ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વિવિધ સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો યા અન્ય એકમો દ્વારા દર વર્ષે અનેકવિધ ક્ષેત્રનાં સંશોધનો કે સર્વેક્ષણો થતાં રહે છે. આવાં સંશોધનોનાં પરિણામ અને તારણ પ્રકાશિત થાય એ અધિકૃત હોય, છતાં એ સાર્વત્રિક ધોરણે લાગુ પાડી ન શકાય, કેમ કે, તે નમૂનારૂપ અભ્યાસ હોય છે. એટલે કે તે અમુકતમુક બાબત, પ્રવાહ કે સ્થિતિનો અંદાજ આપી શકે છે. એ રીતે તે ઊપયોગી પણ છે. હમણાં ઈન્ગ્લેન્ડસ્થિત યુનિવર્સિટી ઑફ ડર્બીના પ્રો.માઈલ્સ રિચર્ડસનની આગેવાનીમાં બ્રિટન અને ઓસ્ટ્રિયાના સંશોધકોએ ૨૦૨૪માં હાથ ધરેલા એક અભ્યાસનાં પરિણામ ‘જર્નલ ઓફ એન્વાયર્ન્મેન્ટલ સાઈકોલોજી’માં પ્રકાશિત કરવામાં આવ્યાં. પ્રો.માઈલ્સ ‘નેચર કનેક્ટેડનેસ’ના પ્રાધ્યાપક છે. ‘નેચર કનેક્ટેડનેસ’ એટલે પ્રકૃતિ સાથેનું જોડાણ. આ વિચાર મનોવૈજ્ઞાનિક છે, જે અન્ય પ્રજાતિઓ સાથે જે તે વ્યક્તિ કે સમૂહની નિકટતાનું માપ છે. તેના માપન માટે વિવિધ માપદંડ છે, જેનો સાર એટલો કે તમે તમારી આસપાસના પર્યાવરણ કે પ્રજાતિઓ સાથે કેવીક સુસંગતતા જાળવીને રહી શકો છો.

અભ્યાસનાં પરિણામો કેવાં મળ્યાં? જે લોકો પ્રકૃતિ સાથે વધુ સારી રીતે જોડાયેલા હોય છે તેમની સુખાકારી બહેતર હોય છે, અને તેઓ પર્યાવરણ સાથે સુસંગત રીતરસમો વહેવારમાં અપનાવતા જોવા મળે છે. પ્રકૃતિ સાથે ઓછા જોડાયેલા લોકોમાં એ માટેનાં ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર હોવાનું જણાયું. તેમાં આસપાસની જૈવવિવિધતાનો અભાવ હોવાની સાથોસાથ વ્યક્તિગત અસમાનતા અને ભૌતિક પ્રાપ્તિની પ્રાથમિકતા હોવાનું જણાયું. એક વિચિત્ર બાબત એ પણ નજરે પડી કે વિજ્ઞાનની સરખામણીએ ધાર્મિકતાનો યા સાંસ્કૃતિક પરંપરાનો સ્વીકાર વધુ પ્રમાણમાં હોય એવા સમાજમાં પ્રકૃતિ સાથેનું જોડાણ વધુ જણાયું.
કુલ ૬૧ દેશોના ૫૭,૦૦૦ લોકોના કરાયેલા અભ્યાસના પરિણામમાં જોવા મળ્યું કે પ્રકૃતિ સાથે સૌથી વધુ જોડાયેલો દેશ નેપાળ છે. પછીના ક્રમે ઈરાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. યુરોપીય સંઘમાંથી કેવળ ક્રોએશિઆ અને બલ્ગેરિઆ જ પ્રથમ દસમાં સ્થાન પામ્યા છે, જ્યારે ફ્રાન્સ ૧૯મા સ્થાને છે. જે દેશની યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો એ બ્રિટન છેક પંચાવનમા સ્થાને છે. બ્રિટનથી પણ પછીના ક્રમે નેધરલેન્ડ્સ, કેનેડા, જર્મની, ઈઝરાયલ, જાપાન અને સ્પેન છે. ભારતનો ક્રમાંક ત્રીસમો છે.
