વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

પરેશ ૨. વૈદ્ય

ઝરણુંઃ૪ માં ‘વાદળાં કેમ બને છે?’ એ વિષે ચર્ચા કરેલી.
વાદળો ઘણા પ્રકારનાં હોય છે. વિવિધ સ્વરૂપોમાં દેખાય છે. જુદા જુદા આકાર, પ્રકાર તો ક્યારેક રંગ પણ જુદા. કોઈ કાળા ડીબાંગ તો કોઈ રૂના ઢગલાં જેવાં સફેદ. વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેનો જુદો દેખાવ જોવા મળે. કેટલાંક વરસાદ આપી જાય તો કેટલાંક અમથાં અમથાં પ્રવાસ કરનારાં.
અહીં વાદળાંના પ્રકારો વિશે સાદી સમજ રજૂ કરવામાં આવી છે.

કાશમાં જો વાદળ દેખાઈ જાય તો તે વિવિધ સ્વરૂપોમાં દેખાય છે. જુદા જુદા આકાર, પ્રકાર તો ક્યારેક રંગ પણ જુદા. કોઈ કાળા ડીબાંગ તો કોઈ રૃના ઢગલાં જેવાં સફેદ. વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેનો જુદો દેખાવ જોવા મળે. કેટલાંક વરસાદ આપી જાય તો કેટલાંક અમથાં અમથાં પ્રવાસ કરનારાં. નિષ્ણાંતો જ તેના દેખાવ પરથી તેના ઉદભવ અને કાર્ય બાબત કહી શકે પરંતુ સામાન્ય જન માટે અમુક સાદાં અવલોકન પૂરતાં છે.

ત્રણ જુદી જુદી ઊંચાઈએ વાદળાંનો વસવાટ છે. જમીનથી નજીક, મધ્યમાં અને બહુ ઉપર. દરેક સ્તરે ઓછામાં ઓછા બે પ્રકાર સ્પષ્ટ છે — એક ઘટાદાર, ગોટેગોટા જેવાં અને બીજાં પાતળાં, વિસ્તૃત ફેલાયેલાં. સૌથી ઉપરનો થર ૮થી ૧૦ કિ.મી. ઉપર હોય છે. શિયાળામાં ઘણીવાર સૂરજને આછો પાતળો ઢાંકી દેતાં ઝીણી ડિઝાઈનનાં આ વાદળાં છે. ક્યારેક તે ખેડેલાં ખેતરના ચાસવાળાં હોય તો ક્યારેક પંખીનાં પીછાં ફેલાયાં હોય તેવાં કે પછી જાળી પાથરી હોય તેવાં. અંગ્રેજીમાં તેને CIRRUS પ્રકાર કહે છે. આ ઊંચાઈએ હોતાં તે પાણી નહીં પણ બરફના સૂક્ષ્મ કણોનાં બનેલાં હોય છે.

 

વચ્ચેની ઊંચાઈએ મળે તેને ALTO પરિવાર કહે છે. જમીનથી તેની ઊંચાઈ ૩થી ૬ કિ.મી. હશે. આનો થર પણ જાડો છે – ૧ થી ૨ કિ.મી. આમાં ઘટાદાર (Cumulus) અને પથરાયેલાં (Stratus) એમ બે પેટા પ્રકાર છે. આ વાદળાં વરસાદ આપી શકે છે. જો માત્ર આ થર હોય તો વરસાદ હંગામી, ટૂંકાગાળાનો હશે. સાથોસાથ નીચેનાં વાદળાં પણ હોય તો બંને મળીને સારો વરસાદ આપી શકે. ‘અલ્ટો’ વાદળામાં પાણી અને બરફ બંને હોઈ શકે.

સૌથી નીચેનો થર ઘનઘોર વાદળાંનો છે. જમીનથી માત્ર દોઢ કિલોમીટર દૂર એ તરતાં હોય છે. એના થરની જાડાઈ અરધો કિ.મી. હોય. પાણીનાં સૂક્ષ્મ ટીપાંથી બનેલાં આ વાદળ ચોમાસું ન હોય તો પણ દેખાય છે. ત્યારે એ સફેદ જ હોય છે. ઉદાહરણ તરીકે મે મહિનામાં દેશના પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં તે હોય છે. વરસાદની ઋતુમાં તેનો વિસ્તાર આકાશમાં વધી જાય છે. ઉષ્ણતામાન ઘટ્યું હોય તો તે થોડાં નીચે પણ ઉતરી આવે છે.

વાદળાંનો એક પ્રકાર છે જે આમ તો નીચેના સ્તરે હોય છે પરંતુ ભેજવાળી હવાની અસ્થિરતાના સંજોગોમાં એ ઊંચાઈના ત્રણે થરમાં વિસ્તરી શકે છે. તેનું અંગ્રેજી નામ Cumulo Nimbus છે; આપણે તેને ‘ગાજવીજનાં વાદળ’ કહી શકીએ કારણ કે ‘થંડરસ્ટોર્મ’ની ઘટના જોડે એ સંકળાયેલાં હોય છે. એની ઉત્પત્તિની વાત ‘વીજળી અને મેઘગર્જના’ના પ્રકરણ (પ્રકરણ-૮)માં કરી છે. આ વાદળાંમાં હવાની ઘનતા સ્થળે સ્થળે બદલાતી હોવાના કારણે વિમાન તેમાં હાલકડોલક થાય છે. ગાજવીજનાં વાદળમાં હવા ઉપર-નીચે પણ જતી હોય છે. વિમાનનું સંચાલન તેનાં વધુ મુશ્કેલી પેદા કરે છે. કેટલાક અકસ્માતો પણ તેનાં હવામાનમાં નોંધાયા છે.


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.