અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાયી દેવિકાબહેનનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એમની અનેકવિધ પ્રવૃતિઓમાં છલકાતો જોવા મળે છે. ૧૯૪૮ની સાલમાં ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મીને અમદાવાદમાં ઉછરેલાં દેવિકાબહેન ૧૯૮૦માં અમેરીકા આવ્યાં. ગુજરાત યુનિવર્સિટિ દ્વારા સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી સ્નાતકની પદવી મેળવી.
નાનપણથી કલા પ્રત્યેની રુચિને કારણે તેઓ કાવ્ય, વક્તૃત્વ, નાટક અને નૃત્યમાં ઈનામો અને ચંદ્રકો મેળવતાં રહ્યાં; જેમાં ઉમાશંકર જોશીના હસ્તે મળેલા ઈનામનો સમાવેશ પણ થાય છે. યુનિ. ઓફ ફ્લોરીડા, પોએટ્રી ફૅસ્ટીવલ (૨૦૧૪)માં મુખ્ય વક્તા તરીકેના સન્માન ઉપરાંત તેઓ બીજાં સન્માન-પત્રો અને આમંત્રણો મેળવતાં રહ્યાં છે.
વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. કેટલાંક અન્ય પ્રકાશનો ઉપરાંત તેમનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એમાંની કેટલીક રચનાઓ સ્વરબદ્ધ પણ થઈ છે. ‘આથમણી કોરનો ઉજાસ’ નામની પત્રશ્રેણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૧૭માં ડાયસ્પોરા ઍવોર્ડ મેળવેલ દેવિકાબહેન સાહિત્ય સેવા માટે સતત કાર્યરત રહે છે. નીચેના બ્લોગ ઉપર પણ તેમને વાંચી શકાશે.
https://devikadhruva.wordpress.com
Email: ddhruva1948@yahoo.com
૧. વિસરાતી વારસાઈ
વહેલી સવારનો આજનો સૂરજ કંઈક જુદાં જ કિરણો પાથરતો આવ્યો. રોજની આદત મુજબ હાથમાં ગરમ ગરમ વરાળો નીકળતી ચ્હાનો કપ લઈ ‘બૅકયાર્ડ’નું બારણું ખોલ્યું ને તરત હવામાંથી એક પરિચિત સુગંધની લહેરખી સ્પર્શી ગઈ. ડૅકનાં બે પગથિયાં ચડીને હીંચકે બેઠી ત્યાં તો આંખના પલકારામાં ચાર દાયકા જૂની અને એથી પણ જૂની મનગમતી એ મહેક મનમાં ઝોલે ચડી. આ સ્મૃતિઓ કેવી વિસ્મયકારી છે! અચાનક મન પર કાબૂ જમાવી દે છે. મહાન લેખક શ્રી સુરેશ જોશીએ સાચું જ લખ્યું છે કે, સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો એ વિકાસ સ્મરણમાં જ થાય છે.
ચાર દાયકા પહેલાંની આ વાત. Good Fridayનો એ દિવસ હતો. ૧૯૮૦ના એપ્રિલ મહિનાની ૪થી તારીખ. ખૂબ સરળતાથી યાદ રહી જાય તેવી તારીખ અને દિવસ પણ. ૪-૪-૧૯૮૦. ગુડ ફ્રાઈડે. એ દિવસે અમે અમેરિકાની ધરતી પર બે નાનાં ભૂલકાંઓ સાથે પગરણ માંડ્યાં હતાં. ૪૧ વર્ષ પહેલાંની એ વાત. સમય પણ સ્મૃતિઓ જેટલો જ ગજ્જબનો છે. ક્યારેક વર્ષોનાં વર્ષો વીતી જાય છે તો ક્યારેક એક પળને વીતતાં વાર લાગે છે. ક્યાં ગુજરાતના એક નાનકડા ધૂળિયા ગામડામાં (૧૯૪૮માં) જન્મ અને ક્યાં આ મહેલ જેવી સવલતોવાળી અમેરિકાની ચમકદમકભરી જિંદગી! રાતોરાત ફેરવાઈ ગયું શું? ના રે ના. મૂળથી જ નિરાંતે વાત માંડું.
જો ટૂંકમાં કહેવાનું હોય તો તો જન્મ ગુજરાતના એક ગામડામાં. ઉછેર, લગ્ન અને બે દિકરાઓના જન્મ અમદાવાદમાં અને તે પછી પરિવાર સાથે વસવાટ અમેરિકામાં. આમ તો આટલી જ અમસ્તી વાત. પણ આટલી અમથી વાતની પાછળ કેટકેટલાં પરિબળો, અસંખ્ય ઘટનાઓ, અનેક સંજોગો, વિવિધ સ્થાનો, અલગ અલગ દેશી અને વિદેશી વ્યક્તિઓ અને એ તમામને કારણે સંઘર્ષોની વચ્ચે વિકસતી જતી વિચારધારાઓ અને સમજણ શક્તિની ક્ષિતિજો.
