વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ફાગણી પૂનમનો ચંદ્ર ગંગાની વહેતી ધારા પર પર રોશનીનો અભિષેક કરી રહ્યો હતો. વાસંતી વાયરાથી આંદોલિત પાણી પર એક મોટી નાવ આસ્તેથી સરકી રહી હતી. આનંદથી ઊઠતો નગરનો કોલાહલ કેટલીય ગલીઓ પાર કરીને આ શાંત વાતાવરણ સુધી સંભળાતો હતો.
મનોહરદાસ જમીને નિરાંતે બેઠા હતા.
‘બાબુજી, સિતાર લઈ આવું, આજે તો હોળી છે ને?” વાળુ કરીને ઊભા થતા ગોપાળે પૂછ્યું.
“ના, આજે અને કાલે હોળીના આ બે દિવસોમાં નથી હું સિતાર વગાડતો કે નથી હું નગરમાં જતો.”
“અરે આ કેવું! તહેવારના દિવસોમાં નાવ પર રહેવાની વાત મનમાં જરાય બેસતી નથી.” ગોપાલને આશ્ચર્ય થયું.
ગોપાળ અન્ય યુવકોની જેમ દરેક તહેવારો ઉજવવા ઉત્સુક રહેતો, પણ સિત્તેર વર્ષની ઉંમરે પહોંચેલા મનોહરદાસનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમની સામે પોતાની ઈચ્છા કે મરજી પ્રગટ કરવાની એનામાં હિંમત નહોતી.
એ હોળી-ધુળેટીના વાતાવરણથી દૂર જ ભાગતા. ગાળાગાળી અને રંગોથી એમને નફરત હતી. પચાસ વર્ષથી એ હોળી રમ્યા નહોતા.
ગોપાળના ચહેરા પર કારણ જાણવાનું કુતૂહલ જોઈને એમણે વાત માંડી.
વાસ્તવમાં મનોહરદાસ ગોપાળના મોટાભાઈ ગિરધરદાસ સાથે ઝવેરાતનો વેપાર કરતા હતા. ત્યારે તો મુંબઈમાં દુકાનો નહોતી અને ભારતભરમાં દોડતી રેલગાડી પણ નહોતી. લાંબી સફર માટે રથ અને એક્કા હતા. ઉત્તર ભારતની સડકો બંગાળથી કાબુલ સુધી વિશાળ અજગરની જેમ ફેલાયેલી હતી. માંડ બેચાર કોસ નિર્જન હતા બાકી બધા રસ્તા પથિકોની અવરજવરથી ભરેલા રહેતા. સડક પર પાણીની પરબ, દુકાનો, વિશ્રામ માટે પડાવ અને સરાઈઓ જોવા મળતી.
તે સમયે વાણિજ્યમાં બનારસ સૌથી વિખ્યાત હતું.
એક રાત્રે દસના સુમારે મનોહરદાસ અને ગિરિધરદાસ હોળીદહનનો ઉત્સવ જોઈને સરાઈ પર પહોંચ્યા જ હશે ને એક વેપારીનો પત્ર મળ્યો કે, એ બીજા દિવસ સુધી જ પ્રયાગમાં રોકાવાનો છે. આ વેપારી પાસે લાખોનો માલ વેચાવાની શક્યતા હતી.
બીજા દિવસની સવારે તો સૂર્યકિરણો ધરતી સુધી પહોંચે એ પહેલાં બંને જણ એક્કો કરીને પ્રયાગ જવા નીકળી ગયા. એક્કાચાલકની સાથે બનારસના લાઠીબાજ રઘુનાથ મહારાજ પણ હતા. એ સમયની યાત્રામાં જ્યાં જાનમાલનું જોખમ હોય ત્યારે આવા લોકોને સાથે રાખવા આવશ્યક હતા.
પૂરઝડપે દોડતા એક્કામાં બેઠેલા બંને જણનાં મન દક્ષિણી વાયરાના સ્પર્શ, આમ્રમંજરીની સુગંધની માદકતાથી પ્રસન્ન હતા. ધીમેધીમે તડકો માથે ચઢવા માંડ્યો અને ગરમીની સાથે તરસ વધી. અહીંથી ગામ એક કોસ અને સરાઈ બે કોસ જેટલાં દૂર હતાં, પણ રસ્તામાં આંબાના ઝાડની નીચે એક કૂવો દેખાયો.
મનોહરદાસે આ રમણીય જગ્યા પર એક્કો રોકાવ્યો. ઝાડ પર બેઠેલાં પંખીઓના મીઠ્ઠા કલરવથી પવન પણ સૂરીલો બની ગયો હતો.
એક્કો ઊભો રહ્યો ત્યાં પાકી છતના વરંડાવાળી ગોળ, ચણા, મીઠું, સત્તુ જેવી ચીજોની દુકાન નજરે પડી.
