૩. અમેરિકામાં આગમન
૧૯૮૦ની એ સાલ. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર ખિસ્સામાં માત્ર ઍરપોર્ટ પરથી મળેલા ૨૪ ડોલર રાખીને પરિવાર સાથે (અમે બે અને અમારા બે પુત્રો ) પગ મૂક્યો ત્યારે….ઓહોહો….આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું. ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓનાં ચક્રો, આબોહવા, રીતરિવાજ, લોકો, બધું જ સાવ નોખું. પ્રજા પંચરંગી. તે સમયે ડૅમોક્રૅટીક પ્રમુખ હતા જીમી કાર્ટર. જો કે, તે જ વર્ષમાં ચૂંટણીનો માહોલ હતો અને વર્ષના અંત સુધીમાં તો પ્રેસીડેન્ટ મિ. રોનાલ્ડ રેગન ચૂંટાઈ આવ્યા.
તે સમયે સાવ જ અલગ દુનિયામાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ એ યાદ કરી, આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.
સૌથી પહેલી અને તાત્કાલિક જરૂરિયાત હતી અર્થ ઉપાર્જનની અને બાળકોને સ્કુલમાં દાખલ કરવાની. તે સમયે તો ઈન્ટરનેટ હતાં નહિ, તેથી ફાઈલમાં resumeની કૉપીઓ બનાવી હતી તે બધી લઈને ઠેરઠેર ફરવું પડતું. સવારથી બ્રાઉન બેગમાં સૅન્ડવિચ ભરી અમે બંને નીકળી પડતાં. પોતપોતાની રીતે ટ્રેઈનમાં બધે ફરતાં. બપોર પડે નક્કી કરેલી જગાએ, સાથે સૅન્ડવિચ ખાઈ લેતાં, ફરી પાછાં સાંજ સુધી જૉબની રખડપટ્ટી. ‘સેલ ફોન’ તો હતા નહિ તેથી આખા દિવસનો પ્લાન સવારથી જ નક્કી કરી દેવો પડતો કે કેટલાં વાગ્યે, ક્યાં મળીશું વગેરે વગેરે..
એક મહિનાના એ સંઘર્ષની વિગતે વાતો પહેલાં બાળકોનો સ્કુલમાં પ્રવેશ, શિક્ષણ પધ્ધતિ અને શિક્ષણ-પ્રથાની વાતો લખવી જરૂરી છે. પ્રવેશ અંગેના પ્રથમ અનુભવની વાત કરું. અહીંની નિશાળોમાં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયૉર્કમાં આવ્યા. પહેલા જ અઠવાડિયામાં બંને બાળકોને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરૂ થતા વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ. અમારાં આશ્ચર્યો વચ્ચે, માર્ગદર્શક શિક્ષક બહેન, અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠાં અને અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો. એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભાં જ થઈ ગયાં! કારણ કે, અમારાં મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોમાં એડમિશનની ચિંતા કરતાં માબાપોનાં દૃશ્યો ચાલતાં હતાં! આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુદ્ધિધન હોવાં છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે સમજાયું. વિચારોની ક્ષિતિજો ત્યારે ખુલતી અનુભવાઈ.
બીજું, અહીં મોટામાં મોટી વાત તો એ કે હાઈસ્કૂલ સુધીનું ભણતર પબ્લિક શાળાઓમાં તદ્દન ફ્રી હોય છે અને તે સ્કૂલો સારી પણ હોય છે. નિયમો એટલા કડક હોય છે કે, શિક્ષકોને કામનો બોજો ખરો પણ વિદ્યાર્થીઓને સવલતો વધુ. જો કે, પ્રાથમિક ધોરણે આપણા દેશની આંક વગેરેની પધ્ધતિ વધારે સારી. કદાચ એટલે જ આપણે ત્યાંથી પાયાનું શિક્ષણ લઈને આવેલાં બાળકો વધુ તેજસ્વી નીવડે છે અને દરેકની મહેનતની કદર થાય છે અને વળતર પણ મળી રહે છે; પણ મોટો ફરક એ છે કે, અહીં તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ આગળ લાવવાની વિવિધ રીતો અપનાવવામાં આવે છે. પરિણામે દરેક લેવલની વ્યક્તિઓને પ્રગતિનું એક વધુ સોપાન મળી રહે છે. એક તો અહીં ‘મેટ્રોપોલીટન’ પ્રજા છે. એટલે દરેક દેશમાંથી આવેલ જુદી જુદી માટીનાં મૂળિયાંઓને આ ભૂમિની આબોહવામાં ખીલવવાનાં હોય છે. કામ કપરું છે પણ જબરી કુનેહથી કરવામાં આવે છે. તેથી આપણા દેશમાંથી કે કોઈપણ બીજા દેશમાંથી પોતાની માતૃભાષા ભણીને આવેલા વિદ્યાર્થીઓ જોતજોતાંમાં તો અંગ્રેજી શાળાઓમાં દૂધમાં સાકરની જેમ ભળી જતા હોય છે. એટલું જ નહિ, પોતાને યોગ્ય વિષય પકડી આગળ વધતા રહેતા હોય છે, સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને વિકાસ સાધે છે. અહીં એ અંગે મોટા મોટા ડોનેશન, ટ્યુશન અને લાગવગ વગેરે નથી હોતાં. એટલે કે, જીવનની ખૂબ જ જરૂરી વસ્તુઓમાં, સૌને એકસરખી સહાય મળી રહે તેવી વ્યવસ્થા હોય છે.