આ લખું છું ત્યારે ધૂળિયા ગામનાં ફળિયાં, તે સમયની સખીઓ અને અમદાવાદની પોળનાં પડોશીઓથી માંડીને હ્યુસ્ટનના આજના ‘નેબર’ સુધીનાં તમામ સ્મૃતિમાંથી સરે છે. તો સાથે સાથે પરિવારજનો ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને અમેરિકન શિક્ષક-મિત્રોના ચહેરા પણ તરવરે છે. ભારત, અમેરિકા, હૉંગકૉગ, સિંગાપોર, મલેશિયા, થાઈલૅન્ડ, કૅમ્બ્રીજ, કૅનેડા, સ્વીટ્ઝર્લૅન્ડ વગેરેના રસ્તાઓ પણ દેખાય છે. પ્રસંગો અને ઘટનાઓનાં હરણટોળાં ફરીથી એકવાર ચારેબાજુથી મન-આકાશમાં દોડાદોડ કરી રહ્યા છે. જાણે કોઈ ગીચ ઝાડીમાંથી ઊડી આવતાં તીડનાં ટોળાંઓ તો ક્યારેક જાણે નજર સામે ફરફરતાં મનગમતાં પતંગિયાઓ !!
થોડા દિવસો પહેલાં જ વર્ષો જૂની ડાયરીઓ અને કાગળો હાથ લાગ્યાં હતાં, તેને ફરીથી ફીંદવાનું મન થયું. લગભગ ૪૧ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી એ. સાચવીને રાખેલા, મિત્રોના જૂના પત્રો વાંચતી ગઈ, વાંચતી ગઈ ને પછી તો વાંચતી જ રહી. વિદેશની ધરતીની શરૂઆતની અવનવી વાતો, મથામણો, મૂંઝવણો અંગેની મારી અનુભૂતિઓના મળેલા પ્રતિપત્રો. કેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હૃદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મન-મસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી. આમ તો આ અનુભવ સૌનો હશે જ…
આ આંગળીઓના ટેરવેથી કેટકેટલું ઝર્યું હશે?
ને હૈયાના હોજમાંથી ત્યારે કેટકેટલું સર્યું હશે?
સમયનાં પડ, બની થડ, જામી જાય છે મૂળ પર,
પણ પાંદડીઓ વચ્ચે પતંગિયા જેવું કૈંક ફરફર્યું હશે….
૨. વિદેશ આગમન પૂર્વે
આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે? અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્મૃતિમાંથી સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. આટલી જન્મ વિશેની, સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે.
ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરનાં નળિયાંના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. ત્યાં હતું એક ગોરસ આમલીનું ઝાડ. ઘરથી થોડે દૂર ગામનો એક કૂવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ લોકગીતોને ગણગણતી, પાણી ભરતી તે હું જોતી. વચ્ચે કલરવતાં પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને એ ખૂબ ગમતું. ગમે તેટલી ઉંઘ આવતી હોય તો પણ એ જોવા માટે જાગતી. હવે એમ લાગે છે કે ત્યારથી જ કલા પ્રત્યેની અંદર પડેલી રુચિ જાગવા માંડી હશે.
૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો, અને કદાચ… જો ત્યાંથી આપણા સૌના સદ્ગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ, તો દૂનિયા દેખાઈ સાવ અનોખી
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે? હવેની પેઢીનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડૉક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “ઍપલ વૉચ”પર, યુટ્યુબ પર, આઈપૅડ/ટૅબ્લૅટ પર,આઈફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશું? મનનો અભિગમ પરિવર્તનને આશીર્વાદરૂપે આવકારે છે, પણ જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઇચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી રાખવી જરૂરી છે.
अति सर्वत्र वर्जयेत् ।।
પિતાજી અમદાવાદના વતની એટલે મારો ઉછેર પણ ત્યાં જ. અમદાવાદની સાંકડીશેરીમાં આવેલ ઝુંપડીની પોળનું એ ઘર. આમ તો દાદા શરાફી પેઢી ચલાવતા. તેથી અમારી અટક બેંકર હતી. પણ પિતાજીની ઘણી નાની ઉંમરે, દાદાના ગયા પછી, કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું. ભાડાના ઘરમાં રહેતાં થયાં. ઘર તો ભાડાનું; પણ લાગે સાવ પોતાનું. ૨૩ વર્ષની ઉંમર સુધી ત્યાં જ વસવાટ.
