ધિક્કારનાં ગીતો
ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં…
દીપક સોલિયા
૨૦૨૨માં ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આપઘાત કરેલો. એ સફળ અભિનેત્રી હતી, પણ ટીવી ઇન્ડસ્ટ્રીથી એ કંટાળી ગયેલી. એ ૩૦ વર્ષની હતી અને લગ્ન કરવા માગતી હતી, પરંતુ એ શક્ય નહોતું બની રહ્યું. તેના આપઘાતની પ્રાથમિક તપાસમાં પોલીસને વૈશાલીના લખાણ પરથી એવું જાણવા મળ્યું કે વૈશાલીનો એક પ્રેમી, જે પોતે પરણેલો છે અને બે સંતાનોનો પિતા છે તે ન તો વૈશાલી સાથે પરણવા માટે તૈયાર હતો કે ન તો વૈશાલીને અન્ય કોઈ સાથે પરણવા દેતો હતો.
વાત ફક્ત વૈશાલીની નથી. જુવાનીમાં પ્રેમના મામલે ગોથું ખાનાર કોઈ પણ યુવતી જાણતી જ હોય છે કે આવા મામલે એ કંઈ પણ બોલશે તો દુનિયા તેની વાત સમજવાને બદલે તેને ફાડી ખાશે, ઊંચીઊંચી સલાહો આપશે, સવાલો પૂછશો કે ‘તેં આવું કર્યું જ શું કામ?’ માટે, પછી યુવતી ચૂપ થઈ જાય, ગુંગળાય…
અતિ સફળ હિન્દી ફિલ્મ’ જબ વી મેટ’માં હિરોઈન ગીત (કરીના કપૂર)નું આવું રૂપાંતરણ તમે કદાચ જોયું હશે અને તમને યાદ હશે. ઘરેથી ભાગીને પ્રેમી પાસે જતી રહેલી ગીતને પ્રેમી સ્વીકારતો નથી ત્યારે એ ડઘાઈ જાય છે. તેનો બધો ઉમળકો અને સ્ફૂર્તિ ગાયબ થઈ જાય છે. તે એક ઉદાસ શિક્ષિકા બની જાય છે. તેને ખબર છે કે ઘરેથી ભાગવાની ભૂલ તેની પોતાની હતી. તેને ડર છે કે હવે ઘરે પાછી જશે તો પોતાની એ ભૂલનો ખુલાસો કરવો તેને ભારે પડી જશે.
આવી સ્થિતિઓમાં, વાંક ભલે પુરુષનો હોય, પ્રેમીનો હોય, પરંતુ કંટાળેલી સ્ત્રી વાંક પોતાના માથે ઓઢીને ચૂપ થઈ જાય એવું બની શકે. બાકી, વાણી એ તો સ્ત્રીની મહત્ત્વની આવડત હોય છે, તેનું મહત્ત્વનું હથિયાર હોય છે, પરંતુ અમુક સંજોગોમાં સ્ત્રી બોલવાનું, લડવાનું છોડીને, નિયતિનો સ્વીકાર કરીને ચૂપ થઈ જતી હોય છે.
આ મુદ્દાને ફિલ્મ અદાલતની ગઝલમાં સારી રીતે વણી લેવામાં આવ્યો છેઃ
મજબૂર બહોત કરતા હૈ યે દિલ તો ઝુબાં કો;
કુછ ઐસી હી હાલત હૈ કે હમ કુછ નહીં કહતે.
એવું નથી કે બોલવાની ઇચ્છા નથી થતી. દિલ તો બહુ જ વિનવણી કરે છે કે પ્લીઝ મને બોલવા દે, પણ સંજોગો એવા છે કે બોલી શકાય તેમ નથી. બાકી અંદર ભડાસ તો ઘણી છે,
કહને કો બહોત કુછ થા અગર કહને પે આતે;
દુનિયા કી ઇનાયત હૈ કે હમ કુછ નહીં કહતે.
