ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

સંગીતના કોઈ પણ પ્રકાર- આપણા દેશનું શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ, ફિલ્મી હોય કે પછી દેશના સિમાડા પારનું હોય, તેના બે મુખ્ય ઘટકો છે સૂર અને તાલ. આપણે જાણીએ છીએ કે સૂર અને તાલ મૂળભૂત રીતે તો ધ્વનિ‌‌‌-અવાજ-ના જ પ્રકારો છે,

વાદ્યોને બે મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય- સૂર રેલાવતાં વાદ્યો અને તાલ વહાવતાં વાદ્યો. આ પૈકીનાં સૂરવાદ્યોમાંનાં પસંદગીનાં વાદ્યો અને તેમના હિન્દી ફિલ્મી સંગીતમાં થયેલા ઉપયોગ વિશે આ લેખમાળામાં પ્રાથમિક પરિચય કેળવી ગયા છીએ. હવે તાલવાદ્યો તરફ આગળ વધીએ.

સંગીતમાં બિલકુલ ઉપરછલ્લો રસ ધરાવનારાઓ પણ તબલાં, ઢોલક અને નગારાં જેવાં વાદ્યોને તો જાણતા જ હોય છે. પણ આ ઉપરાંત અન્ય ઘણાં તાલવાદ્યો અને ઉપતાલવાદ્યો છે. દરેક દેશને, રાજ્યને અને નાનકડા પ્રદેશને પણ પોતાનાં આગવાં તાલવાદ્યો હોય છે, તેમાંનાં કેટલાંક તાલવાદ્યોના ધ્વનિમાં એટલું સામ્ય હોય છે કે પાકા અભ્યાસુ હોય તે જ તેમાંનો ભેદ પારખી શકે. આમ છતાં, પ્રકાર અને શૈલીની રીતે તાલવાદ્યોને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. હિન્‍દુસ્તાની એટલે કે ઊત્તર ભારતીય અને કર્ણાટકી એટલે કે દક્ષિણ ભારતીય.

હિન્દી ફિલ્મી સંગીતમાં મુખ્યત્વે તબલાં, ઢોલક, નાળ, ડફ અને પખવાજ જેવાં હિન્દુસ્તાની તેમ જ બોંગો, કોંગો અને ડ્રમ જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થતો આવ્યો છે. તેમ વખતોવખત કર્ણાટકી શૈલી તેમજ વાદ્યોનો પણ ઊપયોગ થતો આવ્યો છે. તે ઉપરાંત આપણે નામ પણ ન જાણતા હોઈએ તેવાં અનેક પ્રકારનાં ઉપતાલવાદ્યો થકી પ્રયોગશીલ સંગીતકારોએ ગીતોના તાલનું મૂલ્યવર્ધન કર્યું છે.

એક જ ગીતમાં અનેક પ્રકારનાં તાલ અને ઉપતાલવાદ્યો વાગ્યાં હોય એવાં ગીતોમાં ફિલ્મ જ્વેલ થીફના ગીત ‘હોઠોં મેં ઐસી બાત’નો સમાવેશ કરી શકાય. મૂળ ગીતની જગ્યાએ એક સ્ટેજ પ્રોગ્રામમાં થયેલી આ ગીતની રજૂઆતને માણીએ તો અલગઅલગ તાલવાદ્યો વાગી રહ્યાં હોવાનો ખ્યાલ આવશે. અલબત્ત, આ રજૂઆતમાં ઓક્ટોપેડ તરીકે ઓળખાતા એક જ સાધન વડે કેટલાંક તાલવાદ્યોના અવાજ વગાડવામાં આવ્યા છે, પણ મોટા ભાગે મૂળ વાદ્યો જોઈ-સાંભળી શકાય છે.

આવું જ વધુ એક ગીત સાંભળીએ, જેમાં પણ વિવિધ પ્રકારનાં તાલવાદ્યો સાંભળવાની સાથોસાથ જોઈ પણ શકાશે. ‘બહારોં કે સપને’ના આ ગીત ‘ચુનરી સંભાલ ગોરી’ના સંગીતકાર રાહુલદેવ બર્મન હતા.

સૌ જાણે છે એમ તાલવાદ્યોનો મુખ્ય ઊપયોગ ગાયન કે વાદનની સંગત માટે કરવામાં આવે છે. તાલ એક પ્રકારે ચોક્કસ ગણિતને અનુસરે છે, અને જરૂર મુજબ બે, ત્રણ, ચાર, આઠ જેવાં વિવિધ આવર્તનમાં વગાડવામાં આવે છે, જેને કારણે સમગ્ર રજૂઆત વધુ સબળ બને છે.