નાનું ઘર આર્થિક સંકડામણ અને ૧૦ માણસોનો સહવાસ. છતાં પણ એ સ્મરણો આજ સુધી શ્વાસની જેમ સાથે જ રહ્યાં છે. ક્યારેક રડાવ્યાં છે, ક્યારેક હસાવ્યાં છે, છતાં સતત મહેક્યાં છે. કુંભારના ચાકડાની જેમ બધાં જ ભાઈબહેનોને તાવ્યાં છે, ટીપ્યાં છે, કસ્યાં છે અને એ રીતે દરેકને પોતપોતાના સ્વત્વ પ્રમાણેના આકારે ઘડ્યાં છે. એ ઘરની એક એક ભીંત, ફર્શનો પથ્થર, ગોખલા, ઓરડી, છજું, અગાશી, છાપરું, આજે પણ જ્યાં હોઈએ ત્યાં આવીને વાતો કરે છે. મનનો સંઘર્ષ પણ ક્યાં ઓછો હોય છે?
દાદીમાની વાર્તાઓએ મારી કલ્પના શક્તિને નાનપણથી જ ખીલવી. એ મને બહુ કામ કરાવતા પણ વાર્તાઓ સરસ કહેતા. મને બહુ મઝા આવતી. કેટલીક તો એ પોતે ઘડી કાઢતા. હું પણ આજે એવું જ કરું છું! મોટા ભાઈ અને બહેનને નિશાળે જતા જોઈ હું બહુ ખેંચાતી ને વિચારતીઃ હું ક્યારે નિશાળે જઈશ? લખતાં અને વાંચતાં આવડી જાય તેની મનને ખૂબ જ ઉતાવળ હતી. ભાઈબહેનોની વાતો અને કક્કો-બારાખડી, ૧ થી ૧૦ નંબરોની અને આંકની ચોપડીઓ વગેરેમાંથી જાતે જાતે શીખ્યા કરતી. ખાનગી બાલમંદિરોની ફી તો પોસાય તેમ હતું જ નહિ એટલે સીધી ૬ વર્ષની થઈ ત્યારે જ મફત ભણાવતી મ્યુનિસિપાલિટીની શાળામાં પ્રવેશ લીધો. એક જ નાનકડી રોજે રોજની અગાઉથી થતી જતી તૈયારીની સાહજિક વૃત્તિ, શિક્ષકોના પાઠો અને જલદી જલદી ‘હોમવર્ક’ કરી લેવાની આદતને કારણે દરેક બાબતમાં આપમેળે જ રિયાઝ થતો ચાલ્યો. પોળના નાકે આવેલ બાલભવનનાં તો બધાં પુસ્તકો એમ જ વંચાતા જાય. મને નથી યાદ કે ક્યારેય પરીક્ષા વખતે ઉજાગરા કરીને વાંચ્યું હોય. પરીક્ષાનો ‘હાઉ’ ક્યારેય લાગતો જ નહિ.
વિચાર કરું છું કે આ બીજ ક્યાંથી વવાયાં? વાતાવરણમાંથી? સંજોગોમાંથી, માના મૂળ અને અનુરાગમાંથી? કદાચ આ બધામાંથી. પણ તો પછી દરેક વ્યક્તિને એ લાગુ પડે ને? દરેક માનવીને એના સંજોગો હોય છે, એનું વાતાવરણ હોય છે અને મૂળ પણ હોય છે જ ને? તો બધા જ એક સરખા રસ-રુચિ કે આદતયુક્ત કેમ નથી હોતાં? આ એક ખૂબ રસપ્રદ મનન છે કે એક જ ઘરનાં બાળકો જુદાં જુદાં કેમ હોય છે? સર્જનહારે તો સૌને અંગ-ઉપાંગો, મન બુધ્ધિ, હ્રદય,આંખ, કાન, વિચાર-શક્તિ આપેલાં છે. તો વ્યક્તિત્ત્વ જુદા કેવી રીતે ઘડાય છે? ઊંડાણથી વિચારીએ તો એમ લાગે છે કે જેના મૂળમાં જે રસના બીજ વધુ શક્તિશાળી તે તે મુજબ તેની પ્રક્રિયા અને વિકાસ થતો જાય. દા.ત. બગીચામાંથી પસાર થતા હોઈએ તો કોઈ ગુલાબ ચૂંટે, કોઈ મોગરા પાસે જઈ સુવાસ માણે તો કોઈ વૃક્ષની પાસે ઊભા રહી આનંદ પામે. આ એનું સ્વત્વ.
