સરસ્વતિ દેવીના અઠંગ ઉપાસક ડો. બાબુ સુથાર એક વિરલ ભાષાવિજ્ઞાની હોવા ઉપરાંત સર્જક, સંપાદક અને ભાષાના તત્ત્વચિંતક પણ છે. એમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના મહિસાગર જિલ્લાના ભરોડી નામના એક નાનકડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.(ત્યારનું અગિયારમું) કર્યા પછી એ ટેલિફોન ઓપરેટર બન્યા હતા. ગોધરાની કોલેજમાંથી ગુજરાતી અને હિન્દી સાથે બી.એ. કર્યા પછી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન, એમ બે એમ.એ. કર્યા છે. એ જ યુનિવર્સિટીમાં સાત વરસ ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે. એ પહેલાં એમણે પત્રકારત્વ પણ ખેડ્યું હતું.

ત્યાર બાદ ૧૯૯૭માં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કરવા આવ્યા હતા. પીએચ.ડી પૂરું કર્યા પછી એ જ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના અધ્યાપક તરીકે જોડાયા હતા.

ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્ષનેરી’ તૈયાર કરવાનું શ્રેય એમને ફાળે છે.

અર્વાચીન સાહિત્યના અને ખાસ તો સુરેશ જોષીના સાહિત્ય વિષેનું એમનું ઊંડું અધ્યયન પ્રશંસાને પાત્ર છે. પાંચ નવલકથાઓ, પાંચ કાવ્યસંગ્રહો, બે વિવેચન સંગ્રહો પ્રગટ કર્યા ઉપરાંત એમણે આત્મકથા પણ લખી છે જે હજી અગ્રંથસ્થ છે. દેશવિદેશની કવિતાઓ અને વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે. એમણે ભાષાવિજ્ઞાનમાં અને ફિલસૂફીમાં પણ લેખો લખ્યા છે.

ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજનાર જૂજ લોકોમાં એમની ગણના થાય છે. બાબુ સુથાર સિનેમા, ન્યૂ મીડિયા અને ડિજિટલ કલ્ચરના પણ ઊંડા અભ્યાસી છે.

Email: basuthar@gmail.com

 


Nostalgia નામના પુસ્તકમાં ફ્રેંચ ફિલસૂફ બાર્બરા કાસિન એક પ્રશ્ન પૂછે છે: When are we ever at home? પછી એ આ પ્રશ્નના ત્રણ જવાબ આપે છે. એમાંના પહેલા બે જવાબ પાશ્ચાત્ય પુરાકથા પર અને ત્રીજો જવાબ એક આધુનિક ફિલસૂફના જીવન પર આધાર રાખે છે. પુરાકથાઓમાં એ ઓડિસિયસ અને ઈનિઅસની વાત કરે છે. ટ્રોયનું યુદ્ધ જીત્યા પછી ઓડિસિયસ પોતાના ઘેર જવા નીકળે છે. આમ તો એનું ઘર નજીક જ છે. એમ છતાં એને ત્યાં પહોંચતાં વરસો નીકળી જાય છે. એટલે સુધી કે એક તબક્કે ઓડિસિયસ બોલી જાય છે કે “ભૂમદ્યસમુદ્ર જ હવે તો મારું ઘર.”

જેમ ઓડિસિયસ ટ્રોય છોડીને પોતાના વતન પાછો ફરે છે એમ ઈનિઅસ પણ ટ્રોય છોડીને બીજે જાય છે. ફરક એટલો જ છે કે ટ્રોય એનું વતન છે. એનું ઘર છે. એ ટ્રોય ભડકે બળતું હોય છે ત્યારે એના પિતાને એની પીઠ પર નાખી, દીકરાને લઈને નીકળી જાય છે. ઓડિસિયસ પરદેશથી સ્વદેશ જાય છે. એની સામે ઇનિઅસ  સ્વદેશથી પરદેશ જાય છે. એ પર દેશને પોતાનું ઘર બનાવે છે અને પર દેશની ભાષા પણ અપનાવે છે.

ત્રીજો જવાબ આપતાં કાસિન જર્મન ફિલસૂફ હન્ના આરન્ટની વાત કરે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે હન્ના આરન્ટ, પોતાની ઇચ્છા વિરુદ્ધ, અમેરિકા આવે છે. એક મુલાકાતમાં એ કહે છે કે અમેરિકામાં એને જર્મનીનો ઘરઝુરાપો, એટલે કે પોતાના દેશનો ઘરઝુરાપો સતાવતો નથી. એને બદલે એને જર્મન ભાષાનો ઘરઝુરાપો સતાવતો હોય છે. આરન્ટ માટે અમેરિકા કે જર્મની પોતાનું ઘર નથી. એના માટે જર્મન ભાષા પોતાનું ઘર છે અને અમેરિકામાં એેને જર્મન ભાષામાં વાત કરવા મળતી નથી. અલબત્ત, અમેરિકામાં રહીને એ જર્મન ભાષામાં લખી શકે છે અને જર્મન ભાષાનાં પુસ્તકો વાંચી પણ શકે છે.

કાસિનનું આ પુસ્તક વાંચતી વખતે મેં મને પણ એક પ્રશ્ન પૂછેલો: હું કોણ છું? ઓડિસિયસ છું? ઈનિઅસ છું? કે હન્ના આરન્ટ છું?

