વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
પાણીના વપરાશની સૃષ્ટિ
પરેશ ૨. વૈદ્ય
અહીં સુધી પુસ્તકમાં ધોધમાર વરસતાં પાણીની, તેના થકી મળતા આનંદની અને તેને સંઘરવાનાં સ્થાનોની વાત કરી. હવે વાત કરીએ તેના વપરાશની. પ્રથમ દૃષ્ટિએ તો ખૂબાખૂબ પાણી આપણી પાસે છે. એટલે જ તો “પાણી જેમ પૈસા વહેવા” જેવી કહેવતો છે, જાણે પાણી વાપરવામાં તો પાછું વાળી જોવાની જરૃર નથી. આમ છતાં વિશ્વના સંદર્ભમાં જુઓ તો અહીં દુનિયાની વસતીનો સાતમો ભાગ રહે છે પરંતુ પાણીના માત્ર ચાર ટકા સ્રોતો ભારતમાં છે. તે છતાં આપણે ખુશ છીએ ચોમાસાંની અમી દૃષ્ટિના કારણે. વિશ્વનાં ક્ષેત્રફળના બે ટકા ધરતી જ હોવા છતાં ચાર ટકા પાણી જો મળતું હોય તો સુખી તો ખરા જ. તેથી જ કચ્છ-રાજસ્થાન જેવા ઈલાકા બાદ કરતાં પાણી એ કોઈ મુદ્દો જ ન હતો. ‘સોને કી ચીડિયા’ બનવા માટે પૂરતું પાણી અહીં હતું.
પરંતુ આ ‘પ્રેમ પારાવાર’ જેવી મનઃસ્થિતિમાં ખલનાયક છે વસતી વધારો. થોડા ફેરફાર સાથે ધરતી પર વરસતાં પાણીની માત્રા નિયત છે. ભારત ઉપર આશરે ૩૮૦૦ અબજ ઘનમીટર પાણી પડે છે. ૧૯૫૧માં એ એટલું હતું અને ૨૦૨૧માં પણ એટલું જ છે. ત્યારે આપણે ૪૦ કરોડ હતા, આજે ૧૩૫ કરોડ. સાદા ભાગાકારથી સમજાશે કે માથાદીઠ પાણીની પ્રાપ્તિ ચોથા ભાગની થઈ ગઈ. આજે આ આંકડો વરસે ૧૨૦૦ ઘનમીટર આસપાસ છે. વિશ્વની સરેરાશ ૧૪૦૦ ઘનમીટર છે. એટલે કે આપણે વિશ્વથી આગળ હતાં, હવે પાછળ રહી ગયાં છીએ. સરેરાશ આખા દેશની છે; કોઈને વેડફવા માટે પાણી છે તો કોઈને પ્રચંડ અછત છે ! પાણીના ઉપયોગને મુખ્ય ત્રણ હિસ્સામાં બતાવી શકાય. ખેતી માટેનો વપરાશ, ઘરગથ્થુ વપરાશ અને ઉદ્યોગો તેમ જ વીજળી ઉત્પાદનનો વપરાશ.
ઘરેલુ ઉપયોગ :
આમાં મુખ્યત્વે ન્હાવું-ધોવું અને ખાવું-પીવું આવે. વધુમાં ઘર આગળનો બગીચો કે વાહન ધોવાનું પાણી. પાણીના ઉપયોગનાં ત્રણ ક્ષેત્રોમાંથી ઘરગથ્થુ વપરાશમાં સૌથી ઓછું પાણી જોઈએ છે. પરંતુ એ વસતીની પ્રત્યેક વ્યક્તિને જોઈતું હોવાથી આ ઉપયોગ અગત્યનો છે. પ્રજાનાં સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીનો આધાર પણ રોજ મળતાં પાણીની પર્યાપ્તતા ઉપર છે. પાણીની તંગી રહેવાસીઓ વચ્ચે કે રહેવાસીઓના સમૂહો વચ્ચે (ક્યારેક ગામ-ગામ વચ્ચે કે રાજ્ય રાજ્ય વચ્ચે) તણાવનું કારણ બનતી હોય છે.