સ્મરણો ક્યાં ક્યાં ખેંચી જાય છે? આ લખું છું ત્યારે પ્રાથમિક શાળાનાં ઘણાં શિક્ષકોના ચહેરા નજર સામે યથાવત તરવરે છે. ભણતાં ભણતાં જેમની સાથે નાટકો ભજવ્યાં કે ગરબા કર્યાં તે સૌ સખીઓનાં નામો,ચહેરા, અરે,ઘણી બધી વક્તૃત્વ હરિફાઈ માટે તૈયાર કરેલી સ્પીચ અને રજૂઆત પણ અકબંધ સ્મૃતિમાં સચવાયેલી છે!
તે સમયની આર્થિક અગવડો અન્ય પ્રવૃત્તિઓમાં નડતી ન હતી. કોઈ ને કોઈ રીતે આવડતને અવકાશ મળી જ જતો. એ માટે હંમેશા હું શિક્ષક-વિદ્યાર્થીના પરસ્પરના આદર અને પ્રેમભાવને જ નમન કરું છું. આજે પૈસો સર્વસ્વ બની ગયો છે. કારણ કે, આપણે એના આધિપત્યને સ્વીકાર્યું છે, પોષ્યું છે, પંપાળ્યું છે અને પરિણામે એના ગુલામ બની ગયા છીએ, એમ માનીને કે આપણે કેટલાં સ્વતંત્ર અને સમૃધ્ધ થયા છીએ!! ખરેખર સાચું શું છે? સવાલોના આ તણખા આજે તો મનને દઝાડે છે પણ કદીક, ક્યારેક, કોઈકને કિરણ બની અજવાળે તો કેવું સરસ?
મ્યુનિસિપિલ હાઇસ્કૂલની થોડી વાતો અને યાદગાર પ્રસંગોએ પણ મનને એક સરસ દિશા ચીંધી..સાલ હતી ૧૯૬૪ની. ત્યારે હું ૧૧માં ધોરણમાં. તે સમયે ૧૨મું ધોરણ ન હતું. અગિયારમાં ધોરણ પછી તરત જ પ્રિ.આર્ટ્સ, સાયન્સ, કોમર્સ વગેરે શરૂ થાય. શાળાની ‘પ્રિલિમિનરી’ પરીક્ષાના પરિણામનો એ દિવસ. દરેક વિષયના શિક્ષક પોતે જ, જે તે વિષયનું પરિણામ જાહેર કરે. જે કંઈ કહેવા લાયક હોય તે કહેતા જાય અને તે મુજબ ફાઈનલ પરીક્ષાની તૈયારીઓ પણ થવા માંડે. તે રીતે ગણિતના શિક્ષક વર્ગમાં આવ્યા. પરિણામની જાહેરાત શરૂ થઈ. એક પછી એક નામો બોલાતા ગયાં, કેટલાં માર્ક્સ મળ્યા તેની જાહેરાત અને જરૂરી સૂચનો પણ અપાવા માંડ્યા. તે દિવસે મારું નામ જ ન બોલાયું. મને એમ કે, દર વખતની જેમ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જ હશે એટલે છેલ્લે બોલાશે અને મોટે ભાગે એમ જ બનતું. તે સમયે આત્મવિશ્વાસ પણ લગભગ અભિમાન જેવો હતો અને તેનું કારણ પણ શિક્ષકો જ હતાં! કારણ કે મને સૌએ ખૂબ જ પોરસાવી હતી.
આમ, આવું બધું વિચારતી હું રાહ જોયા કરતી હતી ત્યાં તો એક સખત મોટો શાબ્દિક ધડાકો થયો. સાહેબના કડક શબ્દો હતાઃ “ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.” ઓ મા…હું તો હેબતાઈ ગઈ! સાહેબ આ શું બોલે છે? ફરી પાછી ચહેરાની રેખાઓ થોડી તંગ કરી, મારી તરફ જોઈ બોલ્યાઃ “પછી શિક્ષકોની ઓફિસમાં મળજો”. પછી તો જેવો ઘંટ વાગ્યો કે તરત કંઈ કેટલાયે વિચારોનાં વમળો લઈ હું વંટોળવેગે દોડી ઓફિસ તરફ. બે ચાર અન્ય શિક્ષકો અને પ્રિન્સિપાલ બેઠા હતા. સાહેબે મારું પેપર ખોલ્યું, પાસે બોલાવીને બતાવ્યું અને એક નાનક્ડી ભૂલને કારણે આખો દાખલો કેવી રીતે ખોટો પડ્યો તે વિષે સખત શબ્દોમાં મારી ઝાટકણી કરી, લાંબુ ભાષણ આપ્યું અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યુઃ “આખું વર્ષ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ લાવનારને આવી ભૂલ થઈ જ કેવી રીતે? ૧૦૦ ને બદલે ૯૩ માર્ક્સ? આ ચાલી જ ન શકે વગેરે,વગેરે…”આઘાત તો મને પણ લાગ્યો, આંખમાં આંસુ પણ આવી ગયાં, પણ મનમાં સવાલ મૂંઝવ્યા કરતો હતો કે, આટલા સારા સાહેબ આજે આટલા બધા ગુસ્સે? ઘણીવાર ઘણાંનાં માર્ક્સ ઓછા આવ્યા હતા, દાખલા ખોટા પડ્યા હતા. આજે આમ કેમ?