આની સાથે થોડા નાના-મોટા નડેલા સંઘર્ષોના પ્રસંગો પણ સાંભરે છે જ. એક તરફ જૉબ શોધવાની રઝળપાટ અને બીજી તરફ ન્યૂયોર્કની ૧૦ સ્ટ્રીટ ચાલીને ઘેર એકલા પાછા આવતા દીકરાઓની ચિંતા. એક વખત તો એવું પણ થયું કે ટ્રેઈન મોડી પડવાને કારણે ઘેર આવતાં મોડું થયું, છોકરાઓ વહેલા ઘેર પહોંચી ગયા તો ઘરનું તાળું તૂટેલું અને ચીજ વસ્તુઓ વેરવિખેર. આવા ઘણા બધા ચડાવ-ઉતારની વચ્ચે એક વખત એમ બન્યું કે, ઘર બદલવાને કારણે, દૂરની બસ લેવા મૂકવા આવે એવી સ્કૂલમાં નાના દીકરાને પ્રવેશ મળ્યો. પણ ડ્રાઈવર તો છોકરાને ઉતારી દે. લેવા જનારને બે-પાંચ મિનિટ મોડું થાય તો એકલા રોડ પર ઉભેલા દીકરાને કોઈ ઉપાડી લઈ જશે તો? એવી પણ એક દહેશત મનને કોરી ખાય. એક વખત એવો પણ હતો કે, સાડા પાંચ વર્ષના દીકરાને દૂર મોટીબહેન પાસે મોકલી દીધો હતો. પણ રાતદિવસ જીવ વીંધાઈ જતો હતો. તેથી મળેલી જૉબ છોડી દેવી પડી હતી. છેવટે બંને ભાઈઓ એક સ્કૂલમાં જઈ શકે તેવા વિસ્તારમાં સ્થળાંતર કર્યું. ત્યાં પણ એક દિવસ કોઈ તોફાની ‘ટીનએજર’ ખભેથી દફતર ખેંચી ગયાનો બનાવ બન્યો. પરિણામે વેકેશન પડતાં વેંત ભારત જઈ, દીકરાઓને ૧ મહિના માટે દાદા-દાદી પાસે મૂકી, અહીં આવી ન્યૂયૉર્કથી ન્યૂ જર્સી સ્થળાંતર કર્યું. આવા સંઘર્ષો વચ્ચે એકમેકના સહારે રસ્તાઓ કાઢતાં ગયાં જે છેવટે ફળીભૂત થયાં. ત્યાં ૨૩ વર્ષ એક જ ઘરમાં રહ્યાં અને છોકરાઓ પણ ભણીગણી, પરણી, પગભર થયાં. એનું કારણ અમેરિકાની શિક્ષણ પધ્ધતિ. એક વાત ખૂબ આવકારદાયક છે; તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે. કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે. આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.
આ અંગે ભારતમાં વિદ્યાર્થીઓની સ્થિતિ વિચારો. ખભો તૂટી જાય તેટલા દફતરોનો બોજ, હોમવર્કનો ભાર, ટ્યુશનોનો મારો અને ગમે કે ન ગમે અન્ય પ્રવૃત્તિઓ તરફ ધક્કા. બાળકના કુમળા છોડને આપમેળે, સ્વાભાવિક રીતે વિકસવા દેવાતા જ નથી. પ્રગતિના નામે અધોગતિ તરફ ફેંકાય છે. એ રીતે અહીં, જેની જેમાં ક્ષમતા હોય તે મુજબ તેને બહાર લાવવાના પ્રયત્નો થાય છે; જે અનુકરણીય છે. એ ઉપરાંત, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવાં બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયા છે.
