જતાં પહેલાં

– જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..

આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ

દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ

કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…


પડકારવો હતો 

અશોકપુરી ગોસ્વામી

દરિયો હતોહોડી હતીને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાતખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકુંએનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભારહે ગઝલ ! ઉતારવો હતો.