હું ઓડિસિયસ તો નથી જ. કેમ કે, હું મારા ઘેર જવા નીકળ્યો નથી. હું જ્યાં જાઉં છું ત્યાં કોઈ મારી રાહ જોનાર નથી. હા, હું ક્યારેક મારા ઘેર ગયો છું કરો. પછી પાછું ઘર છોડવા માટે. હું વડોદરાથી મારા વતન જાઉં. માબાપને મળું. એકબે દિવસ ત્યાં રોકાઉં અને પાછો ઘર છોડું. એ જ રીતે, હું અમેરિકાથી ભારતમાં આવેલા મારા વતનમાં જાઉં, બેચાર દિવસ ત્યાં રહું અને પાછો હું અમેરિકા આવું. હું ઘેર રહેવા નથી ગયો. હું ઘરની મુલાકાતે ગયો છું. ઓડિસિયસ તો રહેવા જાય છે.

પણ, મને લાગે છે કે હું કાં તો ઈનિઅસ છું, કાં તો હન્ના આરન્ટ છું. જેમ ઈનિઅસે ટ્રોય છોડ્યું, એમ મેં પણ મારું વતન છોડ્યું. જો કે, બન્નેનાં કારણો જુદાં હતાં. ઈનિઅસ એના પિતાને અને એના પુત્રને લઈને નીકળી ગયેલો. હું મારા પુત્ર અને મારાં પત્નીને લઈને નીકળી ગયેલો. જો કે, ઇનિઅસ અને મારામાં એક ફરક હતો. ઇનિઅસ પિતા અને પુત્રને પોતાની સાથે લઈને નીકળેલો. મેં પાછળથી મારા પુત્ર અને પત્નીને બોલાવેલાં. ઇનિઅસે જે ભૂમિમાં ગયો એ ભૂમિની ભાષા સ્વીકારેલી. મેં પણ વત્તેઓછે અંશે એમ જ કર્યું છે.

જો કે, ઇનિઅસ અને મારી વચ્ચે એક મહત્ત્વનો ફરક છે. ઇનિઅસને દેવો મદદ કરતા હતા. હું દેવો વગરનો. હું જ્યાં રોકાયો ત્યાં મેં એવું માની લીધેલું કે આ જ મારો અંતિમ પડાવ છે. આ જ મારું ઘર છે. અને ત્યાં જ મારે ત્યાંથી ખસવાનું આવે. એટલું જ નહીં, ક્યારેક તો એવું પણ બને કે હું ઘર વસાવું અને મારે ઘર છોડવાનું આવે. આજે મને પ્રશ્ન થાય છે: હું જ્યાં જાઉં ત્યાં પેલું ભડકે બળતું ટ્રોય મારી પાછળ પાછળ તો નહીં આવતું હોય ને? કોઈને આ પ્રશ્ન રંગદર્શી લાગશે. પણ, મને નથી લાગતો. જે લોકો વરસોથી પોતાના ઘરમાં રહે છે એમનો ઘરઝુરાપો મારા ઘરઝુરાપા કરતાં ચોક્કસ જુદો હશે એવું મને લાગે છે.

મને ઘણી વાર એવું પણ લાગ્યું છે કે હું હન્ના આરન્ટ છું. અલબત્ત, ઘરઝુરાપાની બાબતમાં. મને મારા દેશ કરતાં સૌથી વધારે મારી ભાષાની ખોટ સાલી છે. હું અમેરિકામાં છું. ઘરમાં, અને ઘણી વાર સમાજમાં પણ હું ગુજરાતી ભાષામાં વાત કરું છું. એને કારણે ઘણી વાર કેટલાક લોકોમાં ગેરસમજ પણ થઈ છે. એ લોકો અંદરોઅંદર એવું કહેતા હોય છે કે બાબુને અંગ્રેજી ભાષા નથી આવડતી. કેમ કે, એ ગુજરાતી ભાષામાં જ વાત કરતો હોય છે. હું એમને કઈ રીતે સમજાવું કે મારા માટે ગુજરાતી ભાષા મારું ઘર છે. હું એ ઘરમાં રહું છું. અને હું જ્યારે પણ ગુજરાતી ભાષામાં વાત કરતો હોઉં છું ત્યારે મને એવું લાગતું હોય છે કે હું મારા ઘરમાં છું. મને એક પ્રકારની હૂંફ મળતી હોય છે. એટલું જ નહીં, મને એક પ્રકારની સલામતિની લાગણી પણ થતી હોય છે. હું ચાલ્યા વગર, અથવા તો પૃથ્વી, સમુદ્ર કે અવકાશનો ઉપયોગ કર્યા વગર મારા ઘરમાં વસવાટ કરવા જતો રહેતો હોઉં છું.

મને લાગે છે કે હું બેવડા ઘરઝુરાપાથી પિડાઉં છું. મને ઈનિઅસની જેમ મારું ઘર જોઈએ છે. જ્યાં કોઈક રાહ જોનાર હોય. એની સાથોસાથ, મને આરન્ટની જેમ મારી ભાષાની ખોટ સાલતી હોય છે. અમેરિકામાં, મેં કહ્યું છે એમ, હું ગુજરાતી ભાષા બોલું છું. પણ મને સતત એવું લાગે છે કે આ ભાષાને પાનખર બેઠી છે. મને હું જીવતી ભાષા બોલી રહ્યો છું એવું ક્યારેક જ લાગતું હોય છે.

