વિમલાતાઈ

પંજાબ થી આગળ

ર૫મી મે, ૧૯૬૪ના રોજ બાઈએ પોતાની આત્મકથા લખવાની શરૂઆત કરી હતી. તેમનું આત્મવૃત્તાંત અહીં સુધી આવીને અટકી ગયું. અંતમાં તેમણે બે વાક્યો લખ્યાં હતાં, પણ પાછળથી તેમણે ચેકી નાખ્યાં હતાં, તેમાંના ઘણાખરા શબ્દો ઉકેલાયા, પણ જે વાત તેઓ કહેવા માગતાં ન હતાં તેને ઉકેલી અહીં કહેવાનો પ્રયત્ન નહિ કરું,

બાઈએ આત્મકથા એક નોટબુકમાં લખીને પોતાની ટ્રેકમાં રાખી હતી. તેમના અવસાન બાદ મને જાણવા મળ્યું હતું કે આ નોટબુક મારી બહેન મીના પાસે હતી. સન ૨૦૦૭માં મીનાનું અકાળ અવસાન થયું. તે બીમાર થઇ તેના થોડા જ દિવસ પહેલાં તેણે આ નોટબુક સુધાને હવાલે કરી હતી અને તેને કહ્યું હતું કે કોઇ પણ હિસાબે ભાઇ પાસે પહોંચતી કરજે. સુધા જ્યારે ભારતથી પાછી અમેરિકા આવી ત્યારે તેણે મને આ નોટબુક મોકલી.

પરમાત્માએ બાઇને અખૂટ ધૈર્ય, ચિંતન, ભક્તિ, સ્નેહ અને હિંમત આપી હતી. તેમની સ્મરણશક્તિ પણ અદ્ભુત હતી. તેમના કોઇ ગુણ અમે – તેમનાં બાળકો કેળવી શક્યાં નહિ: તેમની સ્મરણશક્તિ મને વારસામાં મળી, જે મૈ સાચવી રાખી. ચાર વર્ષનો હતો ત્યારથી બાઈના અને અમારા જીવનમાં બનેલી ઘટનાઓ મને યાદ છે. બાઈએ લખેલા કેટલાક પ્રસંગ વખતે હું હાજર નહોતો, તેને બાકાત કરીએ તો તેમણે જે કાંઇ અનુભવ્યું હતું, જે મેં જેયું હતું અને તેમની સાથે અનુભવ્યું હતું, તે બધું મને યાદ છે. તેમાંના કેટલાક પ્રસંગો સંવેદનશીલ, કેટલાક અસહ્ય અને અત્યંત પીડાજનક હતા. પિતાજીના અવસાન બાદ જેટલો વખત અમે અમદાવાદ રહ્યાં તે દરમિયાન બાઈ અને હું ફક્ત આંસુ ગાળીને સહેતાં રહ્યાં. મારી બહેનો તો ઘણી નાની હતી, પરંતુ તેમણે પણ ઘણું સહું, ઘણું વેઠ્યું અને તે તેઓ લાંબા સમય સુધી ભૂલી શક્યાં નહોતાં. હું ચાર વર્ષ અમદાવાદ ભણવા રહ્યો હતો, અને દર વેકેશનમાં ભાવનગર જતો. મારી ગેરહાજરીમાં દમુમાસીનાં બાળકો અને તેમનાં અન્ય સગાંઓએ બાઈને જે રીતે છેતર્યા, જે રીતે તેમને અપમાનિત કર્યા તેની વાત બાઈએ કે મારી બહેનોએ મને કદી કહી નહિ. તેઓ જાણતાં હતાં કે આ વાતોથી મારું મન દુભાશે અને હું ભણતર પૂરું નહિ કરી શકું.

