિને અમારા મકાનમાલિકને અમારા પર દયા આવી. એથી એમણે અમને એમના મૂળ ઘરમાં એક બેડરૂમ રસોડું કાઢી આપ્યું. અમે ગરાજ છોડીને એ ઘરમાં રહેવા ગયાં.
ત્યાં બેએક વરસ રહ્યાં હોઈશું. એ દરમિયાન મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં અધ્યાપકની કાયમી નોકરી મળી ગઈ. એ પણ બે વાર નકારાયા પછી. અને એ સાથે હું અધ્યાપકોના ક્વાટર્સમાં રહેવાને લાયક બન્યો. મેં એ માટે અરજી કરી. અને મને યુનિવર્સિટીની નજીકમાં જ એક બેડરૂમ, એક બેઠક રૂમનો ફ્લેટ મળ્યો.
ત્યાં છ-સાત મહિના રહ્યા હોઈશું ને મને યુનિવર્સિટીએ રસોડામાં પણ હાથી બાંધી શકાય એવડું મોટું ઘર રહેવા આપ્યું. એ ઘરની એક જ મુશ્કેલી હતી. હું ત્યારે મિત્રોને મજાકમાં કહેતો: હું બે ages વચ્ચે રહું છું. એક તે leak-age અને બીજી તે seep-age. કેમ કે ચોમાસું આવતું ત્યારે એ ઘરમાં ઉપરથી leakage થતું ને નીચેથી seepage. સદ્નસીબે, હું નાનો હતો ત્યારે મારા ઘરમાં પણ leakage બહુ થતું. બા એની નીચે વાસણો મૂકી દેતી. અમે એમાં ટપકતા પાણીના અવાજને સાંભળતા સૂઈ જતા. એ યુક્તિ અને અનુભવ મને અહીં પણ કામ આવી ગયેલાં. એ માટે અમે સાતેક વાસણો રાખેલાં. ઘણી વાર અમારે એ સાતેય વાસણો વાપરવાં પડતાં. હું રેખાને કહેતો: જલતંરગ વાગે છે. એ ઘરમાં ગણપતિનાં વાહનો પણ ઘણાં હતાં. રાતે અમે સૂતા હોઈએ ત્યારે એ વાહનો વાસણની પાટલી પર દોડધામ કરી મૂકતાં. એને કારણે ઘણી વાર વાસણો પણ નીચે પડતાં. રેખા કહેતી કે હવે સવારે પાછાં મૂકીશ. જો કે, એ વાહનો સાથે કામ પાર પાડવામાં પણ મારા નાનપણના અનુભવો કામ લાગેલા. મારાં બા ઉંદરો સાથે લડવાને બદલે ઉંદરો સાથે ભાઈબંધી કરતાં. એ પાટલી પર વાસણો ખાસ્સાં ત્રાંસાં મૂકીને ઉંદરોને દોડવાની જગ્યા કરી આપતાં. એથી બહુ બહુ તો સવારે પાટલી પરથી ઉંદરની લીંડીઓ સાફ કરવી પડતી પણ વાસણો ખૂબ ઓછાં નીચે પડતાં. મેં રેખાને એ યુક્તિ અપનાવવાનું કહેલું. થોડીક કામ લાગેલી.
હવે હું એમ.એસ. યુનિ.માં સત્તાવાર કાયમી અધ્યાપક થઈ ગયો હતો. આ બાજુ મારા કુટુંબમાં પણ અનેક દુર્ઘટનાઓ બની ગયેલી. મારા નાનાભાઈએ પુષ્કળ દેવું કરી નાખેલું. એમાં કેટલુંક દેવું મારા એક ઓળખીતાનું પણ હતું. એ દેવું ચૂકવવા અમારે એક ઘર, ભેંસ અને જમીન બધું જ વેચી દેવું પડેલું. બધી જમીન વેચતાં મારા ભાગે પંચોતર હજાર રૂપિયા આવેલા. એમાંથી મેં મારાં માબાપનું બધું જ દેવું ચૂકવી દીધેલું. મારા હાથમાં માંડ ચાલીસ હજાર બચેલા. અમે એ પૈસા રોકીને એક ઘર લેવાનું નક્કી કર્યું અને અમે ગરીબ લોકોના આવાસના એક કોર્નરમાં બે સ્ટુડીયો રાખી એ બન્નેને ભેળવી દઈ બે બેડરૂમ એક બાથરૂમનો એક એપાર્ટમેન્ટ ખરીદ્યો. એ વખતે નવી સોસાયટી બનતી હોય ત્યારે જે તે ડેવલેપરે અમુક મકાનો ગરીબો માટે રાખવાં પડતાં. જો કે, એમાંના બહુ ઓછાં ઘર ગરીબો પાસે જતાં. આ ઘર બીજા માળે હતું. એની નીચે દુકાનો હતી. હવે તો પહેલા માળે પણ દુકાનો અને ઓફિસો બની ગઈ છે. એ ઘર ખરીદતી વખતે ઘણા મિત્રોએ મદદ કરેલી. મેં મારી યામાહા મોટરબાઈક વેચી દીધેલી અને રેખાએ એનાં ઘરેણાં પણ વેચી દીધેલાં.
ક્રમશઃ
