ડૉ. ભરત ભગત
“કુરિયને જેવી રીતે દૂધની ક્રાંતિ કરી તેવી રીતે મારે ખાદીની ક્રાંતિ કરવી છે.” શબ્દો હતા મિ.પ્રકાશ શાહના. મને આશ્ર્ચર્ય થયું એટલે પૂછી બેઠો : “તમને ખબર છે કે આખા દેશમાં વેચાતા કાપડમાં ખાદીનું વેચાણ અડધા ટકાથી પણ ઓછું છે. શું તમને આનાં કારણો ખબર છે ?” એમનો ત્વરિત ઉત્તર હતો : “મારા માટે સાડા નવ્વાણું ટકા માર્કેટ ખુલ્લું છે એ અગત્યનું છે અને સાથેસાથે એ પણ ખબર છે કે ખાદીની વસ્તુ લાંબી ચાલતી નથી. પડતર કિંમત ઊંચી છે અને એનાં કારણોની પણ મને જાણકારી છે.”
મારાથી પુછાઈ ગયું : “શું આ તમે કરી શકશો ? એકલા હાથે આટલા વિરાટ કામને પહોંચી શકશો ? કુરિયને જિંદગીનાં પચાસ વર્ષ હોમી દીધાં હતાં અને તમારી પાસે કેટલાં વર્ષ છે એ કોઈને ખબર નથી.” તેમનો ત્વરિત જવાબ હતો : “જે કામ માટે કુરિયનને પચાસ વર્ષ લાગ્યાં તે એમના જેવા અસંખ્ય લોકોના અનુભવોનો અભ્યાસ કરી મને લાગે છે આ કામ હું એક દાયકામાં જ કરી શકીશ.” હું તેમની સામે આશ્ર્ચર્યથી જોઈ રહ્યો હતો ત્યારે તેમણે તેમનો ટ્રેડમાર્ક શબ્દ કહ્યો : “ના કેમ થાય ?”
કુરિયને બ્રાન્ડનેમ આપ્યું ‘અમૂલ’ અને મારી ખાદીનું બ્રાન્ડનેમ હશે ‘નિસર્ગ.’
આ વ્યક્તિમાં શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ, ગાંધીનો સાચો ગાંધીવાદ અને શ્રી શ્રી રવિશંકરજીના વસુદૈવ કુટુમ્બકમ્ નો સુભગ સમન્વય થયેલો છે. આવો પવિત્ર અને અદ્ભુત ત્રિવેણી સંગમ આ વ્યક્તિમાં સર્જાયેલો છે.
શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મનું સેવન કવચિત્ કોબા આશ્રમમાં રહીને કરે છે. તથા આ આશ્રમ દ્વારા અનેક વ્યક્તિઓ માટે આધ્યાત્મિક જીવન સહજ પ્રાપ્ત થાય એ માટે માનદ ટ્રસ્ટી તરીકે સક્રિય સેવાઓ આપી સંસ્થાના વિકાસ તથા નવસર્જનમાં અમૂલ્ય ફાળો આપે છે.
પ્રકાશભાઈના મનમાં સતત એક ચિંતા છે કે ગામડાંના ખેડૂત પાસેની જમીન વંશ પરંપરાગત વહેંચાતી ગઈ અને બીજી-ત્રીજી પેઢી આવતાં એટલી નાની થઈ ગઈ કે એની નીપજ કુટુંબ માટે સાવ અપૂરતી બની ગઈ. એમણે જોયું અને અનુભવ્યું કે છેલ્લા પાંચ દાયકાથી ગામડાં ભાંગી રહ્યાં છે અને ત્યાંના લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. શહેરીકરણ વિસ્તરી રહ્યું છે. એમાં શહેરી જીવનમાં દેખાતાં ઝાકમઝોળ, સગવડો તથા વધુ સુખી થવાનાં સપનાં તો ખરાં જ, પરંતુ સૌથી અગત્યનું કારણ સ્થાનિક રોજી કમાવા માટેની સુવિધાઓનો અભાવ. ટેલિવિઝનના માધ્યમે શહેરોની સુખ-સમૃદ્ધિનાં દર્શન કરાવ્યાં અને માણસ માત્રને આકર્ષ્યો, પરંતુ સિમેન્ટ-કૉંન્ક્રીટના જંગલ જેવાં શહેરોમાં ફક્ત કામ અર્થે આવેલા, ઓછું ભણેલા ગ્રામવાસીઓ ઝૂંપડપટ્ટીમાં અથવા ગીચ મજૂર વિસ્તારમાં રહી બદતર જીવન જીવે છે. તથા બીજા લાખો લોકો શુદ્ધ હવા, પાણીવાળું ગ્રામ્યજીવન છોડીને મોકળાશ વગરનાં તથા શહેરોના પ્રદૂષિત વાતાવરણમાં ભાગદોડવાળું જીવન પસાર કરી રહ્યા છે. આ પણ એક કડવું સત્ય છે.
પ્રકાશભાઈએ એ જ છેડાને પકડ્યો, વાત કરી ખાદી ઉત્પાદનની પણ એની સાથે એમાં આધુનિકતાનો સમન્વય કર્યો. પ્રકાશભાઈએ વિશ્વ-વિખ્યાત ટેક્સટાઇલ મશીનરી બનાવવી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ આધુનિક ટૅકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા જ હોય, પણ એમની પાસે અર્વાચીન અને આધુનિકનો મહત્તમ સમન્વય કરવાની સમજ હતી.