આ સાથે કેટલાંક cultural extreme પણ નજરે આવ્યાં જ. તે વખતે પહેલવહેલી વાર અમે ન્યૂયોર્કની ‘સબવે’ (ટ્રેઇન)માં બેઠાં હતાં. ભીડ, ઇન્ડિયાની જેમ જ સખત હતી. તેથી અમને બંનેને સીટ જુદે જુદે ઠેકાણે મળી. જ્યાં જગા દેખાઈ ત્યાં હું તો ગઈ. ત્રણ જણની એ બેઠકમાં મારી બાજુમાં એક અમેરિકન કપલ હતું અને એ બંને એકબીજાંને સખત વળગીને પ્રેમ કરતાં હતાં. તાજી જ ભારતથી આવેલી મારે માટે જાહેરમાં આવું જોવાનો પહેલો આઘાતજનક અનુભવ હતો. એકદમ ચોંકી જવાયું. મને તો સખત આંચકો લાગ્યો!. એ લોકોના બદલે જાણે કે મને શરમ, ભોંઠપ એવું બધું થવા લાગ્યું! પછી તો ક્યારે સ્ટેશન આવે ને હું અહીંથી ઊભી થઈને ભાગું એમ થયું! જાહેરમાં આવું ? બાપ રે! ધીરે ધીરે વિચારતાં સમજાયું કે આ વાતાવરણ ફેર! આ સંસ્કાર ફેર! આ કુટુંબ અને સમાજ-વ્યવસ્થામાં ફેર! હજી આજની તારીખમાં પણ આ દેશ અંગે એ વિષય પર મારા અભિપ્રાયમાં કોઈ ફરક નથી પડ્યો. ઘણી બધી બાબતોમાં અમેરિકાને અદબભેર સલામ હોવા છતાં, છડેચોક આવા પ્રદર્શનોનો હું મનથી અસ્વીકાર કરું છું. ભારતના કોઈ પણ ખૂણે, એકે હિન્દુસ્તાની આ દૃશ્ય ઊભું કરે કે જુએ તેવું મારી જાણમાં નથી. જો કે, અહીં સહેજ અટકું… હવે તો….આજના આપણા યુવાનોએ, ત્યાં પણ કેટલાંક એવાં અનુકરણોની શરૂઆત કરેલી દેખાય છે. ખેર!
વાત હવે આગળ વધારું જૉબ મેળવવા અંગેની. અમારી પાસે ડૉક્ટર, એન્જિનિયર જેવી કોઈ પ્રોફેશનલ ડીગ્રી તો હતી નહિ. એકને બેંકનો બહોળો અનુભવ અને બીજાંને યુનિવર્સિટીનો. તેથી સામેથી ઑફર તો ક્યાંથી મળે? સતત એક મહિના સુધી રોજ સવારે આશાનું કિરણ લઈને રખડપટ્ટી આદરતાં અને રોજ સાંજે નિરાશા લઈને પાછાં આવતાં. એમ કરતાં કરતાં એકને તો મનપસંદ બેંકની જોબ મળી, પણ સવાલ મારો હજી બાકી હતો. ત્યાં એક ન ધારેલી મહત્ત્વની ઘટના બની.
ન્યૂયોર્ક જેવા શહેરની કાતિલ ઠંડીમાં પાર્ક એવન્યુ પરના બિઝનેસ વિસ્તારમાં ચાલતાં ચાલતાં “બેંક ઓફ બરોડા’નું પાટિયું વાંચતા જ મોં મલકી ઊઠ્યું. મનમાં થયું કે જરી બે ચાર ભારતીયોને જોઉં, વાત કરું તો સારું લાગે. આમ તો ‘૮૦ની સાલ સુધીમાં ઘણા ભારતીયો અહીં આવી ચૂક્યા હતા અને કદીક રસ્તે જોવા મળતા પણ હતા; છતાં આજના જેટલા તો નહિ જ! બેંકનું બારણું ખોલી અંદર ગઈ. ‘Jobs availability છે કે કેમ તે પૂછવા માટે સીધી મેનેજરને જ મળી. મને ખબર ન હતી કે મનની આ આખી યે પ્રક્રિયા જિંદગીની એક મહત્ત્વની તક હતી!
