સરયૂ પરીખ
સોના બારણાં પાછળ ઊભી રહી પતિદેવના હુકમની રાહ જોઈ રહી હતી. વરસ પહેલા, સોના રમણ, ઉર્ફે રૉકી, સાથે લગ્ન કરી અમેરિકા આવી હતી. દેશમાં પરિવાર માને કે ધનભાગ્ય સોનાના કે કમાતો અમેરિકન જમાઈ મળી ગયો. નવા દેશમાં રહેતી હતી પણ તેનું વિશ્વ તો એક નાના બંગલાની દિવાલો વચ્ચે સીમિત હતું. પતિનું પ્રભુત્વ અનાયાસ સ્વીકારીને નિત્યક્રમ શીખી લીધો હતો. દરમ્યાન, અંતરમાંથી ઉઠતાં અકળાયેલા સવાલો ગુંગળાઈને ઓસરી જતા.
રોકીનો આદેશ હતો, “એય ! મારા મિત્રો આવ્યા હોય ત્યારે આઘી રહેજે, કાન માંડીને અમારી વાત સાંભળવા નહીં આવતી અને નાસ્તાપાણી સરખા બનાવજે.” પણ, હુકમ સાથે તેમની વાતો સોનાને સાંભળવી જ પડે…
“જુઓ હું તો ઘરનો રાજા. મને તો એવા આદમીની દયા આવે જે બૈરીની પાછળ પાળેલા કુત્તાની જેમ ફરતા રહે.” અને એના મિત્રો “શાબાશ” કહી મજેસથી ગ્લાસના ટંકાર કરી ખુશ થયા.
તેમાં એક નવો આવેલ યુવક હાથમાં પાણીનો ગ્લાસ લઈ શાંત બેસી રહ્યો હતો. તેની સામે ધ્યાન પડતા રૉકી બોલ્યો, “વિશુ, આ કોણ મંદબુદ્ધિને લઈ આવ્યો છે? Dull dude!”
“એ મારો પિત્રાઈ, કેશવ છે. અહીં યુનિવર્સિટીમાં આગળ ભણવા આવ્યો છે. એ મૌનધારી તરફ ધ્યાન આપવાની જરૂર નથી.” વિશુએ પરિચય આપ્યો.
રૉકીએ ગર્વીલું હાસ્ય કરી ઉંચા અવાજે હૂકમ છોડ્યો, “સોના ! વધારે સમોસા લાવ અને જલ્દી…”
સોના નિસ્તેજ, નીચી નજર સાથે બહાર આવી અને ટ્રે મૂકી પાછી જતી રહી.
પણ, કેશવ આશ્ચર્ય ચકિત થઈ જોતો રહ્યો. ‘અરે, આ અમારા મહોલ્લાની સોના! જે રાતોની રાતો નવરાત્રીમાં નાચતી…તે જ આ નિર્જીવ સ્ત્રી? શું આ એ જ સોના?’ કેશવ વિચારતો રહ્યો.
રૉકી અને મિત્રો પોતાના મર્દાનગીના પરાક્રમોની વાતો કરવામાં મત્ત હતા જે સાંભળીને કેશવ અકળાઈ રહ્યો હતો. જ્યારે રૉકીએ સોનાને તોછડાઈથી ફરી હુકમ કર્યો, ત્યારે કેશવની ધીરજ ખૂટી ગઈ.
રૉકી સામે સ્થિર નજર કરી કેશવ બોલ્યો. “કોઈ તમને હુકમ કરી દોડાવે, ત્યારે તમને કેવું લાગે છે?”
રૉકી ખંધુ હસીને બોલ્યો, “વિચિત્ર માણસનો કેવો વિચિત્ર સવાલ !!”
સોનાના કાન સરવા થયા. આગળ એ જ તિખાશ ભર્યો અવાજ સંભળાયો, “ચોખ્ખુ દેખાય છે કે તમને તમારી પત્ની માટે જરાય માન નથી.” અટકીને કેશવ બોલ્યો, “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.” રૉકી અને મિત્રો ડઘાઈને સાંભળી રહ્યા. આવા વિધાનનો શું જવાબ?
સોનાએ ડોક લંબાવી બોલનાર સામે જોયું. “આ તો મારા પાડોશનો કેશવ કામદાર, જેને અમે બેનપણીઓ ‘બુદ્ધિમાન’ કહીને બોલાવતા. અમારા વડીલો આદર્શવાદી કેશવનો દાખલો આપતા.”
