ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥
આમ તો સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા માટે આ શ્લોક ઈશાવાસ્ય ઉપનિષદમાં લખાયો છે. પરબ્રહ્મ સ્વયંમાં પરિપૂર્ણ છે તેમજ તે જગતનાં સૌ પ્રાણીઓમાં વ્યાપ્ત છે. દરેક જીવોમાં હોવા છતાં તે સ્વયંમાં પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લેવા છતાં પૂર્ણ જ રહે છે.
આ ઉપનિષદનાં શ્લોકની વાત ધ્રુવદાદાએ દ્રૌપદીનાં ચરિત્ર આલેખનમાં ખૂબ સુંદર રીતે આલેખી છે. સૌ પ્રથમ દાદાએ દ્રૌપદીને સમર્થ સ્ત્રી તરીકે સ્થાપીને કહ્યું કે “કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી.” આમ કહી દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નથી પરતું કૃષ્ણ અને કૃષ્ણા જુદા સ્વરૂપે એક જ છે તેમ દર્શાવ્યું. દ્રૌપદીનું ચરિત્ર, સતીત્વ, સૌંદર્ય, વાક્છટા, બુદ્ધિમતા, કૃષ્ણ સાથેની અસામાન્ય મૈત્રી, પાંચે પતિઓ સાથે એક સરખો પ્રેમપૂર્ણ વ્યવહાર, બધું જ અવર્ણનીય, અદ્ભુત,અભિન્ન. શું આ કોઈ સામાન્ય સ્ત્રીની વાત છે?

દ્રૌપદીની માતાને ખબર પડે છે કે તેમની પુત્રી ,પાંચ પતિઓની પત્ની બનવાની છે ત્યારે તે પુત્રીને પૂછે છે ,” બેટા, તેં પાંચ પતિઓની પત્ની બનવાનો સ્વીકાર કર્યો પરતું તારા મનોભાવ, તારી પવિત્રતા, તારા સ્ત્રીત્વનું શું?” ત્યારે દ્રૌપદીએ જે જવાબ આપ્યો છે, તે ધ્રુવદાદાનાં દ્રૌપદીનાં સતીત્વ વિશેનો ખૂબ સુંદર વિચાર દર્શાવે છે અને તે દ્વારા તે અગ્નિકન્યાનાં દ્રૌપદીનાં પાત્રને તેજસ્વી અને સશક્ત બનાવે છે.
દ્રૌપદી તેની માને કહે છે, “મા,મારા મનની ચિંતા ન કરો, એ હંમેશા મારા વશમાં છે. પવિત્રતા વિશે કહું તો માતા કુંતીના પુત્રોને જુદાજુદા દેવોનું વરદાન છે, છતાં તેમની પવિત્રતા પૂજનીય છે. મારે મન સત્યનાં ગૌરવ અને આચરણ એ જ સતીત્વ છે. સ્ત્રીના સતી હોવા વિશે બીજાં જે અર્થઘટનો કરાતા હોય કે વ્યાખ્યા થતી હોય તેનો હું સ્વીકાર કરતી નથી. એક સ્ત્રીનું પોતાના સ્ત્રી હોવાનું ભાન જ તેને સતીત્વ પ્રદાન કરે છે, આપોઆપ”.
એથી પણ વધારે અર્જુન જ્યારે સુભદ્રાને પરણીને આવે છે ત્યારે સુભદ્રા દ્રૌપદીને મળવા જતાં ખૂબ સંકોચ અનુભવે છે ત્યારે ધ્રુવદાદાએ જે સંવાદ દ્રૌપદી દ્વારા બોલાવ્યો છે તેમાં મને ઉપનિષદનાં પડઘારૂપ ‘પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે’ સંભળાય છે.-
‘દ્રૌપદીની એકએક ગતિમાં તેનું લાવણ્ય અને ગૌરવ પ્રગટ થતાં હતાં. દ્રૌપદી સામે સંકોચાતી સુભદ્રાને કહે છે,” સાંભળ સુભી!” મારા પ્રેમમાં ભાગ પડાવવો તે જગતની કોઈ સ્ત્રી માટે શક્ય નથી.”
સુભદ્રાએ અનુભવ્યું કે ,”જગત જેને પ્રેમ તરીકે ઓળખે છે તે લાગણીથી ઉપરની એક અવસ્થામાં આ સ્ત્રી જીવે છે. આ સ્થિતિ દરેકને પ્રાપ્ત થતી નથી. સ્ત્રીનાં પ્રેમિકા, માતા, પત્ની, બહેન- આ બધાં સ્વરૂપો ઉપરાંત તેનું પોતાનું એક સ્વરૂપ હોય છે. તેને કદાચ પૂર્ણ સ્ત્રીત્વ કહી શકાય. દ્રૌપદી તે અવસ્થાની નજીક છે અને પૂર્ણમાં ભાગ પડે તો પણ તે પૂર્ણ જ રહે છે.”
ધ્રુવદાદાના દ્રૌપદીનાં પ્રેમ માટે રચાએલા આ સંવાદને વાંચી દરેક વાચકને પ્રેમ એટલે શું અને એક પત્નીને તેના પતિ તરફનાં પ્રેમમાં કેટલો વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ, પ્રેમની દૈવી તાકાત કેવી હોવી જોઈએ, જેવા અનેક વિચારોનો વંટોળ મનોજગતમાં જાગે છે.