મારા આશ્ચર્ય વચ્ચે એ દક્ષિણ ભારતીય મેનેજરે બેસાડી, અભ્યાસ, અનુભવ વગેરે વિશે ઈન્ટરવ્યુ જેવી પૂછપરછ કરી. એટલું જ નહિ, પોતે સંસ્કૃતના રસિયા હોવાથી અને હું સંસ્કૃતમાં સ્નાતક હોવાથી, એક શ્લોકનો અનુવાદ પણ પૂછ્યો. “આકાશં પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ”..આ તો મારો માનીતો શ્લોક! તેથી પૂરી મઝાથી વિગતે જવાબ આપ્યો. એ વિશે વધુ ઊંડાણમાં ચર્ચાઓ કરતાં કરતાં તેમણે વચ્ચે વચ્ચે, સિફતપૂર્વક મારા એકાઉન્ટસના અનુભવો વગેરે અંગે પણ ખાતરી કરી લીધી. મને ખબર પણ ન પડી એ રીતે સાચે જ મારો ઈન્ટરવ્યુ લેવાઈ ગયો! કશી પણ તૈયારી વગર બસ, એમ જ; અને પરિણામે જોબ મળી પણ ગઈ!! અનહદ આશ્ચર્ય અને અતિશય આનંદ હૃદયમાં ભરી હું ઘેર આવી. બસ, ત્યારથી બરાબર ૨૩ વર્ષ સુધી બેંકમાં ખંતથી કામ કર્યું, પ્રગતિ કરી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ક્લાર્કમાંથી સુપરવાઈઝર, સબ-મેનેજર સુધી પહોંચી શકાયું.
જીવનનાં અગત્યનાં વર્ષો બેંક ઓફ બરોડા, ન્યૂયૉર્કમાં વીતાવ્યાં. એ સ્મરણોએ પીછો ન છોડ્યો. સારા ખોટા કંઈ કેટલાય પ્રસંગો, મિત્રોનો નાતો, વાતો અને અવિસ્મરણીય ઘટનાઓ?! એ વર્ષો દરમ્યાન સહકાર્યકર, મૅનેજર્સ, એકાઉન્ટ હોલ્ડર્સ, દેશવિદેશની અન્ય શાખાઓના સ્ટાફ મેમ્બર્સ વગેરે મળીને કંઈ કેટલાયે લોકોના સંપર્કમાં આવવાનું થયું. ઘણા બધા ચહેરાઓ નજર સામે તરવરે છે. ગઝલકાર શ્રી આદિલ મનસુરીને પણ બેંકના એક ‘ક્લાયન્ટ’ તરીકે મળવાનું થતાં અહીંથી જ નિકટનો પરિચય થયો. જુદાં જુદાં વ્યક્તિત્વો અને મનોભાવોને સમજતાં શીખવાનું પણ અહીંથી વધુ મળ્યું. કેટલાક સંબંધો આવ્યા અને ગયા, કેટલાક સંપર્કો થોડાં વર્ષો રહ્યા અને કેટલાક હજી આજ સુધી ચાલુ રહ્યા. સ્મૃતિના ડબ્બામાં ઘણું બધું હજી તાજું છે, અકબંધ છે. બેંકના જ કામે Bahamasની offshore branch, Nassauમાં, વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનાનાં closingના કામે બે અઠવાડિયા માટે જવાનો લાભ મળ્યો. તે ઉપરાંત, યુએસએ. બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે, Overseas Training દરમ્યાન ભારતની જુદી જુદી શાખાઓમાં ફરવાનું પણ મળ્યું, આમ, ઘણું બધું શીખવાનું મળ્યું. બેંક ઓફ બરોડામાં ભારત દેશના જુદા જુદા પ્રાંતના લોકો કામ કરતા હોવાથી એમ અનુભવાતું કે અહીં આખું ભારત શ્વસે છે.