બાઈ એક એવા ઉચ્ચ અને સમૃદ્ધ જમીનદાર પરિવારમાંથી આવ્યાં હતાં, જેની સમૃદ્ધિ નિકટનાં સગાંઓએ આચરેલ અપામાણિકતા, છેતરપિંડી અને અંતે પિતાના વ્યસન અને રાજકીય કાવાદાવામાં નષ્ટ થઇ ગઈ હતી. બાઈના ચારિત્ર્યમાં તેમની પરંપરાગત નિર્મળતા,  વિમલ વર્તન, ધૈર્ય અને પ્રામાણિકતા દૃઢતાથી વણાયાં હતાં. અત્યંત અભાવના દિવસોમાં પણ તેમની વૃત્તિ, પારંપરિક ઉદારતા અને અસ્મિતામાં કદી એક કંપન સુધ્ધાં આવ્યું નહિ. લોકોની વાત જવા દર્દએ, પણ મારાં મોટાં ભાઇ-બહેન, મારા પિતાજીનાં ભાઈ-ભાભી અને અન્ય સગાંઓની દષ્ટિ પર પડેલા પડદાને કારણે તેમની નજરમાં એક સત્ય કદી આવ્યું નહિ: લગ્ન પૂર્વેના બાઈના જીવનમાં આવેલી ગરીબાઈ માટે બાઇ પોતે જવાબદાર નહોતાં.
ઊંચી હવેલીના ખ્યાતનામ પરિવારના નબીરા એવા મારા પિતાજી સાથે તેમનાં લગ્ન થયાં, તે માટે પણ તેઓ જવાબદાર નહોતાં. તે જમાનામાં જ્યારે સરેરાશ ભારતીય પુરુષની આયુર્મયદા ૫૦ વર્ષ કરતાં પણ ઓછી હતી તે વખતે પિતાજીએ ૩૮મે વર્ષે બીજાં લગ્ન કરવા લીધાં તે માટે બાઇ જવાબદાર ન હતાં. પિતાજીના પરિવારને એવું જ કહેવામાં આવ્યું હતું કે, ‘ગરીબ ઘરની અનાથ છોકરી છે, જેનો બાપ દારૂના વ્યસનમાં મરી ગયો અને મા લોકોના ઢસરડા ખેંચવામાં ગુજરી ગઇ! આ છોકરીનો ઉદ્ધાર કરો.’

પિતાજીએ બીજાં લગ્ન કર્યા તે તેમના પ્રથમ ઘરનાં સંતાનોને ગમ્યું નહોતું. દુઃખની વાત તો એ થઈ કે પિતાજી પરનો ક્રોધ તેમણે બધાંએ મળીને બાઈ પર વરસાવ્યો. એટલું જ નહિ, પણ તેમ કરવાની તેમણે એક પણ તક છોડી નહિ. મારા પિતાજીના અવસાન બાદ મારાં મોટાં ભાઇબહેનોનો અમારા પ્રત્યેનો ક્રોધ સીમા વટાવી ગયો. અમને – બાઇને અને અમને ચાર ભાઈળહેનોને અમારા મકાનની પાછળની નાનકડી ૧૦ બાય ૧૨ની ઓરડીમાં જગ્યા આપવામાં આવી. બાઈને કઇ વ્યક્તિ કયા વખતે શું કહેશે તેના ડરથી અમે ફફડતાં હતાં. મને હજી યાદ છે કે પિતાજીના અવસાન થયાના બીજા દિવસે બાઇ અમને બાળકોને લઈ એક ખૂણામાં દુ:ખગ્રસ્ત હાલતમાં આંસુ સારતાં બેઠાં હતાં. નાનકડી જયુ અને સુધા બાઈના પડખામાં બેઠી હતી. મીના અને હું આખા
પ્રસંગથી હેબતાઈને બાઈની પાસે બેઠાં હતાં, ત્યાં મારા સૌથી મોટા ભાઈ આવી પહોંચ્યા. ગુરસાથી તેમનો ચહેરો તમતમતો હતો અને આવતાંવેત બાઈને કહ્યું, ‘તમે જ અમારા બાપુજીનો જીવ લીધો છે, હવે આ કાગળમાં સહી કરી આપો.’ બાઈ ચોધાર આંસુએ રડી પડ્યાં અને કહ્યું, ‘આ તમે શું કહો છો? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે, અને તમે…’

‘ચાલો હવે, બહુ થયું. અહીં સહી કરી આપો.’ ત્યાર બાદ તેમણે જે આકરા શબ્દો કહ્યા તે હજી મારી યાદગીરીમાં અંકાયા છે. તેઓ બોલતા જતા હતા અને ક્રોધથી તેઓ વારંવાર પોતાના હોઠ પર દાંત ભીસતા હતા. તેમનો તે વખતનો ભયપ્રદ ચહેરો હું કદી ભૂલી શક્યો નથી. ત્યારથી તેમની સામે જતાં હું ભયથી કાંપવા લાગી જતો.