અત્યારે મારું ઘર અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં આવેલું છે. પણ, હું એ ઘરમાં રહેતો નથી. અને ક્યારેક એમાં રહું પણ છું તો એક મુલાકાતીની જેમ. મેં નોકરી કરવા માટે મારું વતન છોડ્યું એ દિવસથી હું સતત મારા ઘરમાં મારા મહેમાનની જેમ જીવ્યો છું. આજે પણ હું મારો મહેમાન છું. ફિલાડેલ્ફિયામાં આવેલા મારા ઘરમાં. એ પહેલાં હું ભારતમાં, વડોદરામાં રહેતો હતો. ત્યાં પણ મારું ઘર હતું. પણ, મારા માટે વડોદરા એક દિવસે ટ્રોય નગરી બન્યું. અને એ સાથે હું પેલા ઈનિઅસની જેમ વડોદરા છોડીને નીકળી ગયો. મારી પીઠ પર મારી ભાષાનો, મારી સંસ્કૃતિનો ભાર હતો. અને હું ત્યાંથી અમેરિકા આવ્યો. એ પહેલાં હું મુંબઈમાં રહેતો હતો. ત્યાં મારું પોતાનું ઘર ન હતું. ત્યાં હું કેટલોક સમય મારા મિત્ર, ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં, રહ્યો છું. પણ, મુંબઈ પણ એક દિવસે મારા માટે ટ્રોય બન્યું. મારી નોકરી ગઈ અને હું પાછો વડોદરા આવ્યો. જો કે, એ વખતે વડોદરામાં મારું ઘર ન હતું. ત્યાં પણ હું એક મિત્રની સાથે રહેતો હતો. મેં એક પેટી રાખેલી. પતરાની. કદાચ બાએ આપેલી. હું હાથમાં એ પેટી અને ખભે ‘બાપાને’ લઈને નીકળી પડતો ને જ્યાં રોકાતો એ જગ્યા મારા માટે મારું ઘર બની જતું. એ દિવસોમાં હું પેલા ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો હતો. જ્યારે ગ્રીક દેવ ઝિઊસે ઉજાણીમાં ભાગ લેવા બધાં પ્રાણીઓને પોતાના ઘેર બોલાવ્યાં ત્યારે કાચબો ન હતો ગયો. પછી ઝિઊસે કાચબાને પૂછ્યું કે તું કેમ ઉજાણીમાં ભાગ લેવા ન હતો આવ્યો. તો કાચબાએ કહ્યું કે મને મારું ઘર બહુ ગમે છે. ત્યારે ઝિઊસે કહેલું કે હવે તું સદાકાળ તારું ઘર તારી પીઠ પર લઈને ફર્યા કરજે. હું પણ ત્યારે, એ કાચબાની જેમ, મારું ઘર મારી પીઠ પર લઈને ફર્યા કરતો હતો.

એ પહેલાં હું ગોધરામાં હતો. હું ત્યાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતો હતો. ત્યાં પણ મારું પોતાનું ઘર ન હતું. આરંભમાં હું મારી ફોઈના છોકરા, શંકરભાઈ સાથે, રહેતો હતો. ત્યારે પણ મારી પાસે પેલી બાએ આપેલી પતરાની પેટી હતી. ગોધરામાં પણ મેં અનેક ઘર કરેલાં. પહેલાં હું ત્યાંની એક સોસાયટીમાં રહેવા ગયો. ભાડાની ઓરડીમાં. આજે મને એક પ્રશ્ન થાય છે કે એવી ઓરડીઓને ઘર કહેવાય કે નહીં? એક અર્થમાં કહેવાય: કેમ કે મારા કાગળ એ સરનામે આવતા હતા. બીજા અર્થમાં ન કહેવાય. કેમ કે, મારે દર મહિને એ ઓરડીને ‘મારું ઘર’ બનાવવા ભાડું આપવું પડતું હતું.

ગોધરા આવતા પહેલાં હું અમદાવાદમાં ત્રણ મહિના રહેલો. નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે. એ પહેલાં હું ભરોડીમાં રહેતો હતો. ભરોડી. અત્યારના મહિસાગર જિલ્લામાં આવેલું મારું વતન. અસંખ્ય નાની મોટી ટેકરીઓની વચ્ચે આવેલું એક નાનું ખોબા જેવડું ગામ. એક છેડે બૂમ પાડો તો બીજે છેડે સંભળાય એવડું. જો કે, હવે તો એ ગામ પણ ઘણું મોટું થઈ ગયું છે. ત્યારે મારા ગામની આસપાસ અસંખ્ય નાનાંમોટાં ઝરણાં અને કોતર વહેતાં. એક કોતર તો એક ગાઉ ચાલો તો પાંચ વાર ઓળંગવું પડતું. એ દિવસોમાં જળ અને જમીન સતત સંવાદ કર્યા કરતાં. ત્યારે ત્યાં બસો ન હતી. દસબાર માઈલ ચાલવાનું તો જાણે કંઈ જ ન હતું. એ પણ ઉઘાડા પગે. ચાલતાં તરસ લાગે તો ચોમાસામાં મેં ઘણી વાર કૂવાની ધાર પર બેસી, નીચે નમીને, પાણી પીધું છે. ઉનાળામાં ઘણી વાર બાએ મને સાડીનો છેડો કૂવાના પાણીમાં બોળીને મારું મોં ભીનું કરાવ્યું છે. એ ગામને મારે ટ્રોય કહેવું હોય તો મને ખૂબ અઘરું પડે. પણ,

એ ય ટ્રોય બને છે. આરંભમાં મારા માટે નહીં. મારાં માબાપને માટે.