‘૮૦ની સાલમાં માત્ર વીસ-બાવીસ જણનો સ્ટાફ. એમાં ચાર વિદેશી સ્ત્રીઓ હતી.. તેમાંની એક આફ્રિકન અમેરિકન સહકાર્યકર સ્ત્રી સાથેનો, શરૂઆતનાં વર્ષોમાં થયેલ એક સંવાદ યાદ આવે છે. કદાચ, આધુનિક સમયમાં બહુ વિચિત્ર નહિ લાગે, પણ ત્યારે પહેલી પહેલી વાર મને એની વાત આંચકાજનક લાગી હતી. લંચબ્રેક દરમ્યાન તેની સાથે પરિચય વધ્યો હતો અને થોડી દોસ્તી પણ થઈ હતી.. એની પાસેથી અહીંની ઘણી અવનવી વાતો જાણવા મળે. આ દેશમાં ત્યારે અમારી પણ શરૂઆત હતી તેથી કુતૂહલવશ હું એને સાંભળતી. એક દિવસ એણે એક ફોટો બતાવ્યો અને કહે કે ‘આ મારું બેબી છે.’ એને બૉયફ્રેન્ડ હતો તે વાત તો અગાઉ કરી હતી. પણ છોકરું છે, તે ખબર ન હતી. હવે અમેરિકામાં કોઈને પગાર વિષે ન પૂછાય અને અંગત જાતીય સવાલો ન પૂછાય તેની જાણ હતી. તેથી કહે તે સાંભળવાનું અને મિતાક્ષરી, જરૂરી પ્રતિભાવ આપવાનો, પણ મને તો પૂછવાનું એકદમ મન થઈ ગયું. તેથી કંઈક શબ્દો ગોઠવીને બોલવા જતી હતી ત્યાં તો તે બોલી ઊઠીઃ ”અમે પરણ્યાં નથી,પણ હવે જો એનાથી બીજું બાળક થશે તો હું લગ્ન કરીશ!!” માય ગોડ, હું તો ચક્કર ખાઈ ગઈ કે આ બાઈ શું બોલે છે? એને મન આ એક રમત હશે? ગમ્મત હશે? આવા સમાજ વચ્ચે રહેવાનું? મનોમન ભારતના સંસ્કારો વિશે વિચારીને આપણા દેશને વંદી રહી.
જેને આપણે સ્વચ્છંદતા કહીએ છીએ તે અહીની સ્વતંત્રતા છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યની આ વ્યાખ્યા કદીયે ગળે ઊતરી નથી. આ અંગે પાયાના આપણા શિક્ષણને સો સો સલામ. ગમે તેટલું પશ્ચિમના દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતીય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતાં હોય.
એ સાથે જ લગભગ એ જ અરસામાં ૨૫-૩૦ કે તેથી પણ વધુ વર્ષોનું સુખી દાંપત્યજીવન જીવતા વિદેશીઓના પરિચયમાં પણ આવવાનું થયું. કોઈક પડોશી હતા, કોઈક બેંકના ખાતેદાર હતા, કોઈક છોકરાઓની સ્કુલના શિક્ષક હતા તો કોઈક વળી રોજ ટ્રેઈનમાં મળતાં સહયાત્રી હતાં. સારું-ખોટું બધે જ છે, બધાંમાં છે, એ સમજાતા વાર ન લાગી. અહીંની પંચરંગી પ્રજાનાં વૈવિધ્યપૂર્ણ માનસને સમજવું એક વિસ્મયનો વિષય બની ગયો હતો. ઈમીગ્રેશન પર આવેલા હોય કે જન્મજાત અમેરિકન હોય પણ દરેક વ્યક્તિ ઉપર પોતાના દેશની અસર હોય છે. આમ છતાં દરેક વ્યક્તિમાં પોતાની ભીતરની પણ એક સ્વતંત્ર ઓળખ અને તેમાંથી ઉપસતી એક વિશેષ પરખ બને છે.
આમ, બેંક સાથે એક પ્રકારનો વિશેષ લગાવ બંધાઈ ગયો હતો. તેથી જ તો ૨૦૦૩માં જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે હ્રદયમાં એક ઊંડી ઠેસ વાગી હતી. પરિણામે એક પદ્યરચના, ત્યારે પણ લખી હતી. છોડ્યા પછી પણ હરપળમાં બેંકની સ્મૃતિઓ છવાયેલી રહેતી.
આ આખો યે ગાળો જીવનમાં ઘણો અગત્યનો હતો. શરૂઆતના ત્રણ વર્ષમાં તો અમે ન્યૂજર્સી સ્થળાંતર કર્યું, ત્યાંના Iselin નામના નાનકડાં સુંદર ગામમાં. ત્યારે ત્યાં માત્ર એક જ ઈન્ડિયન ‘સ્ટોર’ હતો, અને એક જ મંદિર. અત્યારે તો ત્યાં માઈલોના વિસ્તારમાં માત્ર ભારતીયો જ વસે છે. એક ‘લીટલ ઈન્ડિયા’ ઊભું થઈ ગયું છે!! ત્યાંની John F Kennedy Schoolમાં બંને દીકરાઓ ભણ્યા. ગ્રેજ્યુએટ થયા, સ્પોર્ટ્સમાં પોતાની રીતે જ આગળ આવ્યા અને પોતપોતાના માટે, અમારી જેમ જ સારા પાત્રો શોધ્યા, પરણ્યા અને સરસ રીતે, સીધી રાહ પર ચાલી સ્થાયી થયા. એટલું જ નહિ, કુટુંબની નજીકની વ્યક્તિઓને ભારતથી બોલાવી, સ્થાયી થવામાં તન-મનથી સહાયરૂપ બન્યા. ખંત, મહેનત અને ઉમદા આશયથી સૌ પગભર થઈ શક્યા તેનો સંતોષ આજે ઘણો છે.
ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઘણા સારા મિત્રો મળ્યાં. સૌની સાથે હર્યાં, ફર્યાં, માતપિતાને પણ અવારનવાર બોલાવ્યાં અને સાથે સંયુક્ત કુટુંબના લાભ પરસ્પર માણ્યાં. ભાઈબહેનો સાથે પણ સ્નેહનો તાર અતૂટ રહ્યો. અમેરિકન સ્કૂલમાં ભણતા દીકરાઓ પાસેથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું. પડોશ પરદેશીઓનો હોવા છતાં સારો સાથ મળ્યો. ઘણીવાર વિચારું છું કે અમેરિકન પ્રજા પાસેથી વિવેક અને શિસ્ત એક એવી શીખવા જેવી જરૂરી બાબતો છે કે જો આપણા દેશમાં અમલી બને તો અડધી શાંતિ થઈ જાય અને આબાદી વધે. જેનામાં જે સારું છે તે ગ્રહણ કરવામાં નાનમ ન હોવી જોઈએ. તેની ખોટી બાજુઓ સાથે આપણને શું નિસ્બત? ઘઉંમાંથી કાંકરાની જેમ બાજુએ મૂકી જે જરૂરી છે તે રાખી લેવાય ને? નકામા કાગળિયાઓને ફેંકી ટાંકણી કાઢી લેવાની!!
આમ, તો એ વાત સાચી જ છે કે, અમેરિકા એક લપસણી ભૂમિ છે. ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? સાચું શિક્ષણ એ છે. ડીગ્રી અને ભણતર અર્થ-ઉપાર્જનમાં મદદ કરશે. પણ ગણતર અને ઘડતર સાચું જીવન જીવાડી જાણશે. યાદ રહે કે, Money is necessary but it is not the definition of happiness. A King can have world’s wealth but he may not be the happy human being. Whereas a poor person can sleep on the road peacefully. આપણા વડદાદા-દાદી બહુ ભણેલાં ન હતાં પણ સરસ જીવન જીવી શકવા માટે સક્ષમ હતાં. મારા દાદી વિશે તો એમ કહેવાતું હતું કે તેઓ સ્ત્રી દેહે પુરુષ હતા.
આ બધું લખવા પાછળ જે કહેવું છે તે એ જ કે પ્રેમ અને શાંતિથી સરસ જિંદગી જીવવી અને ભોગવવી જોઈએ, કેવી રીતે? એ દરેકના પોતાના જ હાથમાં છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, વિધાતા આપણા હાથની રેખાઓને ખૂબ ઝાંખી દોરે છે કે જેથી કરીને આપણે પોતે તેમાં મનગમતો આકાર ઉપસાવી શકીએ.. ૠતુઓ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે.
ફરી પાછાં કેટલાંક જૂના પ્રસંગો, એનો અનુભવ આંખ સામે તરવરે છે.
૧૯૮૧ની સાલ હતી. સાડા ૯ વર્ષનો મારો દિકરો ન્યૂયોર્કની સ્ટ્રીટસ વટાવતો,ચાલતો નિશાળે જતો હતો. અચાનક એણે રસ્તા ઉપર કશુંક ચમક્તું જોયું. વાંકા વળી હાથમાં લીધું તો એ વસ્તુ, એક સુંદર, હીરા મઢેલી આકર્ષક નાની ઘડિયાળ હતી. સ્કૂલે જઈ એ સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો અને પેલી ઘડિયાળ ક્યાંથી મળી તેની વાત કરીને આપી દીધી. તેના આશ્ચર્ય વચ્ચે, પોતાના ક્લાસમાં ગયો તો પબ્લિક સ્કૂલના એ પ્રિન્સિપાલે સવારની ‘એનાઉન્સમેન્ટ’માં આખી સ્કૂલ વચ્ચે તેનું નામ જાહેર કરી તેનાં કામને ખૂબ બિરદાવ્યું, ઈનામ આપ્યું અને ઘડિયાળ અંગે યોગ્ય કાર્યવાહી કરી. અમે જ્યારે શિક્ષકના ફોન-કોલથી આ જાણ્યું ત્યારે બે-ત્રણ વાતનો ખૂબ પોરો ચડ્યો. (૧ ) કશું યે ઝાઝુ, સીધું શીખવાડ્યા વગર દીકરાનું હૈયું સંસ્કારોથી સભર હતું. (૨) પારકા દેશમાં, પબ્લિક સ્કૂલમાં પણ હીરાની પરખ થાય છે એટલું જ નહિ, મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે અને (૩) ભારતીયોની એક સરસ છાપ આ રીતે ઉભી થાય છે.
