ચેતન પગી

દિવાળી પ્રકાશનું પર્વ છે એવું આપણે માનીએ છીએ. બજારમાં આંટો મારીએ તો એવું લાગે છે કે દિવાળી ડિસ્કાઉન્ટનું પર્વ છે. સામાન્ય માણસ મૂંઝાઈ જાય છે કે દિવાળી છે એટલે ડિસ્કાઉન્ટ છે કે ડિસ્કાઉન્ટ છે એટલે દિવાળી?
માળિયાંની સફાઈથી શરૂ થતા અને બેન્ક બેલેન્સની સફાઈ સાથે પૂર્ણ થતા દિવાળીના તહેવાર નિમિત્તે વાંચો ઇકો ફ્રેન્ડલી સુરસુરિયાંનો લેટેસ્ટ ડૉઝ.
- દિવાળીના દિવસોમાં ‘માળિયા’ જવા બસ પકડવી પડતી નથી. સ્ટૂલ પર ચઢીને પણ ત્યાં પહોંચી શકાય છે.
- હીં છપાયેલા અખબારી અહેવાલ મુજબ મધ્યમ વર્ગની એક અવાજે માગણી છે કે મોંઘવારી વધી જતા હવે દૂધની થેલી, કાંદા-બટાકા, સ્કૂટરનાં ટાયરની સેકન્ડહેન્ડ ટ્યૂબ કે કમરના દુખાવાની દવા જેવી વસ્તુઓની ખરીદીને પણ ‘દિવાલી શોપિંગ’માં ગણી લેવામાં આવે. જેથી આડોશપાડોશમાં ‘અમારું શોપિંગ થઈ ગયું’ એમ કહી શકાય.
- નવરાત્રિમાં નવ દિવસ હીંચ લઈને ગુમાવેલી ચરબી પાછી મેળવવાનો તહેવાર એટલે દિવાળી. • ટ્રાવેલ્સ બસોના ડ્રાઇવરોને પાઇલટનો દરજ્જો આપતો જો કોઈ તહેવાર હોય તો એ દિવાળી.
- આમ તો દિવાળીના દિવસોમાં વિમાનોમાં પણ મુંબઈ લોકલની જેમ લટકતા હેન્ડલ મૂકવા પડે એવી ભીડ જોવા મળતી હોવાથી પાઇલટો ‘એસ્ટ્રોનટ’નો દરજ્જો માગે તો ના પાડી શકાય નહીં.
- આ દિવસોમાં ઇન્ટરનેટ કે હેશટેગ વગર ટ્રેન્ડ કરતા શબ્દો એટલે ‘બોનસ’, ‘બોણી’ અને ‘કમાણી’ અને ત્રણેયની ‘ઉઘરાણી’ એ ટ્રોલિંગ.
- દિવાળી પહેલાં શાહરુખ, સલમાન કે દીપિકા પછી જેની ડેટ મળવી અઘરી છે એવી સેલિબ્રિટી એટલે પ્લમ્બર, પેઇન્ટર અને કાર્પેન્ટર.
- વેકેશનમાં છોકરાછૈયાંને રાજી કરવા રજા લેવા માટે કર્મચારીઓને કામચલાઉ ધોરણે બૂકી બનવું પડે છે. મોટા ભાગના કેસમાં સહકર્મચારીઓને દિવાળી પતી ગયા પછી મેચ તો ફિક્સ હતી એવી ખબર પડે છે.
- દિવાળી એવો તહેવાર છે જેમાં મોટેરા ઘૂઘરાની જીદ કરે છે અને બાળકો બંદૂકની.
- ડાયાબિટીસના પેશન્ટ હોય એવા ઘરના રસોડામાં સીસીટીવી કેમેરા મૂકવા પડે એવો તહેવાર એટલે દિવાળી.
- સીસીટીવી કેમેરા ન હોય એવામાં રસોડામાં મઠિયાં, સુંવાળી કે સોનપાપડીની ચીલઝડપે ઉઠાંતરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આ દિવસોમાં બજારમાં ક્યારે ખિસ્સું કપાઈ જાય અને રસોડામાં ક્યારે ડબો ખાલી થઈ જાય એની ખબર સુધ્ધાં પડતી નથી.
- મોટા ભાગનો નાસ્તો ‘બજારુ’ હોવાથી કોઈને ત્યાં મહેમાન બનીને જવાનો ફાયદો એ છે કે નાસ્તાનાં ખોટાં વખાણ કરવાની જરૂર પડતી નથી.
- આખું વરસ એસટી બસમાં વિન્ડો સીટનો આગ્રહ રાખનારા પેસેન્જરો દિવાળીના દિવસોમાં વિન્ડોમાંથી બસમાં પ્રવેશવા પણ તૈયાર થઈ જાય છે.
- પોતાના ગામ-શહેરમાં ‘કોઈક કારણસર’ ભાગ્યે જ ભેગા થતા લેણદાર અને દેણદાર બંનેનું માઉન્ટ આબુમાં સ્નેહમિલન કરાવે એવો તહેવાર એટલે દિવાળી.
- સોસાયટીનાં મેદાનો (જો હોય તો) આ દિવસોમાં ‘સતીષ ધવન સ્પેસ સેન્ટર’માં ફેરવાઈ જાય છે જ્યાંથી લૉન્ચ થતા રોકેટ જો દિશાભાન ગુમાવે તો ‘નાસા’માં પણ ન થાય એવી નાસભાગ જોવા મળી શકે છે.
- દિવાળીમાં અર્થશાસ્ત્રીઓને પણ ગોટે ચઢાવી દે એવો ગૂઢ વાક્યપ્રયોગ એટલે ‘શોપિંગ પતી ગયું’. તેઓ નક્કી જ નથી કરી શકતા કે ખરેખર શું ‘પતી ગયું.’’
- દર દિવાળીએ રાબેતા મુજબ ભાવ ભડકે બળતા હોવાથી હવે દીવા કરતાં પેટમાં વધારે તેલ રેડાય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