પરિણામ તો બરાબર, પણ આ અભ્યાસ કેટલાંક તારણો દર્શાવે છે, જે ઘણાં મહત્ત્વનાં છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ (સરળતાથી વ્યવસાય કરી શકાય એવી સરકારી નીતિ) અમલી છે, એવા દેશોનું પ્રકૃતિ સાથેનું જોડાણ ઓછું છે. અર્થાત આ બન્ને બાબતો વચ્ચે સીધો સંબંધ છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતાં અનેક સંગઠનો બ્રિટનમાં કાર્યરત છે, છતાં પ્રકૃતિ સાથેની નિકટતામાં એ પાછલા ક્રમે છે. એટલે કે આ સંગઠનોની કાર્યવાહીની ખાસ અસર બ્રિટનમાં જણાઈ નથી. પ્રકૃતિ સાથેની નિકટતાના અભાવ માટે શહેરીકરણ, તદ્દન ઓછી આવક તેમજ ઈન્ટરનેટના વપરાશનો સીધો સંબંધ જણાયો.
પ્રો.રિચર્ડસન આ બાબતે જણાવે છે: ‘પ્રકૃતિ સાથેનું જોડાણ આપણે શું કરીએ છીએ એટલા પૂરતું મર્યાદિત નથી. આપણે શું અનુભવીએ છીએ, વિચારીએ છીએ અને જગતમાં આપણા સ્થળનું શું મૂલ્ય આંકીએ છીએ એ બધા પર આનો આધાર છે.” આ બાબતે બ્રિટન પાછલા ક્રમે હોય એમાં પ્રો. માઈલ્સને નવાઈ નથી લાગતી, કેમ કે, તેમના જણાવ્યા અનુસાર: ‘આપણો સમાજ વધુ તાર્કિક, આર્થિક અને વૈજ્ઞાનિક બની ચૂક્યો છે. તેનાથી દેખીતો ઘણો બધો લાભ થયો છે, પણ તેની સામે કેટલીય અણધારી સમસ્યાઓ પેદા થઈ છે. ટેક્નોલોજી પર અતિશય આધારિત આપણા વિશ્વમાં આપણે પ્રકૃતિલક્ષી વિચારણાને શી રીતે પુન: સમાવીશું? સંસ્કૃતિને બદલવાનું મુશ્કેલ છે, પણ પ્રકૃતિના મૂલ્યને મુખ્ય ધારામાં લાવવું, તેને આપણી સુખાકારી સાથે સાંકળવું અતિ મહત્ત્વનું છે, જેથી તે એક પ્રકારે આદરપાત્ર અને પવિત્ર બાબત બને.’
તેમણે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. જેમ કે, માનસિક અને જાહેર સ્વાસ્થ્યસંબંધી ચિકિત્સામાં નૈસર્ગિક પર્યાવરણનો ઊપયોગ વધારવામાં આવે, પ્રકૃતિના હક અંગે કાનૂનની જોગવાઈઓ તૈયાર કરાવી શકાય, અને વ્યાવસયિક નિર્ણયો તેમજ નીતિઓમાં પ્રકૃતિને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે. વ્યાવસાયિક નીતિઓ પર પુનર્વિચાર કરીને, પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને ફેરવિચારણા કરી જ શકાય છે. કુદરતને સંસાધન નહીં, પણ સહભાગી ગણીને વિચારાય તો આ શક્ય બને.
આ અભ્યાસ ભલે બ્રિટનમાં થયો, અને તેનાં પરિણામમાં વિવિધ દેશો અલગ અલગ સ્થાને આવ્યા, પણ મૂળ મુદ્દો અતિ મહત્ત્વનો છે, જે એકે એક દેશને લાગુ પડે છે. પોતાના દેશ કે પ્રદેશને આર્થિક તાકાત બનાવવાની લ્હાયમાં પર્યાવરણનો ખો કાઢી નીકળી ગયો હોવાની વાત જૂની થઈ. કુદરત સાથેનું આપણું જોડાણ સાવ ઘસાઈને તૂટી જાય એ કેવી વક્રતા! બ્રિટન જેવા વિકસીત દેશની આ હાલત હોય તો આપણો દેશ હજી વિકાસશીલ છે. અનેક યોજના, પરિયોજના કે પ્રકલ્પો આપણે ત્યાં નિર્માણાધીન છે. પર્યાવરણના અભ્યાસ કાગળ પર થાય છે ખરા, પણ વિપરીત અસર થઈને જ રહે છે. આ પરિયોજનામાં મૂડીવાદ અને ભ્રષ્ટાચાર ભળે પછી કુદરત શું અને પર્યાવરણ શું? કેન્દ્રમાં માત્ર ને માત્ર આર્થિક હિત જ હોય છે, અને એ પણ મુઠ્ઠીભર વર્ગનું.
આ બાબતે એવી ફિકર પણ વ્યક્ત કરી શકાય એવી નથી કે ભાવિ પેઢી આમ ને આમ પ્રકૃતિથી વિમુખ થઈ જશે. કેમ કે, વર્તમાન પેઢીમાં આમ થઈ જ ચૂક્યું છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
