આ પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં ન્યુ જર્સીથી હ્યુસ્ટનનાં સંસ્મરણોની સફર  તેમની કલમને સથવારે કરી.
હવે તેમની સ્મૃતિસંપદાનું સમાપન કરીશું …..

ઉપસંહારઃ

સ્મરણકથાની શરૂઆત સૂર્યોદયથી કરી હતી અને આજે જ્યારે સમાપન તરફ વળી છું ત્યારે આકાશમાં સંધ્યા ખીલી છે. જાણે પૂર્વમાં જન્મેલી હું અત્યારે આથમણી કોરે, પશ્ચિમને આરે ઊભી છું!

નવેમ્બર મહિનો ચાલે છે. ટેક્સાસમાં તો હજી પાનખરની માંડ શરૂઆત થઈ ગણાય. તેથી હજી સોળે કળાએ રંગો નીખરવાને વાર. ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઉભો છે. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું. પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે!

કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમુ સ્પર્શે, પડદા પાંપણના ખોલે.. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહૂકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે. સવારની મહેક છેક ક્યાં સુધી ખેંચી ગઈ!

તો આ રીતે આ સાત સાત દાયકાની યાત્રા થઈ. સદ્ભાગ્યે સંઘર્ષો બહુ નથી નડ્યા અથવા તો રસ્તાઓ આપમેળી ખુલતા જ ગયા છે. આ લખ્યું ત્યારે સમજાયું કે કેટલું ચાલ્યાં અને કેવી રીતે ચાલ્યાં! એક એક વ્યક્તિ અલગ છે. સરવાળા અને બાદબાકી તો બધામાં જ છે અને તાકાત અને નબળાઈ પણ દરેકમાં છે જ. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ જ ન સર્જ્યું હોત? પરંતુ હવે એમ સમજાય છે કે વિચારો સારા તો આચાર આપમેળે સારા અને આચાર સારા તો જીવન સારું. હકારાત્મક અભિગમ અને સારો સંગ એ જ તો પ્રવાસનો રંગ લાવે છે. આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? આ ક્ષણે તો મને એમ  લાગે છે કેઃ

અહો, ક્યાં અચાનક, મને હું મળી ગઈ.
હતી જે ખરી, તે જગે હું જડી ગઈ.
નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.

સમાપનમાં એ જ કે, આ સ્મરણકથા ખરેખર તો  જીવનની અનુભૂતિઓની ઝલક છે. સ્મરણની શેરીમાં રખડતાં રખડતાં જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલાં છીપલાં છે, જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય! શ્વાસની સાથે સંકળાયેલી આ સ્મરણની શેરીની સાંકળ વાસવી હોય તો પણ  ક્યાં વસાય એવી છે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એ પણ સતત ઊઘડતી અને ધબકતી જ રહેશે.

નવા યુગના GPS-Global Positioning System જેવો સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તેવી શુભેચ્છા અને આશિષ. એમ થશે તો ‘વિશ્વશાંતિ’નું સ્વપ્ન સાકાર બનશે. છેલ્લે આ જીવનકથાના અનુભવોને, પ્રસંગોને અને સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં રાખી લખું છું કે, “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…”

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન                                                                                             જાન્યુઆરી ૨૦૨૨

Ddhruva1948@yahoo.com


હવે પછી……..

બાબુ સુથારઃ એક કાચબાની કથા