પિતાજીના અવસાન બાદ અમારી જે અકિંચન સ્થિતિ થઈ તે ટાળી શકાઈ હોત. બાઈએ ભાવનગરમાં મકાન લેવાનું નક્કી કર્યું ત્યારે મારાં મોટા ભાઇ-બહેનમાંથી કોઇએ પણ થોડી સહિષ્ણુતા બતાવી, એક દિવસ માટે ભાવનગર જાતે જઈ મકાનનાં કાગળ-પત્ર પૂરા કરી આપવામાં મધ્દ કરી હોત તો વાત જૂદી ૧! હોત. દમુમાસીને તેમની મોટીબહેન પ્રત્યે નાનપણમાં

પણ પ્રેમ હતો કે નહિ તે વિશે હું સાશંક છું, પરંતુ બાઇ વૈધવ્યાવસ્થામાં આવી વિપત્તિજનક સ્થિતિએ આવી પહોંચ્યાં હતાં ત્યારે પણ દમુમાસીના પેટનું પાણી ન હાલ્યું, તેમણે કે તેમના પતિએ બાઈને મકાન લઈ આપવામાં આગેવાની લીધી નહિ, મારા માસા તે વખતે આખા ભાવનગર રાજ્યમાં પ્રખ્યાત અને બાહોશ પોલીસ અધિકારી તરીકે વાણીતા હતા. તેમના એક શબ્દ પર મકાનનો સોદો પતી જાય તેમ હતું પણ…

મોટાભાઇની જેમ લલિતાબાઈ (જેમને હું માનથી ‘આક્કા’ કહીને બોલાવતો) ઘણાં કઠણ હૃદયનાં હતાં. મારા પ્રત્યેનું તેમનું વર્તન ચાર્લ્સ ડિકિન્સની નવલકથા “ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’માં ટચૂકડા પિપ્‌ અને તેની મોટી બહેન મિસેસ જો ગાર્જરી વચ્ચેના સંબંધનું વર્ણન મને તંતોતંત લાગુ પડે! પરંતુ મારી બાબતમાં થોડો ફેર હતો.

આક્કાને મારા પ્રત્યે અત્યંત સ્નેહ હતો, જે તેમણે હૃદયમાં સમેટી રાખ્યો હતો.

સામાન્‍ય માણસની નજરમાં ન આવે તે રીતે તેમણે પ્રદર્શિત કર્યો. આ સ્નેહ કેવળ બાઇ જોઈ શક્યાં હતાં. આનો તેમણે ઘણી વાર ઉલ્લેખ કર્યો છે.

બાઈ એવાં તો પ્રેમાળ અને ક્ષમાશીલ હતાં, અને ધન્યતાની ભાવના તેમનામાં એટલી હદ સૂધી હતી કે કોઇ પણ વ્યક્તિ તેમના માટે કે અમારા માટે અલ્પ એવું કોઇ પણ કામ કરે અથવા સહાયતા કરે તેને અનન્ય ઉપકાર માની તેનું ત્રદણ જીવનભર ઉતારતાં રહેતાં. તેમના માટે અર્ધાં – અર્ધાં થઇ જતાં. આક્કાએ તેમની જેટલી અવહેલના કરી હતી, તેમના પ્રત્યે ફ્રરતા દર્શાવી હતી તેને સામાન્‍ય માણસ કદી માફ ન કરે. પણ આક્કાના અવસાનના સમાચાર સાંભળતાંવેત જે રીતે બાઈ એકલાં ભાવનગર સ્ટેશન પર ગયાં, અને આખી રાત લગેજના પીંજરામાં કષ્ટ ભોગવીને વિતાવ્યા બાદ મારા મોટા ભાઇઓને આધાર અને સહાનુભૂતિ આપવા અમદાવાદ આવ્યાં હતાં તેની મિસાલ જગતમાં ક્યાંય જેવા નહિ મળે.

અમદાવાદમાં હું જબરા દબાણ હેઠળ ઊછર્યો હતો. એક અબોલ પક્ષીની જેમ ઊછરી રહ્યો હતો. મોટાંઓ આગળ હું કશું બોલી શકતો નહોતો કે ન મારાથી તેમના શબ્દની બહાર જઈ શકાતું. તેમની સૂચના મારા માટે આદેશ બની વતી. આ સમયમાં મારું ઘડતર એવી રીતે થયું કે મારા કરતાં કોઇ પણ વ્યક્તિ વય, અધિકાર કે સંબંધમાં મોટા હોય અને તેઓ મારા પ્રત્યે અન્યાયપૂર્ણ કઠોર શબ્દ વાપરે, કે ખોટી રીતે સવા કરે તો પણ હું સહન કરી લેવા લાગ્યો હતો. આ ખોડ મારા જીવનમાં લાંબા સમય સૂધી રહી હતી. મારૂં વ્યક્તિત્વ સાવ છૂંદાઇ ગયું હતું.

