આલેખનઃ રાજુલ કૌશિક
શ્રી અવિનાશ વ્યાસ એક એવું નામ, એક એવી વ્યક્તિ જેમના માટે કહેવાયું છે કે, એ એક અમરત્વ લઈને ગયા છે, ગુજરાતી સુગમસંગીતનો ભવ્ય વારસો ગુજરાતને આપીને ગયા છે. વાત કેટલી સાચી છે !
દેશમાં કે વિદેશમાં વસતા ગુજરાતીઓનાં ઘર ઘરમાં પ્રસંગ હોય ત્યારે આંગણે કે ઉંબરે સાથિયા મુકાય. ટોડલે તોરણ બંધાય અને ઘરની કુંવારકાઓ અને પરણિતાઓનાં હાથે મહેંદી મુકાય.
મહેંદી તો કદાચ સદીઓથી આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયલી હશે, પણ જાણે મહેંદીની સાચી ઓળખ થઈ કે ખરો રંગ પરખાયો અવિનાશ વ્યાસ રચિત ગીત ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’ ગીતથી અને એ પછી તો એ ગીતનો રંગ આજ સુધી સૌનાં મન પર એવો તો છવાઈ ગયો છે, કે હાથે મુકાયેલી મેંદી થોડા દિવસ પછી ઝાંખી થાય પણ એ ગીતનો રંગ ક્યારેય ઝાંખો નથી પડ્યો કે ક્યારેય નહીં પડે.
“કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,
ઘુંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર,
લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,
લટકમટકતી ચાલ ચાલતી જુવો ગુર્જરી નાર,
અરે ભાઈ જુવો ગુર્જરી નાર”
ના નાદથી શરૂ થતો આ ગરબો આજે પણ પ્રત્યેક ગુજરાતણને ગમે છે.
https://youtu.be/LjQAjVcBoRI?si=vxZzhIQz2_uEb-aS
આ ગીત સૌએ કોણ જાણે કેટલાય લોકોએ કેટલીય વાર ગાયું હશે, સૌએ પણ આ ગીત કેટલીય વાર ગણગણી લીધું હશે. કેટલીય વાર સૌ એના તાલે ગરબે ઘૂમી પણ લીધું હશે ત્યારે વિચાર આવે કે, આ ગીતમાં એવું તે શું છે કે યાદ કરી ફરી ફરી વાગોળવાનું ,ગાઈને ગરબે ઘૂમવાનું મન થાય? એના શબ્દો કે એની ધૂન ?
શબ્દોની સાથે જોડાયેલી વાત વિશે સૌને આછોપાતળો અંદાજ હશે. આ આખા ગીતમાં પ્રિયતમના વિરહમાં ઝૂરતી પરણિતાની વાત છે. પતિ પરદેશ છે અને દિયર તેને મેંદી લગાવવાનું કહે છે ત્યારે પત્નીના મનમાં ઉઠતા ભાવો તે ગીતમાં વ્યક્ત કરે છે જે ભાવો એ સમયની નારીના છે.
આમ જોવા જઈએ તો મૂળ વાત તો ગાયકી, સૂરીલા અવાજની છે જે ક્યાં સૌના નસીબની વાત છે પણ કેટલાય ગીતો એવા છે જે આજે પણ સામાજિક પ્રસંગોથી માંડીને સ્ટેજ પર ગવાયા છે અને ગવાતા રહેવાના છે.
જે ગેય એટલે કે ગાઈ શકાય છે એવી રચાનાઓનું પણ કેટ-કેટલું વૈવિધ્ય? નરસિંહ મહેતાના પ્રભાતિયાથી માંડીને મધ્યકાલિન ગીતપરંપરા, પ્રાચીન રાસ-ગરબા, સમકાલીન ગુજરાતી ગીતો, આધુનિક -જેને રેપ સોંગની કક્ષામાં મુકી શકાય એવા ગીતો, ગઝલોની સમૃદ્ધિ,રંગભૂમિને ગજવતા ગીતોનો વૈભવ અને ફિલ્મો દ્વારા પ્રચલિત ગીત-સંગીત.
