આશા વીરેન્દ્ર
હજી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫, શિવાનીના જન્મદિને પ્રકાશિત થયેલું પુસ્તક ‘શિવા’ (દાંપત્યજીવન અને પત્રકારત્વના તાણાવાણાથી ગુંથાયેલી અનુભૂતિ કથા) હમણાં જ એકી બેઠકે વાંચીને પૂરું કર્યું. વાંચીને પુસ્તક ભલે બાજુ પર મૂક્યું પણ શિવાનીએ એવો તો મનનો કબજો લીધો કે, આખું પુસ્તક, એમાંની એક એક ઘટના ‘એક્શન રીપ્લે’ ની માફક મનમાં ભજવાવા લાગી. જાંબાઝ અને નીડર પત્રકાર પ્રશાંત દયાળે એટલી તો નિખાલસતા અને પારદર્શકતાથી આલેખન કર્યું છે કે, આજના સમયમાં પણ કોઈ ઢાંકપિછોડા કે છોછ વિના ‘જેવા છે તેવા’ દેખાનાર લોકો પણ છે એ વાતની નવાઈ લાગે! ‘સાર્થક’ પ્રકાશને જો આ પુસ્તક પ્રકાશિત ન કર્યું હોત તો એક સાચુકલા માણસને ઓળખવાથી આપણે સૌ વંચિત રહી જાત.

૧૬૫ કરતાંય ઓછાં પૃષ્ઠોમાં એમણે પોતાનાં નાનપણથી અત્યાર સુધીનાં જીવનનો, પોતાને આવી મળેલાં પાત્રોનો એવો તો બખૂબી ચિતાર આપ્યો છે કે, વાચકના સ્મૃતિપટલ પર બધું કાયમ માટે અંકિત થઈ જાય. ઉઘડતે પાને ‘જન્મદિવસની ભેટ’ શીર્ષક હેઠળ પ્રશાંત દયાળે જે પહેલું જ વાક્ય લખ્યું છે કે, ‘શિવાની મારી પહેલાં જશે , તેવો અણસાર અમને બંનેને હતો.’ એ વાંચીને આ પુસ્તકનો અંત શું હશે એ તો સમજાઈ જ જાય છે. પહેલેથી અંત ખબર હોય છતાં છેક સુધી કોઈ પુસ્તક તમને જકડી રાખે એવું ભાગ્યે જ બનતું હોય છે.
એમના જીવનમાં શિવાનીનાં આગમન પહેલાંના પ્રશાંતભાઈ વિશે વાંચ્યા પછી જેમ જેમ આગળ વધતી ગઈ એમ વિચાર આવતો હતો કે, પુરાણોમાં જેમ વાલિયામાંથી વાલ્મીકિ બન્યાની કથા આવે છે એમ આ સાંપ્રત સમયમાં શિવાનીએ ખરેખર એ કમાલ કરી બતાવી. પ્રશાંતની પોતાની લગ્ન ન કરવાની જીદ છતાં ‘આઈ’ને ખાતર પરાણે શિવાનીને (પિયરમાં એનું નામ પ્રવીણા હતું) જોવા ભરૂચ એના ઘરે જવું પડે છે ત્યારે એની પાસે જ ‘ના’ કહેવડાવવા પોતે દારૂ, ચરસ, ગાંજો લેતા હોવાની અને માંસ, મદિરા ગમતા હોવાની વાત કરે છે. એની ધારણાથી વિપરિત શિવાની કહે છે, “મને વાંધો નથી.” લગ્ન કરવા માટે પણ પ્રશાંત શરતો મૂકે છે. એ વાંચતી વખતે થાય કે, હમણાં શિવાની ના કહી દેશે પણ બધું મંજૂર રાખીને એ આ માથાફરેલ, બરછટ અને ઉદ્દંડ માણસ સાથે પરણવા તૈયાર થઈ ત્યારે આશ્ચર્ય થાય કે, આ મુફલિસ દેખાતી વ્યક્તિની ભીતરની તાકાત એણે કેવી રીતે પારખી લીધી હશે? બાકી પ્રશાંત પોતે જ કહે છે કે, ‘મને આખો નિચોવી નાખો તોય તેમાંથી પ્રેમનું એક ટીપું પણ ન નીકળે!’ આવા માણસ માટે એ શી રીતે ‘મૈં તો ચૂપચૂપ ચાહ રહી’ એવું અનુભવી શકી હશે?