રઘુનાથે વેપારી પાસેથી ઠંડાઈના ફૂલો લઈને ઠંડાઈ તૈયાર કરી. ઠંડાઈની સુગંધથી સૌનું મન તર થઈ ગયું. એટલામાં એક મંજુલ સ્વર સંભળાયો. અવાજની પાછળ પાછળ દુકાનના મેડાની સીડીઓ ઉતરીને નીચે આવતી એક ચૌદ વર્ષની છોકરી દેખાઈ. એકદમ દેહાતી દેખાતી છોકરીને જોઈને લાગ્યું કે એ ભરપૂર રંગોથી હોળી રમી હશે. મદિરાલયના ખુલતા દ્વાર જેવી એની આંખોમાંથીય ગુલાલની છોળ છલકતી હતી. પાંપણ પરનો રંગ પણ ઝાંખો નહોતો થયો. એવી તો ચેતનાથી છલોછલ છોકરી હતી કે એકવાર નજર પડે તો એની સામે જ જોયા કરવાનું મન થાય.
ચારેકોર ફાલેલી લીંબોળીના ફૂલ અને આમ્રમંજરીમાંથી વહેતી સુગંધ, સાથે ઠંડાઈના સ્વાદથી મન તર હતું કે પેલી છોકરીના યૌવનના પ્રભાવથી?
ગામથી દૂર અલગ આ કૂવો સમસ્ત સૃષ્ટિની સૌથી સુંદર જગ્યા હોય એવું મનોહરદાસને લાગ્યું. ક્ષણભર માટે સ્વપ્નલોકની સુંદરી નજર સામે હોય એવો ભાસ થયો. મનોહરદાસ મલકાઈને એને જોતા રહ્યા.
રસ્તા પર એક બળદગાડાવાળો બળદોને દોરવાની જરૂર જ ન હોય એમ બંધ આંખે વિરહના ગીતો ગાતો જતો હતો. બળદોને રસ્તાની જાણ હોય એમ એમની મેળે ચાલ્યા જતા હતા. ગાડાવાળાના ગીતોમાં ઉપાલંભ હતો કે આવેદન? પેલી છોકરી પણ કમર પર હાથે ટેકવીને ધ્યાનથી સાંભળતી હતી.
ગિરધરદાસ અને રઘુનાથ કૂવા પરથી હાથ મોં ધોઈને પાછા આવ્યા ત્યારેય મનોહરદાસ એમ જ મોહવશ અવસ્થામાં બેઠા હતા. મનોહરદાસને જોઈને બંને હસી પડ્યા. મનોહરદાસની તંદ્રા તૂટી. ઊભા થઈને એક્કા પર સવાર થયા.
કલાકમાં પ્રયાગ પહોંચી ગયા. બીજા દિવસે પાછા આવ્યા તો ત્યાં કોઈ દુકાન નહોતી. કૂવા પર પાણી પીતા કોઈ વટેમાર્ગુ પાસેથી ગામમાં બનેલી દુર્ઘટનાની જાણ થઈ. ધુળેટી રમતી વખતે નશામાં આવીને કેટલાક લોકોએ દંગલ મચાવ્યું જેમાં એ દુકાનદાર પણ સામેલ હતો. રાત્રે એની દુકાન પર ધાડ પાડી એને તો મારી નાખ્યો. એ પછી એની છોકરીનો ક્યાંય પત્તો નથી.
“અરે, એ માતાજી તો હતી જ એવી. એને તો કંઈ ન થાય તો જ નવાઈ.” રઘુનાથના અવાજમાં એ છોકરી પ્રત્યે અજડતા, અવહેલના હતી.
રઘુનાથની વાત મનોહરદાસને અત્યંત કઠી. એમની આંખોમાં હુતાશની પ્રગટી, પણ એ ચૂપ રહ્યા.
એ પછી દર વર્ષે વેપાર અર્થે પ્રયાગ જવાનું થતું રહ્યું. એકવાર પાછા આવવાના સમયે એ જ કૂવા પાસે રોકાવાનું થયું તો ત્યાં વરંડામાં એક વિકલાંગ દરિદ્ર યુવતીને પડેલી જોઈ. એનું ચાલવાનું લગભગ અસંભવ હશે એવું લાગતું હતું. એના ચહેરા પર ઘેલછાભર્યું હાસ્ય હતું. મનહરદાસને થોડાં વર્ષ પહેલાંની ઘટના અને એ અલ્લડ છોકરી યાદ આવી ગઈ.
બસ, એ દિવસથી એમણે હોળી ન રમવાની પ્રતિજ્ઞા લઈ લીધી. ગિરધરદાસે અનેકવાર મનહરદાસને હોળી રમવા અનુરોધ કર્યો પણ હૃદયની નિર્બળતા કહો કે મનની દૃઢતા મનહરદાસ ક્યારેય હોળી રમવા તૈયાર ન થયા.
“બસ ગોપાલ, પચાસ વર્ષથી હું આ બે દિવસ બનારસના કોલાહલથી દૂર આ નાવ પર સમય પસાર કરું છું.”
જયશંકર પ્રસાદ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