વાતાવરણમાં સ્તબ્ધતા હતી. થોડી ક્ષણો પછી, દુઃખી દિલે બધું ચૂપચાપ સાંભળી લીધા પછી, મેં પાણીનો ઘૂંટ પીધો. હિંમત ભેગી કરી પૂછી જ લીધુઃ સર, તમે કોઈ દિવસ નહિ ને આજે આટલા ગુસ્સે?…વાક્ય અધૂરું જ રહ્યું ને સાહેબે તરત જ જવાબ વાળ્યો. “ હા, કારણ કે, મારી હાઈસ્કુલના વર્ષોમાં ખરે વખતે મારે આવું જ બન્યું હતું. જે ભૂલ મેં કરી હતી તે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીને ન જ થવી જોઈએ, એ ઈતિહાસ રીપીટ ન થાય અને હજી તમારે તો ફાઈનલ બાકી છે, તમે ચેતી જાવ તેથી કડવી રીતે આ કહ્યું. દરેક વખતે ઓછા માર્ક્સ લાવનારને માટે આવું ને આટલું બધું દુઃખ ન થાય. પણ જેના તરફથી શાળાને મોટી આશા છે તેની ભૂલ તો ન જ થવી જોઈએ. નાની સરખી ભૂલ જીવનમાં ન થાય તે પણ આમાંથી જ શીખવાનું છે. ગુસ્સો એટલા માટે કે જીવનભર આ વાત યાદ રહે.” સાંભળીને હૈયું એક થડકારો ચૂકી ગયું. બસ, તે દિવસે, અધ્ધર ઊડતા મારા પગ ધરતી પર આવી ગયા. અને એ સંવેદનાએ, તે રાત્રે કાગળ પર થોડા અક્ષરો પાડયા. બધા જ શબ્દો તો યાદ નથી. બીજી સવારે માનીતા શિક્ષકને એ કાગળ આપી દીધો હતો..પણ મુખ્ય ભાવની એક પંક્તિ સ્મૃતિના દાબડામાં આજસુધી અકબંધ રહી
‘લાવું નંબર એસ.એસ.સી.માં, સેન્ટર અમદાવાદમાં,
કરું પ્યારી શાળાના નામને, રોશન અમદાવાદમાં..’
સર્જનની કેવી પીડાજનક પ્રક્રિયા? એ વાત દિલમાં હંમેશાં કોતરાઈ ગઈ અને સતત કામે લાગી. આખરે કોલેજની ડીગ્રીમાં યુનિવર્સિટિમાં પ્રથમ આવી ત્યારે મનમાં શાતા થઈ.
આ વાત અહીં અટકતી નથી. વર્ષો વીત્યાં, અમેરિકા આવી. એક દિવસ દીકરાનું mathનું ‘હોમવર્ક’ જોતી હતી. એક જગાએ નાનક્ડી, લગભગ એવી જ (!) એક ભૂલ જોઈને ગણિતના એ સર યાદ આવ્યા. દીકરાને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. તે સમયે એરોગ્રામ લખાતા. વચ્ચેના વર્ષોમાં કોઈ સંપર્ક રહ્યો ન હતો. છતાં તરત જ મેં ડાયરીમાંથી સરનામુ શોધી કાઢી, પેલી જૂની વાતને યાદ કરતો એક (aerogramme) પત્ર ગણિતના સરને લખ્યો. ૧૫ દિવસ પછી તેમના દીકરાનો આંસુભીનો જવાબ આવ્યોઃ “તમારો પત્ર મળ્યો, મેં વાંચ્યો, પણ પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી. ગયા મહિને જ…. હવે તેમણે શીખવાડેલું ગણિત હું જીવનમાં શીખું છું અને શીખવાડું છું”. વાંચીને ગળે ઊંડો ડૂમો ભરાઈ આવ્યો. આવા શિક્ષકો હવે ક્યાં મળે?!
મન ચક્ડોળે ચડ્યું. આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ તો મેળવે છે, પણ શું જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?
સ્મરણની આ ખડકી, આજે અર્થસભર સર્જનની સાંકળ ખોલી કેવી રણકી ગઈ?!! જિંદગીમાં ક્યારેક આવી ઘટનાઓ વંચાય અને દીવાદાંડી બને એવી શુભ ભાવના.…
મનની ભીતરમાં ભર્યા છે ખજાના, સાગર મહીં જેમ મોતી સુહાના,
સાચાં કે ખોટાં, સારાં કે નરસાં, કદી ન જાણે કોઈ અંતરની માળા.