મોટાભાઈના લગ્ન બાદ તેમનામાં જે અપૂર્વ પરિવર્તન આવ્યું – તેનું શ્રેય ભાભીને જાય છે. મારાં ભાભી અત્યંત સહૃદયી અને નરમ પ્રકૃતિનાં હતાં. લલિતાબાઇએ મારા મેટ્રિક સુધીનાં શિક્ષણની જવાબદારી લીધી હતી. હું દસમા ધોરણમાં હતો અને મારી પરીક્ષાને ચાર મહિના બાકી હતા ત્યારે તેમનું અવસાન થયું. દસમીની પરીક્ષા પછી મોટાભાઇ મને પાછો ભાવનગર મોકલી શક્યા હોત. તેમના પર એવો કોઈ અનુબંધ નહોતો કે મારું અગિયારમી સુધીનું શિક્ષણ તેમણે પૂરું કરવું જેઈએ. તેમણે ભાભીને આ વિષયમાં વાત કરી ત્યારે ભાભીએ તેમને આગ્રહપૂર્વક કહ્યું કે ગમે તે થાય, પણ નરેનનું શિક્ષણ પૂરું કરાવીને જ ભાવનગર મોકલીશું, મારા જીવનમાં નવો અધ્યાય લખાયો તે મોટાભાઇ તથા ભાભીની ઉદારતાને કારણે છે.

બાઈની ૩૦મી પુણ્યતિથિ આવી રહી છે તે અરસામાં તેમણે મરાઠીમાં લખેલ આત્મકથાનું ગુજરાતીમાં ભાષાંતર પૂરું થયું. તે પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો અને તે માટે મેં મુંબઈમાં રહેતા મારા મધુમામા સાથે વાત કરી. તેમણે કહ્યું, ‘અમારી બહેનના જીવનનાં છેલ્લાં વર્ષની માહિતી આપ્યા વગર તેમની આત્મકથા કેવી રીતે પૂરી થાય? તું ‘એપીલોગ’ (ઉપસંહાર) લખી તેમની આત્મકથા પૂરી કર.’

બાઈના લેખન જેવી સહજ અને પ્રવાહી શૈલી મારી પાસે નથી. છતાં આવડશે તેવું લખીશ – As best as I can. બાઈના આત્મનિવેદનના છેલ્લા શબ્દોમાં મેં તેમની જે વ્યથા અનુભવી, તે મારા અંતઃકરણને વારંવાર સ્પર્શતી રહે છે. મારી આ અનુભૂતિને વાયા આપવાનો પ્રયત્ન અહીંયાં જરૂર કરીશ.

બાઈનું હદય એટલું વિશાળ હતું કે આખા જીવનકાળ દરમિયાન તેમણે કોઈને એક શબ્દથી પણ દુઃખ પહોંચાડયું ન હતું. જીવનમાં તેમણે જે આપ્તજનો પાસેથી અપમાન, અવહેલના અને કટુ શબ્દોની વર્ષા અનુભવી હતી તેનું તેમણે ન તો વર્ણન કર્યું, કે તેમના વિશે તેમણે એક આકરો શબ્દ પોતાની આત્મકથામાં લખ્યો. જે વાતનું, જે ગ્રસંગનું તેમને અસહ્ય દુ:ખ થયું હતું તેને જ વાયા આપી. લોકો પર તેમણે કરેલા અસંખ્ય ઉપકાર વિશે તેમણે એક પણ અક્ષર નથી લખ્યો.

સૌરાષ્ટ્ર ની ભોમકામાં એક શબ્દ છે, જેમાં સમગ્ર વિશ્વની ક્ષમા સમાઇ જાય છે: ‘હશે!’. હું પણ ‘હશે’ કહીને મારૂં કાર્ય પૂરું કરીશ. કેટલાક જૂના જખમ ખુલ્લા થશે, જે મારા જ હદય પર પડેલા છે. તે જોઇને કે વાંચીને મારા કોઈ પિયજનનું, આપ્તજન કે મિત્રનું મન દુભાશે તો તેમને એટલું જ કહીશઃ

મારા કર કે ચરણથી થયેલ કોઇ કૃત્યથી, મારી વાણી અથવા કર્મથી, શ્રવણની ક્ષતિથી અથવા દૃષ્ટિદોષથી, મારા મનમાં ઉદ્ભવેલ વિચારના કારણે આપના પ્રત્યે કોઈ અપરાધ થયો હોય અથવા જાણતાં કે અજાણતાં મેં કોઈનું મન દુભાવ્યું હોય તો હે કરુણાના સાગર પરમાત્મા, અને મારાં પ્રિયજનો, મારા આ બધા અપરાધોની મને ક્ષમા બક્ષજો.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com