ઘણીવાર વર્ષોથી સાંભળતા આવેલા ગીતો કાનની આદત બની જાય. શબ્દો માટે સંગીત પણ એટલું જ અસરકારક માધ્યમ. મોઝાર્ટ કે બિથોવનની સિમ્ફની હોય તો એ પણ કાનને તો એટલી જ ગમવાની. કેટલીક વાર એવું બને કે જેમાં શબ્દ ન પકડાય કે ન સમજાય પરંતુ એનું સંગીત ચિત્તને, આત્માને ઝંકૃત કરી દે. અવિનાશ વ્યાસની એવી કેટલીય રચનાઓ છે જે સીધી જ આપણાં મનને ઝંકૃત કરી દે. એ જાણે આપણા જ હોય, આપણા માટે જ લખાયા હોય એટલા સ્વભાવિક લાગે.
લોકગીતોનો પણ અનોખો ઈતિહાસ છે. ક્યારે, કોણે એ રચ્યા છે એના મૂળ સુધી ઉતર્યા વગર સાવ સરળતાથી સ્વીકારી લેવાયેલ ગીત એટલે લોકગીત. આ લોકગીત માટે એવું કહેવાય છે કે “લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. કંઠસ્થ સાહિત્ય પરંપરાથી ચાલ્યા આવતા કે કોઈ અજ્ઞાત ગીતકારે જોડીને વહેતા મૂકેલા ગાન.”
એક સમય હતો જ્યારે સ્ત્રીઓને એટલી ક્યાં મોકળાશ હતી કે સૌની વચ્ચે આવીને પોતાની વાત કહે ત્યારે એ ઘરમાં જ રહીને ઘંટી પર ધાન દળતા, ઘમ્મર વલોણામાંથી માખણ તારતા કે પછી સરખે સરખી સહિયર સાથે કૂવાના કાંઠે પોતાનો રાજીપો કે વ્યથા વ્યકત કરતી વેળા મનમાંથી આપોઆપ સ્ફૂરી ઉઠેલા શબ્દોને એ એક હલક સાથે ગણગણી લેતી હશે અને સમય જતા એ લોકગીત તરીકે સ્વીકારાઈ ગયા હશે.
અવિનાશ વ્યાસની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. પછી તો તેમના ગીતો અને ગરબા તો ઘર ઘર સુધી પહોંચ્યા અને એટલી હદે એ સૌને પોતાના લાગ્યા. એના કર્ણપ્રિય શબ્દ અને સંગીતના લીધે કંઠસ્થ થવા લાગ્યા અને પછી તો એના ગીતકાર-સંગીતકાર કોણ છે એના ઊંડાણ સુધી જવાના બદલે એને લોકગીત માનીને પણ એ ગવાતા રહ્યા, ઝીલાતા રહ્યા અને એના તાલે સૌ કોઈ તન-મનમાં થનગાટ સાથે ઝૂમ્યા.
શ્રી અવિનાશ વ્યાસે અનેક રચનાઓ કરી અને સ્વરબદ્ધ કરી એટલું જ નહીં પોતાની સાથે બીજા અનેક કવિની રચનાને પણ સ્વરબદ્ધ કરી. એમની ગુજરાતી ગીતોની ધૂનનો પ્રયોગ હિંદી ફિલ્મોમાં પણ થયો.
તેમનાં ગીતોમાં ઘણાંને સાહિત્યિકતા ઓછી લાગે, પણ સહજતા ઘણી છે, એ વાત ટાળી શકાય નહીં.
ગુજરાતના લોકજીવન, સંસ્કારને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં ‘પાંદડુ લીલું ને રંગ રાતો, હેજી મારી મેંદીનો રંગમદમાતો….’ ગીત હોય કે ‘‘નયન ચકચૂર છે’ ગીત પણ આજે ક્યાં ભુલાય છે ? કેવા મઝાના ગીતો ?
એટલે જ તો અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના ભીષ્મપિતા કહેવાયા.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