|
વ્યક્તિદીઠ કેટલું પાણી ? ભારત દેશનું ક્ષેત્રફળ ૩૨.૯ લાખ ચોરસ કિલોમીટર છે. તેના ઉપર વરસે સરેરાશ ૧૧૬ સે.મી. વરસાદ પડે છે. તેને પાણીની ઊંચાઈ ગણાય. ક્ષેત્રફળ અને ઊંચાઈનો ગુણાકાર એટલે ઘનફળ (કે કદ). વાંચક એ કરી જુએ. તો ખ્યાલ આવશે કે દેશને વરસાદ મારફત ૩૮૦૦ અબજ ઘનમીટ૨ પાણી મળે છે પરંતુ એ બધું વાપરવા માટે પ્રાપ્ત નથી. તેમાંથી અરધાંથી વધુ બાષ્પીભવનથી ઉડી જતું હોય છે – સીધું જળાશયો, નદીઓમાંથી અને વૃક્ષો મારફત. એટલે આશરે ૧૮૦૦ અબજ ઘ.મી. પાણી જ ૧૩૦ કરોડ લોકોને વાપરવા મળે છે. એટલે દર વ્યક્તિએ ૧૮૦૦ અબજ ઘ.મી./ ૧.૩ અબજ લોકો = ૧૩૮૦ ઘનમીટર આટલું પાણી આપણે ઘરમાં પ્રત્યક્ષ રીતે નથી વાપરતાં. એ માત્ર તુલના કરવાનો માપદંડ છે. તેમાંથી જ આપણા માટે અનાજ ઊગે છે, લોખંડ બને છે, રેલવે દોડે છે અને મકાનો બને છે. બધું કરીને છેલ્લે અમુક તો સમુદ્રમાં પણ પાછું જવું જોઈએ ને ? તે પણ જાય છે. |
જીવનશૈલી પ્રમાણે એક જણની પાછળ રોજનું ૫૦ લિટરથી માંડીને ૪૦૦ લિટર જેટલું પાણી વપરાતું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નું પ્રમાણ શહેરી સુધરાઈઓ માટે ૧૪૦ લિટર છે. પરંતુ કોઈક જ શહેર આટલું આપી શકે છે. શહેરની ઝુંપડપટ્ટીઓમાં કે ગામડામાં, જ્યાં પાણી માથે ઊંચકીને લાવવું પડે છે ત્યાં વ્યક્તિદીઠ ૫૦ લિટરમાં જ ચલાવી લેવાય છે. એક અંદાજ છે કે જો નગરપાલિકા તમારા માટે ૧૦૦ લિટર પાણી છોડે તો લીકેજ અને બીજા બગાડ પછી તમને ૭૦ લિટર જ મળે છે.
|
બાથટબની સંસ્કૃતિ શીતળ પાણીમાં પડયા રહેવાનો અનુભવ આલ્હાદક છે. નદી અને તળાવમાં તરનારા એ જાણે છે. તેની નકલ કરવા પશ્ચિમના દેશોએ બાથટબનો વિચાર આણ્યો, જેમાં ત્યાંની આબોહવા મુજબ ગરમ પાણી ભરે છે. તેઓની ફિલ્મો અને કાર્ટૂનોમાંથી નકલ કરી આપણે ત્યાં પણ બાથટબ આવ્યાં. પરંતુ ત્યાં વ્યક્તિદીઠ દોઢસો લિટરથી ય ઓછું પાણી પ્રાપ્ત હોય તે શહેરમાં એક જણ માત્ર નહાવા પાછળ દોઢસોથી બસ્સો લિટર પાણી ખર્ચ કરી નાંખે તે કેટલું વ્યાજબી ? |
શહેરમાં પાણીની માત્રા કરતાં વધુ મહત્ત્વ તેનાં દબાણ (પ્રેશર)નું છે. બહુ ઓછાં ઘર છે જેનાં રસોડાં સુધીની ઊંચાઈએ સુધરાઈનું પાણી પહોંચતું હોય. આનો સંબંધ પાણીના સ્ટૉક સાથે હોવા છતાં એ એક ઈજનેરી સમસ્યા છે. ઈચ્છાશક્તિ હોય તો તેનો ઉકેલ શક્ય છે.
