લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા
અમારે આંગણે પણ આજ દિવાળી કરો,
તમે આવી અમારી રાત અજવાળી કરો!
અમે તો ઊંબરે કૈં લાભ-શુભને ચીતર્યાં,
હવે સાર્થક તમે એ વિઘ્ન સૌ ટાળી કરો!
અહીં તો દર્દો-ગમની રેત ઊડે છે સતત,
હસી થોડું તમે વસ્તી હરિયાળી કરો!
અમે આ જિંદગી શણગારી છે ત્રેવડ મુજબ,
તમે સ્પર્શી બધી બાજુથી રૂપાળી કરો!
અમે છીએ સ્વયં બરછટ બહુ સાચું ‘સુધીર’,
તમે ઓઢી ઘડીભર જાત સુંવાળી કરો!
—કવિ સુધીર પટેલ
( ‘મનપસંદ સંકલન’માંથી..)