એથી જ તો જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારાં માબાપ મારું વતન છોડીને પાવાગઢ પાસે આવેલા જીતપુરા ગામે જાય છે. ત્યારે બાપા ઇનિઅસ બનેલા. એમની પીઠ પર ‘એમના બાપા’. અમે એમની આંગળી ઝાલીને એ જ્યાં લઈ જાય ત્યાં જતા. અમે પ્રશ્નો પણ પૂછી શકતા ન હતા.  ત્યારે અમે સવારે ચારેક વાગે અમારા ગામથી નીકળતા. ઉપર આકાશમાં તારા અને ક્યારેક ચંદ્રમા. બાપા અને બા એમાંના ઘણા બધા તારા અને ઘણાં બધાં નક્ષત્રોને ઓળખતા. એ જ્યારે એ તારા અને નક્ષત્રોની વાત કરતા ત્યારે એવું લાગતું કે એ એમના કોઈક સગાની વાત કરે છે. એ દિવસોમાં ગામમાં એક જ ઘડિયાળ હતી. એ પણ લોલક ઘડિયાળ. એનો માલિક લોકો વારંવાર ઘડિયાળ જોવા ન આવે એ માટે એના ઘરનું બારણું બંધ રાખતો. એ ઘર રાતના વખતે તો ક્યાંથી ઉઘાડું હોય? બા અને બાપા કૂકડાની બોલીથી સમય માપતાં, બાપા આકાશમાં જોતાને કહેતા: ચાલો નીકળીએ. સમય થઈ ગયો છે. પછી માથે નાનકડી ગાંસડી, હાથમાં પટાવાળી થેલી લઈને અમે નીકળી પડતાં. પગમાં જૂતાં નહીં, રસ્તા પણ ધૂળિયા. રસ્તાની બે બાજુ થોર. કેટલાક ફાફડિયા. ઊંચા ઊંચા. બાપા કરતાં પણ ઊંચા. અંધારામાં એ થોર બધા ભૂત જેવા લાગતા. ક્યારેક ચાંદની રાતે એ થોરના પડછાયા જોઈને મને થતું કે હમણાં જ આ પડછાયો લંબાશે અને મને એની અંદર ખેંચી લેશે. હું ચાલતી વખતે એ થોરના પડછાયા પર પગ ન પડે એની કાળજી રાખતો. એ દિવસોમાં અમારે ન્યૂટન કે આઈન્સ્ટાઈન કરતાં ભૂતો સાથે વધારે સંબંધ હતો. કેટલેક ઠેકાણે તો અમારા પગ ખાસ્સા બધા ધૂળમાં ઊતરી જતા. એમાં વળી બા કહેતાં: “પગ દાબો જરા.” બા કહેતાં કે “ઊતાવળે ચાલો એમ નહીં કહેવાનું. એમ કહીએ તો રસ્તા પર બેઠેલાં ભૂત આપણી સાથે આવે. એ એવું માને કે આપણે એમને આપણી સાથે આવવાનું કહીએ છીએ. પછી એ આપણી સાથે આવે.” આવી વાતો સાંભળીને અમને ખાતરી થતી કે રસ્તાની બેય બાજુના થોર પર ક્યાંકને ક્યાંક ભૂત હશે.