બોલવા બેસું તો ઘણું બોલી શકું તેમ છું, પણ દુનિયાની ઇનાયત છે, કૃપા છે, મહેરબાની છે કે હું બોલતી નથી. અહીં ઇનાયત શબ્દ મસ્ત રીતે વાપર્યો છે. એમાં કટાક્ષ છે. કડવાશ છે. કહેવું તો એવું છે કે દુનિયાના પાપે હું ચૂપ છે, પણ પાપ જેવો ભારે શબ્દ વાપરીને દુનિયાની ટીકા કરવાને બદલે યુવતી ઇનાયત-કૃપા-મહેરબાની જેવો પોઝિટિવ શબ્દ વાપરીને દુનિયાને ટોણો મારે છે.
અલબત્ત, પછી દુનિયાની સીધેસીધી ટીકા પણ કરે છેઃ કંઈક બોલું તો દુનિયાને તે ગમતું નથી, દુનિયા હોબાળો મચાવે છે. માટે હું ચૂપ થઈ ગઈ છું. પણ હું ચૂપ રહું એમાંય દુનિયાને વાંધો છે. દુનિયા પછી એમ કહીકહીને મારું માથું કાણું કરે છે કે તું કંઈ બોલતી કેમ નથી.
કુછ કહને પે તુફાન ઉઠા લેતી હૈ દુનિયા;
અબ ઇસપે કયામત હૈ કે હમ કુછ નહીં કહતે.
બોલવામાં પણ પ્રોબ્લેમ અને ન બોલવામાં પણ પ્રોબ્લેમ… આ બે બાજુના દુઃખની અભિવ્યક્તિ કરતી આ ગઝલ ઉપરાંત ફિલ્મ અદાલતની ત્રીજી શાનદાર ગઝલ આ છેઃ
યૂં હસરતોં કે દાગ મહોબ્બત મેં ધો લિયે
ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે.
અરમાનો બહુ હતા. એ અરમાનોને લીધે અમે ખરડાયા. ઇચ્છાઓના એ ડાઘને અમે પ્રેમના, રાધર પસ્તાવાના, આંસુથી ધોઈ રહ્યા છીએ. હવે આ મામલે દુનિયા સાથે ચર્ચા કરવાનો તો કોઈ મતલબ નથી એટલે ઉપરની ગઝલમાં કહ્યું છે તેમ અમે ચૂપ થઈ ગયા છીએ, પરંતુ અંદરખાને, દિલમાં જાત સાથે જાતનો સંવાદ ચાલુ છે. એ સંવાદમાં અમે ખુદની સમક્ષ ખુદની વ્યથા વ્યક્ત કરીએ છીએ અને રડી લઈએ છીએ. ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે.
નાયિકા આ ગઝલમાં ફરી એક વાર એ જ વાત કહે છે કે અમે ચૂપ રહીએ તો જમાનાને અમારી ચૂપકિદી મંજુર નથી અને જમાનો લોહી પીતો હોવા છતાં નિર્દોષ ભાવે એવું પૂછે છે કે મેડમ, તમે ચૂપ કેમ છો? કંઈક તો બોલો.
હોંઠોં કો સી ચૂકે તો ઝમાને ને યે કહાં
યે ચૂપ સી ક્યોં લગી હૈ, અજી કુછ તો બોલિયે.
અને ગઝલનો સૌથી શાનદાર શેર આ છેઃ
ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં
ગમ રાહ મેં ખડે થે વો હી સાથ હો લિયે.
વ્યાપક ઢબે, સહેજ અતિશયોક્તિ સાથે એવું કહી શકાય કે સમગ્ર માનવજાતની કથા આ એક શેરમાં વણી લેવાઈ છે. આપણે બધાં જ, આખી જિંદગી મથતાં તો હોઈએ છીએ ખુશ થવા માટે, પણ સુખ સાલું એવા સિક્કા જેવું છે જેની બીજી બાજુ દુઃખ છે. એટલે થાય એવું કે નીકળ્યા તો હોઈએ ખુશીની તલાશમાં, પણ રસ્તામાં દુઃખો વળગી પડે અને પછી એ જ આપણી સાથે ચાલ્યા કરેઃ ગમ રાહ મેં ખડે થે, વો હી સાથ હો લિયે.
શોધીએ સુખ. મળે દુઃખ.
જીના ઇસી કા નામ હૈ.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