વૉટર સપ્લાયની વિડંબના:
કોઈ શહેરમાં અનરાધાર વરસાદ થાય ત્યારે પૂર આવે છે. ચારે બાજુ પાણી જ પાણી. ઘરમાંથી, રસ્તામાંથી કે આંગણામાંથી તેને કાઢ્યું કઢાતું નથી. પરંતુ એ જ વખતે ઘરના નળમાં પીવાનું પાણી કદાચ ન પણ હોય. રોજ એ અરધો કલાક આવતું હશે તો આજ પણ અડધો જ કલાક આવશે !
છે ને વિચિત્રતા. કુદરતી પાણીની વ્યવસ્થાથી આપણે કેટલાં દૂર થઈ ગયાં તેનું આ દૃષ્ટાંત છે. આધુનિક સમયમાં આપણા ઘરમાં આવતાં પાણીનો સ્રોત આપણાં ગામમાં નથી! મુંબઈમાં પાણી સવાસો કિલોમીટરથી આવે છે અને કચ્છમાં સાતસો કિલોમીટર દૂરના નર્મદા ડૅમમાંથી. આ કામમાં ઈન્જિનિયરીંગ અને સરકારી શાસન વ્યવસ્થા પણ જોડાઈ જાય છે, જેની પોતાની કામ કરવાની ઢબ છે. એટલે એવું પણ બની શકે કે તમારાં ગામની નજીક જ ખૂબ પાણી હોય તે છતાં તમારા નળમાં ન આવે.
પીવાનાં પાણીની ગુણવત્તા સારી રાખવી પડે છે. આથી તેનું મૂલ્ય પણ છે પરંતુ એ મુશ્કેલી છે કે એ જ ગુણવત્તાનું પાણી નહાવામાં અને ટોયલેટની ફ્લશ ટાંકીઓમાં પણ વાપરીએ છીએ. ઓછી ગુણવત્તાવાળાં ‘ગ્રૅ વૉટર’ માટે જુદી લાઈન પણ નથી હોતી. હવે બોર-વેલનાં પાણી વાપરવાનો વખત આવ્યો છે એટલે કેટલીક સોસાયટીઓ આ માટે વધારાનો ખર્ચ કરવા લાગી છે. સમય આવી ગયો છે કે મકાન બનાવતી વેળા જ પાણીના પુનરુપયોગનું પ્લાનિંગ કરીએ.
ઉદ્યોગ અને વીજળી :
આપણી પાસેની જળરાશિનો ત્રીજો ભાગ આ ક્ષેત્રને જોઈએ છે. કારખાનાં સ્થપાયા પહેલાં રાજ્યે તેને પાણી મળી રહેવાની ખાતરી આપવી પડે છે. અમુક ઉદ્યોગો જેમ કે રાસાયણિક કારખાનાં, રિફાઈનરીઓ, કાગળ અને ખાંડના કારખાનાં ખૂબ પાણી માગે છે. એક ટન કાગળ બનાવવામાં અઢી લાખ લિટર પાણી વપરાઈ જાય છે. કેટલાક ઉદ્યોગોને પાણી બહુ શુદ્ધ ન હોય તો ચાલી જાય છે. બીજું જમા પાસું એ છે કે પાણીની પૂરી કિંમત આપતા હોવાથી ઉદ્યોગો પાણીનો બગાડ નથી કરતા. ‘શુદ્ધ કરી ફરી વાપરો’ (Treat & Reuse) નો મંત્ર ઘણી જગ્યાએ ચાલે છે.