હું અને મારા બન્ને ભાઈઓ, એક મોટો અને બીજો નાનો, એકનું નામ જયન્તિભાઈ અને બીજાનું નામ ભીખો, ઘણી વાર બા જે કહેતાં એનો અભિધાના સ્તરે અર્થ કરતા અને ધૂળમાં પગ દાબતા. ત્યારે ત્રણ ગાઉનું અંતર કાપતાં અમને બે કલાક લાગતા. અમે વીરપુર પહોંચી ત્યાંથી પાંચ વાગ્યાની સેવાલિયાની બસ પકડતાં. હું બસ સ્ટેશને પહોંચ્યા પછી બધી બસોનાં બોર્ડ વાંચતો. ત્યારે મને એવું લાગતું કે હું ભણ્યો છું એ સાચે જ ખૂબ કામનું છે. હું બસોનાં બોર્ડ વાંચી શકું છું. અમે સેવાલિયા સાડા નવની આસપાસ પહોંચતાં. ત્યાં બસ સ્ટેશનની તદ્દન સામે રેલ્વે સ્ટેશન આવેલું હતું. બા અને બાપા અમને રેલ્વે સ્ટેશને લઈ જતાં. ત્યાંથી અમે ગોધરાની ટ્રેઈન લેતાં. પણ, એ ટ્રેઈન અમે ત્યાં પહોંચીએ પછી ત્રણ કે ચાર કલાકે આવતી. ત્યારે સેવાલિયાથી ગોધરા બસમાં પણ જઈ શકાતું. પણ મારાં માબાપને બસ મોંઘી પડતી. એમને લોકલ ટ્રેઈન સસ્તી પડતી. સેવાલિયાના બસ સ્ટેશને બા અમને પાણીને બદલે દૂધમાં બાંધેલા લોટનો રોટલો આપતી. બા એવું માનતાં કે પાણીથી બાંધેલા લોટના રોટલા અભડાઈ જાય. સાથે કાં તો અથાણું હોય, કાં તો કે છુંદો. ક્યારેક એ અમને કેળાં કે દરાખ લઈ આપતાં. બા ‘દ્રાક્ષ’ને ‘દરાખ’ કહેતાં. અમારે ભાગે એક એક કેળું આવતું ને દરાખ ચાર કે પાંચ. પછી, બેએક વાગે આગગાડી આવતી. અમે એનું તોતિંગ એન્જિન અને એમાંથી નીકળતો ધૂમાડો જોઈ રહેતા. ત્યાંથી અમે ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને ગોધરા જતાં. ત્યારે ગોધરામાં રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન કાં તો ચાલતા જવાતું, કાં તો ઘોડાગાડીમાં. બાબાપુજી અમને ઘોડાગાડીમાં લઈ જતાં. પછી, ગોધરા બસ સ્ટેશનેથી અમે હાલોલની બસ લેતાં. ત્યારે પણ બા કહેતાં: લોકલ લેવાની. એક્સપ્રેસમાં ભાડું બહુ થાય. હું ત્યાં પણ મારા શિક્ષણનો ઉપયોગ કરતો. હું બસોનાં બોર્ડ વાંચતો. લાલ હોય તો એક્સપ્રેસ. કાળાં હોય તો લોકલ. પછી ત્યાંથી લોકલ બસ લઈને અમે બે કલાકે હાલોલ પહોંચતાં. પછી હાલોલ પહોંચીને પણ મારા માથે વાયા ઘોઘંબા જતી દેવગઢ બારિયાની બસ શોધવાની જવાબદારી આવી જતી. હું હાલોલ બસ સ્ટેશને પણ બસમાં બોર્ડ વાંચતો. પછી બાને કહેતો કે આ બસ જાય છે. તો પણ બા પાછાં કંટક્ટરને પૂછીને ખાતરી કરતાં કે ખરેખર આ બસ વાયા ઘોઘંબા જાય છે? પછી અમે દેવગઢ બારિયા, વાયા ઘોઘંબા, જતી બસ લેતાં અને વચ્ચે કંકોડાકોઈ નામના ગામે ઊતરતાં. ત્યાંથી દોઢેક માઈલ ચાલતાં અમે જીતપુરા જતાં. એ રસ્તો ધૂળિયો ન હતો. પણ, વેરાન ખરો. આસપાસ બાવળ ઓછા ને આવળ વધારે. વળી જ્યાં જૂઓ ત્યાં તાડ. જીતપુરા પહોંચતાં ખાસ્સી સાંજ થઈ જતી. પહેલો કૂકડો બોલ્યે એક ઘેરથી નીકળીને દહાડો આથમે ત્યારે અમે બીજા ઘેર ત્યાં પહોંચતાં. આ પ્રવાસ, જો કે, ઓડિસિયસના પ્રવાસ જેવો ન હતો. તો પણ, જેમ ઓડિસિયસને સમુદ્રદેવ નડતા એમ અમને પણ કોઈને કોઈ, શાસ્ત્રોએ હજી પ્રમાણિત ન કર્યા હોય એવા દેવ, નડતા.

જીતપુરાના ઝાંપે જ એક તળાવ અને કોઠીનું વિશાળ વન. દૂરથી તળાવની પાળ દેખાય એટલે અમને લાગતું કે હવે જીતપુરા આવી ગયું છે. કોઠીનું વન અમારું પાયખાનું. રોજ સવારે અમે ત્યાં પાયખાને જતાં. એ પણ હાથમાં લોટો કે ડબલું લઈને. જો લોટો લઈને જતાં તો તળાવકાંઠે બેસીને લોટો ઘસી નાખતાં. ક્યારેક તળાવકાંઠાની માટીમાં રહેલી કાંકરીઓના લિસોટા લોટા પર પડતા તો બા ખિજાઈ જતાં. ત્યાંથી ઘેર જતી વખતે અમે નીચે પડેલાં બેચાર કોઠા (જો એની ઋતુ હોય તો) લઈ જતાં. બા એમાંથી ચટણી બનાવતાં અને અમને રોટલા સાથે કોઠાની ચટણી આપતાં.

મને ખબર નથી કે બાપાને કોણે જીતપુરા બોલાવ્યા હશે. પણ કોઈકે કહ્યું હશે કે આ ગામમાં સુથાર નથી અને એને કારણે ગામલોકોને બહુ તકલીફ પડે છે. પહેલાં બાપા ત્યાં ગયેલા. ગામલોકોએ બાપાને એકબીજાને કાટખૂણે અડીને ઊભેલાં બે ઘરને કારણે બનતો એક ખૂણો ‘ઘર બાંધવા’ માટે આપેલો. બાપાએ, અલબત્ત ગામલોકોની મદદથી, એ ખૂણામાં એક ઝૂંપડું બનાવેલું. એની ભીંતો કરાંઠીની. એના પર બા અને ગામની સ્ત્રીઓએ લીંપણ લીપેલું. એ ઝુંપડા પર તાડપત્રી નાખેલી. ક્યારેક વાયરે એ તાડપત્રીઓ ખસી જતી અને રાતનો વખત હોય તો અમને ઘરમાં સૂતાં સૂતાં આકાશ દેખાઈ જતું. ચોમાસામાં ઘણી વાર એ તાડપત્રીઓમાંથી ચૂવા થતા. બા જ્યાં પાણી પડતું હોય ત્યાં ડોલ કે બીજું કોઈ વાસણ મૂકી દેતી. ઘણી વાર અમે રાતે ચૂવાના પાણીનાં ટીપાં ગણતાં.

