પ્રીતિ શાહ-સેનગુપ્તા

આજે અમારે બધાંએ, જેને માટે ગયાના આવેલાં તે ચૅરિટી વર્કને માટે જ ટાઇમ રાખવાનો હતો. આજનો દિવસ સ્થાનિક દરદીઓને માટે જ હતો. નીચેના પેલા મોટા હૉલમાં બધી વ્યવસ્થા કરવામાં આવેલી. ડૉક્ટરો માટે ટેબલ-ખુરશીઓ અને ત્રણેક પંખા દીવાલની નજીક ગોઠવેલાં હતાં. દરદીઓને બેસવાને માટે વચમાં ખુરશીઓ મૂકાયેલી હતી.

સ્થાનિક રેડિયો પરથી, અને સ્થાનિક છાપાંમાં, આ વિનામૂલ્ય ચિકિત્સાની જાહેરાત આગલા થોડા દિવસોથી કરવામાં આવેલી હતી, તેથી દરદીઓ સવારથી આવવા માંડેલાં. બપોર સુધીમાં, બસો-અઢીસો સ્ત્રી-પુરુષોએ આ લાભ લીધો હશે.

એ બધાં ઇન્ડિયન વંશનાં હતાં. ગયાનામાં બીજી પ્રજાઓ પણ છે – ચાઇનિઝ, આફ્રીકન, કરીબિયન. મેં પૂછેલું, કે રેડિયો ને છાપાંમાં જાહેરાત ફક્ત ઇન્ડિયન દરદીઓને માટે જ આપવામાં આવેલી? તો સ્થાનિક મદદકર્તાએ મને કહેલું, કે બધાંને માટે આ તક છે, તેમ જાહેરાત કરવામાં આવેલી, પણ બીજી કમ્યુનિટીમાંથી કોઈ જ આવ્યું નહીં.

પ્રજા-પ્રજા વચ્ચે કેટકેટલાં અંતર હોય છે? એક જ દેશમાં વસતાં હોય, પણ એકમેકથી ભિન્ન ભાવે રહેતાં હોય. આવા નાના દેશમાં પણ પ્રજાજનો એક થઈ શકતાં નથી.

અમે પંદર જણ છએક કલાક ઘણાં બિઝી રહ્યાં. દરેક દરદીનું બ્લડ પ્રેશર મપાઈ જાય, અને ડાયાબિટીસ માટેની તપાસ થઈ જાય, તે પછી એમને ડૉક્ટરની પાસે મોકલવામાં આવતાં. કોઈને બહુ મોટી માંદગી નહતી. લગભગ બધાં સાંધાના દુખાવાની, સાધારણ થાકની, ખાવા અંગેની વગેરે ફરિયાદ કરતાં.

જનરલ સહાય માટે ત્રણ અનુભવી ડૉક્ટરો, ઉપરાંત બાળકો અને સ્ત્રીઓના સ્પેશિયાલિસ્ટ પણ હતાં. મને દવા ખાતે મૂકવામાં આવેલી. ડોક્ટરોના કહેવા પ્રમાણેની દવાઓ કાઢીને, નાની પ્લાસ્ટીક બૅગોમાં મૂકીને હું દરદીને આપતી. ઘણાંને તો ઍસ્પિરિન અને વિટામિનની ગોળીઓની જ જરૂર હોય.

મોટી ઉંમરનાં, તથા વૃદ્ધ કહી શકાય તેવાં આ સ્ત્રી-પુરુષોનાં જીવન અને જીવન-રીતિ વગેરે વિષે મેં વિચાર કર્યા, તો ઘણાંની તકલીફોનાં કારણ સમજી શકાય તેવાં લાગ્યાં. લગભગ એ બધાંએ, શરૂઆતનાં વર્ષોમાં, ઘણી મહેનત અને મજૂરી કર્યાં હશે. હવે જીવન નિષ્ક્રીય જેવું થઈ ગયું. ઉત્સાહ પ્રેરે તેવી ખાસ કશી પ્રવૃત્તિ નહીં. મેં જોયું જ હતું ને, કે સાવ નાની વસાહતો છે બધે, અને જાણે કશું બનતું નથી લાગતું અહિંયાં.

આમ પ્રજા ગરીબ છે. કોઈની પાસે બહુ પૈસા કે સગવડો નથી હોતી. ખાવામાં પૂરતું પોષણ ના મળતું હોય. વળી, ગરમીના અને અજવાળાના લાંબા દિવસોમાં સાંજે-રાતે કરવાનું શું? તેથી દારૂની લતનો ભોગ પણ ઘણાં જણ બન્યાં હોય છે. યુવા પ્રજામાં પણ નિષ્ક્રીયતા, કંટાળો, દારૂ, માદક દ્રવ્યો વગેરે સમસ્યાઓ છે.