આથી ઉલટું, રસાયણિક ઉદ્યોગો પોતાનાં પ્રદૂષણથી નદીનાળાના શુદ્ધ પાણીને બગાડી તેને વપરાશ માટે અયોગ્ય બનાવે છે. ખાણ અને ખનીજ ઉદ્યોગ પણ પાણીનું પ્રદૂષણ કરે છે. આવું ન થાય તે માટે દરેક રાજ્યએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બનાવ્યાં છે; પરંતુ તે માત્ર પ્રજાને ભોળવવા માટે હોય છે. આ બોર્ડોની હાજરી છતાં જળસ્રોતો રંગરંગીન અને ગંધાતાં જ હોય છે.
ખેતી :
પાણીનો સૌથી વધુ ઉપયોગ કરનાર વ્યવસાય ખેતી છે. દા.ત. એક કિલોગ્રામ ઘઉં પેદા કરવા માટે ૫૦૦ લિટર પાણી ખર્ચ થાય છે. એક એકરના ચોખાના પાકને દશ હજાર ઘનમીટર પાણી જોઈએ. કપાસનો એક એકર ૧૫ હજાર ઘનમીટર પાણી પીએ છે. ખરીફ પાકના ૬૦ ટકા તો ઉપરથી પડતા વરસાદથી નભી જાય છે. પરંતુ બાકીના ૪૦ ટકાને સિંચાઈનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવી પડે છે. રવી પાકનો મોટો ભાગ સિંચાઈથી થાય.
હરિયાળી ક્રાંતિનાં વરસોમાં સરકારોએ પાણી અને વીજળી સસ્તા ભાવે (ક્યારેક વિના મૂલ્યે) આપ્યાં. આથી વીજળીનો વિનાકારણ વ્યય તો લોકોએ કર્યો જ, પરંતુ તેનાથી ભૂગર્ભ પાણી અમર્યાદ રીતે ખેંચી તેનું પણ નુકશાન કર્યું. પંજાબમાં દર વર્ષે ભૂગર્ભજળની સપાટી ૧૦ ફૂટ નીચે જાય છે ! તેથી હવે ખેંચેલાં પાણીમાં ક્ષાર આવે છે. ક્ષારવાળું પાણી આપીને જમીન પણ બગાડી. વધુ પડતાં પાણીના કારણે જમીનનો કસ, રાસાયણિક ખાતર અને જંતુનાશકો વહીને નદીનાળામાં ગયાં.
|
ખેતીમાં પાણીની જરૂરિયાત |
|
|
(પ્રતિ એક કિલોગ્રામ ઉત્પન્ને) |
|
|
પાક |
પાણી (લિટરમાં) |
|
ઘઉં |
૫૦૦ |
|
જુવાર |
૭૦૦ |
| ડાંગર |
૧૦૦૦ |
|
ડુંગળી |
૭૦૦ |
|
શેરડી |
૧૫૦૦ |
|
ફર્ટિલાઈઝર |
૨૭૦ |
|
૧ લિટર ડીઝલ |
૩૦ |
બીજી તરફ આબોહવાના કુદરતી નિયમોની વિરુદ્ધ જઈને રોકડીયા પાક લેવાય છે. અગાઉ જોયું તેમ ગીર અને મહાબળેશ્વરના વરસાદની પેદાશ કચ્છમાં ઉગાડીએ છીએ. તેની પાછળ માત્ર આર્થિક તર્ક છે. એ પેદાશો નિર્યાત કરવાથી વિદેશી હૂંડિયામણ મળે છે તેથી બેન્કો અને સરકારો પણ આ અભૂતપૂર્વ કામમાં મદદ કરે છે. હવે તો ફૂલો ઉગાડીને પણ નિર્યાત થાય છે, જેના માટે વિમાન કંપનીઓ ખાસ ઉડ્ડયનો ગોઠવે છે. પરંતુ ખેતીની પેદાશો વિદેશ મોકલવાનો અર્થ થાય કે આપણે પાકની સાથે આપણું અમૂલ્ય પાણી પણ નિર્યાત કરીએ છીએ.