એ ઝૂંપડી હશે માંડ દસ કે બાર હાથ પહોળી. એના એક ખૂણામાં રસોડું. એમાં અમે પાંચ જણ – બા, કાકા, નાનો ભાઈ, મોટો ભાઈ અને હું- રહેતાં. ઝૂંપડીમાં ખાટલો રાખવા જેટલી જગ્યા ન હતી. અમે બધાં નીચે સૂઈ જતાં. ગોદડીઓ પાથરીને. બા વહેલી સવારે, અજવાળું થાય એ પહેલાં, ત્રણ બાજુ ખરસુડીની (સ્થાનિક બોલીમાં ‘ખરહૂડી’) વાડ બનાવીને બનાવવામાં આવેલા ‘બાથરૂમમાં’ નહાઈ લેતાં. એ બાથરૂમનો પથરો હજી મને યાદ છે. એ ઝૂંપડીમાં બાપાનાં સુથારી કામનાં સાધનો પણ રહેતાં અને અનાજપાણી પણ. ત્યાં બા કોદરા, બાવટો અને બંટી અને ક્યારેક એ ત્રણેયના મિશ્રણમાંથી રોટલા બનાવતાં. લોકો ત્યારે એને સાંગરું (સ્થાનિક બોલીમાં ‘હાંગરું’) કહેતા. એવા રોટલા ટાઢા પડી જાય તો તૂટતા નહીં. તોડવા બેસીએ તો એ રબરની જેમ લાંબા થતા. અમે ઘણી વાર એવા રોટલા અંગારે ઊના કરીને ખાતા. મને એ રોટલાઓનો કાળો રંગ ઝાઝો ગમતો નહીં. એટલે સુધી કે સવારે અમે કોઠીના વનમાં જાજરુ જતા ત્યારે અમારા કાળા મળને જોતા અને પેલા રોટલા યાદ કરતા. લણણી વખતે અમારી ઝૂંપડી આખી અનાજથી ભરાઈ જતી. ત્યારે એ ગામમાં એવો રિવાજ હતો કે અનાજ લેવાનું થાય ત્યારે ખળામાંથી જ સુથારને એના ભાગનું અનાજ આપવાનું. એ પણ એણે ખેતી કામનાં સાધનો રીપેર કર્યાં હોય એ બદલ. ગામલોકો એને ‘ખળું’ કહેતાં. પાક લેવાનો હોય ત્યારે ખેડૂતો એક દિવસ પહેલાં આવીને બાને કહી જતા કે કાલે ખળું લેવા આવજો. હું અને મારો નાનોભાઈ બન્ને, ઘણી વાર, બાની સાથે ખળું લેવા ગયા છીએ. ક્યારેક એટલું બધું ખળું આવી જતું કે અમે સૂતા હોઈએ ત્યારે અમારી એક પડખે અનાજ હોય અને બીજા પડખે કાં તો ભાઈ કે બા. ઘણી વાર ઊંઘમાં હાથ અનાજ પર પડતો તો અનાજ સરકતું પથારીમાં આવી પડતું. પછી એ બાજુ પડખું ફેરવાતું નહીં. જો અમે પડખું ફેરવતા તો અમને અનાજ ચબતું.

એ ગામમાં લોકો એવું માનતા હતા કે કેરીઓને આ પૃથ્વી પર લાવવાનું કામ સુથારે કર્યુ છે. જ્યારે વિશ્વકર્મા ઇન્દ્રપુરી બનાવી રહ્યા હતા ત્યારે એમને સુથારોની જરુર પડી. એટલે એમણે પૃથ્વી પરથી કેટલાક સુથારોને ત્યાં બોલાવ્યા. એ સુથારો સવારસાંજ વિશ્વકર્માને ત્યાં જમતા. વિશ્વકર્માનાં પત્ની એ સુથારોને રોજ સાંજે એક એક કેરી આપતાં ને એ લોકો ખાઈ રહે પછી ગણીને એટલા ગોટલા પાછા લઈ લેતાં. એક વાર એક સુથારે લાકડામાંથી બનાવટી ગોટલો બનાવ્યો અને અસલ ગોટલાની જગ્યાએ એ ગોટલો મૂકી દીધો. એણે વિશ્વકર્માનાં પત્ની સાથે આ રીતે છેતરપીંડી કરી. પછી, ઇન્દ્રપુરી બની ગઈ ત્યાર બાદ એ સુથારો પૃથ્વી પર પાછા આવ્યા. પેલો સુથાર સાથે કેરીનો ગોટલો લઈ આવેલો. એણે એ ગોટલો પૃથ્વી પર રોપ્યો. એમાંથી આ પૃથ્વી પરનો પહેલો આંબો ઊગ્યો. આ લોકકથા કે લોકમાન્યતાને પગલે જીતપુરાના આદિવાસી ખેડૂતો એમનો આંબો પહેલી વાર ફળે ત્યારે સુથારને, એટલે કે અમને, છ છકડું, એટલે કે છત્રીસ કેરીઓ આપતા. એને કારણે, કેરીની ઋતુમાં, અમારા ઝૂંપડામાં સુવા માટેની જગ્યા ન હતી રહેતી. અને કેરીઓ ખસેડીને સૂતાં.