સફળ ઉદ્યોગપતિ હોવાને કારણે દરેક પ્રોજેક્ટમાં ઊંડા ઊતરવા ટેવાયેલા પ્રકાશભાઈએ ખાદી ઉત્પાદનના પ્રશ્ર્નો માટે અનેક ખાદી કેન્દ્રોની વ્યક્તિગત મુલાકાત લીધી. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં જાણીતા ખાદી ઉત્પાદકોને એક દિવસની શિબિરના આયોજન માટે આમંત્રિત કરી તલસ્પર્શી અભ્યાસ કર્યો. ઉત્પાદન માટેનાં સાધનો અને તેની પદ્ધતિ જૂનીપુરાણી છે તેથી પ્રોડક્શન તો આછું આપે જ છે પણ સૂતર તથા કાપડની ગુણવત્તા પણ યોગ્ય નથી. અટીરામાં એમણે ખાદીના તાર તથા મિલના સૂતરના તારના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે અંબર ચરખાની ખાદીની તારની સ્ટ્રેન્થ (તાકાત) ઓછી છે. એટલે ખાદીનું કપડું લાંબું ચાલતું નથી. ‘પ્રકાશભાઈ પોતે એન્જિનિયર અને ટેક્સટાઈલ મશીન્સ બનાવે એટલે એમણે સ્પિનિંગના અનુભવી ટૅકનિશિયનો સાથે વાત કર્યા મુજબ નક્કી કર્યું કે પૂણી બનાવવા મશીન અદ્યતન જોઈએ, જેથી આગળ ઉપર અંબર ચરખા પર કંતાયેલું સૂતર પણ મજબૂત અને ટકાઉ બનશે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓના સંપર્ક પછી રૂમાંથી સારી કક્ષાની પૂણી બનાવવાનો પ્રોજેક્ટ નાના પાયે તૈયાર કર્યો.
કામ કરવા ઇચ્છતી વ્યક્તિને અંબર ચરખો મોંઘો નહીં પડે કે સોલારનો ઉપયોગ અમુક ચોક્કસ સમયે જ થઈ શકશે એ સમસ્યા અંગે મેં ધ્યાન દોર્યું તો એનો રસ્તો પણ એમની પાસે તૈયાર હતો. આ અંબર ચરખાનું રજિસ્ટ્રેશન ખાદી બોર્ડમાં થશે. એટલે એને સબસિડી મળશે તદુપરાંત સામાન્ય વ્યાજે લોન આપવા બેંકો તૈયાર છે. મહિને બે હજારનો હપ્તો ભરશે એટલે થોડાં વર્ષમાં ચરખાનો – શાળનો એ માલિક થઈ જશે. સોલાર પાવર ગ્રીડમાં જાય તો એ જ વીજ કંપની એને કાંતવાના સમયે વીજળી પરત કરશે એવું આયોજન થઈ રહ્યું છે. અત્યારના જમાનાના લોકોને ખાદી માટે બહુ માન નથી તો આટલું મોટું પ્રોડક્શન તમે વેચશો કઈ રીતે એ મારી ચિંતા સાથેનો મનોમન પ્રશ્ર્ન હતો પરંતુ પ્રકાશભાઈની આંખમાં અને તેમના સમગ્ર અસ્તિત્વમાં આત્મવિશ્ર્વાસ હતો.
અમારી ફાઈનલ પ્રોડક્ટ મિલના કાપડ જેટલી જ ગુણવત્તાસભર હશે અને મિલના પોતાના પ્રોડક્શન કરતાં થોડી ઘણી સસ્તી પણ હશે એટલે સી.એસ.આર. (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી)ની ભાવના સમજનાર મિલો આ ગ્રામોદ્યોગ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ લઈ વેચશે. ઉદાહરણ તરીકે અરવિંદ, રેમંડ જેવી મિલોના માલિકોએ આ અંગે તત્પરતા દાખવી જ દીધી છે. અમારી બ્રાન્ડ હશે નિસર્ગ-કુદરત, વ્યક્તિ એની જ કુદરત સાથે રહે, ત્યાં જ વિકસે અને ત્યાં જ સુખી જીવન ગાળે. આ સ્વપ્નું ગાંધીજીએ સેવ્યું હતું અને હવે એ પરિપૂર્ણ કરવાની દિશામાં અમે પહેલ કરી રહ્યા છીએ. પ્રકાશભાઈએ બહુ સરસ વાત કરી. “કોઈપણ કામની સફળતા માટે જરૂરી છે યોગ્ય નેતૃત્વ, ટેકનોલોજી અને સમર્પિત કાર્યકર્તાઓની ટીમ. આ બધું જ અમારી પાસે છે તો સફળતા મળશે જ અને એક ખાદી ક્રાંતિની શરૂઆત થશે જ.” સ્વપ્ન જોનાર અને એના માટે પ્રયત્નશીલ એવા પ્રકાશભાઈને સલામ.

સ્વપ્ન જોનાર અને એના માટે પ્રયત્નશીલ એવા પ્રકાશભાઈને સલામ. નિસર્ગ ખાદી વસ્ત્રોને જરૂર આવકાર મળશે. ખાદી એ આપણા દેશનું ગૌરવ વસ્ત્ર છે.
સરયૂ પરીખ.
LikeLike