વિવિધ સંગીતકારો ગીતની જરૂરિયાત અનુસાર તાલવાદ્યો પ્રયોજે છે, છતાં અમુક તાલવાદ્યનો ઊપયોગ અમુક સંગીતકાર દ્વારા વધુ પ્રમાણમાં કરાતો હોય એમ જણાય છે. જેમ કે, હુસ્નલાલ-ભગતરામના સંગીતમાં તાલવાદ્ય તરીકે ઘણાં ગીતોમાં ‘મટકા’નો ઊપયોગ થયો છે, તો રાહુલ દેવ બર્મનનાં અનેક ગીતોમાં ‘માદલ’ મૂલ્યવર્ધનનું કામ કરે છે. લક્ષ્મીકાન્‍ત- પ્યારેલાલ  મુખ્યત્વે તબલાં, ઢોલક  જેવાં પરંપરાગત તાલવાદ્યોનો  ઊપયોગ કરતા આવ્યા છે. તો ઓ.પી.નય્યરની ઓળખ તબલાં, ઢોલકની  સાથે  પશ્ચિમી ડ્રમ થકી સર્જેલા તાલના વિરોધાભાસની છે. સી.રામચંદ્રે વિવિધ તાલવાદ્યોનો ઊપયોગ કર્યો છે, પણ ગરબાનો તાલ તેમની મુદ્રા સમાન કહી શકાય. અલબત્ત, તાલ અને ઊપતાલ વાદ્યોમાં રાહુલ દેવ બર્મન જેટલા અખતરા ઓછા સંગીતકારોએ કર્યા હશે.

ફિલ્મી ગીતોમાં તાલ વગાડવાની પદ્ધતિમાં ત્રણ મુખ્ય શૈલીનો ઊપયોગ કરવામાં આવે છે. પીક અપ/Pick up, લૂપ/ Loop અને બ્રેક/Break. સાવ સરળ ભાષામાં સમજીએ તો તાલના ઠેકાનો આરંભ કરવામાં આવે એ પીક અપ. પીક અપ પછી તાલનું આવર્તન થવા લાગે એ લૂપ અને આ લૂપને ક્યાંક જરૂર મુજબ સહેજ અટકાવવામાં આવે એ બ્રેક. ગીતમાં વચ્ચે બ્રેક આવે એ પછી પીક અપ પણ આવી શકે યા લૂપ પણ શરૂ થઈ શકે  આની વિશેષ જાણકારી જે તે વાદ્ય અંગેની કડીમાં મૂકાતી રહેશે.

અમદાવાદની ‘રીધમ પલ્સ’સંસ્થાના અકુલ રાવલની આ ક્લિપમાં રાહુલ દેવ બર્મને પ્રયોજેલાં કેટલાંક તાલવાદ્યોનો કંઈક અંદાજ આવી શકશે. યાદ રહે કે તાલના આવર્તનમાં અખતરા અલગ જ બાબત છે. આ ક્લીપ કેવળ તાલવાદ્યોના ઊપયોગને ધ્યાનમાં રાખીને જોવા અનુરોધ છે.

‘મલ્ટી પર્કશનિસ્ટ’તરીકે જાણીતાં બનેલાં નિશા મોકલની મુલાકાતની આ ક્લિપમાં પણ વિવિધ તાલવાદ્યોના ધ્વનિનો પરિચય મળી રહે છે.

દક્ષિણ ભારતીય શૈલીનાં મુખ્ય વાદ્યો વિશે તાંજવુર મુરુગાબૂપતિ નામના સંગીતકારે પરિચય કરાવ્યો છે એ સાંભળીએ.

દક્ષિણ ભારતના દંતકથારૂપ સંગીતકાર ઈલયારાજા આ ક્લિપમાં વિવિધ તાલવાદ્યોનો પરિચય કરાવે છે, જેમાં ઊત્તરના અને દક્ષિણનાં તાલવાદ્યોનો સમાવેશ થાય છે.

એ બાબત ખાસ નોંધવી જરૂરી છે કે તાલવાદ્યોને પર્કશન/percussion જેવા બૃહદ વિભાગમાં મૂકવામાં આવે છે અને તાલવાદકોને ‘પર્કશનિસ્ટ’ પણ કહેવામાં આવે છે. શિવમણી જેવા નિપુણ પર્કશનિસ્ટ કોઈ પણ ચીજમાંથી તાલ નીપજાવી શકે છે. તેમની આ કાબેલિયત દર્શાવતી એક ક્લિપ સાંભળીએ.

આવતી કડીથી જે તે તાલવાદ્યનો અલ્પ પરિચય કેળવી, ફિલ્મી ગીતોમાં તેના ઉપયોગ વિશે જાણીશું.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com