લગ્ન પછી આઈ-બાબાના આગ્રહથી શિવાની સાથે ફરવા જવા નીકળવું પડ્યું ત્યારે શિવાનીએ ‘કપડાં બદલો તો સારું’ એમ કહીને પ્રશાંતની નીચેથી થોડી ફાટેલી પેંટ તરફ ઈશારો કર્યો ત્યારે આ ફાટેલ મગજના પતિએ અંદર જઈને જીન્સની પેંટ કાપીને ચડ્ડી બનાવીને પહેરી ને પત્નીને કહ્યું કે, હું આમ જ આવીશ. પતિની આવી બધી વિચિત્રતાઓ સામે શિવાની શાંતિથી, અડગતાથી ઊભી રહી. વર્ષો વીતવા સાથે પ્રશાંતને પત્નીની આંતરિક સૂઝ અને હિંમતનો જેમ જેમ પરિચય મળતો ગયો એમ એનું આશ્ચર્ય અને અહોભાવ વધતાં ગયાં. જ્યાં કંઈક ખોટું દેખાય ત્યાં પંગો લેવાની આ પત્રકારની આદતને કારણે અનેક મુશ્કેલીઓ આવી પણ ઠંડી તાકાતથી શિવાનીએ જે રીતે સામનો કર્યો એ જાણીને વાચક પણ નવાઈ પામી જાય. તેથી જ તો પ્રશાંત ગર્વથી કહે છે કે,’ મને સતત વધુ સારો માણસ બનાવવાની પ્રક્રિયાની તે મુખ્ય હિસ્સેદાર હતી.’ વળી બીજી એક જગ્યાએ એ કહે છે કે, ‘મારા જીવનમાંથી શિવાની કાઢી નાખો તો મારો ગ્રાફ ૯૦ % નીચો જતો રહે.’

તસવીર – નેટ પરથી
પ્રશાંત ‘સંદેશ’ માં કામ કરતા હતા ત્યારે એમની લખેલી સ્ટોરીને કારણે કોઈ એક સમાજ નારાજ થઈને એટલો ઉશ્કેરાયેલો કે એમના વિરોધમાં અમદાવાદના આશ્રમ રોડ પર મોટી રેલી નીકળેલી. ત્યારે તો ઘરે લેંડલાઈન ફોન જ હતો. એની પર ધમકી આપતા નનામા ફોન આવવા લાગેલા. ફોન પર શિવાનીને કોઈએ કહ્યું, ‘અમે તારા ઘરવાળાને મારી નાખીશું.’ ત્યારે શિવાનીએ જવાબ આપેલો કે,’ એ માટે તો તમારે મારા ઘરે આવવું પડશે. ચાલો, મારું એડ્રેસ લખી લો.’ જે સાવ ગભરુ અને ડરપોક લાગતી હતી એ પત્નીના આવા સોંસરવા જવાબ પછી તો માત્ર પ્રશાંત જ નહીં આડોશી પાડોશી પણ એની પર આફરીન થઈ ગયેલા. ધીમે ધીમે કરતા એ પતિની કરોડરજ્જુ બની ગયેલી. એણે પતિને જરાય ડગમગવા ન દીધો. પ્રશાંતના બેબાક પત્રકારત્વ અને તેજાબી લખાણોને કારણે લટકતી તલવાર જેવી પરિસ્થિતિ તો જાણે કાયમી બની ગઈ હતી પણ એવી દરેક વેળાએ મજબૂતીથી પતિનો હાથ પકડી એ કહેતી, ‘ચિંતા કરતા નહીં. તમને કંઈ થશે નહીં અને કદાચ થાય તો પણ બાળકોને હું મોટા કરીશ.’ એનાં દુબળા-પાતળાં દેહમાં સર્જનહારે આટલું મજબૂત હૈયું મૂકીને ખરેખર કમાલ કરી કહેવાય!
દીકરો આકાશ અને દીકરી પ્રાર્થના હજી તો સાવ નાનાં હતાં ને શિવાનીને બ્રોંકાઈટીસ લાગુ પડ્યો. સમયની સાથે સાથે રોગે પોતાનો પંજો પસારવા માંડ્યો અને જ્યારે હરવા-ફરવાની અત્યંત શોખીન શિવાનીના અરમાન પૂરા કરવા જેવી આર્થિક સધ્ધરતા આવી ન આવી ત્યાં તો દિવસે દિવસે રોગ આ દુર્બળ કાયા છતાં પોલાદી મનોબળ વાળી સ્ત્રીની ફરતે ભરડો લેવા લાગ્યો. માત્ર પચીસ વર્ષના ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલીને સમથળ માર્ગ પર ડગ માંડી રહેલા દાંપત્યજીવન પછી વિદાય લઈ રહેલી શિવાને છેલ્લી ઘડીએ પ્રશાંતે કહેવું પડે છે કે, ‘મને તારી ખૂબ જરૂર છે. તારી વગર એકલો થઈ જઈશ એ પણ મને ખબર છે. છતાં હું તને મુક્ત કરું છું. તું પણ હવે મને મુક્ત કર.’ કેવા કકળતા હૈયે એમણે આ કપરી વિદાય આપી હશે એની કલ્પના કરતા પણ ધ્રૂજી ઉઠાય છે.
પુસ્તકને અંતે પત્નીને સંબોધીને પ્રશાંત કહે છે, ‘મને તે કહેવામાં જરા પણ સંકોચ નથી કે, શિવા! મને તારા વગર ગમતું નથી અને હું એકલો પડી ગયો છું.’
એક સમયના સંવેદનહીન માણસની સંવેદનથી ભીની ભીની કલમથી અવતરેલું આ પુસ્તક વાંચતાં ભાગ્યે જ કોઈ પોતાની આંખો અને મન પર કાબુ રાખી શકે.
પુસ્તકનું નામ: શિવા.
લેખક; પ્ર્રશાંત દયાળ.
પ્રકાશક: સાર્થક પ્રકાશન | મો. નં. 98252 90796
કિંમત: રૂ. 200
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