આ બધાં કારણોથી જ ધ્રુવદાદાની નવલકથા ભલે મહાભારતનાં કેટલીયે વાર ચર્ચાઈ ગયેલ પાત્રોને અનુલક્ષીને હોવા છતાં આપણને કંઈ નવી દિશામાં જ વિચારવા પ્રેરે છે. પ્રેમનાં પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવતાં દાદાએ પ્રેમની સર્વોચ્ચ દશાનું વર્ણન કર્યું છે. જે કાબિલેદાદ છે. તેમની બધી નવલકથામાં દાદાએ આડકતરી રીતે ગીતા, ઉપનિષદ,વેદોની વાણીને સંવાદમાં વણી જીવન જીવવાની સાચી દ્રષ્ટિ કેળવવા આપણને પ્રેર્યા છે.પછી તે ધ્રુવગીત પણ કેમ ન હોય!
આ સાથે જ પોતાની ચિંતા ન કરવાનું કહી શ્યામળાને નિરાંતે સૂવાનું કહેતા ધ્રુવદાદાનું સરસ ધ્રુવગીત પણ ગાઈએ, જેમાં દાદા પણ મિત્રભાવે શ્યામળા સાથે શું વાત કરે છે તે જાણીએ.
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા,
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા.
આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવમાં,
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને ક્યાં કાઢું આરતનાં વેવલાં,
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કર્યું કે કારવશું બાપલા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો પછી ઓઢશું,
બાકી આ તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠ્ઠો ઉકેલશું,
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગવાના આપો બે કામળા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
આવી ગયા તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું,
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું,
માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે તમને શું અમથા રમાડવા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
ધ્રુવદાદાએ શ્યામળા સાથે તે એકદમ નિકટ હોય અને સહજ રીતે વાત કરતાં હોય તેવી રીતે ગીત રચ્યું છે. પરમને એકવાર રામ અને બીજીવાર શ્યામળા ઉદેશતાં દાદા,રામ કહોકે શ્યામ બધાં એક જ પરમનાં જુદાજુદા નામ છે ,તે પહેલી પંક્તિમાં જ સમજાવી દીધું છે.
પોતાની જીવન ફિલસુફીની વાત કરતાં શ્યામળાને મિત્રભાવે કહે છે કે, ‘તું મારી કંઈ ચિંતા ન કરીશ. આ જગતમાં આવ્યો છું તો હું મારી લડાઈ મારી જાતે લડીશ ,જેવું પડશે તેવું દઈશ. પ્રભુ તારે તો કરોડો ભગતોની ભીડનું ધ્યાન રાખવાનું છે. સૌ પોતપોતાની ફરિયાદ કરવા ઊભા છે . તારે તો માણસો સાથેસાથે દેવોનું પણ ધ્યાન રાખવાનું છે. તારે આટલાં બધાંનું ધ્યાન રાખવાનું છે એમાં હું મારી ઈચ્છાઓનો ટોપલો ક્યાં ખોલું? હું મારું ફોડી લઈશ.તું મારી ચિંતા ન કર.’
દાદા કહે છે, ‘હું તો મને જે મળશે તે ખાઈ લઈશ અને જે મળશે તે પહેરી ઓઢી લઈશ .બે કોથળા ઓઢીને ચલાવી લઈશ,મને કોથળા ઓઢવાનો છોછ નથી. પણ મારે તારી પાસે બે કામળાની માંગણી નથી કરવી. મારાં જીવનની તડકી,છાંયડીને અને જીવતરનાં કોયડાને હું જાતે ઉકેલીશ.’
આમ કહી ભગવાનને સતત ફરિયાદ કરતાં અને પોતાની ઈચ્છાઓ અને માંગણીઓને પૂરી કરવા રોજ રામ-કૃષ્ણને ભજતાં લોકો પર સરસ કટાક્ષ કરતાં ગીતની રચના દાદાએ કરી છે.
તેમજ સંસાર રૂપી ચોપાટની રમતનાં પોતાનાં કોયડા પોતે જાતે જ ઉકેલશે એમ કહી દાદા કહેવા માંગે છે કે, ‘તમારી મુશ્કેલીઓની ફરિયાદો કરવાનું બંધ કરી ,તેનો ઉકેલ જાતે જ લાવો અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મોજ સાથે હસતાં હસતાં જીવનપથ પર આગળ વધતાં શીખવાનું દાદા કહે છે.’
જીવનને ચોપાટની રમતનું રૂપક દર્શાવી, રમતમાં જેમ સોકટાને આડું-અવળું પાડે, તો રમનારે જ એને વ્યવસ્થિત રીતે રમવું પડે ને! તો આ જીવનની બાજીને પોતે જ પોતાની રીતે રમી, મુશ્કેલીઓમાંથી પોતાનો રસ્તો કાઢવાની શીખ દાદા આપણને આપે છે.
પરમ સાથે વાત કરતા દાદાએ જીવનને સરળ અને સહજ રીતે જીવવાની કેવી સુંદર વાત કહી છે !
અને, શ્યામળાંને પણ જાણે હસતાં હસતાં કહી દીધું કે, ‘મારી ચિંતા કર્યા વગર તું નિરાંતે સૂઈજા….મારી જીવન ચોપાટની રમત હું મારી જાતે રમીશ, સાદ દઈને તને હેરાન નહીં કરું.
આમ નાની નાની વાત માટે પ્રભુ પાસે માંગણીની ટહેલ ન નાંખવાની શીખ આ ગીત દ્વારા દાદાએ સૌને આપી છે.

બહુ સરસ લેખ. ધન્યવાદ.
સરયૂ પરીખ.
LikeLike