પોતાના ગામભાઈને જોઈ, સોનાના હૈયામાં પહેલી વખત, અસહાય-એકલતાના પાશની પકડ ઓછી થઈ.
રૉકી અને મિત્રોને જાણે રંગમાં ભંગ પડ્યો. મહેમાનોના ગયા પછી પીધેલ અને થાકેલો રૉકી ઊંઘી ગયો. સોના શાંતિથી સોફા પર બેસી એ સાંજના બનાવ પર વિચાર કરવા લાગી. ફરી ફરીને કેશવનું વાક્ય મગજમાં ઘુમરાતુ રહ્યું… “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.”
સોનાનું મનોમંથન સવાલ કરી ઊઠ્યું, “હું અહીં કેમ આવી છું? આ માણસ મારા પર અત્યાચાર કરે છે અને હું કેમ સહન કરી રહી છું? કેમ કરીને હું સાવ ભૂલી ગઈ કે સોના કોણ છે?” અને તેના આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.
મક્કમ હાથે આંસુ લૂછી, હોઠ દબાવી નિર્ણયો લેતી સોના, સોફા પર નિદ્રાવશ ઢળતી ગઈ. સવારના પંખીના કલરવથી જાગી તેણે સૂર્યોદય સાથે આશા કિરણને હાસ્ય સાથે આવકાર્યું.
રૉકીનો કર્કશ અવાજ…”એય! જલ્દી ચા નાસ્તો લાવ, નોકરીનું મોડું થાય છે.” વળી, “આ મારા જુતા સાફ કર્યા વગર કેમ લાવી? મુરખ.” શબ્દો જાણે તેને સ્પર્શ કર્યા વગર પસાર થઈ ગયા.
જેવો રૉકી નીકળ્યો કે સોના તૈયાર થઈ, ચાલીને નજીકની લાઈબ્રેરીમાં ગઈ. ત્યાંના મદદનીશથી કમ્પ્યુટર ચાલુ કરી, ગૃહ કંકાસમાં મદદ કરતી સંસ્થાની માહિતી ખોલી વાંચવા લાગી. તે બરાબર સમજી કે માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ કઈ રીતે કાયદાના આધારે અટકાવી શકાય. ‘સ્ત્રીને દબાવીને રાખવાનો પોતાનો જન્મસિદ્ધ હક છે,’ એવું માનનારા રૉકીની સામે સોનાના મનમાં આગ ભભૂકી. સોનાએ જરૂરી નંબર નોંધી લીધા. પોતાને આગળ ભણવા માટે અને નોકરીની તક માટે પણ તપાસ કરી, દ્રઢ પગલા ભરી ઘરે પહોંચી.
ફરી એમ જ, સાંજના રૉકી માટે જમવાની થાળી પિરસી.
“આવું ભંગાર ખાવાનું બનાવ્યું?” રૉકીનો સત્તા ભર્યો અવાજ આવ્યો.
“સારૂ જ છે. ગમે તો ખાવ.” સોનાના બેદરકારી ભર્યા જવાબ સાથે રૉકીએ હાથ ઉગામ્યો. સોનાએ હવામાં જ તેના હાથને જોરથી પકડી પાછો ફેંક્યો અને તણખા ઝરતી આંખો મેળવી બોલી,
“જરા સંભાળજો. એક ફોન કરીશ અને પોલીસ આવી જશે. આજ પછી, કોઈ પણ કઢંગી વર્તણૂક કરતા ધ્યાન રાખજો. મારો હક્ક અને સલામતી કેમ મેળવવી એ મને ખબર છે.”
સોનાનો મક્કમ અને નિડર અવાજ સાંભળી રૉકી અવાક્ થઈ ગયો. જાણે તેનું નબળું મન સોનાના નવા સ્વરૂપને જોઈ થથરી ગયું.
સોના ધીમે પગલે રસોડામાં ગઈ અને રૉકીએ ખુરશીમાં બેસી, પુતળાની માફક, કોળીયો મોંમાં મુક્યો.
સોનાનું અંતર એક ચિનગારીથી જાગી ઊઠ્યું. ‘સોના ક્યાં ખોવાઈ ગઈ છે?’ તેમ હવે પૂછવું નહીં પડે.
એક વાર અજવાળું
અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.
ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાંપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.
ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!
સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.
અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.
જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢિની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