આ શાળાએ ભણતરની સાથે સાથે ઘડતરમાં વળી નોંધપાત્ર ફાળો નોંધાવ્યો.. એ ચાર વર્ષની કારકિર્દી યશસ્વી તો રહી જ, પણ તે સિવાય કવિતા તરફનો અનુરાગ અહીંથી શરૂ થયો. તે વખતનો મારો કવિતા-પ્રેમ, લાયબ્રેરીમાં અવારનવાર જવાની વૃત્તિ, સુંદર નિબંધો લખી શિક્ષકોને બતાવવાની ઘેલછા વગેરેએ આજે એનું સામ્રાજ્ય જમાવી જ દીધું છે.
જે નથી એના અભાવની અનુભૂતિને રડતાં રહીને માણસે બેસી રહેવાનું હોતું નથી. તકલીફનું પક્ષી માથે બેસે તો એને ઊડાડી દેવાનું હોય. એને માળો ન બાંધવા દેવાય. સમય સૌનો ક્યાં સદા એક સરખો રહે છે? એની પણ આવનજાવન ચાલુ જ રહે છે. આપણે તો બસ ચાલતાં રહેવાનું છે, એની સાથે જ, પણ પરવા કર્યા વગર. સુખ મળે તો છક્યાં વગર અને દુઃખ મળે તો રડ્યાં વગર. પોતે જ પોતાના નાવિક બની નૈયા તરાવતાં રહેવાનું છે. જીવનની સહેલ લાંબી હોય કે ટૂંકી. આપણે જ એને પાર કરવાની છે અને તે પણ સાચી દિશામાં રહીને, યોગ્ય રીતે હંકારીને. બધી જ શક્તિ સૌને મળેલી છે અને તેને ખીલવવાની છે.
જુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
૧૯૬૪માં અગિયારમાં ધોરણમાં સ્કૂલમાં પ્રથમ અને સારા ટકા હોવાથી અડધી ફી તો માફ જ હતી. છતાં પણ સૌથી ઓછી ફી વાળી અને ચાલીને જઈ શકાય તેવી અને સવારની જ કોલેજ પસંદ કરવાની હતી. પ્રિન્સિપાલને લાગ્યું કે હું તો સાયન્સ શાખામાં જ હોવી જોઈએ તેથી આર્ટ્સનું ફોર્મ જોતાં આશ્ચર્યથી પૂછપરછ કરી. મારે તો નોકરી સાથે ભણવાનું હતું ને? એટલે જાતે જ નક્કી કરી લીધું કે, સવારની કોલેજ અને બપોરની નોકરી કરીશ. સંજોગો સમજણ અને શક્તિ બંને આપી દેતા હોય છે!
સોળ-સત્તરની એ ઉંમરે સુંવાળા સપનાઓ સેવવાના બદલે વિષમ પરિસ્થિતિઓમાંથી રસ્તા કાઢવાનું અહીંથી શરૂ થઈ ચૂક્યું હતું. જરૂરિયાત અને ઇચ્છાઓ વચ્ચેનો ભેદ પણ ત્યારે જ પરખાવા માંડેલો. તે સમયની વાંચન ભૂખ ‘યેનકેન પ્રકારેણ’ સમયને ચોરીને પણ પૂરી કરી લેતી. ડાયરીઓમાં સારાં સંકલનો થતાં રહ્યાં, ભીતર ઘણું કસાતું ગયું અને સ્વ-અક્ષરો પણ ઉપસતાં ગયાં.
પ્રારબ્ધ-પુરુષાર્થના પાઠો વિશે ‘પરમ’ સાથે અનેક પ્રશ્નોત્તરી મનમાં ને મનમાં સતત ચાલતી. પણ જાત સિવાય કોઈ ધર્મગ્રંથો, પ્રવચનો કે મંદિરોની મૂર્તિઓમાંથી કશો ઉત્તર ન મળતો. ઊલ્ટાનું વધુ ને વધુ કસોટીઓ અનુભવાતી ગઈ. પછી તો એની પણ આદત પડતી ગઈ! આજની ચાલુ ગાડીમાંથી પાછલા અરીસામાં જોઉં છું તો સમજાય છે કે જે હતું તે ભલે સારું ન હતું, પણ કદાચ સારા માટે હતું.