અખાતના દેશો જ્યારે એક કિલો બાસમતી આપણી પાસેથી ખરીદે ત્યારે એક હજાર લિટર પાણી એને મફત મળે છે ! દાડમ, સ્ટ્રોબેરી કે ચોખાના પૈસા એ ભૂગર્ભનાં તેલની આવકથી ચૂકવે છે અને તેના બદલામાં આપણું ભૂગર્ભનું પાણી લઈ જાય છે ! એના પાસે ભૂગર્ભમાં જેટલું તેલ છે, તેટલું આપણી પાસે ભૂગર્ભમાં પાણી છે ખરું ?
સૂકું ભવિષ્ય :
|
પૈસાની જેમ પાણી ! આજ તો ઉડાઉ માણસો માટે એવો શબ્દપ્રયોગ કરીએ છીએ કે “એ તો પાણીની જેમ પૈસા વાપરે છે.” પરંતુ જેમ જેમ પાણીની છત ઘટતી જશે, એક દિવસ આવશે જ્યારે કરકસરીયા માણસ માટે કહેવાશે : “એ તો ભાઈ પૈસાને પાણીની જેમ સાચવે છે!” |
અંગત વપરાશ, ખેતી અને ઉદ્યોગોને જોઈતું પાણી આજે તો આપણે જેમે તેમે મેળવી લઈએ છીએ. પરંતુ વપરાશ વધતો રહેવાનો છે. વસતી વધારાના બે ટકા, ખેતીનો વિકાસ ચારેક ટકા અને ઉદ્યોગોના સરેરાશ ૬-૭ ટકાના દરે વરસો વરસ પાણીની જરૂરત વધતી રહેવાની. આથી માથાદીઠ પ્રાપ્યતા ઘટતી રહી છે તે ઘટતી જ રહેશે. યુનોની વ્યાખ્યા મુજબ પ્રતિ વ્યક્તિ વરસે ૧૦૦૦ ઘનમીટરથી ઓછું પાણી હોય તો તેને પાણીની તાણ વાળો (Water Strssed) મુલક કહે છે. આજનો ૧૨૦૦ ઘન મીટરના આંકડો જોતાં બે-ચાર વરસે આપણે ત્યાં પહોંચી જઈશું.
ખરી વાત તો એ છે કે દેશના કેટલાય પ્રદેશો તો આ કેટેગરીમાં છે જ. આપણે વાત આખા દેશની કરીએ છીએ. અકલ્પ્ય ભલે લાગે, આ વાસ્તવિકતા છે. કદાચ ગ્લોબલ વૉર્મિંગ કરતાં પણ આ સંકટ વધુ મોટું બની શકે છે. આ પરિસ્થિતિ ટાળવી અશક્ય છે પરંતુ તેને સમયમાં દૂર ઠેલી શકાય. વાપરેલાં પાણીનો પુનરુપયોગ કરવાની રીતો શોધવી પડશે. જુદા જુદા ઉપયોગ માટે પાણીની જુદી ગુણવત્તા ઠરાવવી જોઈશે. જેથી નીચી ગુણવત્તાનું પાણી તેની યોગ્ય જગ્યાએ વાપરી શકાય.
આવું ઉદ્યોગોમાં તેમ જ ખેતીમાં પણ શીખવું પડશે. તેથી આગળ જતાં તબક્કો આવશે સમુદ્રનાં પાણીને શુદ્ધ કરી વાપરવાનો. ગુજરાતીમાં તેને નિર્લવણીકરણ અને અંગ્રેજીમાં desalination કહે છે. એના પર કાર્ય તો ચાલુ જ છે પરંતુ તેની પ્રક્રિયાઓ ખૂબ ઊર્જા વાપરે છે. એટલે જેમ એવું પાણી વધુ વપરાય તેમ તેમ ગ્લોબલ વૉર્મિંગ વધે. એટલે સરવાળે વાત આવે બચતની. એ જ શાશ્વત મંત્ર છે અને રહેશે.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