મેં પછીથી એ પણ જાણ્યું હતું, કે લગભગ બધાં મંદિરો અઠવાડિયાના એક કે બે જ દિવસે ખૂલતાં હોય છે. કોઈ કોઈ કદાચ ખુલ્લાં રહેતાં પણ હોય, પણ રોજ ત્યાં અવરજવર હોતી નથી. જે સાંજે આરતી થવાની હોય ત્યારે જ ભીડ થતી હોય છે. પાસપાસેની વસાહતોમાં એક જ પૂજારી હોય, જેમને અહીં પંડિત કહેવાનો રિવાજ છે, અને જુદા જુદા દિવસે એકેક કરીને મંદિરોમાં એ આરતી-પૂજા કરાવવા જાય.

તબીબી-કૅમ્પમાં આ બધાં સ્ત્રી-પુરુષો આવ્યાં, વારાની રાહ જોઈને શાંતિથી બેઠાં, તપાસથી નિરાંત પામ્યાં, અને દવા મેળવીને ખુશ થતા એમના ચહેરા મને જોવા મળ્યા. સામે કેટલાકે નમસ્તે કર્યા, કેટલાકે હસીને હાથ પકડ્યા, તો કેટલીક સ્ત્રીઓ મને ભેટી પણ ખરી. એકલવાયા અને અરસિક જેવાં જીવનમાં, એમને માટે આ એક સંપર્કનો પ્રસંગ બન્યો હતો.

બપોરે ત્રણ વાગ્યે હૉલ ખાલી થયો. એ પછી અમે ઉપર જઈને ચ્હા-નાસ્તો કર્યાં. આરામ કરવા રોકાયા વગર અમે નજીકમાં થોડું ચાલવા નીકળ્યાં. એક કેડી હતી, પણ આમતેમ ઘાસ ઊગી ગયું હતું, ને એના પર ચાલવું ઘણાંને ના ગમ્યું.

એ તરફ બર્બિસ નદી હતી. એના પહોળા પટમાં, દૂર એક વહાણ ઊભેલું લાગ્યું. એ દિશામાં જઈને નદી ઍટલાન્ટીક મહાસાગરને મળે છે. ચાલીને બહુ દૂર જવાય તેમ નહતું. નદીને જોવાનો જ આનંદ હતો.

મંદિરમાં સવા છ વાગ્યે આરતી થવાની હતી, તેથી એ પહેલાં અમે પાછાં વળી ગયાં. આરતીના સમયે મંદિર જાણે વધારે સુંદર બન્યું હતું. નવાં તાજાં કમળો લાવી મૂકાયાં હતાં. મને નવાઇ એ લાગી, કે સ્થાનિક લોકોની હાજરી હતી જ નહીં. કદાચ આ મંદિર એમને માટે બહુ ફૅન્સી છે.

આ આખું સંસ્થાપન રતન રામગોબિન નામના ઇન્ડિયન-ગયાનિઝ યુવાનના કલ્પન, શ્રમ અને ઉત્સાહ પર આધારિત છે. એ પોતે હશે તો હજી પાંત્રીસેક વર્ષના, પણ ઘણા જાડા છે, અને ઊઠતાં-બેસતાં મદદની જરૂર પડે છે.

પણ પૂર્વ બર્બિસના વિભાગના હિન્દુ સમાજને માટે આ અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે. બધાં જ યુવા સદસ્યો રામગોબિનને, માન અને સ્નેહથી, પંડિત અને ગુરુજી કહીને બોલાવે છે. એ ઘણી રામકથા પણ કરે છે. એ માટે ન્યૂયૉર્કનો ગયાનિઝ સમાજ એમને દર વર્ષે આમંત્રણ આપતો હોય છે. કદાચ આ સંસ્થાપન માટે જરૂરી પૈસા એ જ રીતે મળતા રહે છે.

રામગોબિને જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે ખરેખરું માન થયું એમને માટે. આ ફક્ત ટૅલન્ટ જ નહતી, અમેઝિન્ગ અચીવમૅન્ટ હતી. એકદમ શુદ્ધ ઉચ્ચારો, સંપૂર્ણ રીતે સૂરમાં, અને અનહદ જાણકારી. સંસ્કૃત શ્લોક, ભજન, ગીત, અને છેલ્લે અમારે માટે ગરબા પણ ગાયા. પર્ફેક્ટ ગાનની સાથે એમણે મૃદંગ, અને મંજીરાં પણ એવી જ પર્ફેક્ટ રીતે વગાડ્યાં.

ક્યાં દૂરના ગયાના દેશમાં વસતી વ્યક્તિ, અને આટલી બધી આવડત. છતાં, એ વિનયપૂર્વક કહે, કે હું તો પ્રયત્નમાત્ર કરું છું. હું કશું શીખ્યો નથી. તો પછી, અર્થ એ થયો કે બંસીધર શ્રીકૃષ્ણની જ આ કૃપા છે એમના પર.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.