એક વાત સ્પષ્ટ કરું કે હું અમેરિકાથી પ્રભાવિત થઈ ગઈ છું તેવું નથી. અંતરને તળિયે મૂળિયાંની માટીની સુગંધ તો અકબંધ જ છે. ‘મા’નું replacement હોય જ નહિ. છતાં જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે બધું જ સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ વહેંચવું ગમે જ. માતૃભૂમિ માટે મને ખૂબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દૃષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ વિશ્વની બારીઓ ખોલીને કશાયે પૂર્વગ્રહ વગર, જુદાં જુદાં પણ સાચાં દૃશ્યો આલેખવાની અને વહેંચવાની ઝંખના જાગે છે.. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, સાચો આનંદ નવા દૃશ્યો જોવામાં નહીં, પણ એ જ દૃશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. શરૂઆતનાં વર્ષોનાં અવનવાં ઘણાં દૄશ્યોમાંનાં બે રમૂજી કિસ્સા પણ સાંભરે છે.
(૧) ન્યૂજર્સીથી NJIT ટ્રૈનમાંથી બહાર આવીને ન્યૂયોર્કના એવન્યુ પર હું ચાલી રહી હતી. ત્યાં ૩૪ મી સ્ટ્રીટ પર એક આફ્રિકન અમેરિકન રમકડાં વેચી રહ્યો હતો. હાથમાં રબ્બરની દોરીવાળા ચમકતા “યોયો બૉલ”ને ઉપર નીચે ફેંકતો, વારંવાર મોટે મોટેથી ‘વન દો’, ‘વન દો’, ‘વન દો’ જેવું કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો. હું ઊભી રહી ગઈ. મને રમકડાંની સાથે સાથે એ શું બોલી રહ્યો છે એ જાણવામાં રસ હતો. મારી પણ શરૂઆત હતી. તેથી અમેરિકન ઉચ્ચારો ત્યારે સમજવા અઘરા પડતા હતા. મેં એને લગભગ પચ્ચીસ વાર સાંભળ્યો. મનમાં વિચારું કે આ ઈંગ્લીશમાં વન બોલે છે એ તો બરાબર પણ હિન્દીમાં ‘દો’ કેમ બોલે છે?!! એને તો હિન્દી ના આવડે. બીજો વિચાર આવ્યો કે, કંઈક ‘વન્દો’તો નથી બોલતો? પણ એના મોઢે ગુજરાતી તો સ્વપ્નવત્! એકદમ અશક્ય. વળી આસપાસ ક્યાંય વંદો તો દેખાતો જ નથી! બહુ વિચાર્યા પછી અને વારંવાર સાંભળ્યા પછી જ સાચું સમજાયું કે એ તો બૉલના વેચાણ માટે એની કિંમત ‘વન ડૉલર’ One Dollar બોલી રહ્યો હતો! ડૉલર શબ્દનો ડો જ બોલે. ‘લર’ તો ગળમાં જ રહેતો!
My goodness! આવી છે આ સાંભળવાની અને સમજવાની વાત. હજી આ તો થઈ સ્થૂળ સમજણની, ઉપરના અર્થની વાત. પણ સાચું સાંભળીને યોગ્ય રીતે સમજવાનો વળી એક જુદો મુદ્દો. ખરેખર સાંભળવાની પણ એક કલા છે. દરેક વ્યક્તિએ સાંભળવાની કળા કેળવવી જોઈએ.