આજના સુખ-સવલતો વચ્ચે ઉછરતા બાળકો આ બધું ક્યાંથી મેળવશે? વસ્તુની જેમ વ્યક્તિઓ બદલાય છે અને વહેંચાય છે. લાગણીઓનાં પાનાં પણ ગઈકાલનાં વાસી છાપાંના સમાચારોની જેમ એક કોરાણે મૂકી દેવાય છે. આ લખવાનો આશય અને ધ્યેય પણ અંતરના સ્વત્વને જગાડવાનો છે. હવે પછીની પેઢીનાં પ્રશ્નો અને મૂંઝવણો સમયાનુસાર જુદાં હશે, આર્થિક નહિ હોય; પણ ઉકેલ તો સૌને પહેલાંના લોકોની જેમ જ પોતાની મેળે જ કાઢવાનો રહેશે એ હકીકત સમજાવવાનો છે, દિલથી..
કોલેજમાં જાણીતા સાહિત્યકારો જેવાં કે, શ્રી યશવંત શુક્લ, હાસ્ય લેખક શ્રી મધુસૂદન પારેખ, ટાગોરની બંગાળી કૃતિઓના અનુવાદક શ્રી નગીનદાસ પારેખ અને સંસ્કૃત વિષયના શ્રી પી.સી.દવે મળ્યા, તો મિત્રો પણ ખૂબ ઉમદા મળ્યા. તે સૌ સાવ પોતાના લાગતા. એ વાતાવરણ, ઈતરપ્રવૃત્તિ અને ગીતા, વેદ, કાલિદાસનાં મહાકાવ્યો, શબ્દાર્થમીમાંસા ઘણું બધું શીખવા મળતું. એનાં ખરા અર્થો સમયની સાથે સાથે અનુભવની એરણ પર ટીપાતાં ટીપાતાં ખુલતા ગયા.
ઈતરપ્રવૃત્તિઓની યાદો પણ મનના એક ગોખલેથી ઝળહળ્યાં કરતી રહે છે. સંસ્કૃત ભાષામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ફાધર વાલેસની હાજરીમાં પ્રથમ ઈનામ મેળવ્યું હતું. કવિ શ્રી ઉમાશંકર જોશી હસ્તક કાવ્યપઠન માટે પણ ઈનામ મેળવ્યું હતું. કોલેજના એ ચાર વર્ષે ઘણું બધું આપ્યું. કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત વિષયમાં યુનિ.નો ગોલ્ડ મેડલ મેળવ્યો એ સિદ્ધિ આખી જિંદગી ખુશી અપાવતી રહી અને એને જાળવી રાખવા માટે પ્રેરતી રહી. શિક્ષકોએ સાચું જ કહ્યું હતું કે, કોઈપણ વસ્તુ મેળવવી સહેલી છે, એને જાળવવી અઘરી છે એ શીખ મનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને હંમેશા વારંવાર દ્વિધાઓના વળાંક પર દિશાઓ બતાવતી ગઈ. આમ, આર્થિક વિટંબણાઓએ શિક્ષણનો રાહ જરા ( વિજ્ઞાનના ક્ષેત્રમાં ન જવાયું એ રીતે) વાળી તો લીધો.પણ એનો ઝાઝો અફસોસ ન થયો. કારણ કે, દરેક સ્થિતિમાં ‘પ્રાયોરીટી’ પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે. અને સાચું શિક્ષણ તો જિંદગીમાંથી મળતું જ રહેતું હોય છે ને? એમ વિચારી મનને જલદી મનાવી લેવાતું.
સવારની કોલેજની સાથે સાથે બપોરથી સાંજના સમયની જૉબ કરી. કદીક ટ્યુશન કર્યા, ટાઈપીંગની નોકરી કરી. જે કાંઈ પૈસા મળતા તે ઘર-ખર્ચમાં ઉમેરણ થતું. બસને બદલે ચાલીને કોલેજ જતી. કપડાંની બે કે ત્રણ જ જોડ રહેતી. એક જોડ ચંપલ ઘણાં વરસ ચાલતી અને એક સ્વેટર ઘણાં શિયાળા ટૂંકાવતી. ૬ ભાઈબહેન હતાં ને? પણ કોણ જાણે એ અભાવ ત્યારે બહું નડતો નહિ. કારણ કે, બીજી સિદ્ધિઓના ગૌરવ આગળ અભાવો ઝાંખા પડતા. આજે એ બધા દિવસો યાદ કરું છું તો હવે…હવે વસમું દેખાય છે. છતાં યાદ કરવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, તેમાંથી ઘણું શીખવા મળ્યું અને તેથી વારંવાર યાદ કરી વાગોળવું ગમે છે.