આ ઝૂંપડી, અથવા તો એમ કહો કે આ ઘર અમારા માટે કાયમી ન હતું. એટલે અમે એમ તો ન જ કહી શકીએ કે અમે એક ઘર છોડીને બીજા ઘેર આવેલા. અમને બધાંને ખબર હતી કે અમે અહીં કાયમ માટે રહેવાનાં નથી. જો કે, ગામલોકોએ અમને ત્યાં રોકી રાખવાના બહુ પ્રયાસ કરેલા. એમણે બાપાને વીસ વીઘાં જમીન કોઈને પણ નહીં વેચવાની શરતે આપવાની વાત કરેલી. પણ, બાપા વતનમાં પાછા જવા માગતા હતા. વળી એ દરમિયાન કેટલીક કૌટુંબિક ઘટનાઓ પણ બની. મોટાભાઈ પરણ્યા અને એમણે જુદારો માગ્યો. એ આપવા અમારે પાછા વતનમાં આવવું પડ્યું. પછી અમે પાછાં ન ગયાં.

જીતપુરામાં અત્યારે કેટલા માણસોને ખબર હશે કે હું ત્રણ ચાર વરસ ત્યાં રહ્યો હતો એની મને ખબર નથી. પણ, ત્યારે મારી સાથે ભણતા ત્રણથી ચાર છોકરાઓનાં નામ મને હજી યાદ છે. એમનાં ઘર પણ મને યાદ છે. જેમ અહીં અમેરિકામાં અમેરિકનો વાતવાતમાં F શબ્દ વાપરતા હોય છે એમ, એ ગામમાં સ્ત્રીઓ અને પુરુષો પણ ત્યારે વાતવાતમાં F, પણ ગુજરાતીમાં, શબ્દો વાપરતી. શરૂઆતમાં મને એ જોઈને ખૂબ આઘાત લાગેલો. મેં એક વાર બાને કહેલું પણ ખરું અને બાએ વળતો જવાબ આપતાં કહેલું, “એ લોકો એમની બોલી બોલે, આપણે આપણી.” હું એ લોકો અને અમારી વચ્ચે આ F શબ્દના વપરાશના આધારે ભેદ પાડતો. ત્યારે જીતપુરામાં ડાકણોની વાતો પણ ખૂબ થતી. પણ, મારા બાપા ભૂવા હતા. કહેવાય છે કે એને કારણે ગામની ડાકણો ડરતી.

પાછાં ભરોડી આવ્યા પછી પણ અમારો જીતપુરા સાથેનો સબંધ ઘણાં વરસો સુધી સચવાઈ રહેલો. બા અને બાપા જીતપુરાના એકેએક માણસને એમનું સગુ માનતાં. જો ત્યાં કોઈનું અવસાન થતું તો એ લોકો અમને કાગળ લખીને જાણ કરતા.  એવા કાગળ પર લખેલું હોય: “લૂગડાં ઊતારીને વાંચજો.” જ્યારે પણ એવો કાગળ આવે ત્યારે બા એકલી સાડી વિંટાળીને નાહવાના પથરે બેસતાં અને પછી મને કહેતાં, “હવે કાગળ વાંચ.” હું કાગળ વાંચતો ને બા રડતાં. ક્યારેક પોકે પોકે, ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે. જો ખૂબ નજીકના ઓળખીતાનું અવસાન થયું હોય તો બા અને બાપા બન્ને લૌકીક ક્રિયા કરવા માટે જીતપુરા પણ જતાં.

હું જનમ્યો ત્યારે મારું ભરોડીમાં આવેલું ઘર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. એક ભાગ બેસવા સૂવાનો, બીજા ભાગમાં રસોડું અને ત્રીજામાં કોઢ. એક જમાનામાં બાપા પોતે ખેતી કરતા. ત્યારે અમારે બે બળદ અને બે (કે કદાચ ત્રણ) ભેંસો પણ હતી. બાપા એમને કોઢમાં બાંધતા. હું ઘણી વાર બળદના ઘૂઘરા ગળે પહેરીને ગામમાં રમવા જતો. પછી તો બાપાએ બળદો વેચી નાખેલા અને ખેતી ભાગે આપવાનું શરૂ કરેલું. અમારા બેસવા સૂવાના ભાગ પાસે જ કોઢ. ક્યારેક મારો ખાટલો કોઢ પાસે નંખાતો. ઘણી વાર ભેંસ કોઢમાંથી માથું કાઢીને મારા હાથ કે પગ ચાટતી. ક્યારેક ભેંસો શીંગડાં ખીલા સાથે અથડાવતી. એને કારણે બધાંની ઊંઘ બગડતી. જો કે, બા અને બાપા તો ઘસઘસાટ ઊંઘી જતાં. રાવજી પટેલ એની એક કવિતામાં કહે છે એમ: “પંજેઠી જેવાં.” જ્યારે ભેંસ વેતરે આવે ત્યારે ઘરમાં જ નહીં, આખા ફળિયામાં જોવા જેવી થતી. ભેંસ એની sexual desireના એક ભાગ રૂપે ભાંભરતી અને બા જાણે કે ભેંસ ભાષા સમજતી ન હોય એમ એને કહેતાં, “મૂઈ ચૂપ રહે. સવારે પાડા પાસે લઈ જઈશું.”

ભરોડીના ઘરને મેડો હતો. મેડા પર બા એમનાં પેટીપટારાં વગેરે મૂકી રાખતાં. એમાંની એક પેટી મેં બા ન જાણે એમ અનેક વાર ખોલી છે. એ પેટીમાં કેટલાક ચોપડા હતા. રાતા રંગના. એમાં મારા દાદાએ, એટલે કે બાપાના બાપાએ, ગામમાં જેમને પૈસા ધીરેલા એમનાં નામ હતાં. એમાં એકબે નામ વીરપુરના વાણિયાઓનાં પણ હતાં. મને એ વાંચીને થતું કે ઓહ, મારા દાદા આટલા પૈસાદાર હતા!