(૨) બીજો પ્રસંગ સાંભર્યો. ૧૯૮૬ની એ સાલ હતી. હાડ ગાળી નાંખે તેવી ઠંડીના દિવસો પૂરા થઈને વસંતૠતુ ઊઘડી રહી હતી. સૂકા ઝાડની ડાળીઓ પર, લીલી લીલી, ઝીણી ઝીણી કળીઓ ફૂટવા માંડેલી. એકાદ સ્વેટરથી ચાલી જાય એવી હળવી, ગુલાબી ઠંડી હતી. અહીંની અમેરિકી પ્રજાની જેમ અમે પણ ‘વીકેન્ડ’માં ભારતથી આવેલ માત-પિતા (સાસુ-સસરા)ને લઈને ફરવા નીકળી પડ્યાં હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ ન્યૂજર્સીથી કારમાં વોશિંગટન ડી.સી. પહોંચી જઈ હોટેલમાં ગોઠવાઈ ગયાં. બીજા દિવસે, ખૂબ વહેલી સવારે અમેરિકાના પ્રેસિડેન્ટનું ‘વ્હાઈટ હાઉસ’ જોવા લાઈનમાં ઊભાં રહી ગયાં. વહેલાં પહોંચી ગયાં હોવા છતાં પણ લાઈનમાં અમે ઘણાં પાછળ હતાં. બધાં જ વ્યવસ્થિત રીતે હારમાં ઊભેલાં હતાં. ક્યાંયે કશી ધક્કામુક્કી કે ઘોંઘાટ ન હતો. બધા પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા ઊભા હતા.
અચાનક મોટેથી બાએ ‘હટ..હટ.હટ‘ કરીને પોતાની સાડીને પાછળ પગ પાસેથી સરખી કરવા માંડી. સૌની નજર એ તરફ ગઈ. એક્દમ લોકોનાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જોયું તો કમરે પટ્ટો બાંધેલું એક ભાખોડિયા ભરતું બાળક, સાડી સાથે રમી રહ્યું હતું!! બ્રાઉન કલરનું પાતળું જેકેટ પહેરેલ કશુંક ફરતું જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે એ કુરકુરિયું હશે ! એના પટ્ટાનો બીજો છેડો, દૂર ઊભેલી તેની માના હાથ સાથે બાંધેલો હતો ! બા હજી યે હટ..હટ. કરી રહ્યાં હતાં અને લોકો ખડખડ હસતાં હતાં. તેમણે જ્યારે સાચું જાણ્યું ત્યારે કહેઃ મેર, મૂઆ! એટલામાં તો માંડ ચાલતાં થયેલાં બીજાં ત્રણેક નાનાં બાળકો લાઈનની બહાર આવીને તેને રમાડવાં માંડ્યાં. એમાં એક હતું ચાઈનીઝ બાળક, બીજું અમેરિકન અને ત્રીજું મુસ્લિમ બાળક. કોઈ કોઈની ભાષા જાણતું ન હતું. અરે, બરાબર બોલતાં પણ ક્યાં આવડતું હતું? છતાં ખૂબ સરસ રીતે ત્રણે જણ એકમેક સાથે ભળી ગયાં હતાં. દસ પંદર મિનિટ પછી પેલાં પટ્ટો બાંધેલ બાળકની મા આવી, બાને વિનયપૂર્વક અને દિલગીરી સાથે ‘સોરી’ કહ્યું અને બાળકને ઉંચકીને તેની સાથે વાતો કરવા લાગીઃ
આ આખો યે પ્રસંગ લખવાનું કારણ એ કે, એમાંથી અહીંની કેટકેટલી નવીનતા જાણવાની મળી. સૌથી પહેલાં તો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહેવાની અહીંની શિસ્ત મને ગમી ગઈ. બીજું, થોડીક બાળક વિશેની અસલામતી વર્તાઈ. કૂતરાની જેમ નાનાં બચ્ચાંઓને બાંધી રાખવાં પડે એ કેવી કરુણતા! સાથે સાથે અન્ય કશાંકમાં વ્યસ્ત રહેતી માતાની મનોદશા પણ અછતી ન રહી. તો ત્રણ પરદેશી અબૂધ બાળકોની એકસાથે રમવાની મઝા આનંદ આપી ગઈ. ન વાણીનો વિખવાદ, ન રંગભેદ કે ન અહંનો પહાડ.. નરી નિર્દોષતા, નિર્વ્યાજ આનંદ.. આ બધું મોટાં થતાં થતાંમાં કેવી રીતે અદૃશ્ય થઈ જતું હશે? એના ઉપર કેવાં અને કયાં થર જામતાં જાય છે જે પ્રગતિના અવરોધક બની, આગળ જતાં આખા વિશ્વમાં અશાંતિ ફેલાવી દે છે? આ એક સનાતન સળગતો પ્રશ્ન છે. ટાગોરે કહેલાં શબ્દો “દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી” કેમ નથી પળાતા? ક્યાં શું ખામી છે?
ક્રમશઃ