સ્મરણની આ શેરીના વળાંકો કેવા કેવા મોડ પર લાવી ખડા કરી દે છે! અને કેવા જુદા, નવા રસ્તાઓ ખોલી આપે છે!! ૧૯૬૮માં યુનિવર્સિટીની નોકરી શરૂ કરી. ક્લાર્ક તરીકે એકાઉન્ટ વિભાગમાં શરૂઆત કરી. પછી તો સમયાનુસાર પરીક્ષા વિભાગ, અનુસ્નાતક વિભાગમાં અને લાયબ્રેરીમાં પણ કામ કર્યું. તે અરસામાં ઉંમર ૨૦ વર્ષની. એક મોટા કુટુંબની આદર્શ વહુ થવાના ત્યારે ઓરતા જાગ્યા. એક તરફ પોતાના નાનાં ભાઈબહેનો તો બીજી તરફ?! અવનવી દ્વિધા વચ્ચે મન ઝુલતું હતું. દિલ અને દિમાગ વચ્ચે રકઝક ચાલ્યા કરતી હતી.
તેવામાં યોગાનુયોગે જ્ઞાતિ બહારના એક યુવક સાથે જરા મન મળ્યું. નાતજાતના કે ધર્મ સંપ્રદાયોના વાડામાં હું ક્યારેય માનતી ન હતી. ઘરમાં પણ ક્યાં બંધન હતું? પણ સામે પક્ષે જબરદસ્ત ઉહાપોહ અને વિરોધ હોવાને કારણે, ફરી પાછો થોડાં વર્ષો, એક નવો સંઘર્ષ સામે આવી પડ્યો. નવલકથાની જેમ વહેતાં જતાં એ સમયની લાંબી પીંજણ કર્યા વગર એટલું જ કહીશ કે ત્રણ-ચાર વર્ષની ધીરજ અને અવિરત મક્કમતા સરસ કામે લાગી. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ એ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે’ એમ માની એ કસોટીકાળ પૂરો કર્યો અને ૧૯૭૧માં બહોળા નાગર પરિવારના ધ્રુવ કુટુંબમાં પ્રવેશ કર્યો. દૈવયોગ તો કેવો?! રગેરગમાં ભરેલા સાહિત્ય, સંસ્કૃત અને સંગીતનાં બીજને જાણે હવા, પાણી અને પ્રકાશ મળ્યાં!!
નવા જ રીતિરિવાજો, રહેણીકરણીમાં સ્વયંને ઢાળી અને વાળી. ઘણું ઘણું અહીં શીખવા મળ્યું. ૧૧ ઓરડાઓ, ત્રણ અગાશીઓ, મોટો ચોક અને ધાબાવાળા ત્રણ માળના મકાનમાં, વિશાળ સંયુક્ત કુટુંબ મધ્યે થતી તહેવારોની સામૂહિક ઉજવણી, પૂજા-પાઠ, સ્તુતિ, આરતી, મહેમાનોની સતત અવરજવર, દિવાળી-હોળી-ઉત્તરાયણના ઉજવાતા ઉત્સવો વગેરેમાંથી પસાર થતાં વ્યક્તિત્વને, ભીતરથી એક નવો જ આયામ મળતો ગયો. એકદમ સ્વતંત્ર રીતે વિકસેલી મનોવૃત્તિને અહીં સ્વયં સમજણ અને સમજૂતીના સરસ પાઠો મળ્યા. સાચા અર્થમાં અને વ્યવહારું રીતે અહીં ભણતરનો ઉપયોગ થતો ચાલ્યો. પરિણામે શરૂઆતનો સંઘર્ષ થોડાંક જ સમયમાં ઓગળતો ચાલ્યો અને સાહિત્ય, સંગીત અને સંસ્કાર-પ્રિય કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળીને એકરૂપ થઈ શકાયું. સૌનો સ્નેહ અને શાંતિ એ જ તો ખરો આનંદ. માનવી માત્ર સારો છે માત્ર સંજોગો ક્યારેક વર્ચસ્વ જમાવી દેતા હોય છે !! life is continuous a learning process. સાચા મનથી અને ધીરજથી શીખવાની ભાવના હોય તો સારું ગ્રહણ કરી શકાય છે. એકવાર સારી આદતો પડ્યા પછી એ જ તો ક્રમ બની જાય છે અને સફળતા આપમેળે મળતી રહે છે.
ગીતામાં જરા અઘરી રીતે આ જ વાત કરી છે ને? બસ, કર્મ કર્યે જાવ. ફળ તો આપોઆપ મળશે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
જે અવસ્થામાં જે કાંઈ સામે આવી મળે છે તેને યોગ્ય રીતે સ્વીકારીએ, એને વિક્સાવીએ તો સારા વાવેલાં કે મળેલાં બી, થોડી અમસ્તી માવજતથી ઊગ્યા વગર નથી રહેતા. સમય સમયનું કામ કર્યે જાય છે. કોઈનો સમય એકસરખો ક્યારેય રહેતો જ નથી.
૧૯૭૫ થી ૮૦ના ગાળામાં તો નસીબ આડેનાં પાંદડે એક જુદો જ રંગ ધર્યો..
ક્રમશઃ