ગામમાં એક પણ કુટુંબ પૈસાદાર ન હતું. એને કારણે અમને એવું ન’તું લાગતું કે અમે ગરીબ છીએ. ત્યારે નાવા ધોવાના સાબુ બા ઘેર બનાવતાં. એટલું જ નહીં, ધૂપેલ પણ ઘેર પાડતાં. ક્યારેક બા નજીકમાં આવેલા બાવળના જંગલમાંથી ઉશેરાં (જમીનમાંતી નીકળતો એક પ્રકારનો પાવડર) લઈ આવતાં. એ ઘણી વાર એના વડે અમારાં માથાં ધોતાં. ઉશેરાંનું પાણી અમારી આંખમાં જતું તો અમને પુષ્કળ લાય બળતી. ક્યારેક એ પાણી મોંઢામાં જતું તો ખારું લાગતું. પણ, બાની આગળ અમારું કોઈનું ચાલતું નહીં.

એ ઘરને એક વિશાળ વાડો હતો. એ વાડામાં બે ખાટી આંબલીનાં ઝાડ હતાં. હું અહીં અમેરિકા આવ્યો પછી અમારા પાડોશીએ એ અમારી જમીન છે એમ કહીને એ વાડો લગભગ અડધોઅડધ પચાવી પાડ્યો છે. એમ કરવામાં કેટલાક સ્થાનિક માણસોએ પણ ટેકો આપ્યો. એમાં વળી કેટલાક તો ભણેલાગણેલા છે. એ લોકોને મારા માટે ઝાઝું માન નથી. કદાચ ઇર્ષાના કારણે. બાકી અમારે કંઈ વહેંચવાનું નથી.

મોટાભાઈને જુદારો આપ્યો એ સાથે અમારા એ ઘરના બે ભાગ પડ્યા. મેં જીંદગીમાં પહેલી વાર ઘરના ભાગ પડતા જોયા. બાબાપુજીએ કૃપા કરીને ભાઈને ભાગે આવતું હતું એના કરતાં વધારે જગ્યા આપી. એ સાથે કોઢવાળો ભાગ મોટાભાઈના ભાગે ગયો. પછી બાએ રસોડાની જગ્યાએ કોઢ બનાવી અને આગળ, અમે જ્યાં સૂતાં હતાં ત્યાં, રસોડું બનાવ્યું. એટલે કે ત્યાં ચૂલો નાખ્યો. હવે ઘર બે ભાગમાં. પહેલા ભાગમાં સૂવાનું, બેસવાનું, રાંધવાનું. બીજા ભાગમાં ભેંસો બાંધવાની.

કેટલાંક વરસો પછી વીરપુરના એક વાણિયાએ/વેપારીએ એક ઘર વેચવા કાઢ્યું. એ ઘર અમારા ફળિયામાં જ હતું. એક સુથારે એ ઘર એ વેપારીને ત્યાં ગિરો મૂકેલું. બા-બાપાએ એ ઘર ખરીદી લીધું. પછી, કોણ જાણે કેમ બા-બાપાને હું જ્યાં જન્મેલો એ ઘર અપશુનિયાળ લાગ્યું. એટલે એ અમને, બન્ને ભાઈઓને લઈને, નવા ઘરમાં રહેવા ગયાં. એ ઘર પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આગળ ઓસરી, પછી સુવા-બેસવાનો ભાગ અને પછી રસોડું. એ ઘરને પણ લાંબો વાડો હતો. એ વાડાની એક વાડ પાસે અમારા એક પાડોશીનો પીપળો હતો. અમે ત્યારે એવું માનતા હતા કે એ પીપળાના થડમાં કાળભૈરવનું સ્થાનક છે. મારી ઘણી બધી કવિતાઓમાં એ પીપળાની અને એ કાળભૈરવની વાત આવે છે.

થોડાંક વરસો એ ઘરમાં રહ્યા પછી બાબાપુજી પાછાં મૂળ ઘરમાં પાછાં ગયાં. એમની સાથે હું પણ. એ ઘરમાં હું એસ.એસ.સી. સુધી રહ્યો. એ સમયગાળામાં મેં અનેક ચડતીપડતી જોઈ. એમાંની એક પડતીમાંથી બહાર આવવા બાપાએ ટાયરવાળા ગાડાં બનાવવાનું શરૂ કરેલું. એમણે ખેડૂતોને સમજાવેલા કે પરંપરાગત પૈડાવાળાં ગાડાં ખેંચવામાં બળદનો બહુ આપદા પડે છે. હું પણ એ ગાડાં બનાવવામાં બાપાને મદદ કરતો. ત્યારે ભણવું મારા માટે અને મારા કુટુંબ માટે પણ ગૌણ હતું. બાપા કહેતા કે સમય મળે ત્યારે ભણજે. એ વારંવાર એક વાક્ય બોલતા: “આપણે ભણીને કાંઈ બેરીસ્ટર નથી થવાના.” ત્યારે મને ‘બેરીસ્ટર’ કોને કહેવાય એની ખબર ન હતી. જો કે, ચોપડીઓમાં ક્યાંક વાંચેલું કે ગાંધીજી બેરિસ્ટર હતા. મેં પણ ત્યારે નક્કી કરેલું કે આપણે ‘બેરિસ્ટર’ નથી થવું. એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી ન હતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું.


ક્રમશઃ